ક્ષણજીવી (ત્રીજું પારિતોષિક : કેતન મુનશી વાર્તાસ્પર્ધા ૨૦૨૦) – સંજય ગુંદલાવકર 14


ઘર માંડ્યું નથી એ પતિ!’ પાલવથી આંખના ખૂણા કોરા કરી એ પોતાની ઘૂનમાં ચાલતી રહી. પતિ ખોવાયાની ફરિયાદ નોંધાવવાનું બખડજંતર ક્યાંથી ઊભું થયું એ વિશે વિચારી રહી.

“સાહેબ બોલાવે ત્યારે અંદર જજો.”

હવાલદારના શબ્દો કાને પડતાં જ નિરાંતે બેઠેલી અદિતિ એકાએક પૂતળી બની ગઈ. ડૉક્ટર અંકલે સીધું-સટ કહ્યું કે ઘરે જા. આવું ગાંડપણ ના કરાય. છતાંય એ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસચોકીએ બેઠી રહી. મનમાં ને મનમાં વાક્યો ગોખ્યાં. ઝઘડો થયો હતો કે?- એવું પૂછે તો શું કહેવું? લગ્નને કેટલા વરસ થયા?- તો કહી દઈશ આઠેક થયા હશે. છોકરા છે?- તો કે ના. પતિનો ફોટો લાવ્યા છો?- તો હા બોલીને પર્સમાં ખાંખાંખોળા કરવા માંડીશ. વગેરે વગેરે..

પોલીસચોકીના બાંકડે બેઠાં બેઠાં રાહ જોયા બાદ અદિતિનો વારો આવવામાં હતો, ને એ ઊઠીને ચોકીની બહાર નીકળી ગઈ. ડૉક્ટર અંકલે ના પાડી એટલે ફરિયાદ ના કરાય! “ઓ મૅડમ. ઓ મૅડમ” પોતાને ઉદ્દેશીને પડાયેલી બૂમ એની એકલીના કાને નહીં, પણ આસપાસના અન્યોના કાનોમાંય અથડાઈ. એ અજાણ્યા ચહેરાઓએ દયા ને સહાનુભૂતિ દર્શાવી. વિષાદ, અણગમો અદિતિના ચહેરે છવાઈ ગયો. પણ એનું અંતર બોલી ઊઠ્યું- ‘આમાં પોલીસ પણ શું કરી શકવાની? કોઈ જીવતું જાગતું માણસ ખોવાયાની ઘટના થોડી છે!’- આ તો મનના ખેલ, નકરા ખેલ.

ફૂટપાથે આવીને અદિતિ બેધ્યાનપણે રસ્તો ક્રોસ કરવા ગઈ ત્યાં એની લગોલગ ચરચરાટી કરતી એક બાઇક અચાનક ઊભી રહી. ચલાવનારો ભડક્યો, “એ.. મરવા નીકળી છે કે શું?” એની નજર વાહનોથી ભરચક રસ્તા પર લંબાઈ. પેટમાં ફાળ પડી. “ઓ મા” ચક્કર આવતાંને રહી ગયા. બાઇકવાળાને સોરી કહી એણે સાચવીને રસ્તો ક્રોસ કર્યો. રસ્તાની પેલે પાર પહોંચીને પોલીસચોકીએ નજર કરી. ઓલા અજાણ્યાં ચહેરાઓમાંનું કોઈ દેખાયું નહીં. સાડીને સરખી કરી એ ચાલવા લાગી.

‘કયો પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા હું પોલીસ ચોકીએ ગઈ હતી?’ એક કડવાશ હોઠે ચડી. ‘એવો પતિ જેને હું ક્યારેય પરણી નથી! જેનું ઘર માંડ્યું નથી એ પતિ!’ પાલવથી આંખના ખૂણા કોરા કરી એ પોતાની ઘૂનમાં ચાલતી રહી. પતિ ખોવાયાની ફરિયાદ નોંધાવવાનું બખડજંતર ક્યાંથી ઊભું થયું એ વિશે વિચારી રહી.

આજે સવારથી એ થોડી ડિપ્રેશનમાં હતી. કામનો લૉડ પણ ખરો. બેંકમાં નવા જોડાયેલ સાઉથ ઇન્ડિયન સહકાર્યકરના ઘરે ચોરી થઈ અને એ પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી આવ્યો હતો. એ ધૂનમાં પતિ ખોવાયાની ફરિયાદ નોંધાવવાને અદિતિ પણ પોલીસચોકીએ પહોંચી. છેલ્લો કૉલ ડૉક્ટર અંકલનો આવ્યો હતો. એમને પણ જણાવ્યું હતું કે એ પોલીસચોકીએ છે. એનો પતિ ખોવાયો છે. પછી શું થયું એને સરખું યાદ ના રહ્યું.

પરંતુ.. એનો પતિ હકીકતમાં ક્યાંય હતો જ નહીં. કેમ કે એના લગ્ન થયાં જ નથી. એવો પતિ જેને એ ક્યારેય પરણી નથી, એને અદિતિએ પોતે પણ જોયો નથી. કોઈ કરતાં કોઈએ એનાં વરને સદેહે જોયો નથી. એ ભલે કહેતી કે આઠ વરસ પહેલાં એ પરણી છે, પરંતુ એના વરનું કોઈ ચોક્ક્સ નામ નથી. તે કેવો દેખાય છે? તેની ઉંમર કેટલી છે? શું કામ કરે છે? તેના શોખ શા છે? એ અદિતિને પોતાને પણ ખ્યાલ નથી.

એ ક્યાંય લગી ચાલતી રહી. એણે મંગળસૂત્રને બ્લાઉઝમાં સરકાવીને કપાળે આંગળી ફેરવી, ચાંદલો ચોંટેલો છે કે નહીં એની ખાતરી કરી. જમણા હાથમાં પહેરેલી બંગડીઓને ડાબા હાથે રમાડતાં કાંડા ઘડિયાળમાં એનું ધ્યાન ગયું. ‘ઓહ.. આઠ વાગી ગયા. બહુ મોડું થઈ ગયું. હવે..’ એક રાહદારી પુરુષથી સહેજ ટકરાઈ પડી. અચાનક એકલતાનો ભાવ ઊમટી આવ્યો. પગની ઝડપ ન વધી પણ એણે દિવાસ્વપ્નમાં એના પતિને તરંગતો જોયો. ચિંતા થઈ. ‘એ આવી ગયા હશે. ભૂખ લાગી હશે તો આખું ઘર માથે લેશે, પણ રસોડામાંથી ખાખરા લઈને ખાશે નહીં. મારે ઘર ઑફિસ બધું એકલાં હાથે કેમેક કરવું.’ ઊંડો નિસાસો નાંખ્યો. એણે હાથ બતાવીને રિક્ષા રોકી.

“આવી ગયા? હવે ઘરે ચાલો ફટાફટ. મોડું થાય છે.” રિક્ષાવાળો બેઘડી અચરજમાં અદિતિને જોઈ રહ્યો. એનું પીળા દાંતવાળું ફેલાયેલ હાસ્ય સંકેલાઈ ગયું.

“ઓ બેન! શું તમે પણ? ક્યાં જાવું છે?” રિક્ષાવાળાએ નારાજગી જતાવી.

અદિતિને પોતાની ભૂલ સમજાઈ. “ભાઈ વાલચંદ નગર જવું છે. હવે ચાલોને. મને મોડું થાય છે.” ભોંઠીં પડ્યા વગર એ બોલી. કમાલની બાઈ છે એ ભાવે ડોકું ધુણાવી રિક્ષાવાળાએ રિક્ષા હંકારી મૂકી. તત્ક્ષણ અદિતિના દિવાસ્વપ્નમાંથી રિક્ષાવાળાને પતિ તરીકેનો જાકારો મળ્યો.

આવા તો કંઈ કેટલાય ક્ષણજીવી પતિઓનો ઉલ્લેખ અનેક ક્ષણભંગુર ઘટનાઓમાંથી જડી આવતો. એ એવી સિફતથી વાતને રદિયો આપતી કે સામે પક્ષે રહેલા ક્ષણજીવી પતિઓને ખોટું પણ ન લાગતું. કમભાગ્યે અદિતિ આવી આફતમાં ભેરવાઈ પડતી, ત્યારે એ કરગરવા માંડતી કે, એ આવું બોલી જ નથી. પોતાની વાતને રફેદફે કરી નાંખતી અને ઠાવકાઈ દાખવતી કે, તમે એવું સમજ્યા એમાં મારો શો વાંક? ‘કોઈની સાથે ઝઘડવાં કરતાં સામેવાળાને એની વાતોમાં જ ભેરવી નાંખવો. જેથી કરીને એને બીજું કંઈ બોલવાનો મોકો ના મળે. એમ કરવાથી એ પાછલી વાતને પણ ભૂલી જાય.’ અદિતિની સ્વર્ગસ્થ માએ શીખવ્યું હતું.

“મા.” અચાનક રિક્ષામાં અદિતિની મા ઊપસી આવી.

“અદિતિ, મારા જીવતે જીવ તું પરણી જાય તો મને નિરાંત થાય. એ તું જાણે છે છતાંય ખોટી જીદ્દે ચડી છે!”

“મા. મારી શરત અફર હતી, છે ને રહેશે. હું જ્યાં પરણીશ ત્યાં તને સાથે લઈને જઈશ. એને લાયક કોઈ ઢંગનું મળવું તો જોઈએ ને! પછી એ લંકાનો રાજા હોય કે ઘોઘાનો મહારાજા.”

“પાછી એ જ રામાયણ. હું દીકરીને ત્યાં કેમ આવું? તારી બુદ્ધિને ઠેકાણે પાડ ને પોતાને ગમે એવું ઠેકાણું શોધી લે. મારી ચિંતા કરી કરીને તું માંગા પાછા ઠાલવ્યા ના કર.”

“ને તેં મારી ખાતર બીજા લગ્ન ન કર્યા તેનું શું? દીકરીને સાચવવામાં તેં તારી જાત ધસી નાંખી, તેનું શું? કર્તવ્યના નામની પિપૂડી વગાડ્યા ના કરો મા.”

પિપૂડી નહીં પણ રિક્ષાનું ભોંપું વાગતું હતું. એનો ભ્રમ ભાંગ્યો. રિક્ષાવાળો પીઠ ફેરવીને કંઈક અસ્પષ્ટ બોલ્યો. આંખો તરત એની પીઠ પર અટકી. અદિતિએ રિક્ષાની બહાર જોયું. “અરે ગેટમાં જ ઊતારશો કે શું કાકા? અંદર લઈ લો ને..”

અદિતિએ બૅગમાંથી મૉબાઇલ બહાર કાઢ્યો. સ્ક્રીન પર માના ફોટા પર ટેરવાં અડાડી પાંપણ પલકાવી અંજલિ આપી. મૉબાઇલ મૂકીને પૈસા કાઢ્યાં. રિક્ષામાંથી ઊતરીને થોડી ક્ષણો સહેજ ઊભી રહીને સોસાયટીમાં નજર ફેરવી. દીદી દીદી કહીને ટોળે વળતી બચ્ચા પાર્ટી ન દેખાઈ. બૅગમાં રહેલ ચોકલેટ્સના પેકેટને જોઈ ડચકારો ખાધો. પોતાના ઘર તરફ જતાં એની ભીતર રહેલી કાળમીંઢ એકલતાની હણહણાટી પડઘાવા લાગી. પગ રોકતાં હતાં કે ઘરે જઈને શું કરીશ!. ઊંડે ઊંડેથી ઈચ્છાઓ સળવળી કે કોઈ એને પોકારે. એને રોકે. એની જોડે વાતો કરે. આ બાંકડે એ પતિના ખભે માથું ઢાળીને બેસે ને પતિ એના વાળમાં આંગળી ફેરવે. એક પ્રકારનો રોમાંચ એની ભીતર ફેલાયો ન ફેલાયો ને ખરી પડ્યો. ખેર.. ઘરે જવું પડશે સોસાયટીમાં ચારેકોર અંધારાને ચીરતી લાઇટો અને અદિતિને હંફાવતી એકલતા વચ્ચે ચડસાચડસી જામી પડી. કોઈ એને બોલાવી રહ્યું છે એમ એને લાગ્યું. ડૉક્ટર અંકલ? ના આ તો અતુલ અંતાણી. અવાજ ઓળખાઈ જતાં એ બેધ્યાન રહેવાનું મુનાસિબ માની પગથિયાં ચઢવા લાગી. પણ..

woman wearing blue traditional indian dress and silk thread bangles
Photo by Qazi Ikram haq on Pexels.com

“કેમ છો? અદિતિ!” નજીક આવી એ વ્યક્તિએ સ્મિત ફરકાવ્યું. “સોરી. અદિતિ મેડમ!” અદિતિ પરાણે થોભી. “આજે તમને આવતાંને મોડું થયું? હું તમારી ક્યારની..” આગળના શબ્દો- રાહ જોતો હતો – એ ગળી ગયો.

“હા. મોડું થયું.” અણગમાને છૂપાવી અદિતિએ જવાબ વાળ્યો, “પણ મેં તમને મારી રાહ જોવા કહ્યું હતું?  જુઓ મિસ્ટર અંતાણી, બપોરે તમે બેંકમાં આવ્યા ત્યારે કહ્યું એ પ્રમાણે બધા પેપર રેડી કરી આપો. તમારી લોન પાસ થઈ જશે. તો હવે રાતે શું છે? કહો જોઈએ”

અતુલ અંતાણી એની પત્ની તાન્યા સાથે બપોરે બેંકમાં લોનની અરજી લઈને ગયા હતા. અદિતિએ પોતાની ફરજ સમજીને માન્યું કે એની જ સોસાયટીમાં રહે છે તો લાવને મદદ કરું. બેયની જોડી ખરેખર જામતી હતી. અદેખાઈ આવી. ખૂટતાં પેપર વિશે સમજાવતાં જ અચાનક અદિતિનો પતિ ભાવ જાગ્રત થયો હતો. “ખરા છો તમે! પેપર તો તમેજ સાચવો છો ને? બેદરકારપણું ના રાખો. મારે કેટલું યાદ રાખવાનું?”

કાપો તો લોહી ના નીકળે. તાન્યા તો જાણે કે એના અગત્યના કાગળો ખોઈ નાંખ્યા હોય એ ભાવે અદિતિને ઘૂરકી રહી. અદિતિના ટેબલ ઉપર રહેલી નેમ-પ્લેટને વાંચી, ‘અદિતિ ઉપાધ્યાય.’ તાન્યાની આંખોમાં તરવરેલી ઉપાધિ વાંચીને અદિતિએ બાજી સમેટતાં ઉમેર્યું હતું કે મિસ્ટર અંતાણીને બદામ ખવડાવો. તમારે કેટલું યાદ રાખવાનું? ગાજરની સીઝન છે હલવો બનાવો. બદામ નાંખીને. અદિતિને ખડખડાટ હસતાં જોઈને બેય હસી પડ્યાં હતાં.

“ગાજરનો હલવો.” નિર્લેપ ભાવે અતુલે હાથમાં રહેલી થેલી લંબાવી. “તાન્યાએ તમારી માટે હલવો મોકલ્યો છે. એ આપવા માટે હું ત્રણ-ચાર વાર અહીં આવ્યો. પણ તમે આવ્યા નહોતા. બસ..”

“ઓહ.. થૅંક યૂ. એમને પણ કહેજો.” અદિતિએ સ્મિત ફરકાવ્યું એ અતુલને ગમ્યું. “તો પણ તમારે જરૂરી પેપર બધાં જ લાવવા પડશે હં.” અતુલ મલકાઈને જતો રહ્યો.

અદિતિ થેલી લઈને ઘરે આવી. બધી સ્વિચો ઑન કરતાને અંધારું લુપ્ત થયું. ખાસ્સા દિવસો બાદ ઘરે આવતાંને એના ચહેરે મલકાટ હતો. અતુલને કારણે? નહીં. કેમ કે અદિતિના દિવાસ્વપ્નમાંના કોઈ પણ કપોળકલ્પિત પતિને એ જેવો ને તેવો પુન: ક્યારેય કલ્પી શકતી નહોતી. મૂળે ક્ષણભંગુર ઘટનાઓ હોવાના કારણે આવા પતિઓની પાછલી ઘટનાઓ ભાગ્યે જ પાછી ખૂલતી. કદાચ ખૂલતી તો નવા આરંભ સાથે આગળ વધતી અથવા તો તદ્દન જ વિપરીત દિશામાં આગળ વધતી. બપોરે અતુલને મળી હતી ત્યારે તે એનો ક્ષણભંગુર પતિ હતો. હમણાં તેને રાતે મળી ત્યારે અદિતિના મનોભાવ બપોરની ઘટનાથી તદ્દન વિપરીત હતા.

વળી એવું નથી કે એની માનસિક સ્થિતિ સાવ કથળેલી છે. આવા તો અનેક પતિઓને અદિતિ ક્યારેય પરણી નથી. જેમ કે દૂધવાળો, શાકવાળો, મીટર રીડિંગવાળો, જંન-ગણનાવાળો, કોઈના લગ્નમાંનો  પિરસણિયો, શેરડીના રસનો સંચો ચલાવનારો, કરિયાણાવાળો, ડિલિવરીવાળો, સિક્યુરિટી, પ્લંબર, અનેક ડિલીવરી બૉય્ઝ, એની ઑફિસના સહકાર્યકરો, પટાવાળા, ઉપરી સાહેબો વગેરેની ઘટનાઓ દિવાસ્વપ્ન પતે જ સમેટાઈ જતી. સમાજમાં હરવું ફરવું ઓછું હોવાથી તેમજ ગણ્યાગાંઠ્યા સગાસંબંધીઓમાંથી ભાગ્યે જ કોઈ એનો ક્ષણભંગુર પતિ બન્યો હશે. આવી જ રીતે એક નામ અદિતિની મા કલાબેન સાથે જોડાયેલ હતું. અદિતિ વીસેક વરસની હશે ત્યારથી. ડૉક્ટર અન્વિત મુખર્જી..

કલાબેનના પતિ બનવાની ડૉક્ટર અન્વિતની તહેદિલથી ઈચ્છા હતી. દસકાથી બેય એકમેકને ઓળખતાં હતા. વિધવાને પરણવાનું સાહસ એમણે સામેથી દાખવ્યું. અદિતિ રાજી હતી કે હાશ.. ચાલો મા પરણશે તો એમની પાછલી જીંદગીમાં સધિયારો મળી રહેશે. પોતાને પિતાનું નામ મળશે. પરંતું મા.. ઠેઠ મરણપથારી સુધી ટસથી મસ ના થઈ. એ બત્રીસની હતી ને મા સ્વર્ગલોકે ચાલી ગઈ. કલાબેનના ગયા બાદ એમની એકની એક અમાનત- અદિતિને ખાતર ડૉક્ટર અન્વિત આજે પણ પરણ્યા નથી. આ તે કેવો ઋણાનુબંધ!

સોફા પર ગોઠવાઈને અદિતિએ મૉબાઇલ હાથમાં લીધો. મૉબાઇલ સાઇલૅન્ટ મૉડમાં કેવી રીતે જતો રહ્યો? સાઇલૅન્ટ મૉડ ઑફ કરીને ઇન્ટરનૅટ ઓન કર્યું. ધડાધડ નૉટિફિકેશન્સ ખડકાવા લાગ્યા. ઘણાંયના વૉટ્સ એપ હતા. ઊપરીનો- ટાર્ગેટ વિશે, સોસાયટીના અકાઉટન્ટનો- મેઇન્ટેનેન્સ વિશે, સહકાર્યકર મીરાંએ નવા જોડાયેલ સાઉથ ઇન્ડિયન સહકાર્યકર પર એક જોક બનાવ્યો હતો. ડૉક્ટર અન્વિત મુખર્જીના અગણિત મિસ્ડ કૉલ, સંદેશાઓ હતા. ગુનાહિત ભાવ સહ પાંપણ પલકાવી અદિતિએ ડૉક્ટર મુખર્જીને કૉલ લગાડ્યો. પણ લાગ્યો નહીં. ઊંડો શ્વાસ લઈ એણે ફોન મૂક્યો. ગળામાંના મંગળસૂત્રના પેડન્ટ પાસે અંગૂઠો ભેરવીને એને મંગળસૂત્રને ડાબે જમણે ફેરવ્યું. સામેની દીવાલમાં રહેલી છબીમાંથી મા અવતરી આવી.

“આ લે અદિ.. આ મંગળસૂત્ર તારે કાયમ પહેરી રાખવાનું. રામ જાણે ઘરની બહાર કોણ કેવી નજરેથી તને ઘૂરકીયા કરતું હશે?”

“દુનિયાને છેતરી શકાય મા. પણ જાતને છેતરવી અઘરી. કાલે ઉઠીને તો તું બંગડી, ચાંદલો, ઝાંઝર બધુ પહેરવાને કહેશે. એનાથી બીજાને લાગશે કે હું પરણેલી છું. ચાહી કરીને મનને છેતરીને શો ફાયદો?”

“અદિતિ.. આકરી થા મા. તું મા બનશે ને ત્યારે તને ખબર પડશે.”

“તો તું પણ પહેરને મંગળસૂત્ર. કેમ અડવું ગળું લઈને ફરે છે? બોલાવને ડૉક્ટર અંકલને. ફેરા ફરી લે ને રીતસરના.”

માએ લાફો ઝીંક્યો હતો તે યાદ આવી ગયો. અદિતિ ગાલ પંપાળવા લાગી. એણે ઊભી થઈને માની છબીને બચી ભરી. ગળામાંથી મંગળસૂત્ર કાઢીને માના ફોટોફ્રેમમાં લગાવેલી ખીલીઓમાં ભરાવ્યું. “કેમ છો મા? તમે તમારી મરજી મુજબ જ જીવ્યા ને!.” એની આંખમાં ભીનાશ ઊઠી. ત્યાગની મૂર્તિ મા તેમજ ડૉક્ટરની સમર્પણ ભાવના આંખ સામે તાદ્દશ થઈ ઊઠી.

‘કોઈના બે ચાર શબ્દોનો સધિયારો મળી રહે તો એકલી અટૂલી સ્ત્રી ગમે તેવી આકરી પરિસ્થિતિમાં જનમારો ખેંચી શકે.’ માના આ બ્રહ્મવાક્યને અદિતિએ સાંગોપાંગ અપનાવી લીધું. ડૉક્ટર અન્વિતને અદિતિએ ગુરુ તેમજ મિત્ર તરીકે અપનાવ્યા. જ્યારે જ્યારે અદિતિને એકલતા અસહ્ય થઈ પડતી ત્યારે એ ડૉક્ટરને ફોન કરી લેતી. દિવસ તો બેંકમાં ગુજરી જતો. પરંતુ રાત આકરી થઈને પડખાં ઘસાવતી. મા વગર એ અંદરથી સાવ તૂટી પડી હતી. ઘર ખાવા દોડતું. મા સદેહે ભલે નથી પણ એ સતત એની યાદોમાં સાથેને સાથે જ રહેશે ડૉક્ટર એવો દિલાસો આપતાં. એ કારગત નીવડ્યો નહીં. અદિતિ કોઈ મોટી વયની ઓળખીતી સ્ત્રીને એની મા સમાન માનીને વાતો કરતી ત્યારે એવી સ્ત્રીઓને લાગતું કે અદિતિના મન પર આઘાત લાગ્યો છે. એ ગાંડી થઈ જાશે કે શું?

“અંકલ આ તો અઘરું! મને નથી ગમતું કે લોકો ચાહી કરીને મારી દયા બતાવે. મારી લાગણીને ગાંડપણમાં કાઢવામાં એમને શો આનંદ મળતો હશે?”

“હમ્મ. અદિતિ ખરું કહું તો તું કન્ટ્રોલ કરી શકે એમ છે. લોકોની સાથે વાત કરવામાં, હળવા-ભળવામાં આવું થોડું ઘણું મનદુઃખ થાય, તો એને ઇગ્નોર કરતા શીખી લે. તું મારી જોડે ગપ્પા માર. લોંગ ડ્રાઈવ પર જાને. મિત્રો સાથે સમય પસાર કર. આપોઆપ ઉકેલ મળી રહેશે. તારું દુઃખ હળવું થઈ જશે. તને શું લાગે છે કલાની યાદ મને નથી સતાવતી? મને પણ નથી ગમતું એના વગર.”

મા વિશે વિચારવાનું છોડીને અદિતિ ક્યારે એના દિવાસ્વપ્નોમાં ક્ષણભંગુર પતિઓની કલ્પના કરવા લાગી એ ખુદને પણ ધ્યાનમાં ન રહ્યું. થોડા દિવસો બાદ આ દિવાસ્વપ્નની વાત એણે ડૉક્ટર અન્વિતને કરી. એ સહેજ હતાશ થયા હતા. એકલતામાં, ડિપ્રેશનમાં થોડો રાહત મળે એ માટે ડૉક્ટરે અદિતિના મેડિકલ ટ્રીટમેન્ટની વાત છેડી. અદિતિએ વિચારને તાત્પૂરતો નકાર આપ્યો. કાચબાની પેઠે જાતને સંકેલીને કોચલામાં પૂરવાને બદલે એ જીવવાં લાગી. અનાયાસે એના પતિઓની કલ્પના કરતી રહી. રાતે એકલી પડતી તો પોતાના પ્રતિબિંબ જોડે વાતોએ પણ વળગતી.

એક દિવસ કળાયું કે દિવાસ્વપ્નની વધતી ઘટનાઓને કારણે એનું ડિપ્રેશન લેવલ સુધરી રહ્યું છે. એવી તે કઈ આસમાની શક્તિઓ દિવાસ્વપ્નથી મળી કે જેને કારણે અદિતિની કાર્યક્ષમતા સુધરતી ગઈ? બેંકમાં એના પર્ફોર્મન્સની વાહવાહી સહિત એને બઢતી પણ મળી. ડૉક્ટર અન્વિત પણ ખુશ હતા.

અદિતિ બૅડરૂમમાં આવીને વૉર્ડરોબના કાચ પાસે ઊભી રહી. કપડા બદલતાને એ પોતાના અનાવૃત પ્રતિબિંબને જોઈ રહી. ભરાયેલ શરીર પર સપ્રમાણ ઘાટીલા સ્તન, કમરથી વેંત ઊંચા વાળ, વાન થોડો ગોરો. જાતે જ નિતંબે એક ટપલી મારીને એ શરમાઈ ગઈ. “અણબોટ્યું શરીર.. કોઈ કહે તો ખરું કે ચાળીસીએ પહોંચી છું. લાગું છું ને અઠ્યાવીસ-ત્રીસની?” આંખ મીંચકારીને એ પોતાના પ્રતિબિંબ જોડે વાતે વળગી. બેય હાથ સ્તન તરફ લંબાવ્યા ને પાછાં મૂક્યાં. હોઠ ચાવતી એ ન્હાવા જતી રહી. ન્હાતા ન્હાતા પોલીસચોકીની ઘટના મમળાવી રહી. અફસોસ થયો. આવી નાદાનિયત એને કેટલી ભારે પડી જાત. દિવસ દરમ્યાનના પતિઓના ક્ષણભંગુર ઘટનાઓ આંખેથી પસાર થઈ રહ્યાં.

ફ્રેશ થઈને બહાર આવી. અદિતિને ભૂખ લાગી. રાતના નવ થવા આવ્યાં. મંગળસૂત્ર પાછું પહેરી લીધું. રસોઈ બનાવવાનો કંટાળો આવતાં ફ્રીઝ ફંફોસ્યું. ને ગાજરનો હલવો યાદ આવ્યો. “થૅંક યૂ તાન્યા” હસવું કે રડવું, એ અવઢવમાં મૂકાઈ. નાહકની બિચારા અતુલને વઢી પડી. 

ચમચો ભરીને હલવો મોમાં મૂક્યો ત્યાં ડૉરબૅલ વાગી. અદિતિએ ચોંકીને કી-હૉલમાં જોયું. “ડૉક્ટર અંકલ” એણે રઘવાટમાં દરવાજો ખોલ્યો. ઘરમાં પ્રવેશતા જ ડૉક્ટરે પ્રશ્નોનો જોરદાર મારો ચલાવ્યો.  

“ફોન ક્યાં છે તારો? ક્યારથી ટ્રાય કરું છું કોઈ જવાબ નથી. તેં મેસેજ પણ જોયાં નથી. શું પતિ ખોવાયોની રઢ લઈને બેઠી હતી? મને એ બોલ કે તું પોલીસચોકીએ ગઈ જ કેમ?”

અદિતિ નાના બાળકની જેમ રડી પડી. હલવો ગળે ઉતારવામાં એને જોરદાર ઊધરસ આવી. ડૉક્ટર ગભરાઈ ગયા. પાણી લાવી આપ્યું. “સોરી સોરી. રડ નહીં. છાની રહે. માંડીને વાત કર.”

ઉધરસ શાંત પડતાં અદિતિએ ભારે હૈયે પોલીસચોકીની અથ થી ઇતિ ડૉક્ટરને કહી સંભળાવી. થોડી વાર પછી બેય હસી પડ્યાં. થોડો થોડો હલવો ચાખ્યો. અદિતિએ અતુલની વાત પણ છેડી.

“આવું ના કરાય ગાંડી. દિમાગને થોડું ઠંડુ રાખ બચ્ચા.” માથે આશીર્વાદ આપીને ડૉક્ટરે રજા લીધી. અદિતિ એમને જોવા અગાશીમાં ગઈ ત્યાં નીચે અતુલ અંતાણી પણ આંટા મારી રહ્યો હતો. વળતી ક્ષણે અતુલમાં એનો પતિ તરંગીત થયો. એ મધ્યમ અવાજે બોલી,

“સાંભળો. હું નીચે નથી ઊતરતી. તમતમારે જમતા આવો ને મારી માટે પાર્સલ લેતા આવજો.”

અતુલે ચોંકીને ઉપર જોયું. આજુબાજુ ને પાછળ ફરીને જોયું. વળી અદિતિ તરફ જોયું. એવામાં ડૉક્ટર નીચે પહોંચી ગયા. અદિતિનો અવાજ એમના કાને પણ પડ્યો હતો. એમણે ઊપર જોયું,

“એ હા દીકરા. તારી માટે પાવ-ભાજી પહેલાં મોકલાવી દઉં છું. બસ્સ.”

# # #

– સંજય ગુંદલાવકર


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ક્ષણજીવી (ત્રીજું પારિતોષિક : કેતન મુનશી વાર્તાસ્પર્ધા ૨૦૨૦) – સંજય ગુંદલાવકર