Don’t Look Up – મુસીબતની મોકણ અને મોકાણની કાણ 4


નરેન્દ્રસિંહ રાણાની કલમે..

માણસ હંમેશા પૂર્વગ્રહો સાથે જ વિચારી શકે. માન્યતાઓથી અલગ થઈને વિચારવું માણસને ફાવતું નથી. ક્યારેક એ પોતાની જડ માન્યતાઓને એટલી હદે વળગી રહે કે સામે રહેલી ચીજ પણ તેને ન દેખાય. 

આર્થર સી ક્લાર્કની એક વાર્તા છે. વાર્તામાં એક માણસ આંધળાઓના ગામમાં પહોંચી જાય. ગામના બધા જ લોકો આંધળા છે. ત્યાં પહોંચેલો દેખતો માણસ ગામના લોકોને વિશ્વની સુંદરતા વિશે જણાવે. આંધળાઓને એની વાતો સમજાય નહિ. બધા તેને ગાંડો ગણે. તેની વાતોથી ગામના લોકો ગુસ્સે થાય. ગામની જ એક છોકરીને બહારની દુનિયા દેખાડવા માટે દ્રષ્ટિવાળો માણસ ભગાડવાનો પ્રયત્ન કરે. પકડાય જાય અને સજા રૂપે તેને પણ આંધળા બનવું પડે. 

વાર્તામાં જે વાત કહેવાઈ છે એ બહુ ગંભીર છે. જો તમેં બહુમતી સાથે નથી તો બહુમતી તમને જીવવા ન પણ દે. તમારી વિચારધારા બીજા કોઈ સાથે મળતી નથી તો તમારે વિરોધનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. 

હમણાંથી આપણા સૌની એક ટેવ પડી છે. કોઈ પણ વાતને રાજકીય દ્રષ્ટિકોણથી જોવી. ગલીમાં રખડતું કુતરું જો કોઈને કરડી જાય તો એ વાત પણ ચર્ચાસ્પદ પ્રશ્ન બની જાય. લોકો તરત જ પક્ષ અને વિપક્ષમાં વહેંચાય જાય, એવી આ દુનિયા બની ગઈ છે. અંદરો અંદરની આ લડાઈ અને ચર્ચાઓના કારણે ઘણીવાર મુખ્ય પ્રશ્નો વણઉકેલ્યા રહે છે. કોઈ પણ વાત પર સહમત ન થવું એ હવે દુનિયાના દરેક સમાજનો મુખ્ય પ્રશ્ન છે. દરેક વાત પર દુનિયા બે પક્ષમાં વહેંચાયેલી જ લાગે. 

હાલના સમયમાં આ વાત બહુ ભયાનક રીતે અસર કરી રહી છે. વેકસીન વિરોધીઓ અને વેકસીન તરફીઓ સતત ઝગડયા કરે તો મહામારીના પ્રશ્નો ન ઉકેલાય. ડાબેરી અને જમણેરીઓના ઝગડામાં ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધ્યા રાખે. પ્રશ્નો ઉકેલાવાને બદલે ભયાનક બનતા જાય એ હદે લોકો લડ્યા રાખે છે. સામાજિક એકતા હવે સપનું બની ગઈ છે. માનવ એકતા જેવો ગુણ આપણે ભૂલી ચુક્યા છીએ. 

થોડા સમય પહેલા એક ફિલ્મ આવી. ફિલ્મનું નામ છે ‘ડોન્ટ લૂક અપ’. ગુજરાતીમાં એનો અર્થ થાય કે ‘ઉપર ન જુઓ’. વિચિત્ર શીર્ષકવાળી આ ફિલ્મ એક કટાક્ષથી ભરપૂર કૉમેડી છે. ઑસ્કર જીતેલા અભિનેતાઓ અને અભિનેત્રીઓથી ભરેલી આ ફિલ્મનો કટાક્ષ આપણી એક નહિ થઈ શકવાની ક્ષતિ પર છે. 

Don't look up movie poster
Don’t look up movie poster

ફિલ્મની કથાની શરૂઆત થાય છે બે વૈજ્ઞાનીકોની એક ધૂમકેતુની શોધથી. બન્ને વૈજ્ઞાનિકોને ખબર પડે છે કે આ ધૂમકેતુ સીધો જ પૃથ્વી તરફ આવી રહ્યો છે. ધૂમકેતુ પૃથ્વી સાથે ભટકાશે અને પૃથ્વીનો નાશ કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે. છ મહિનામાં ધૂમકેતુ પૃથ્વી સાથે ભટકાશે એવી પણ ગણતરી કરે છે. આ અગત્યના સમાચારની ખબર તેઓ નાસા અને બીજી એજન્સીઓને આપે છે. આ એજન્સીઓ તેમને સીધા જ અમેરિકાના પ્રમુખ પાસે મોકલે છે. પ્રમુખ તેમની વાત ગંભીરતાથી લેવાને બદલે ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ચૂંટણી પતે પછી સમાચાર જાહેર કરવા એવી પણ યોજના ઘડે છે. બન્ને વૈજ્ઞાનિકો આ અગત્યના સમાચાર મીડિયા સામે લાવવા પ્રયત્નો કરે છે. આ સાથે જ શરૂ થાય છે એક લડાઈ જે આવનારી આપતિ સામે હોવાને બદલે અંદરોઅંદરની બનીને રહે છે. 

ફિલ્મમાં સ્ટિવ જોબ જેવા દેખાતા એક મોબાઈલ કંપનીના માલિકનું પાત્ર પણ છે. જે વળી આવનારા ધૂમકેતુ પર રહેલા કિંમતી ખનીજોમાં રસ ધરાવે છે. આખી ફિલ્મમાં સતત અત્યારની સમાજ વ્યવસ્થા, પૈસાનું અને સોશિયલ મીડિયાનું આપણું વળગણ, તૂટી રહેલી કુટુંબપ્રથા જેવી વાતો પર કટાક્ષ થયા કરે છે. 

આ ફિલ્મ જો દસેક વર્ષ પહેલાં બની હોત તો બધા તેને હસી કાઢત પણ હાલની પરિસ્થિતિને જોતા ફિલ્મના રહેલા કટાક્ષ પ્રેક્ષકોને વિચારતા કરી દે. 

રાજકીય વ્યવસ્થા કેટલી હદે અમાનવીય બની છે એ દેખાડતા ઘણા દ્રશ્યો ફિલ્મમાં છે. પ્રમુખને ધૂમકેતુ વિશે જાણ કરવા આવેલા બન્ને વૈજ્ઞાનિકો પાસેથી એક ચોકલેટના વીસ ડોલર્સ એક જનરલ ઉઘરાવી જાય છે. તો પ્રમુખનો સલાહકાર વળી ધૂમકેતુ પૃથ્વી સાથે ભટકાય એની શક્યતાઓ સાવ છે જ નહીં એવું સાબિત કરવા મથે છે. 

મિડિયા પણ સમાચારને બદલે આનંદ પ્રમોદનું સાધન બની ગયું છે એ દેખાડતા દ્રશ્યો પણ છે. જેમાં ટોકશોમાં સાચી વાત કહેતી વૈજ્ઞાનિકને શોનો એન્કર ગાંડી સાબિત કરે છે. વૈજ્ઞાનિક વિરુદ્ધ સોશિયલ મિડિયામાં પ્રચાર થાય છે. 

બન્ને વૈજ્ઞાનિકો તરીકે લિયોનારદો દી કેપ્રિયો અને જેનિફર લોરેન્સ જેવા સજ્જ અને ઓસ્કર વિજેતા કલાકારો છે. મેરિલ સ્ટ્રીપ જેવી સૌથી વધુ વખત ઑસ્કરમાં નોમિનેટ થયેલી અભિનેત્રી અમેરિકાના પ્રમુખ તરીકે છે.  માર્ક રેલીયન્સ મોબાઈલ કંપનીના સી.ઈ. ઓ. તરીકે છે. કેટ બ્લેન્ચેટ ટીવી શૉના એન્કરના પાત્રમાં છે. આ બધા જ ઓસ્કર વિજેતાઓની હાજરીના કારણે ફિલ્મ જોવાની મજા પડે છે.

ફિલ્મની સૌથી અસરદાર બાબત એ છે કે જો કાલે સવારે આપણને જાણવા મળે કે પૃથ્વી છ મહિનામાં ખતમ થઈ જવાની છે તો આપણે પણ એક સમાજ તરીકે આ જ રીતે વર્તન કરીએ. ફિલ્મમાં દર્શાવેલી વાતો એટલી હદે વાસ્તવિકતાની નજીક છે. માણસજાતની નબળાઈઓ સંકટ સમયે જ બહાર આવે અને સંકટ સમયે જ માણસમાત્ર જાનવર બનવાને પાત્ર છે એ પણ ખ્યાલ આવે. 

રાજકારણીઓ અને અધિકારીઓ દ્વારા થતા પ્રચારની અસર હેઠળ કોઈ પણ વાતને સામાન્ય માણસ કેટલી હદે સ્વિકારી લે છે એનો ચિતાર પણ ફિલ્મમાં છે. ફિલ્મ કટાક્ષ અને ટ્રેજડીની સીમારેખાઓ પર ચાલે છે. જે રીતે કટાક્ષ થયો છે એ હાલની પરિસ્થિતિમાં ટ્રેજડી બની જાય એમ છે. કરુણતા એ છે કે આ વાત સમજે એવા લોકો પણ બહુ ઓછા છે. આ ફિલ્મને ઓનલાઈન ઘણા નેગેટિવ રિવ્યુઝ મળ્યા છે પણ હું ફિલ્મને ગયા વર્ષની સર્વોત્તમ ફિલ્મોમાંની એક ગણું છું. 

ફિલ્મ ટેકનિકલી પણ સરસ છે. ચુસ્ત એડિટિંગના કારણે ફિલ્મ એક ક્ષણ પણ કંટાળો નથી આપતી. ફિલ્મના કલાકારો ક્યાંય વધારે પડતો અભિનય કરતા હોય એમ નથી લાગતું. પટકથા એટલી ચુસ્ત છે કે છેલ્લે સુધી જકડી રાખે છે. ફિલ્મના નિર્દેશક એડમ મૅક્કીના નામે આ પહેલા ‘વાઇસ’ અને ‘ધ બિગ શોર્ટ’ જેવી પ્રખ્યાત ફિલ્મો બોલે છે. 

ફિલ્મના અંતે એક બહુ મહત્વની વાત છે. અંતે તો માણસ એક સામાજિક પ્રાણી છે અને કુટુંબ માણસને ‘માણસ’ બનાવી રાખે છે. અંત ઘણો માર્મિક છે. ફિલ્મ બનાવનારા અંતે જે વાત કહે છે એ બહુ અગત્યની છે. કદાચ આપણે આ પૃથ્વી રૂપી ઘરને બચાવવું હશે તો એ જ રસ્તો લેવો પડશે. ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુંબકમ’ વિચારનો પડઘો ફિલ્મના અંતમાં છે. 

ફિલ્મ નિર્દેશક એડમ મેકકી અને પટકથા લેખક ફિલ્મને કટાક્ષકથા કહેવાને બદલે ટ્રેજડી તરીકે જ ગણે છે. માનવસમુહ તરીકેની અને સામાન્ય એકલ મનુષ્ય તરીકેની આપણી મુશ્કેલીઓ સામે લડવાની અક્ષમતાને દર્શાવતી આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. 

છેલ્લી રિલ-

એને દુષ્ટ સાબિત કરવા તમે એને જ મહત્વ આપો છો, એનો કેમ ઉપયોગ કરવો એ સમજી શકે એટલું પણ તે સક્ષમ નથી.- આ ફિલ્મનો એક સંવાદ. 


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “Don’t Look Up – મુસીબતની મોકણ અને મોકાણની કાણ

  • DHIRAJLAL GULABBHAI PARMAR

    “Don’t Look Up” રિવ્યુ નો પ્રિવ્યુ -પૂર્વભૂમિકા ખરેખર રસપ્રદ અને ઇન્ફોરમોટીવ છે.અનુભવોની કલમનો રસાસ્વાદથી ભરપૂર.

  • hitesh thakkar

    Awesome and interesting review about the movie ‘Don’t Look Up’ Bharat’s Vedic teaching and attitude of being Bharat – from a land of Krishna will always echo as all principles and teachings are immortal and prevails with waves of time.

  • DHIRAJLAL GULABBHAI PARMAR

    Film Review Is Excellent.
    You had also Written previously about Movie
    J O K E R,
    Surely Drag to witness movie.