‘…ત્યારે જિવાય છે’ હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
(તાજેતરમાં પ્રકાશિત ગઝલસંગ્રહ “…ત્યારે જિવાય છે” ની પ્રસ્તાવના)
કલાભૂમિ ભાવનગરે આપણને સાહિત્ય, કલા, સંગીત વિગેરે વિવિધ વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ આપી છે. ઉત્તમ કવિઓ-વિવેચકો આપ્યાં છે. આ ભૂમિનો ગુજરાતી ગઝલ પર પણ એટલો જ હાથ છે. ગઝલવિદ્યાપીઠ સ્થાપનાર આ નગરે ગઝલેત્તર સાહિત્યને પણ સમાંતરે ચાહ્યું છે. ઉજળી પરંપરા ધરાવનાર આ નગરની ગઝલની એક અલગ તાસીર રહી છે. અહીં એ પરંપરાના એક કવિ – ગઝલ કવિ હિમલ પંડ્યાના ગઝલસંગ્રહ “…ત્યારે જિવાય છે” વિશે વાત કરવી છે. હિમલભાઈનો આ બીજો સંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
હિમલભાઈના અનુગ્રહવશ એક ભાવક તરીકે આ સંગ્રહ વિશે મને જે કંઈ સૂઝ્યું તે અહીં મૂકું છું, મેં માત્ર ભાવપ્રદક્ષિણા કરી છે. વધુ તો શબ્દ અને સમય જ બોલી શકે. કવિ હિમલ પંડ્યાની ગઝલોની શાખે એમકહી શકાય કે આ કવિને જગતમાંથી જે મળ્યું એને તેઓ એ રીતે અથવા જરા નમણી રીતે કહેવા ધારે છે, અથવા એના પ્રત્યુત્તરરૂપે કાંઈ કહેવા ઈચ્છે છે. આ બન્ને સ્થિતિનો કવિનો જે આંતરસંઘર્ષ છે તે આ ગઝલો છે.
જીવાતા જગત સાથેનો કવિનો મુકાબલો એના સર્જનમાં ડોકિયાં ન દે તો જ નવાઈ! હિમલ પંડ્યાની કવિતાઓમાં પણ એ બન્યું છે, પણ એ વાત સર્જક જરા તીવ્ર રીતે, દુનિયાને વચ્ચે રાખીને કરે છે…જુઓ
આપણો વિરોધ કંઈ ખોટો ન’તો
બંધનું એલાન ન્હોતું, એ નડ્યું!
કવિ જાણે છે કે બંધ વગરના વિરોધનું પરિણામ આવે એવો આ જમાનો નથી. પરંતુ આ સર્જકનો વિરોધ છે એટલે એ એની મર્યાદામાં છે. આ જ ગઝલમાં અન્ય એક સુંદર શેર છે..
વાત દુનિયાદારીની નોખી હતી
પણ મને એ જ્ઞાન ન્હોતું, એ નડ્યું!
હિમલ પંડ્યાની ગઝલનો બીજો વિશેષ કોઈ હોય તો તે છે ‘પંક્તિના કોઈ એક શબ્દ પાસે આવીને મૌન ધરવું’. આવું જયારે આ કવિ કરે છે ત્યારે બીજી એક ઘટના બને છે. એ મૌનધારણ પછી ઉભી થતી વ્યંજના ભાવકને થોડો ગૂંચવે છે અને પછી આનંદ કરાવે છે. ઉપરનો જ શેર જોઈએ તો કવિ ‘એ જ્ઞાન ન્હોતું’ એમ તો કહે છે, પણ ‘એ જ્ઞાન’ એટલે કયું? – એ કવિ નથી કહેતા પરંતુ આપણને ‘દુનિયાદારી’ જેવા શબ્દની ચાવી જરૂર આપી દે છે. દુનિયાદારીની વાત નોખી હતી, એમ જયારે એ કહે છે ત્યારે આપણને સમજાય છે કે ‘દુનિયાદારી’ એટલે ‘ઔપચારિકતા’. આપણને એ ઔપચારિકતાનું ભાન ન્હોતું એ નડ્યું છે. અન્ય એક શેરમાં પણ કવિ આ તરકીબ અજમાવે છે,
મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને, આવ.
શેરમાંથી પસાર થનાર સજાગ ભાવકને તરત ખ્યાલ આવી જાય કે અહીં ‘ઈશ્વર’ પણ ગૌણ છે. ‘તને’ના નિમિત્તે જેને સંબોધન છે તે પણ ગૌણ છે, અને આખ્ખો શેર ‘સ્થાને’ શબ્દ પાસે મૌન થઈ બેસી જાય છે અને તરત જ સમજાય છે કે અહીં ‘સ્થાન’ મહત્વનું છે. વ્યક્તિ પૂર્વ કે ભૂતપૂર્વ બને છે પણ સ્થાન અવિચળ છે. હા, ‘તું’ એ સ્થાને આવ તો તને હું ‘કલ્પું’. હવે એ સ્થાનમાં ‘ઈશ્વર’ની પ્રતિષ્ઠા થાય છે તે ખરેખર તો સર્જકના મનની કોઈ વ્યક્તિ માટેની ઉર્ધ્વ ભાવનાની પ્રતિષ્ઠા છે.
હિમલ પંડ્યાની ગઝલનો ત્રીજો વિશેષ છે તેની અભિવ્યક્તિની સરળતા અને તેમાં અભિવ્યક્ત થતી વસ્તુની સ્પષ્ટતા. પરંતુ આ સરળતા અને સ્પષ્ટતા વચ્ચે એક આભાસ કવિ રચે છે, જે આભાસને વિખેરવા ભાવક મથે છે. કવિ કહે છે..
હા, કવેળાની કમત મૂકી દીધી
બિનજરૂરી કેફિયત મૂકી દીધી.
આટલા સરળ-સ્પષ્ટ શેરને થોડા પ્રશ્નો પૂછ્યા વગર આગળ નહીં વધાય. કેફિયત શા માટે મૂકી દીધી? તો એના જવાબમાં એટલું કે એ ‘કવેળા’ની છે.આ ‘કવેળા’ એટલે શું એમ પણ પ્રશ્ન થાય. અને તરત જ જવાબ મળે છે કે તે બિનજરૂરી છે. વળી પ્રશ્ન થાય કે – બિનજરૂરી કેમ? અને હવેના ‘આભાસ’ને વિખેરીયે તો ખ્યાલ આવે કે કવેળા એટલે આજનો સમય. એવો સમય કે જયારે પોતાની કેફિયત રજૂ કરનારને જ દોષી માનવામાં આવે છે. આજે કેફિયતની પ્રસ્તુતિને મતિ નહીં, કુમતિ માને તેવો જમાનો છે ત્યારે એમ લાગે કે આ શેર માત્ર સર્જકનું બયાન નથી, આજના અભિવ્યક્તિપ્રિય અથવા અનિવાર્ય અભિવ્યક્તિના યુગમાં, પ્રવર્તમાન સમયમાં સર્જાયેલો જનસમગ્રનો ‘કોલાહલ’ આ શેરમાં પ્રગટ્યો છે.
ચોથી ખાસિયત આ સંગ્રહમાં જોવા મળી છે તે છે કવિની શબ્દપીંછીથી રચાતી ચિત્રાત્મકતા. થોડા શેર આપણને મળે છે જેમાં બે મિસરાના કેનવાસમાં કવિ કાંઈક ચીતરવા મથે છે, જેમ કે..
આમ ઝાકળ જે રીતે બાઝી પડે
કૈક તો થાતું હશે ને ઘાસને!
સ્હેજ શરમાઈ નજર નીચી કરી
ઢાળ તેં આપી દીધો ઢોળાવને.
આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?
આ સંગ્રહમાંથી પસાર થતા એક ખાસિયત એ પણ જોવા મળી છે કે કવિએ પુરાકલ્પનોનો ખાસ્સો ઉપયોગ કર્યો છે. પુરાકલ્પનોનું પ્રયોજન આજનું નથી અને નવું પણ નથી, પરંતુ સર્જક જયારે તેને નવી રીતે કહે છે ત્યારે તે તેમાં તાજગીનો સંસ્પર્શ જરૂર કરાવી શકે છે. હિમલ આ કરી શક્યા છે કે નહીં તે આ શેરને બોલવા દઈએ….
કાંકરા નાખતા રહ્યા લોકો
તળ એ કારણથી ઊંચું આવ્યું છે.
માછલીની આંખ તો પળવારમાં વિંધી અમે
ત્રાજવે ઊભા રહીને તાકતા વર્ષો થયા.
છેવટે ખિસકોલીને સમજાઈ ગ્યું!
પીઠ પર રેતી ભર્યે ના થાય પુલ.
સાંભળ્યું છે, એ જ પહેલાં ચીર પણ પૂરતો હતો
રોજ આપે છે નવી પીડા મને જે પ્હેરવા.
કવિ હિમલ પંડ્યાએ અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ અમુક ગઝલોમાં કર્યો છે, પણ થોડો વિશિષ્ટ રીતે કર્યો હોઈને એ નોંધવા જેવું લાગ્યું છે. કવિ ટેક્નોલોજીના અભ્યાસુ જીવ છે એટલે એની ઝીણવટને તેઓ જાણે છે અને કવિતામાં એને ખપમાં પણ લે છે. એક શેરમાં તેઓ કહે છે…
શ્વાસની system થવાની hang છે
RAM ઓછી છે તો ઓછું load કર.
RAM ( રેન્ડમ એક્સેસ મેમરી) એક સ્મૃતિસંચય વ્યવસ્થાનું નામ છે એટલું આપણે જાણીએ છીએ. એમાં જેટલું ઓછું load કરતા રહીએ એટલી સરળતાથી જીવતરનું ગાડું ચાલે, નહિતર hang થવાની નોબત આવે. આપણે બધાં આ load-hangની ‘રમત’નો સક્રિય હિસ્સો છીએ. બસ, એમાંથી છૂટવા માટે ‘RAM’ એટલે કે ‘રામનામ’નો આશરો કામ લાગે! પરંતુ આ ‘RAM’ ના સંદેશાઓ બહુ ઝીણા હોય, કોઈ જાગ્રત કે ભેદુ હોય તે જ તેને જાણી શકે! એની આખ્ખી પ્રક્રિયા માટેનો એક શબ્દ decode કવિએ કેટલી સફળતાપૂર્વક પ્રયોજ્યો છે તે જોઈએ..
રાખ શ્રદ્ધા, હાથ જોડી બેસ અહીં
કહી રહ્યો છે એ કશુંક, decode કર.
અહીં load અને decode ગુજરાતી ભાષામાં સરસ રીતે ભળીને રસનિષ્પત્તિમાં વ્યવધાન રચ્યા વિના ગોઠવાઈ ગયા છે.
ભાષા એક સમગ્રતાનું નામ છે. કંઈ કેટલાય ઘટકો તેમાં ભળીને તેને બનાવે છે. એ ઘટકો એટલે સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષ અનુગ-પૂર્વગ, પ્રત્યયો, સમયદર્શકો, સ્થાનદર્શકો વિગેરે. એક આખ્ખા વાક્યને કે પંક્તિને રચતી વખતે તેમાં વપરાતા પાંચ-છ વાકયાંગો એક uniform રચે છે અને તે uniformity વાક્ય કે પંક્તિને સૌંદર્ય બક્ષે છે. હિમલ પંડ્યાની ગઝલોમાં ક્યાંક આ કવિકર્મનો પ્રમાદ જરૂર વરતાય છે. વાક્યમાં વપરાતા દરેક શબ્દ વચ્ચે એક agreement હોય છે જે સર્જકે નિભાવવાનો હોય છે. જે કાળની ભાષાનો શબ્દ હોય તે જ કાળની ભાષાનો પ્રત્યય વપરાય તો એ તેને ચોંટી રહે છે, પરંતુ અનુઆધુનિકકાળને ઓળંગીને આગળ વધતી કવિતાને હવે કેરું, તણું, મુજ, તુજ જેવાં નામીક કે સર્વનામ પ્રત્યયોથી આગળ નીકળી જવું છે. કવિએ તેમાં તેને સહાયરૂપ બનવાનું છે. હિમલભાઈએ પણ આ કામ કરવા જેવું છે, કારણ કે તેઓ એ કરવા સક્ષમ છે તેનો પૂરાવો તેમની ગઝલોના સુઘડ ઘાટમાં આપણને મળે છે. એમના છંદપ્રયોજન અને કાફિયા-રદીફની પસંદગીમાં આપણને તે ક્ષમતા દેખાય છે.
લાંબા સમયથી સર્જનમાં રત હિમલ પંડ્યા પાસે એ હથોટી સહજ છે કે તેઓ તેમની પાસે આવેલા શબ્દને ‘કલા’ઈ કરીને માંજે છે, ચળકતો કરે છે અને આપણને તેમાં ‘રમણીય-શબ્દ’ની ઝાંખી કરાવે છે. કેટલાક શેર જોઈએ..
આંખ દુનિયા જોઈને ભોંઠી પડી!
કાલ સપનાંમાં ઘણું રાચી હતી.
કેટલું અંદર પછી ખૂંચતું હશે!
જાણ એની હોય છે ક્યાં ફાંસને?
બેય બાજુથી એ બન્નેને સતત ડસતી રહે
થાય તગડી લોહી ચૂસી, આપણી વચ્ચેની ભીંત.
ખુદ ભીંત બન્ને તરફથી લોહી ચૂસીને તગડી થતી રહે તેવું કહેનાર હિમલ પંડ્યા, ’..ત્યારે જીવાય છે’ એવું શું કામ કહે છે? એવો સહજ પ્રશ્ન થાય જ. એના જવાબમાં મને કવિનો એક શેર વાંચ્યાનું સ્મરણમાં આવે છે..
એક ખિસકોલી સમી આ ક્ષણ મથે
આપણી વચ્ચેનો સેતુ બાંધવા.
જેમ લોહી ચૂસનાર નોખાં પાડવાનું કામ કરે છે એમ કોઈ સંયોજનનું ખિસકોલીકર્મ કરનાર પણ છે અને એ બેઉ વચ્ચે એક સહૃદયી સાક્ષીભાવે બંને આંદોલનો ઝીલે છે અને એને કલાનો હિસ્સો બનાવે છે.
અંતે એમ કહી શકાય કે કવિ હિમલ પંડ્યાની ગઝલોમાં પ્રતીકાત્મકતા, નૂતન કલ્પનનિયોજન, પુરાકલ્પનોનું સાર્થક પ્રયોજન, અભિવ્યક્તિની સરળતા, કથનની સ્પષ્ટતા, ગઝલને જરૂરી તેવી સહજ બોલચાલની ભાષા, વિચારોનું સૌંદર્ય અને અભિધાથી આગળ વધતો અર્થબોધ તેમને સફળ ગઝલકાર બનાવે છે. આપણને તેમાં યથેચ્છ વિહરવા મુક્ત બાનીનો ટેકો મળે છે અને આખરે ગઝલને કરવું હોય તે થાય છે. હિમલ પંડ્યાના આ નવા સંગ્રહને ખૂબ શુભકામનાઓ પાઠવું છું કવિનો એક ખૂબ જ ગમતો શેર અહીં ટાંકીને મારી વાત પૂરી કરું છું..
ઘડીક અંદર, બ્હાર ઘડીમાં
શ્વાસના બન્ને હાથે લાડુ.
– : સ્નેહી પરમાર
પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
અરિહંત પુસ્તક – વ્હોટ્સએપ : 8734982324
અમેઝોન :
https://www.amazon.in/dp/B09HTMVK81/ref=cm_sw_r_apan_glt_fabc_QCF86HHJWNA4J386S2EK
“…ત્યારે જિવાય છે” : કવિશ્રી હિમલ પંડ્યાનો આ ગઝલસંગ્રહ કવિતાકક્ષ પ્રકાશનનું સૌપ્રથમ સોપાન છે. સંગ્રહની દરેક ગઝલ સાથેના QR code ને સ્કેન કરવાથી પ્રત્યેક ગઝલના અલગ અલગ કલાકારો / સર્જકો દ્વારા પઠન / સ્વરાંકનની વિડિયો પ્રસ્તુતિ પણ માણી શકાશે. સંગ્રહની સાથે એક ઓડિયો આલ્બમ સીડી સ્વરૂપે સામેલ છે (જેના વેચાણની સમગ્ર આવક રૂ. ૪,૫૦,૦૦૦/- પોલિયો નાબૂદી અભિયાનને સમર્પિત કરવામાં આવેલ)
આ સંગ્રહની ૧૦૦૦ નકલોની પ્રથમ આવૃત્તિ વિમોચનના બીજા જ દિવસે સંપૂર્ણપણે ઓર્ડર થઈ ચૂકી છે. અને એના વેચાણની સંપૂર્ણ આવક રૂ. બે લાખ સ્વ. તખ્તસિંહજી પરમારની સ્મૃતિમાં શરૂ કરાયેલ કવિતાકક્ષ ભાવનગરની આગામી કવિતાલક્ષી પ્રવૃત્તિઓ માટે આરક્ષિત રાખવામાં આવેલ છે.
So pleased to read your entire article Snehi Parmarji..Himal sir is the man of feelings, a true human being.His feelings we can observe into his poems through this unique poem collection “ત્યારે જિવાય છે”….I praise your words and feelings to write so skillfully about the poems of Himal Pandyaji.
ઉત્તમ ગઝલ સંગ્રહ માટે આ રીતનો આવકાર જ સ્વાભાવિક
Himal Pandya ના પુસ્તક વિશે snehi Parmar લખે એટલે સોનામાં સુગંધ ભળી…