સુખને એક અવસર આપો : પુસ્તકપર્વ – ધર્મેન્દ્ર કનાલા


ખીલેલા પુષ્પ, રોજ સવારમાં બોલતી ચકલી, તાજો ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, સૂર્યના સોનેરી કિરણોમાં સૂર્ય સ્નાનનો આનંદ, લીલીછમ વસંત, બર્ફીલો હિમાલય, મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં કે નદીના પાણીમાં જે આનંદ આપી શકવાની તાકાત ધરાવે છે એ બધાં આનંદ આપણે ક્યાં માણી શકીએ છીએ?

સુખી થવાની એક અનોખી રેસિપી.. પુસ્તક – સુખને એક અવસર આપો (‘Give happiness a chance’ નો અનુવાદ)

મૂળ લેખક: Phil Bosmans; અનુવાદક: રમેશ પુરોહિત

પુસ્તકપર્વના આ પાંચમાં એપિસોડની ચર્ચા શરૂ કરીએ એ પહેલાં એક પ્રસંગ કથા જોઈએ.

સુકરાત મહાન દાર્શનિક હતા, પણ તેથી વધુ તેઓ એક ઉચ્ચ કોટીના સંત હતા અને તેમનું જીવન અત્યંત સાદગીપૂર્ણ હતું. તેઓ ઓછામાં ઓછી વસ્તુ સાથે જીવતા. ત્યાં સુધી કે તેમને ફક્ત એક જ જોડી વસ્ત્રો હતા અને તેઓ પગમાં જોડા પણ ન પહેરતાં. પણ તે બજારમાં ઘણી વખત જતા અને વિવિધ વસ્તુઓને જોઇ રહેતા અને ખુશ થતા.

એક મિત્રએ આ જોઇને તેમને એનું કારણ પૂછ્યું, સુકરાત બોલ્યા : “હું એ જોઇને ખુશ થાઉં છું કે વિશ્વમાં કેટલી બધી વસ્તુઓ છે, જેના વગર પણ ખુશ રહી શકાય છે.”

માણસનું જીવન જેની શોધમાં ને શોધમાં પૂરું થઈ જાય છે અને ઘણાને તે અંતિમ ક્ષણ સુધી મળતું નથી એ રહસ્યમય શબ્દ એટલે ” સુખ”. ઘણીવાર, સુખને તો આપણી પાસે આવવું જ હોય છે પણ પેલા પતંગિયાવાળી વાતની જેમ આપણે એની પાછળ દોડ્યા કરીને એને આપણી પાસે આવવાની તક જ નથી આપતા! આ સુખને તક આપવાની એક સબલાઈમ વાત એટલે એક અદભૂત પુસ્તક – “સુખને એક અવસર તો આપો”.

શ્રી ફિલ બોસમન્સ દ્વારા લખાયેલ અને શ્રી રમેશ પુરોહિત દ્વારા ખૂબ સરસ રીતે અનુવાદિત થયેલ આ પુસ્તકમાં લેખકે જીવનનો શાશ્વત અર્ક ભરી દીધો છે. લાખો નકલ અને કેટલીયે ભાષામાં અનુવાદિત થયેલું આ પુસ્તક મૂળ ફ્લેમિશ ભાષામાં લખાયેલું છે. આમ તો લાખો દુખિયાઓને લેખક ફોન ઉપર સાંભળતા અને પોતાના અનુભવના આધારે શબ્દો દ્વારા એક વિશિષ્ટ પ્રકારની શાતા આપતા. આ જખમ પર થયેલા અનોખા શીતલેપનને  શબ્દરૂપે પુસ્તકમાં સંગ્રહિત કરવાનો વિચાર લેખકશ્રીને આ દુખિયાઓએ જ આપેલો. પુસ્તકની પ્રસ્તાવનાનું નામ કેટલું સુંદર રાખવામાં આવ્યું છે “જવાળામુખી પર ફૂલોની વર્ષા!”

જેમ શ્રી અશોકપુરી ગૌસ્વામી લખે છે એમ, ‘પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, અને કમનસીબે આપણે રૂની દુકાન છે.’ એ ન્યાયે દરેક માણસ દુઃખી છે, દરેક માણસ સુખની શોધમાં પાગલ થઈને ફરે છે, દરેકનું જીવન એકવિધતાથી ભરેલું, કંટાળાજનક, દુઃખસભર બની ગયું છે. આવા લોકોને પોતાનું જીવન અર્થહીન લાગ્યા કરે છે અને સામા પક્ષે બીજા કેટલાય એવા લોકો પણ છે કે જે આ ફરિયાદ ધરાવતા  લોકોનું જીવન જોઈને જીવી જતા હોય છે! લેખક શ્રી ફિલ બહુ સરસ વાત કરે છે કે,” હું કોઈ આર્ષદ્રષ્ટા નથી ,પણ એક રમૂજી વહેંતિયો છું અને તમારી આ મૂર્ખ દુનિયાના આધુનિક “દેવો”ને લાત મારું છું. (આ આધુનિક દેવો કોણ એ શાંતિથી વિચારજો.)

આ પુસ્તકની સૌથી મોટી મજા એ છે કે લેખક બહુ ઊંડી ચર્ચા કે વિશ્લેષણમાં નથી પડતા. એ જે કહે છે એ સલાહ કે ઉપદેશ ઓછો લાગે છે, પણ એક દિલદાર મિત્ર બીજા દિલદાર મિત્રનાં ખભે પ્રેમથી માથું નાખીને , આંખમાં આંખ નાખીને સરસ રીતે વાતચીત કરતો હોય, અને તેનો એક-એક શબ્દ રસના ઘૂંટડાની જેમ બીજા મિત્રને ગળે ઉતરતો હોય એવી રીતે વાત કરે છે.  એટલે જ આ પુસ્તકના શબ્દો ગળે ઉતરી જાય છે.

ફિલ એક વાત બહુ સરસ રીતે સમજાવે છે અને એ વાત કદાચ આ આખા પુસ્તકનું બ્રહ્મવાક્ય – સારવાક્ય છે,”યુ આર અ વોકિંગ માર્વલ, યુ હેવ નો ઈકવલ.” માણસ તું  તો હાલતો-ચાલતો ચમત્કાર છો. તારી બરોબરી કરી શકે એવું કોણ છે! ફિલની આ વાત આપણે ફીલ કરી શકીએ તો આપણું મનુષ્ય હોવાનું સાર્થક ગણાય. પણ, મોટાભાગે નાની-નાની વસ્તુઓનો આનંદ લેવાને  બદલે અને ભગવાને આપણને જે જે આપ્યું છે એ શક્તિઓને પારખવાને બદલે જે ખરા અર્થમાં સુખ નથી અને જે ખરા અર્થમાં ક્ષણિક છે એની પાછળ જાગ્યા અને ભાગ્યા કરીએ છીએ.

ખીલેલા પુષ્પ, રોજ સવારમાં બોલતી ચકલી, તાજો ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, સૂર્યના સોનેરી કિરણોમાં સૂર્ય સ્નાનનો આનંદ, લીલીછમ વસંત,બર્ફીલો હિમાલય,આપણા કોઈક મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં પડો કે નદીના પાણીમાં બંને જે આનંદ આપી શકવાની તાકાત ધરાવે છે એ બધાં આનંદ આપણે ક્યાં લઈ શકીએ છીએ?! આ પ્રશ્ન કરતાં પણ આધુનિક માનવ સામે જે બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો છે એ એ છે કે માણસ નિખાલસ મને કોઈને પોતાનો પ્રશ્ન કહી શકતો નથી.

જ્યાં સોશિયલ મીડિયા આ બધાના ઉપાય જેવું લાગે છે એ હકીકતમાં દુનિયાની સૌથી મોટી ભ્રમણા છે. કોઈ એક વ્યક્તિના પ્રશ્ને સોશિયલ મીડિયાના માણસો કઈ રીતે જવાબ આપે છે કે તમે પોતે જ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. વધુ દુઃખ તો ત્યારે થાય કે માણસ પોતાની સાવ નજીક રહેલા વ્યક્તિઓને પોતાના પ્રશ્નો કહી શકતો નથી કે પોતે પોતાની જાતને સમજી શકતો નથી અને એમ માને છે કે જે મિત્રો એને ક્યારેય મળ્યા નથી એ ફેસબુકના મિત્રો એનો પ્રશ્ન સોલ્વ કરી દેશે.

આ પુસ્તક વિશે જેમ શ્રી રમેશભાઈ પુરોહિત કહે છે એમ આમાં “પ્રેક્ટીકલ વિઝડમ” છે, એક સમજણ છે અને આ સમજણ આવી જાય તો એ સમજણ જ તમારા જીવનમાં મેડીટેશનનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. વેદ-ઉપનિષદ કે ગીતામાં જે કંઈ કહ્યું છે એનો જે સાર છે, જેને આપણે સુખના ફળ કહીએ છીએ પણ આ સુખનાં ફળ એ માણસ માટે લગભગ અંત સુધી વણબોટયા જ રહે છે. સામાપક્ષે કેટલાયે એવા ફળ પડ્યા છે, કેટલાયે એવા સુખ પડ્યા છે કે જ્યાં સુધી માણસ હજી પહોંચ્યો જ નથી! ત્યારે માણસને ચોક્કસપણે કહેવાનું મન થાય કે તે સુખને એક અવસર તો આપો અને આ પુસ્તક એટલે એનું પહેલું પગથિયું.

પુસ્તકનું પહેલું પ્રકરણ છે “અય દોસ્ત”.આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત એ છે કે ભલે આ પુસ્તક આખું ગદ્યમાં લખાયું છે પણ દરેક ગદ્યને એટલા સુંદર ફોર્મેટમાં મૂક્યું છે અને એટલા સુંદર શબ્દોથી સજાવ્યુ છે ,વળી તેમાં લેખકનું ભાવવિશ્વ સુંદર રીતે ઉતરી આવ્યું હોવાથી તે ગદ્ય કરતાં પદ્ય વધુ લાગે છે. આ પુસ્તકમાં ઠેર-ઠેર જીવનની જડીબુટ્ટીઓ પડી છે.

“અય દોસ્ત” નામના પ્રકરણમાં લેખક લખે છે,” સમય એક ઘરથી કબર વચ્ચે સડસડાટ ચડતો રાજમાર્ગ નથી, પણ સૂર્ય મંડળમાં સ્થાન શોધવાનો અવકાશ છે”, કશુંયે અર્થ વિનાનું નથી નામના પ્રકરણમાં લેખક આપણને ભગવાને આપેલી ઈન્દ્રિયોનો  કેવી રીતે ઉપયોગ કરવો તે બહુ સરસ રીતે સમજાવે છે.

“પ્રશ્નો અને સમસ્યાઓ” નામના પ્રકરણમાં લેખક સમજાવે છે કે દુનિયાના દરેક દર્દ માટે દર્દશામક ગોળી નથી. કેટલાક દર્દોનો સામનો અને એને સહન કરતાં પણ શીખવું જોઈએ. “સુખી લોકો” નામના પ્રકરણમાં લેખક સુખી લોકો પાસે રહેલું એક રામબાણ ઔષધ દુનિયાના દરેક માણસ પાસે છે પણ તે તેને વાપરતો નથી એમ કહી અને બહુ મોટું રહસ્ય ખોલે છે. આમ જોવા જઈએ તો આ રહસ્ય બહુ મોટું અને આમ જોવા જઈએ તો એકદમ નાનું અને સરળ છે.

સુખી માણસો પાસે અને આપણી સૌની પાસે હાસ્ય નામનું એક ઔષધ છે, પણ આપણે બહુ ઓછો તેનો ઉપયોગ જીવનમાં કરીએ છીએ. આજે લોકો ખુલીને હસી શકતા નથી એનાથી મોટી બીજી વિટંબણા કઇ હોઇ શકે?! “હસી નહીં શકો તો જીવી નહીં શકો” લેખની બરાબર આગળ લેખક લખે છે કે તમને ક્યારેક તમારી જિંદગી વધારે ભારેખમ લાગે છે ખરી, એકાદ વાર પ્રયત્ન તો કરી જુઓ વિદૂષક થવાનો જે અંદરથી રડતો હોય છે, પણ રમૂજના ફૂવારા ઉડાડતો હોય બાળકો સાથે ગેલ કરતો હોય એ રીતે પોતાના મનની ઉદાસીનો ઈલાજ કરતો હોય.” બસ આ સુખને એક અવસર આપવાની વાત છે. ત્યાર પછીના પ્રકરણમાં પણ લેખક બહુ સુંદર રીતે ક્ષુલ્લક બાબતોમાં આપણે કેટલા ભારેખમ થઈ જઈએ છીએ એના સુંદર ઉદાહરણો આપે છે. આ જ વાત કવિ શ્રી રાજેન્દ્ર શાહે આ રીતે પદ્યમાં કીધી છે,

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ફૂલો ને સુખના રૂપક બનાવીને કવિ ખુબ સરસ એક પ્રકરણ આપે છે-” ફૂલો ક્યાં ખોવાઈ ગયા” અને “સાવ સાદા ફૂલો ચાલશે” . આ બંને પ્રકરણમાં કવિએ સુખની કેટલીક ચાવીઓ આબેહૂબ રીતે વર્ણવી છે.  “ખુલ્લા આકાશ નીચે” નામના પ્રકરણમાં કવિ જીવવાની એક અનોખી રીત વિશે વાત કરે છે. આ રીતે જીવતો માણસ હંમેશા સુખને પ્રાપ્ત કરે છે. આ રીત બહુ સરળ છે –  ખુલ્લી આંખો , ખુલ્લા કાન , ખુલ્લા મસ્તિષ્ક સાથે જીવવું, દરેક વસ્તુમાં રહેલી સુંદરતા અને આનંદને પ્રાપ્ત કરવાની ચાતક અને રાજહંસ વૃત્તિ રાખો તો જીવન સુખનો સરવાળો છે. અત્યારે ક્યારેક તો માણસ જેને સુખ માને છે એને એટલો બધો સમય આપી દે છે કે તેની પાસે પોતાને આપવા માટે સમય નથી રહેતો. અને જેને સુખ માને છે એની પાછળ દોડે છે ત્યાંથી પણ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. લેખક શ્રી ફિલના આ સબલાઈમ પુસ્તકનું માસ્ટર પ્રકરણ છે-“જીવવું એટલે શું ?” લેખક બહુ મોટી ફિલોસોફીને સાવ સરળતાથી “કેમ જીવી જવું”માં દર્શાવે છે. આગલા બે પ્રકરણ ” પ્રેમ દોસ્તી” અને ” ક્ષમા”  લેખક પોતાના સબલાઈમને પરાકાષ્ટાએ પહોંચાડે છે. સુખનો પરવાનો નામના પ્રકરણમાં લેખક આ લાઇસન્સને પાંચ લીટીમાં વ્યાખ્યાયિત કરે છે,

આજને જીવો,
જિંદગી ને ચાહો,
ખુશ ખુશાલ રહો, 
હૃદયને મોકળું રાખો, 
તમારા અગણ્ય આનંદ અને સુખનો આધાર
નગણ્ય વસ્તુઓ પર ન રાખો.

“વૃદ્ધ થવું એક કળા છે” એ પ્રકરણની અંદર લેખક વૃદ્ધ થવાની ગરિમાને બહુ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. વૃદ્ધ કઈ રીતે થવું એ પણ માણસને શીખવું જોઈએ. “વધતી જતી વય અણધારી આફત નથી. જરૂર નથી કે ઘડપણ એટલે વ્યથાને વલોપાત.

વૃદ્ધ ભલે થાવ પણ જુવાન મન સાથે.

આ પોતે જ એક સ્વયંભુ કલા છે. આપણી વર્ષોથી ચાલી આવતી એક ફરિયાદ કે કોઈ મને સમજતું નથી નો લેખક ખુબ સુંદર પ્રકરણમાં  ઉકેલ આપે છે અને એ પ્રકરણના શીર્ષકમાં જ આમ જુઓ તો ઉકેલ આવી જાય છે. પ્રકરણ વાંચવું પણ ન પડે . શીર્ષક છે-” તમે પણ એને ઓળખો” અને છેલ્લે જાણે લેખક ઉપસંહાર આપતા હોય એમ છેલ્લા  પ્રકરણની અંદર સુખનો સમગ્ર સાર પ્રસ્તુત કરી દે છે. આ છેલ્લું પ્રકરણ છે-” પ્રકૃતિ તરફ પાછા વળો.” પ્રકૃતિનો નાશ કરીને દુનિયાનું કોઈ પણ સુખ મેળવવાની મથામણ એ પાણીને વલોવીને નવનીત તારવવા જેવી વાત છે.

મિત્રો, એકવાર આ પુસ્તક વાંચવું એટલે સુખને અવસર આપવા જેવું જ છે. એક રવિવારની સાંજે ઘરના સભ્યો સાથે બેસીને મોબાઇલને એક તરફ મૂકીને આ પુસ્તક બધાને વાંચીને સંભળાવશો તો એનાથી મોટું સબલાઈમ બીજું એકેય નહિ હોય

— ધર્મેન્દ્ર કનાલા

આપનો પ્રતિભાવ આપો....