યે કૌન સા રંગ હૈ ઉમ્ર કા.. – કમલેશ જોષી


મારી બાજુમાં બેઠેલા છોકરાએ કમેન્ટ કરી, “માળી ફિલ્મની હિરોઈન જેવી લાગે છે.”

“મને તો બધી હિરોઈનું જ લાગે છે.” બીજો બોલ્યો.

“તો શું આપણી બાજુ બધા કોમેડિયન અને વિલન બેઠા છે?” પાછલી બેન્ચેથી અવાજ આવ્યો. અમે માંડ માંડ હસવું દાબી શક્યા. મને મારી નિશાળની તોફાની ટોળી યાદ આવી ગઈ.

“કહેતો હો તો તારું માંગું નાખું રિસેસમાં.. પેલી પાસે.” એક બોલ્યો.

“પછી શું મારે જિંદગી આખી એની પાસે ગણિતના દાખલા શીખવા?”

સ્મશાન યાત્રા ભાગ – ૧૧

એ દિવસ મારા જીવનનો બેસ્ટમાં બેસ્ટ દિવસ હતો, જયારે અમારું એચ.એસ.સી.નું પરિણામ જાહેર થયું. બે-ચાર દિવસ પહેલા જ એવી વાતો સંભળાવા માંડી હતી કે આ ગુરુવારે એચ.એસ.સી. નું રિઝલ્ટ આવશે. પરિચિતો અમારી સામે થોડી આસ્વાસન ભરી નજરે જોતા. અમે પણ નર્વસ થવા માંડ્યા હતા.

શેખરકુમાર બે’ક વખત એમની બહેન નંદિની સાથે અમારે ઘરે આવ્યા હતા. અમે પણ બે’ક વખત રાજકોટ એમના ઘરે ગયા હતા. ત્યાં અમે જતા ત્યારે એમના બધા કઝીન્સ પણ આવી પહોંચતા. ભાતભાતના ભોજન અમે જમતા અને અંતકડી રમતા. અંતકડી એટલે બે ટીમ પાડી, કોઈ ગીતના અંતિમ અક્ષરથી નવું ગીત શરૂ કરવાનું. એ પૂરું થાય એટલે સામેની ટીમે એ નવા ગીતના અંતિમ અક્ષર પરથી ફરી બીજું ગીત ગાવાનું. નંદિની સારું ગાતી. મારી મોટીબેન પણ સારું ગાતી. શેખરકુમારના પપ્પા પણ સારું ગાતા.

“સીટ નંબર બાણું ત્રેપન બાવીસ, જીવન.. તને ચોપન ટકા.” બોલી સાહેબે જેવું રિઝલ્ટ લંબાવ્યું કે તરત જ જીવન બોલી ઉઠ્યો,

“બસ.. ચોપન જ! મને ફર્સ્ટ ક્લાસની તો આશા હતી.” એ સહેજ ઢીલો પડી ગયો હતો.

“સાચી વાત છે. તું છૂટીને મને મળ. મારી સલાહ છે કે તારે પેપર ખોલાવવા જોઈએ.” સાહેબ બોલ્યા અને ફરી નવા રિઝલ્ટ તરફ જોઈ નવો નંબર બોલ્યા, “બાણું બાસઠ બાવીસ. વિક્રમ… બે વિષયમાં ફેલ.” વિકી છેલ્લી બેન્ચે ઊભો થયો, “લે.. ફેલ થયો હું?” એ મોટા અવાજે બોલ્યો પણ એના ચહેરા પર ગમગીનીને બદલે હાસ્ય હતું. એની ટોળી પણ હસતી હતી.

કોઈ બોલ્યું, “તે શું ધાર્યું હતું? બોર્ડમાં પહેલો નંબર આવશે?” ફરી હસાહસ. ત્યાં સાહેબ ઊંચા અવાજે બોલ્યા.

“બોર્ડમાં તો નહિ.. પણ સ્કૂલમાં પહેલો નંબર આવે છે સીટ નંબર બાણું તેર ત્રેવીસ.”   

હું બે ધબકાર ચૂકી ગયો. એ મારો નંબર હતો. વીરો તો મને ભેટી જ પડ્યો. વર્ગખંડમાં તાળીઓનો ગડગડાટ થયો. મારી આંખોમાં અનોખી ચમક હતી, મગજમાં ગરમી વર્તાવા લાગી. હું સાહેબના ટેબલ નજીક પહોંચ્યો, સાહેબને પગે લાગ્યો. સાહેબે મારા વાંસા પર જોરથી ધબ્બો મારતા, “શાબ્બાશ… ખૂબ ખૂબ અભિનંદન.” કહ્યું.

જીવને પણ રડમસ ચહેરે મને અભિનંદન કહ્યુ. મને પંચોતેર ટકા અને વીરાને પચાસ ટકા આવ્યા હતા. પ્રિન્સીપાલ સાહેબે મને એમની ઓફિસમાં બોલાવી આશીર્વાદ આપ્યા. હું એમને પગે લાગ્યો. ત્યાં હતા એ બધા શિક્ષકોને પગે લાગ્યો. જીવનને અમારા સાહેબ પેપર ખોલવાની વિધિ સમજાવતા હતા. છૂટીને સ્કૂલ સામેની ચાની કૅબિને અમે.. હું, વીરો, જીવન, વિકી અને બીજા બે’ક મિત્રોએ મારા તરફથી ચા પીધી. હવે અમે છૂટા પડી જવાના હતા.

ઘરે પહોંચ્યો ત્યાં સમાચાર મળ્યા કે પિન્ટુને એંસી ટકા આવ્યા છે, એ અમારા શહેરમાં સાતમો નંબર આવ્યો હતો. અમારા ઘરે તે દિવસે મોટીબેને ગુલાબજાંબુ બનાવ્યા હતા. મમ્મી-પપ્પા ખૂબ ખુશ થયા. પપ્પાએ મને સોની નોટ આપી. આખો દિવસ બસ કોન્ગ્રેચ્યુલેશન, અભિનંદન, વેરીગુડ અને થેંક્યુ ચાલ્યું. સાંજના છાપામાં પિન્ટુનો ફોટો જોઈ અમે સૌ ખુશ થયા. મને થયું, થોડી વધુ મહેનત કરી હોત તો મારો ફોટો પણ છાપામાં છપાત. બીજા દિવસે સવારના છાપાઓમાં નજર ફેરવતા અમને ઔર એક ઝટકો લાગ્યો: પેલી અમારી સાથે ભણતી એ ઝીલનો બોર્ડમાં સાતમો નંબર હતો. એને પંચ્યાશી ટકા હતા. ચાર દિવસ પછી સોમવારે હું કોલેજનું ફોર્મ ભરી રહ્યો હતો.

ઓહ.. હવે હું કોલેજીયન બનવાનો હતો. અમારી સ્કૂલ કરતા કોલેજનું બિલ્ડીંગ બહુ ઊંચું અને મોટું હતું. ચોતરફ છોકરા-છોકરીઓ રંગબેરંગી વસ્ત્રોમાં ફરતા હતા. પપ્પાએ ગૌણ વિષય તરીકે મને એન.સી.સી. રખાવ્યું હતું. બીજા અઠવાડિયે મેરીટ લિસ્ટ બહાર પડ્યું. એમાં મારું નામ બાવીસમું હતું. એકવીસમી જૂને કોલેજનું નવું સત્ર શરુ થતું હતું. પૂજને પણ મારી જ કોલેજમાં એડમિશન લીધું હતું. પપ્પાએ મને એક નવું બેગ લઈ આપ્યું હતું. અમારી તો દુનિયા જ જાણે બદલાઈ ગઈ હતી.

હું કોલેજના પહેલા માળે આવેલા એ ડિવિઝનના રૂમમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં કેટલાય છોકરા-છોકરીઓ બેઠા હતા. કોઈએ મારી નોંધ ન લીધી. સૌ પોતપોતાનામાં વ્યસ્ત હતા. એક વિભાગમાં છોકરીઓ બેઠી હતી. બીજા અને ત્રીજા વિભાગમાં છોકરાઓ બેઠા હતા. મેં ખાલી બેંચ તરફ ડગ ઉપાડ્યા. ચોથી બેંચ પર બેઠેલા એક અજાણ્યા છોકરાએ મને આવકાર્યો, “અહીં બેસી જા, ખાલી જ છે.”

“થેંક્યું..” કહી હું ત્યાં બેસી ગયો.

વર્ગખંડ ખાસ્સો મોટો હતો. છતની ઊંચાઈ પણ વધુ હતી. અમારી સ્કૂલ કરતા ત્રણ ગણો મોટો રૂમ હતો. સામે એક સ્ટેજ હતું. તેના પર મોટું એક ટેબલ હતું અને ડાબી તરફ એક પૉડિયમ હતું. સાવ અચાનક જ એક સુટેડબુટેડ સાહેબ ખંડમાં પ્રવેશ્યા અને સીધા જ સ્ટેજ પર આવી ઊભા રહી ગયા. છોકરા છોકરીઓ ફટાફટ બેન્ચીસ પર વ્યવસ્થિત બેસી ગયા.

“ગુડ મોર્નિંગ એવરીવન..” ઊંચા અવાજે એમણે કહ્યું. અમે સૌ એમના પ્રભાવશાળી વ્યક્તિત્વને તાકી રહ્યા. એ એડવાન્સ મેથેમેટિક્સના પ્રોફેસર હતા. થોડી જ મિનિટોમાં એમણે ગણિતનો એક સાદો દાખલો બોર્ડ પર ચીતરી નાખ્યો. અને પછી અમારી સામે જોતા પૂછ્યું, “આ દાખલામાં રહેલી ભૂલ જણાવો.”

ભૂલ તો હતી. એક્સની કીંમત પાંચ ધારીને ગણાયેલા દાખલાના જવાબમાં છેલ્લે એક્સ બરાબર દસ સાબિત થતું હતું. અમે સૌ બોર્ડ પર તાકી રહ્યા. લીટીએ લીટી જોઈ લીધી. ત્યાં એક ચશ્માવાળા છોકરાએ આંગળી ઊંચી કરી.

“યસ..” સાહેબે એની તરફ હાથ લંબાવી ઊભા થવા ઈશારો કરતા કહ્યું. વર્ગખંડમાં સસ્પેન્સ છવાઈ ગયું. ચશમીશ ઉભો થયો. અદબવાળી બોલ્યો, “ડાબી તરફનું પદ ઇકવલ ટુની જમણી તરફ જાય તો માઈનસને બદલે પ્લસ થવું જોઈએ. ત્રીજા સ્ટેપમાં ભૂલ છે.”

સાહેબે બોર્ડ સામે જોયું. પછી છોકરીઓ સામે જોયું. વચલા વિભાગમાં જોયું. ત્યાં એક છોકરીએ આંગળી ઊંચી કરી. સાહેબે પેલા ચશ્મીશ સામે જોઈ કહ્યું, “કૌંસના સભ્યોની નિશાનીઓ ન બદલે. એ ભૂલ નથી.”

ચશ્મીશ બેસી ગયો. સાહેબે પેલી છોકરીને ઊભા થવા ઈશારત કરી.

મેં ચોરી નજરે છોકરીઓ તરફ જોયું. કોઈ ટૂંકા વાળવાળી હતી તો કોઈ લાંબા વાળવાળી, કોઈએ લાલ રંગથી નખ રંગ્યા હતા તો કોઈએ યેલો, કોઈએ જીન્સ ટીશર્ટ પહેર્યા હતા તો કોઈએ ડ્રેસ, પરંતુ હતી બધી ખૂબસુરત.

“સર..” પેલી ઊભી થઈ ને બોલી, “કોઈ પદનું મૂલ્ય ઝીરો થતું હોય તો એના છેદ ઉડાડી શકાય નહીં.”

“ધેર યુ આર…” સાહેબ ઉત્સાહિત થઈ બોલ્યા. પેલી છોકરીના ચહેરા પર વિજયી સ્મિત આવી ગયું. અમે તો તે દૃશ્યથી જાણે અંજાયા હોઈએ એમ ક્યાંય સુધી બાઘાની જેમ એ છોકરીને તાકતા રહ્યા. એ હતી અંકિતા ઝવેરી. સીટીની ટોપર હતી. એના પિતા પ્રખ્યાત વકીલ હતા.

મારી બાજુમાં બેઠેલા છોકરાએ કમેન્ટ કરી, “માળી ફિલ્મની હિરોઈન જેવી લાગે છે.”

“મને તો બધી હિરોઈનું જ લાગે છે.” બીજો બોલ્યો.

“તો શું આપણી બાજુ બધા કોમેડિયન અને વિલન બેઠા છે?” પાછલી બેન્ચેથી અવાજ આવ્યો. અમે માંડ માંડ હસવું દાબી શક્યા. મને મારી નિશાળની તોફાની ટોળી યાદ આવી ગઈ.

“કહેતો હો તો તારું માંગું નાખું રિસેસમાં.. પેલી પાસે.” એક બોલ્યો.

“પછી શું મારે જિંદગી આખી એની પાસે ગણિતના દાખલા શીખવા?” મારી બાજુવાળો બોલ્યો. ફરી અમે હસી પડ્યા.

એક જ અઠવાડિયામાં અમે પાંચ સાત મિત્રો બની ગયા. હું, પૂજન, સુખદેવ, સિદ્ધાર્થ, શિવમ અને મનીન્દર. આ નામ તો અમે કદી બોલ્યા જ નથી. અમે તો સુખુભા, સીદ, શિવો, મની, બંટી અને પૂજ્યો કહીને જ એકબીજાને સંબોધ્યા છે. મનીન્દર શીખ હતો, એના પિતાનો કારનો શો રૂમ હતો. શિવમના ફાધરની હાઈવે પર હોટલ હતી. સુખદેવના પિતા પોલિટિક્સમાં હતા અને સિદ્ધાર્થના પિતા ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક હતા. પૂજનને લીધે મારે આ લોકો સાથે મિત્રતા બંધાઈ હતી, બાકી આ લોકોના મોજ શોખ મોંઘા હતા. સુખદેવના બર્થડે પર એણે ડીનર પાર્ટી શહેરની મોંઘી હોટેલમાં ગોઠવી ત્યારે હું મુંઝવણમાં મૂકાઈ ગયો હતો. મનીન્દરની કારમાં અમે એ હોટેલ પર પહોંચ્યા હતા. હું પહેલી વખત આવડી મોટી હોટેલમાં આવ્યો હતો. આજ સુધી સોસાયટી મિત્રોની પાર્ટીમાં અમે ચેવડો-પેંડાથી આગળ વધી ભેળપૂરી, દાબેલી, ઈડલી અને ઢોસા સુધીનો લાભ લીધો હતો.

સુંદર મજાના ટેબલ ફરતે મસ્ત ચેર્સ ગોઠવેલી હતી. અમે સૌ ગોઠવાયા એટલે વેઈટરે બે ત્રણ મેનુ અમારા ટેબલ પર મૂક્યા. મેં આસપાસ નજર ઘુમાવી. દીવાલો પર સુંદર દૃશ્યો વાળી ફ્રેમ હતી, ઝીણી લાઈટ્સ મીઠું અજવાળું ફેલાવતી હતી. ટેબલ્સ પર વાનગીઓ પીરસાતી હતી, ક્યાંક કોલ્ડ્રીંક સર્વ થઈ રહ્યા હતા.

“સૂપ સાથે સ્ટાર્ટરમાં શું ચાલશે?” સુખાએ સૌને પૂછ્યું. સૂપનું નામ સાંભળી મને મમ્મી વઘારેલા ભાત સાથે ટમેટાનો સૂપ બનાવતી એ યાદ આવ્યું. મને વઘારેલા ભાત બહુ ભાવતા.

“આપણું ડ્રેગન પોટેટો.” મની બોલ્યો.

“હવે સીધો મેઈન ઓર્ડર જ કરી દે ને. ભૂખ આમેય કકળીને લાગી છે.” શિવમ બોલ્યો.

“એન્જોય કર ને યાર.” સુખો બોલ્યો.

“તે અહીંના હરાભરા કબાબનો સ્વાદ માણ્યો છે?” શિવમે મનીને પૂછ્યું ત્યારે હું થોડો ગભરાયો. આ લોકો નોનવેજ ખાશે!

“અરે.. બંટી..” સીદ મારી સામે જોઈ બોલ્યો, “ડોન્ટ વરી. અહીં બધું વેજ જ મળે છે.”

સૌ હસી પડ્યા. એ દિવસે મેં પહેલી વખત મોટી હોટલમાં પંજાબી મેનુ ખાધું. મને અમીરીનો અહેસાસ થયો.

બીજા જ દિવસે અમારા ક્લાસમાં ત્રણેક હેન્ડસમ સિનીયર છોકરાઓ આવ્યા. એમના ટૂંકા વાળ અને ક્લીન શૅવ જોઈ જાણે તેઓ સોલ્જર હોય એવું લાગતું હતું. એમણે એન.સી.સી. અંગે ટૂંકી માહિતી આપી. જે વિદ્યાર્થીઓએ એન.સી.સી.માં નામ લખાવ્યું હોય તેમને આ રવિવારે સવારે સાડા સાત વાગ્યે કોલેજ ગ્રાઉન્ડ પર આવી જવાનું હતું.

રવિવારની સવારે જયારે હું અને પૂજન સાયકલ પર કોલેજ પહોંચ્યા તો જાણે કોઈ લશ્કરી હેડ કવાર્ટરમાં પ્રવેશ્યા હોઈએ એવું વાતાવરણ હતું. સિનીયર વિદ્યાર્થીઓ ખાખી ડ્રેસ, માથે ટોપી અને લાલ ફૂમ્કામાં પોલીસ જેવા લાગતા હતા. એ લોકો લાઈનસર ઊભા હતા. અમારા ફર્સ્ટ યર વાળાઓ પણ સાદા કપડામાં ત્રણ-ચાર લાઈનમાં ઊભા હતા. મેં મનીને, સુખાને અને શિવમને ત્યાં જોયા. હું અને પૂજન એમની પાછળ જઈ ઊભા રહી ગયા. સિનીયર્સ મસ્ત પરેડ કરતા હતા. એમના બૂટ એક સાથે જમીન પર પછડાતા હતા. મિનિટો વીતવા માંડી. માથે તડકો પણ વધવા માંડ્યો. અચાનક ‘ધબ’ અવાજ સાંભળી અમે સૌ ચોંક્યા. અમારી લાઈનમાં ઊભેલો એક છોકરો ચક્કર આવતા જમીન પર ફસડાઈ પડ્યો હતો. બેક સિનીયર્સ દોડી આવ્યા.

“આને પેલી બેંચ પર બેસાડો.” સિનીયરે અમારી સામે જોઈ કહ્યું. હું અને સુખો દોડ્યા. પેલા છોકરાને ટેકો આપી દીવાલ પાસે, છાયામાં પડેલી બેંચ પર બેસાડ્યો. ત્યાં મની અંદરથી પાણીનો ગ્લાસ લઈ દોડી આવ્યો. અમારા એન.સી.સી.ના સાહેબ અમારી પાસે આવ્યા. મની પાસેથી ગ્લાસ લઈ પેલાને આપ્યો. એણે પાણી પીધું. એ થોડો સ્વસ્થ થયો.

“તૂ કર સકેગા?” સાહેબે હિન્દીમાં એને પૂછ્યું.

“યસ સર..” પેલો જુસ્સાથી બોલ્યો. “એન.સી.સી. મેરે લિયે સબ્જેક્ટ નહીં હૈ, ડ્રીમ હૈ…” એ બોલ્યો. હું ચોંક્યો. સાહેબ એની સામે તાકી રહ્યા હતા. “મારા પપ્પા લશ્કરમાં છે અને મારા દાદાજી એકોતેરની લડાઈમાં શહીદ થયા હતા.” એ ઊભો થઈ ગયો. એનો જુસ્સો જોઈ અમારી ભીતરે પણ દેશપ્રેમ જાગ્યો.

શહીદ.. એટલે રણમોરચે દેશ માટે જીવ આપનાર સૈનિક. મૃત્યુનું આ સ્વરૂપ મને જાનદાર અને શાનદાર લાગ્યું. પોતાના દાદાની વાતો કરતી વખતે પેલો મિત્ર જે ખુમારી અનુભવતો હતો એ મને બેહદ ગમી. મને થયું મારેય એવું જીવવું છે કે જ્યારે મરું ત્યારે મારો પરિવાર મારા માટે ખુમારી અનુભવે.

આપનો પ્રતિભાવ આપો....