કશુંક પણ જોવું હોય તો અટકી જજો. જોઈ લેજો. પછી આગળ ચાલજો. ચાલતા રહીને જોવાની લાલચ ન કરતા. આગળ વધવાનું કદાચ થોડું મોડું થશે પણ જે જોવું છે, માણવું છે એ ભરપૂર માણી શકીએ ને! જ્યારે તમે જીવનની દરેક ક્ષણને જીવી લેવાની તક ખુદને આપો છો ત્યારે ન વિચારી હોય એવી મઝા જીંદગી આપે છે!
આ પહેલાના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.
સવારે છ વાગ્યે જાગી ગયા. નક્કી કરેલું કે સવારે નહાવું નથી, પણ ગરમ પાણીની લાલચે નહાઈ લીધું. સાત વાગતાં સુધીમાં તો પેલા કાકાની ચા પીને સહુ તૈયાર. નીચે ઉતરી દર્શન કરી લીધા. ઓફિસમાં જઈ ચેક આઉટની વિધિ પતાવી અને નીકળ્યા સ્ટેશન તરફ.
સહુને યાદ હતું કે રાત્રે પેલા લારીવાળા કાકાએ સવારે ગરમ નાસ્તો આપવા કહેલું એટલે ચારેયના પગ એમની લારી જોઈને થંભી ગયા. મરચાંવડા સાથે પાઉંવડા પણ પેક કરાવ્યા. ત્યાં બાજુમાંજ મોજડીની લારી હતી. ભાવ પૂછતાં જ એ ભાઈ આગ્રહ કરી ગોડાઉન પર લઈ ગયા. દર્શના અને યશ્વીનો જીવ ઊંચો, એમને સ્ટેશને રવાના કરી હું ને શૈલી મોજડી લેવા રોકાયા. નજીકમાં જ ગોડાઉન હતું. સવારની પહેલી ઘરાકીમાં વકરો ન થાય એ ન ચાલે. અમારે તો મોજડી લેવી જ હતી પણ લિમિટેડ સ્ટૉકમાં માપ મુજબ પસંદ કરવું અઘરું પડ્યું છતાં લઈ જ લીધી. લઈને ફટાફટ ભાગ્યા સ્ટેશન. ત્યાં જઈ સરખી જગ્યા લીધી. બેઠા. ટ્રેન આવવાને હજુ કલાકની વાર હતી એટલે અમે ઘરે ફોન કરી મોજડીના બીજા ઘરાક ઉભા કર્યા અને દોડ્યા બીજી મોજડીઓ લેવા. ફરી બીજી મોજડી લેવા એ દુકાને ગયા અને એ જ અસમંજસ. લિમિટેડ સ્ટૉક અને સાઈઝની મગજમારી છતાં લઈને તો આવ્યા જ.
સ્ટેશને પહોંચી નવરા પડ્યા એટલે પેલા મરચાંવડા અને પાઉંવડાના પેકેટમાંથી આવતી સુગંધ અમને બોલાવી રહી. ‘ટ્રેનમાં સામસામી બર્થ પર ખોલીને ખાતા નહિ ફાવે’ એવા બહાના હેઠળ ત્યાં ને ત્યાં જ પેકેટ ખોલ્યું અને ટેસ લેતા લેતા, તીખું લાગવાના સિસકારા કરતાકરતા બધું ઝાપટી ગયા. આટલા દિવસથી લીધું ન હતું એ કોલ્ડ્રીંક પણ લીધું અને પૂર્ણ સંતોષ સાથે બ્રેકફાસ્ટની મઝા લીધી. એનો સ્વાદ હજુ મગજના ટેરવે રમે છે. ફાલના ગામના રેલ્વે સ્ટેશન પર, સવારે ૮ વાગ્યામાં, આમ મરચાંવડા ખાઈશું એવું ક્યારેય વિચાર્યું પણ ન હતું! પણ જ્યારે તમે જીવનની દરેક ક્ષણને જીવી લેવાની તક ખુદને આપો છો ત્યારે ન વિચારી હોય એવી મઝા જીંદગી આપે છે! રતનસિંહ ભાટીએ જો ફોનમાં આગ્રહ ન કર્યો હોત તો હું કે દર્શના ક્યારેય આ ટ્રેકમાં જોડાતે નહિ. અને એક વાર ગયા પછી લત જેવું છે આ ટ્રેકનું! હજુ તો આ ટ્રેક પરથી ઘરે પણ નહોતા પહોંચ્યા, ઘરે શું રિટર્ન ટ્રેનમાં પણ નહોતા બેઠા અને છતાં ‘હવે ફરી ક્યારે જઈશું’ એ ઈચ્છા અમારા ચારેયના મનમાં તો આકાર લઈ જ ચૂકી હતી. એટલુ જ નહિ, એની ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ હતી. ટ્રેન આવે ને ચડી જઈએ એટલી જ વાર! પણ આ સ્ટેશને જે ટ્રેન આવવાની હતી એ હવે પછીના ટ્રેકની નહિ, આમારા ઘર તરફ જતી ટ્રેન હતી.
એક તરફ ઘરે પાછા ફરવાનો આનંદ પણ હતો, એક તરફ આ ટ્રેક સરસ અનુભવો સાથે પૂરો કર્યો એનો હરખ પણ હતો, દીકરીઓ સાથે ગાળેલા સમયની ઢગલો સ્મૃતિઓ હતી. ટ્રૅકિંગમાં મળેલા નવા નવા લોકો અને એમના અનુભવો હતા. રસ્તે ચાલતા વાગેલા કાંટા અને કુંભલગઢની દીવાલોના પડઘા, ફાલનાનું ગોલ્ડન મંદિર અને ‘બે જ કિલોમીટર’ની પદ યાત્રા, ‘ઠંડી બેરી’ માં ચાલતા નીકળેલા એ સાંજ અને રાતના અંધકારમાં ગાયેલા ગીતો….અધધ યાદોથી ખીચોખીચ, ફાટ ફાટ થતી અમારી વાતો અને હૈયા કઈ રીતે શાંત રહી શકે? વ્હીસલ વાગતી ટ્રેન આવી અને ટ્રેન જેટલી જ ધસમસતી ઉર્જા સાથે અમે ટ્રેનમાં ચડયા.
ભાટીજીનો ફોન આવી ગયો, ઓલ વેલની સહજ પૂછપરછ માટે. એ સાથે એમણે કહ્યું કે તમારા ખોવાયેલા કૅમેરાની તપાસ ચાલુ છે. કૈંક હશે તો ફરી ફોન કરીશું. ટ્રેનમાં બેઠા અને રિટર્ન જર્ની શરુ થઈ. હવે ધીમે ધીમે મન ‘ઘરે ગયા બાદ શું?’ની રમતોમાં અટવાવા લાગ્યું. સારું હતું કે પછીના બે દિવસ વિકેન્ડ હોવાથી આરામ હતો. બધા પોતપોતાની બર્થ પર આડા પડ્યા. લગભગ બાર વાગ્યા આસપાસ ભાટીજીનો ફરી ફોન આવ્યો કે તમારો કૅમેરો મળી ગયો છે અને નેક્સ્ટ ગ્રુપમાં સૂરતના એક સભ્ય છે એમની જોડે સૂરત મોકલી આપીશું. એ સમાચાર સાંભળી ટ્રેનની બર્થ પર જ નાચવાની ઈચ્છા થાય એવી ખુશી થઇ આવી. એ સેલીબ્રેટ કરવા ‘અમદાવાદ સ્ટેશન પર પિઝ્ઝા ખવડાવીશું’ એવું પ્રોમિસ પણ દીકરીઓને આપ્યું અને પાળ્યું પણ ખરું. હા, મુસાફરીમાં પીઝા મેનેજ કરવા જરા કડાકૂટ હતી, પણ એય થયું.
ટ્રૅકિંગના આવા એક જ અનુભવ પછી એટલું તો સમજાઈ જ ગયું કે એક વખત નક્કી કરો પછી રસ્તા મળે છે અને ન મળે તો બનાવી લેવા પડે. અમારું શહેર જેમ જેમ નજીક આવી રહ્યું હતું એમ એમ વતનનો મોહ શું હોય એ અનુભવાતું હતું. અને આખરે આવી પહોંચ્યા સૂરત. એ જ શહેર જ્યાંથી આ યાત્રા શરુ થઇ હતી. આમ તો આ બહારની યાત્રા હતી પણ કોઈ પણ યાત્રા પૂર્ણ કર્યા બાદ તમે એના એ નથી રહેતા જે તમે યાત્રા શરુ કરતા પહેલા હોવ છો. દરેક યાત્રા તમને ક્યાંક ને ક્યાંક અંદરથી બદલે છે. એ બદલાવ કોઈ પણ દિશાનો હોઈ શકે. એટલે એક જોતા આ આંતરિક યાત્રા પણ હતી. જે ખૂબ જ મઝાની રહી. વિવિધ અનુભવોથી છલોછલ અને રસદાર.
બસ, જીવનમાં આવી અઢળક યાત્રાઓ મળતી રહે, ન મળે તો એનું આયોજન કરી આપણે એને મળીશું એવા વાયદાની આપ લે કરી છૂટા પડયા, ફરી મળવાના વાયદા સાથે…..
આ ટ્રૅકિંગમાં શીખેલી થોડીઘણી વાતોમાંથી જીવન સાથે જે વણાઈ ગઈ એ વાતો કહેવાનો મોહ છૂટતો નથી. સૌથી પહેલા દિવસે ભાટીજીએ કહ્યું હતું, ‘ જે સારું લાગ્યું એ લઈ ને જજો, લોકોમાં વહેંચજો. નબળું લાગ્યું એ અહીં છોડીને જજો.’ હકારાત્મક અભિગમની પ્રેક્ટીકલ વાત! બીજું જે કહ્યું હતું, ‘તમે કુદરતનું સાંભળશો તો એ તમને સંભાળશે.’ આ વાત ફક્ત આપણી અને કુદરત માટે જ નહિ, મને તો લાગે કે કોઈ પણ સંબંધ માટે એટલી જ લાગૂ પડે છે. તમે જેને સાંભળશો એ તમને સંભાળશે. વાહ! અને ત્રીજી વાત જે ખૂબ જ ગમી, ‘કશુંક પણ જોવું હોય તો અટકી જજો. જોઈ લેજો. પછી આગળ ચાલજો. ચાલતા રહીને જોવાની લાલચ ન કરતા.’ કેટલી સાદી અને સરળ વાત! આપણે જીવનમાં પણ કશુંક માણતી વખતે જો આ ધ્યાન રાખીએ તો? એ પળમાં અટકી જઈએ. આગળ વધવાનું કદાચ થોડું મોડું થશે પણ જે જોવું છે, માણવું છે એ ભરપૂર માણી શકીએ ને! ક્યારેક તો આગળ વધતા રહી જોવાની હાયમાં નથી સરખી રીતે જોવાતું કે નથી આગળ વધવાની ઝડપ રહેતી. સરવાળે પ્રાપ્તિ, તો કે હતા ત્યાં ના ત્યાં! પણ સારું છે, અમે હતા ત્યાં ના ત્યાં નથી. આટલું અઢળક મેળવીને આવ્યા અને વહેંચવાનો આનંદ પણ માણ્યો. બસ, હવે તો રાહ જોઈએ કે ફરી ક્યારેક એકાદ એવા ફોન કોલમાં ભાટીજી જેવું જ કોઈ આગ્રહ કરે અને અમે પહોંચી જઈએ નવી કેડીઓ માણવા!..
– નેહા રાવલ
(સંપૂર્ણ)
ખુબ રોચક સફરનું રોચક વર્ણન. આભાર અને અભિનંદન આવા સરસ શેરીંગ માટે! મારા પણ પ્રવાસોના અનુભવને આધારે તમારી વાત સાથે સહમત છું કે એક વાર નક્કી કર્યા પછી રસ્તો બની જાય છે અને ના બને તો બનાવી લેવો પડે છે. દરેક પ્રવાસ કઈંક છાપ છોડી જાય છે. જોવું હોય તો અટકી જજો આ વાતને હું સરન્ડર ટુ ધ પ્લેસની રીતે જોઉં છું. ઘણા રાતનો એ અવસ્થામાં મળી જાય છે.
Waah
આખી શ્રેણી રોચક… અભિનંદન