પ્રકૃતિના આશિર્વાદનો ભંડાર : સાતારા – હિરલ પંડ્યા 6


મરાઠી શબ્દ સાતારાનો અર્થ સાત તારા (ડુંગર) થાય છે. સાત ડુંગરોની મધ્યમાં ધબકતું આ શહેર અજિંક્યતારા ગઢની તળેટીમાં વસેલું છે. ૧૭મી સદીમાં આ શહેર મરાઠા સામ્રાજ્યની રાજધાની હતું. પ્રસ્તુત છે એ અદ્વિતિય પ્રવાસની ડાયરી..

ક્યારેક તમે કોઈ એવા રસ્તા પરથી પસાર થાવ છો જ્યાં આસપાસનો નજારો જોતા મન થાય કે અહીંજ ઘર વસાવી લઈએ! જ્યાંની હવા કઇંક અલગારી ધૂન સંભળાવતી હોય, ને જ્યાંના વૃક્ષોથી લઈ માટી સુધીના પ્રકૃતિના દરેક સભ્ય અલગ જ હોય તેવો આપણને ભાસ થાય. આપણે ગાડીની બારીના કાચ નીચે કરી કલ્પનાઓની ઉડાન ભરવા લાગીએ અને ધીરે-ધીરે એ રસ્તો પાછળ સરી જતો દેખાય. વાસ્તવિકતા તરફ આગળ વધતી ગાડી અને તેની વિરુદ્ધ દિશામાં છૂટી જતી કલ્પનાઓ… પાછા આપણે મનને મનાવી પણ લઈએ, કે ઘર વસાવવું તો શક્ય નથી પણ નજરોમાં વસાવેલ આ દ્રશ્ય ક્યાંક પુરપાટ દોડતી આ જિંદગીમાં વિસામાની ગરજ જરૂર સારશે…

સાચું કહું તો મારા જેવા પ્રવાસી જીવને દોઢ વર્ષ પછી કોઈ બીજા તાલુકાની મુલાકાત લેતા આવી અનુભૂતિ થવી કોઈ અતિશયોક્તિ ન હતી. વેક્સીનના બે ડોઝ લેવાઈ જતા મારા ભમતા મનને હવે રોકી શકાય એવું ન હોવાથી મેં વડીલોને કહ્યું ચાલો બેગ ભરીએ અને પૂર્ણ કાળજી સાથે અમે ત્રણ દિવસ માટે મહારાષ્ટ્ર રાજ્યના સાતારા શહેર જવા નીકળી પડ્યા.

મરાઠી શબ્દ સાતારાનો અર્થ સાત તારા (ડુંગર) થાય છે. સાત ડુંગરોની મધ્યમાં ધબકતું આ શહેર અજિંક્યતારા ગઢની તળેટીમાં વસેલું છે. ૧૭મી સદીમાં આ શહેર મરાઠા સામ્રાજ્યની રાજધાની હતું. કંદી પેડા માટે પ્રસિદ્ધ સાતારા, પુણેથી ફક્ત ૧૨૦ કિલોમીટર અને મુંબઈથી ૨૪૩ કિલોમીટરના અંતરે આવેલું છે. સૌથી નજીકનું હવાઈમથક પુણેમાં છે. મુંબઈથી સાડા પાંચ કલાક દૂર સાતારા તરફ દોરી જતો રસ્તો નયનરમ્ય ઘાટ વિસ્તારથી ભરેલો છે. પુણે-બેંગ્લોર હાઇવે પરના નાના ડુંગરાઓ ઉપર પવનચક્કીની હારમાળા જોતાજ અમે સમજી ગયા કે અમારુ આગમન સાતારા જિલ્લામાં થઈ ગયું છે.

સાતારા બસ સ્ટેન્ડ પર ઉતરતાજ આંખોએ કંદી પેડાની દુકાન શોધીને પોતાનું કામ ખૂબીથી પાર પાડ્યું. મનોમન ખરીદીની મીઠી યોજનાઓ બનાવી અમે બસ સ્ટેન્ડની બહાર આવ્યા અને હોટેલ જવા રીક્ષા પકડી. થોડો આરામ કરી સાંજે પગ છૂટો કરવા હોટેલથી થોડા અંતરે આવેલા ઉત્તર ચિદમ્બરમ મંદિરમાં દર્શન કરવા ગયા. સાતારા બસ સ્ટેન્ડથી ૩ કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ‘નટરાજ મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમિલનાડુ રાજ્યનાં ચિદમ્બરમમાં આવેલા શ્રી નટરાજ મંદિરની આ નાની પ્રતિકૃતિ છે. મંદિરની ચારે દિશામાં ચાર ગોપુરમ (પ્રવેશદ્વાર) છે. દક્ષિણના મંદિરોમાં જોવા મળતી કલાત્મક કારીગરી અહીં પણ જોવા મળી. આ મંદિરના બાંધકામ માટે મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યની સરકારે સહાય આપી છે. મંદિરની મધ્યમાં નટરાજનું મુખ્ય મંદિર છે અને આજુબાજુમાં ગણપતિ, મારુતિ, રાધા-કૃષ્ણ, નવ ગ્રહ, આદિ શંકરાચાર્ય અને ભગવાન અય્યપાના અલાયદા મંદિરો પણ છે. પરિસરનું વાતાવરણ એકદમ શાતા પ્રદાન કરનારું હતું. ઘડી વાર તો મને એવું લાગ્યું કે હું દક્ષિણ ભારતમાં આવી પહોંચી છું કે શું?! થોડી વાર પરિસરમાં લટાર મારી અમે રાત્રે હોટેલ પાછા ફર્યાં.

સહ્યાદ્રિ પર્વતમાળામાં વર્ષા રાણીનું આગમન થતાંજ સાતારા જિલ્લામાં ઠેરઠેર ઊંચાઈથી હર્ષોલ્લાસ સાથે ધોધ વહેવા લાગે છે અને તેથી પશ્ચિમ ઘાટની સુંદરતામાં અનેક ગણો વધારો થઈ જાય છે. મહારાષ્ટ્રના સૌથી ઊંચા ધબધબામાં (ધોધને મરાઠીમાં ધબધબા કહેવાય છે) સાતારાના વજ્રાઈ અને ઠોસેઘર ધોધનો સમાવેશ થાય છે. તો અમે વિચાર્યું બીજા દિવસની શરૂઆત ઠોસેઘરથી કરીએ. ઠોસેઘર ગામ સાતારા શહેરથી ૨૬ કિલોમીટર દૂર આવેલું છે. અહીં ઠેરઠેર પવનચક્કીઓનું સામ્રાજ્ય છે. જાણે સફેદ ચકરડીઓનું જંગલ ન હોય!

ઠોસેઘર ધોધ પ્રવેશદ્વાર પાસે પાર્કીંગ એરિયા અને બે-ત્રણ નાની હોટેલો છે. ૫૦ રૂપિયાની ટિકિટ લઈ જ્યારે ગેટથી અંદર પ્રવેશ કર્યો ત્યારે એક રમ્ય વિશ્વએ અમારું સ્વાગત કર્યું. વનવિભાગે વૃક્ષોથી આચ્છાદિત જંગલમાંથી ધોધની દિશા તરફ જવા પગથિયાવાળો રસ્તો બનાવ્યો છે. અહીં બે ધોધ છે, ડાબી બાજુ તરફ જતા પગથિયા મોટા ધોધ તરફ અને જમણી તરફ જતા પગથિયા નાના ધોધ તરફ લઈ જાય છે. અમે પહેલા મોટા ધોધ તરફ જવા વળ્યા. વૃક્ષોની વચ્ચેથી, પંખીઓનો મધુર કલરવ સાંભળતા જ્યારે અમે નીચે ખીણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઉડાઉડ કરતા રંગબેરંગી પતંગિયાઓ થોડા-થોડા અંતરે અમારા સંગાથી બન્યા. દસ મિનિટમાંજ ધોધનો સૌથી પહેલો અણસાર અમારા કર્ણેન્દ્રિયને મળ્યો. સામેના ડુંગર ઉપરથી પડતા ધોધ ને જોવા એક પ્લેટફોર્મ બનાવ્યું છે. વર્ષાઋતુમાં અહીં ઘણા ધોધ ૫૦-૧૦૦ ફૂટ ઊંચાઈથી નીચે પડે છે. જ્યારે સૌથી ઊંચો ધોધ ૧૨૦૦ ફૂટથી પણ વધારે ઊંચાઈ ધરાવે છે. આજુબાજુનાં કાસ, મહાબળેશ્વરનાં ડુંગરોમાંથી વહી આવતા ઝરણાં અહીં ઠોસેઘરમાં ધોધ બની જે ખીણમાં પડે છે તે તારળી નદીનું ઉગમસ્થાન બને છે.

આ વર્ષે વરસાદે મહારાષ્ટ્રને ઓક્ટોબરના મધ્યમાં ક્ષણિક આવજો કહી દીધું હતું અને અમે તેના એક અઠવાડિયા પછી આ સ્થળ પર આવ્યા હોવાથી બે જ ધોધ દેખાતા હતા. જે અહીંના ગ્રામજનોમાં રામ અને લક્ષ્મણ ધબધબા તરીકે ઓળખાય છે. સામે દેખાતા બે ધોધની તીવ્રતા અને આકૃતિ ભલે મારી ધારણા કરતા ઓછી હતી, પણ મનભરીને વરસાદના વરસ્યા પછી ખીણનું ખીલી ઉઠેલું સૌંદર્ય એટલું અદ્ભૂત હતું જાણે કુદરતે સઁતોષનો ઓડકાર ન લીધો હોય! હરિયાળીના ગૂંચળામાંથી નીકળતી શ્વેત ધારાઓનું ગતિમાંથી સૌમ્યતા ધારણ કરવાની તાલાવેલીમાં ઊંચાઈથી યાહોમ કરીને ખીણમાં કુદવું, વાદળી મિશ્રિત લીલા રંગના કુંડમાં આ વિવિધ ધારાઓનું એકરુપ બની આગળ વહેવું, ધોધમાંથી ઉડતા છાંટાઓની વચ્ચેથી પક્ષીઓનું વિહરવું, આ બધાનું સંયોજન એક મનોરમ્ય દ્રશ્ય ઊભું કરી રહ્યું હતું.

ખીણની નીરવતાને ચેતના પ્રદાન કરતી આ બધી ગતિવિધિઓને કેમેરામાં ઝડપી લેવાની થોડી મથામણ પછી અમે નાના ધોધ તરફ દોરી જતા માર્ગે આગળ વધ્યા. પ્રવેશદ્વાર પછી આખા ધોધ વિસ્તારમાં પહેલીવાર કોઈ કાળા માથાનું માનવી સામે ભટકાયું. અમે પરસ્પર સાચી દિશામાં આગળ વધી રહ્યા છે તેની પૂછપરછ કરી આગળ વધ્યા. પણ કદાચ વચ્ચે ખોટો વળાંક લઈ લીધો હોવાથી દસ-પંદર મિનિટ પછી જ્યાં પહોંચ્યા તે પ્રવેશ દ્વાર નીકળ્યો. તે સમયે કકડીને ભૂખ લાગી હોવાથી જે જોયું તેનો સંતોષ માની અમે પેટ પૂજા કરવા ગયા.

ઠોસેઘરથી ૬ કિલોમીટર દૂર ચાળકેવાડી વિન્ડમિલ ફાર્મ છે જે એશિયાનું સૌથી મોટું પવનચક્કીઓનું ખેતર ગણાય છે. અહીં ૧૦૦ થી વધારે પવનચક્કીઓ ૫ કિલોમીટરના ઉચ્ચ સપાટ પ્રદેશમાં વિસ્તરેલી છે જે સાતારા, પંચગની અને મહાબળેશ્વરને અવિરત વીજ પુરવઠો પૂરો પાડે છે. જાણવા મળ્યુ કે સુઝલોન, વેસ્ટાસ જેવી ઘણી મોટી કંપનીઓ એ અહીં રોકાણ કર્યું છે. અહીં કુદરત અને વિજ્ઞાનનો સંગમ જોવા લાયક છે. થોડી લાલાશ પડતી માટીમાં, લહેરાતા લીલા ઘાસની વચ્ચેથી ઉગી નીકળેલી સફેદ કદાવર ચકરડીઓ, વાદળી વિશાળ આકાશમાં જ્યારે ફરે છે, ત્યારે એ સંમોહિત કરી દેતી ક્ષણો હોય છે. તેના પાંખિયાનું ગોળ-ગોળ ફરવું અને આપણું તેને એકીટશે જોયા કરવું, ક્યારે ગમ્મતમાંથી ચિંતનની પળો બની જાય છે તે સમજાતું નથી.

આમ જોવા જઈએ તો સાતારાને ઘણા સમૃદ્ધ જિલ્લાઓમાંનો એક ગણી શકાય. તેમની પાસે ઉર્જા અને હાઈડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાના ઘણા પર્યાય છે. સાતારા જિલ્લામાં કોયના, ધોમ, કણહેર, ઉરમોડી, તારળી જેવા ૮ ડેમ કૃષ્ણા નદીની ઉપનદીઓ પર બંધાયા છે. કૃષ્ણા નદીનું ઉગમસ્થાન મહાબળેશ્વરમાં છે અને તેને પશ્ચિમથી પૂર્વ દિશામાં વહેતી મહત્વની નદીઓમાંની એક ગણવામાં આવે છે. આ કૃષ્ણા નદીની પ્રમુખ ઉપનદી કોયના, જેના ઉપર કોયના ડેમ બંધાયો છે તે તો મહારાષ્ટ્રના સૌથી મોટા બંધ માનો એક છે. તેને મહારાષ્ટ્રની જીવન દોરી પણ ગણવામાં આવે છે. તેને પ્રત્યક્ષ જોવા ભવિષ્યમાં કોયનાનગર તરફ એક પ્રવાસ ખેડવોજ રહ્યો.

કોયના ડેમમાં એક શિવસાગર તળાવ છે, જે ૫૦ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ શિવસાગર તળાવના કિનારે બામનોલી નામનું એક ગામ વસેલું છે, જે નૌકાવિહાર માટે લોકપ્રિય છે. સાતારાથી ૫૦ કિલોમીટરના અંતરે આવેલા આ ગામ તરફ જવાનો રસ્તો રળિયામણો છે. ઘાટ વિસ્તાર અને બેકવોટરનાં દ્રશ્યો જોતા જોતા અમે બામનોલી ગામ ક્યારે પહોંચી ગયા તેની જાણ સુધ્ધા ના થઈ. ગામમાં ઊતરતાજ ત્યાંની નિરવતા અમને આવીને વળગી પડી. બામનોલી ગામ એકદમ નાનું છે અને ગામવાસીઓ આરામ દાયક જીવન જીવવામાં માને છે. બામનોલી બોટિંગ પોઈંટથી ત્રણ-ચાર સ્થળોની મુલાકાત લઈ શકાય છે.

હોડીમાં શિવસાગર તળાવની વીસ મિનિટની સવારી મનને તરબોળ કરી દે તેવી છે. શાંત મોજાઓનું કિનારે આવું-આવું કહીં ધીમી રમતો રમવું, નાની ટેકરીઓનું કિનારે ચોકીદાર બની અડગ ઉભું રહેવું અને દૂર-દૂર દેખાતી અફાટ લીલોતરી! વાતાવરણ બરાબર હોત તો પોસ્ટર પરફેક્ટ ફોટાઓ મળ્યા હોત. પણ કુદરતની લાઇટિંગના સેટિંગ્સ સામે આપણા મેન્યુઅલ (હાથે કરેલા) સેટિંગ્સ કામ લાગતા નથી! શિવસાગર તળાવ સિવાય, તપોલા જે મહાબળેશ્વરની દિશા તરફ છે અને જેને  ‘મીની કાશ્મીર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં સુધી પણ બોટ સવારી કરી શકાય છે. જો તમારી પાસે અડધા દિવસનો સમય હોય તો બીજા વિકલ્પોમાં વાસોટા કિલ્લાના તળેટી સુધીની બોટ સવારી અને પછી વાસોટા કિલ્લાનો ટ્રેક કરી શકાય. બામનોલીના કિનારે કેમ્પિંગની પરવાનગી છે અને પેટ પૂજા માટે ઘરગથ્થુ મહારાષ્ટ્રીયન થાળીની બે-ત્રણ નાની હોટેલો પણ છે.

હવે લેખની શરૂઆતમાં હું જે રસ્તાની વાત કરી રહી હતી તે આ બામનોલીથી કાસ પઠાર (પ્લેટો) જતા રસ્તાની હતી. આ આખો માર્ગ કોયના વન્યજીવ અભયારણ્યનો ભાગ છે. ઘાટમાં રસ્તાની બન્ને તરફ લીલા વૃક્ષોની પંગત લાગેલી છે. વન્યજીવ અભયારણ્ય પ્રત્યે મને થોડો વધારે પ્રેમ હોવાથી અવલોકનમાં પક્ષપાત જણાઈ શકે પણ આછા લીલાથી લઈ ને ઘેરા લીલા અને પીળા રંગોનું એકીકરણ જોતા તાજેતરમાં સ્ક્રીન જોવા ટેવાયેલી આંખોને ઘણા સમયે ઠંડક મળી હોય તેવું લાગ્યું. પ્રકૃતિના સૌંદર્યને અભિનવ રૂપે ખીલી ઉઠેલું અનુભવ્યું. માસ્ક પહેર્યો હોવા છતાં ભીની ખુશનુમા હવાને મહેસુસ કરી શકાયું અને વાતાવરણમાં ગુંજતી પ્રકૃતિની ધૂનનો મનમાં રમતી પંક્તિઓ સાથે હસ્તમેળાપ થયો..

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.
– સુરેશ દલાલ

અહીં કંઈ કેટલાય પક્ષીઓ પોતાની ધૂનમાં મગ્ન જોવા મળ્યા. ગાડીને વચ્ચે થોભાવી ફોટા લેવાના પ્રયત્નો કર્યા પણ તેમને મારી દખલગીરી ગમી નહીં. મને ક્યારેક થાય કે શું શહેરમાં વસતા પક્ષીઓને કુદરત સમીપે રહેતા પક્ષીઓની ઈર્ષ્યા નહીં થતી હોય ? શું તેમની સાથે અંચાઈ થઈ હોય એવું તેમને નહીં લાગતું હોય? પણ ચાલો સારું જ છે, શહેરમાં આપણને પક્ષીઓનું સાનિધ્ય ના મળ્યું હોત તો પ્રકૃતિ સાથે આપણી ઘનિષ્ઠતા કેવી રીતે બંધાત?!

આ કાસ પઠાર અમારા સાતારા આવવાનાં મુખ્ય કારણો માનું એક હતું. કાસને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન મળ્યું છે. સાતારાથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલું કાસ ગામ કોયના અભયારણ્યની ઉત્તર દિશામાં આવેલું છે. ૧૨૦૦ મીટરની ઊંચાઈ ધરાવતા આ પ્લેટોમાં ૮૫૦ થી પણ વધારે પ્રજાતિનાં ફૂલો જોવા મળે છે. ૧૦ કિલોમીટરના આ આખા વિસ્તારમાં એક માનવ નિર્મિત સુંદર કાસ તળાવ પણ છે. વર્ષા રાણીની અમી દ્રષ્ટિ પડતા જૂનથી ઓક્ટોબર મહિના દરમ્યાન અહીં ફૂલોની જાજમ પથરાય છે. કહેવાય છે, દર ૧૫-૨૦ દિવસના અંતરે કાસ પઠાર નવો રંગ ઓઢે છે.

આ આખો પઠાર બેસાલ્ટ એટલે કે જ્વાળામુખીના ખડકનો બનેલો છે. જમીનના ધોવાણના કારણે આ બેસાલ્ટ પર એકદમ પાતળું માટીનું થર જામી ગયું અને તેના લીધે જે વિવિધ ફૂલો અને વનસ્પતિઓ અહીં થાય છે તે આજુબાજુના વિસ્તારમાં જોવા નથી મળતી. હવે થયું એવું કે જ્યારે અમે સાતારા પહોંચી સાઇટસીઇંગ માટે ગાડી બુક કરી ત્યારે ડ્રાઇવરે જણાવ્યું,” આ વર્ષે વધારે ફૂલો નથી આવ્યા…”, “થઈ રહ્યું!” પણ અહીં સુધી આવ્યા છીએ તો તે ભૂમિ પર પગલાં પાડ્યા સિવાય પાછા કેવી રીતે જવાય?! તો મનનો એક ખૂણો જે હજું પણ ઉમ્મીદો હાર્યું ન હતું તેણે ફૂલ દેવતાને વિનવણીઓ કરવાની શરૂઆત કરી દીઘી.

કાસ પઠાર જોવા માટે ઓનલાઈન ૧૦૦ રૂપિયાની ટિકિટ લેવાની હોય છે. પણ આ વર્ષે કંઈક કારણોસર ઓક્ટોબર મધ્યમાં ઓનલાઇન સેવા બંધ હતી અને પ્રત્યક્ષ ટિકિટ બારી પરથી ૫૦ રૂપિયાની ટિકિટ લેવાની હતી. ટિકિટ બારીમાં બેઠેલા ભાઈએ પણ કહ્યું કે આ વર્ષે આંગળીના નખ જેટલા કદનાં છૂટાંછવાયાં ફૂલો થયા હતા. ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર જે સ્થળના HD (હાઈ ડેફીનેશન) ફોટાઓ જોઇ જોઇ ને આંખોને તૃપ્ત કરી હોય ને ત્યાં પ્રત્યક્ષ જાવ ત્યારે બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળે તો કેવું લાગે!? અમે એક કલાક પઠારમાં ફર્યા પણ લીલા અને પીળા ઘાસ સિવાય દૂર દૂર સુધી કંઈ જ નજરે ન ચડયું. સાંબેલાધાર વરસાદ પડ્યો હોવાથી આ વખતે બહુ ફૂલો ખીલ્યા નહીં અને મારી બાકી રહેલી થોડી ઉમ્મીદ પણ મુરજાઇ ગઈ.

પ્રવાસમાં આવા ધબડકા થવા એ મારા માટે કંઈ નવીન વાત ન હતી. માટે જ કહેવાય છે ને, “મંઝિલ સે જ્યાદા સફર પર ગૌર ફરમાઈએ”. કાસથી સાતારા જતો રસ્તો પણ કંઈ ઓછો રમણીય નથી. ઘાટમાં એક એવો વિસ્તાર આવે છે જ્યાં ડાબી અને જમણી બન્ને બાજુના ખીણનાં દ્રશ્યો એકસાથે આવી થપ્પો આપે છે. જમણી તરફ નીચે નાના ડુંગરોની મધ્યમાં ઉરમોડી ડેમ અને ડાબી તરફ નીચે હરિયાળા મેદાનોની બાજુમાં કણહેર ડેમ. એક ક્ષણ તો એવું લાગ્યું કે ડોકી આમતેમ ફેરાવ્યાં કરતાં, જો હું પક્ષી હોત તો આ રસ્તા ઉપરથી ઊડીને બન્ને બાજુનાં દ્રશ્યો એક સાથે આંખોમાં ઝીલી લેત! ઘાટના અલૌકિક નજારાઓને મમળાવતા અમે હોટેલ પાછા ફર્યા.

ત્રીજા દિવસે અમારે હોટેલમાંથી બપોરના બાર વાગે ચેક-આઉટ કરવાનું હતું તો સવારે નજીકનું સ્થળ જોવાનો નિર્ણય કરી અમે સંગમ માહુલી જવા નીકળ્યા. શહેરથી ૫ કિલોમીટર દૂર આવેલા અહીંના મંદિરને દક્ષિણ કાશી શિવ મંદિર નામે ઓળખવામાં આવે છે. કૃષ્ણા અને વેણ્ણા (જે કૃષ્ણાની એક ઉપનદી છે) નદીનો જ્યાં સંગમ થાય છે તે તટ પર આ મંદિર બાંધવામાં આવ્યું છે. હેમાડપંતી શૈલીમાં (જેમાં બહારની ભીંતો તારાના આકારની, એટલે કે ઝીગઝેગ પેટર્નની હોય) બનાવેલા આ મંદિરનો પરિસર મોટો છે, વાર્તાઓમાં ઘણીવાર વાંચવા મળે તેવો. એક શાંત નદી અને તેના કિનારે મહાદેવનું મંદિર! પણ ગ્રામ્ય લોકો ત્યાં આવી કપડા ધોઈ પગથિયા પર સૂકવવા મૂકે છે, તો આખી સુંદરતામાં રંગીન ડાઘા પડી ગયેલા હોય તેવી અનુભૂતિ થાય છે. કૃષ્ણા નદીના સામેનો પટ ‘ક્ષેત્ર માહુલી’ તરીકે ઓળખાય છે. અહીં પણ એક નાનું શિવ મંદિર છે.

મહારાષ્ટ્રનાં કોઈ જિલ્લાની વાત થતી હોય ને ત્યાંના ગઢની વાત ન કરીએ એવું તો બને કંઈ!? સાતારા જિલ્લામાં આમતો ઘણા ગઢ છે પણ સજ્જનગઢ અને અજિંક્યતારા ગઢ શહેરની સૌથી નિકટ અને સરળતાથી ચઢી શકાય તેવા ગઢ છે. ૧૬૬૩ માં છત્રપતિ શિવાજી મહારાજે પરળી અને સાતારા ગઢ પર જીત મેળવી વિજય પતાકા લહેરાવ્યા હતા. તેમણે તેમના ગુરુ શ્રી સમર્થ રામદાસ સ્વામીને પરળી ગઢ પર રહેવાની વિનંતિ કરી અને તેને સજ્જનગઢ નામ આપ્યું હતું. કહેવાય છે કે સજ્જનગઢનું બાંધકામ ૧૩૪૭-૧૫૨૭ ની વચ્ચે થયું હતું. ૧૬મી સદીમાં આદિલ શાહ અને પછી મુગલો એ આ ગઢ પર રાજ્ય કર્યું હતું. સાતારા શહેરથી ૧૮ કિલોમીટર દૂર આવેલા આ ગઢ તરફ નો રસ્તો થોડો વાંકોચૂંકો પણ લીલોતરીનું બખ્તર ધારણ કરેલો છે. ૩૩૫૦ ફૂટની ઊંચાઈ ધરાવતો આ ગઢ ચઢવા અડધો-પોણો કલાક લાગે છે. અહીં લગભગ ત્રણસો જેટલા પગથિયાં છે. મહારાષ્ટ્રના બીજા ગઢોની તુલનામાં આ ગઢ ચઢવો કંઈ એટલો મુશ્કેલ નથી. અને થોડો થાક લાગ્યો ત્યારે નીચે દેખાતો સાતારા શહેરનો નજારો ઉપર ચઢવા માટે જોમ અને જુસ્સાની તોપ સાબિત થયો. ઉપર ગઢનાં બે મુખ્યદ્વાર છે. શ્રી સમર્થ રામદાસ સ્વામીની સમાધિ અહીં હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પણ આ સ્થળની મુલાકાત ઘણા ભક્તો લે છે. ગઢ પર ભગવાન રામ, હનુમાનજી, અને દેવીના મંદિર છે જે હવે શ્રી સમર્થ રામદાસ સ્વામી ટ્રસ્ટના દેખરેખ હેઠળ છે. ગઢ પર તેમનો  આશ્રમ છે અને રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગઢ પરથી સાતારા શહેર, ઉરમોડી ધરણ અને આજુબાજુના ડુંગરાળ વિસ્તારના મનોહર દ્રશ્ય જોવા મળે છે.

સાતારા શહેરમાં જ આવેલો બીજો ગઢ છે અજિંક્યતારા ગઢ, જે સાતારા બસ સ્ટેન્ડથી ફક્ત ૪ કિલોમીટર દૂર છે. ૩૩૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતો આ ગઢ ચઢવા એક કલાક લાગે છે પણ સમયની તંગીના કારણે અમે આ ગઢ ચઢી ના શક્યા. જો તમે સાતારા આવો તો વર્ષા ઋતુમાં અહીંથી શહેરનો ભવ્ય નજારો અચૂક જોવા જેવો છે એવું જાણવા મળ્યું. પોતાની ગાડી લઈને ના આવ્યા હોવ તો, સાતારા શહેર અને આસપાસના ગામોમાં ફરવા માટે આખા દિવસની પ્રાઇવેટ ગાડી કરી લેવી. અહીંના ટ્રાવેલ એજન્ટ્સ એક દિવસના અંદાજે ત્રણ હજાર રૂપિયા લે છે. શહેરમાં રીક્ષા ચાલે છે પણ અમે અનુભવ્યું કે પર્યટન સ્થળ અથવા હોટેલનું નામ સાંભળતાજ તેઓ ભાવ વધારી ને બોલે છે. શહેરની અંતર્ગત ફરવા બસો નથી પણ નજીકના ગામોમાં જવા રાજ્ય પરિવહનની બસો સાતારા બસ સ્ટેન્ડથી મળી જાય છે. નજીકમાં જોવા લાયક સ્થળોમાં મહાબળેશ્વર (૫૭ કિલોમીટર), પંચગની (૫૪ કિલોમીટર), વાઇ (૪૦ કિલોમીટર) નો સમાવેશ થાય છે. સાતારામાં શેરડીની ખેતી થતી હોવા છતાં રસ્તામાં બહુ ઓછા સ્થળો પર શેરડીનો રસ વેચાતો જોવા મળ્યો. પણ ગોળ અને લેમનગ્રાસ(લીલા પત્તાની) ચાની લિજ્જત તમે ઠેરઠેર માણી શકશો.

હવે તમે કહેશો ધોધ અને ફૂલો જોવા સાતારા સુધી થોડી લાંબુ થવાય! બહાના જોઈએ છે? તો ચાલો, હું આપું. ધારો કે તમે સાદી રોટલી, શાક, દાળ-ભાત વાળી થાળીની અપેક્ષામાં બેઠા છો અને સાથે તમને મિષ્ટાન્ન અને ફરસાણ પણ ભાણામાં મળે તો કેવી લહેર થઈ જાય! બસ આવું કંઈક સાતારાનું છે. અહીં આવતા પહેલા મને કહેવામાં આવ્યું હતું કે અહીં ફક્ત કાસ પઠાર, ધોધ અને ગઢ છે. પણ ના, અહીં તો ધોધ સાથે સૌમ્ય નદીઓ, મોટા ડેમ અને છલકાતા તળાવ પણ છે. ફક્ત ફૂલોમાં નહીં પણ પક્ષીઓ અને દ્રશ્યોમાં પણ વિવિધતા છે. ફક્ત ઊંચા ગઢ નથી, લીલોતરીથી સભર ઊંડી ખીણો પણ છે. ગોળગોળ ફરતી પવનચક્કીઓ તો છે સાથે વાંકાચૂકા વળાંકો વાળા ઘાટ પણ છે. સારાંશમાં કહું તો અહીંનું અનુપમ સૌંદર્ય તમારી વાટ જોતું બેઠું જ છે .

અહીં આવવાનો ઉત્તમ સમય જુલાઈથી ઓક્ટોબર સુધીનો છે પણ ઓક્ટોબરમાં વરસાદ ન પડ્યો તો અમારી જેમ રામ ભરોસે આવવું. બાકી તો પેંડેમીકે આપણને થોડા સમજદાર બનાવ્યાજ છે, તો આપણે આજુબાજુના જિલ્લાઓને નવી નજરે જોઈ સ્થાનિક પર્યટન કેમ ના વધારીએ?! કારણકે ઘણી વાર એ સ્થળ સ્પેશિયલ નથી હોતું પણ ત્યાં તમને થતો અનુભવ એ સ્થળને સ્પેશિયલ બનાવે છે!

તો ચાલો, માસ્ક પહેરો ને નીકળી પડો!

– હિરલ પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પ્રકૃતિના આશિર્વાદનો ભંડાર : સાતારા – હિરલ પંડ્યા