ખલીલ ધનતેજવીની ગઝલો એટલે ફાટફાટ ખુમારીભર્યા શબ્દોનો છલકતો સાગર. એક અલગ જ છટા સાથે આલેખાયેલા શબ્દોમાં સંચિત કરાયેલ ભાવ ને લયની તાલબદ્ધતાએ તેમની ગઝલોને એક નવું જ આયામ બક્ષ્યું છે.
આસ્વાદ
ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.
તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.
ખલીલ ! આવીશ તો કે’જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.
– ખલીલ ધનતેજવી
ગત ચાર એપ્રિલે ગુજરાતી સાહિત્ય જગતનો એક તેજસ્વી તારલો ખરી પડ્યો. કવિશ્રી ખલીલ ધનતેજવીની વિદાયથી ગઝલના ગઢમાં ગાબડું પડ્યું. આજે એમની એક સુંદર ગઝલને ખોલવાનો પ્રયત્ન કરીને આપણે તેમને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ….
ખલીલ ધનતેજવીની ગઝલો એટલે ફાટફાટ ખુમારીભર્યા શબ્દોનો છલકતો સાગર. એક અલગ જ છટા સાથે આલેખાયેલા શબ્દોમાં સંચિત કરાયેલ ભાવ ને લયની તાલબદ્ધતાએ તેમની ગઝલોને એક નવું જ આયામ બક્ષ્યું છે. અસ્તિત્વને સતત ઘમરોળતા વલોણામાંથી નીપજતું શબ્દોનું નવનીત સાંપડ્યું છે સાહિત્ય જગતને.
ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.
આ ગઝલમાં હળવેકથી સ્પષ્ટ ‘ના’ કહેવાની વાત લખી છે કવિએ. આજકાલ કોઈને પણ મળવા જતી વખતે આપણી હયાતી મજાનો સોહામણો મુખવટો ધારી લે છે અને અસલ મિજાજ પર બખૂબી છવાઈ જાય છે પડદો દંભનો. પરંતુ આ ગઝલમાં કવિ નિખાલસતાથી કહે છે કે જેવો છું એવો જ ઉપસ્થિત થઈશ તારી સામે. કોઈ શુષ્ક સભ્યતાનો અંચળો ઓઢી મળવું મને નહિ ફાવે. દર્પણમાં ઉપસેલું સત્યનું બિંબ જરા પણ બદલ્યા વગર , સાવ સહજ પ્રકૃતિ સાથે સન્મુખ થઈશ તારી..
આપણે હંમેશા આપણા નિકટજનોની નજરમાં આપણી એક સુંદરતમ છબી બનાવી રાખવા ઈચ્છતાં હોઈએ છીએ અને એ માટે સ્વભાવ વિરુદ્ધ કેટકેટલાં તિકડમ કરીએ છીએ. આપણા અસ્તિત્વની ધૂંધળી બાજુ – અયોગ્ય કહેવાય તેવી આદતો કે ઈર્ષા જેવા અવગુણ પર સરસ મજાનો શિસ્તબદ્ધ ચળકતો વરખ લગાવી જાતને બહુ ખૂબસુરતીથી રિપ્રેઝન્ટ કરીએ છીએ.
પણ આ ગઝલમાં કવિશ્રીએ એ દંભનો અંચળો ફગાવી દીધો છે. જે છે, જેવી છે તેવી પ્રગટ કરી છે પોતાની જાતને અને એમ જ સંપૂર્ણ પારદર્શકતા સાથે જ સ્વજન સમક્ષ ઉભી કરી છે હયાતી. સાવ સહજ, સ્વનું સત્ય આમ ઉજાગર કરીને પછી છાતી ફૂલાવી સ્વજનની કે દુનિયાની આંખમાં આંખ પરોવી, બેધડક ઊભા રહેવા માટે કેટલા જોમના જામ પીવા પડતાં હશે?
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
બીજો શેર જે ખૂબ જ લોકપ્રિયતાને વર્યો છે, તેમાં કવિની અંતરની ખુદ્દારી ખીલી છે, ખુલી છે. વારસાગત રંગસૂત્રોમાં વણાયેલી ખુમારીની આદત એમ સહજતાથી થોડી છૂટે? રોમરોમમાં રોપાયેલી આ ખુમારીની કુમળી કૂંપળો અસ્તિત્વમાં ઘેઘૂરતા ભરતી હોય છે. એક તૃણ સરીખી હયાતી હોવા છતાંય મરણતોલ ઝંઝાવાતો સામે ટક્કર ભીડવાની હામ આ ખુમારી જ તો આપે છે આતમને. અસ્તિત્વને ઘમરોળતી અડચણો સામે ટટ્ટાર ઊભાં રહીને, માતબર ટક્કર આપીને, લીલાછમ્મ બની રહેવું આસાન તો નથી જ હોતું. આવું જ એક અન્ય શેરમાં પણ ઇંગીત કર્યું છે ખલીલસાહેબે..
– વૃક્ષ ઝંઝાવાત નહિ ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને.
કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.
ત્રીજા શેરમાં કવિની કલમ હાથ જોડી સ્પષ્ટ નનૈયો ભણી દે છે,શરણાગત થઈ મળવા આવવાનો. જરૂર પડે તો જીવ ધરી દેવાની છે તૈયારી પણ ખુમારી ખોવી કોઈ કાળે મંજૂર નથી માંહ્યલાને. તાસક પર ધરેલું મસ્તક સાબિતી છે, ન ઝૂક્યાની. મંજૂર છે શિરચ્છેદ સમૂળગો પણ નતમસ્તકે, આજીજી કરી, શરણાગત થવું – એ સહજ સ્વીકાર્ય નથી જ.
તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
ને દરિયા જેવી વિરાટકાય હસ્તીમાં ઓતપ્રોત થઈ પોતાનું અસ્તિત્વ ઓગાળતી નદી થવું, એ પણ ક્યાં ગમ્યું છે કદી? સ્વયં ઉગવું ને ક્ષણજીવી જીવવું – પણ જાતને ગમતું, ખુદની શરતે ને સ્વના સમયે જીવાય ગયેલું જીવન જ તો છે અસ્તિત્વની ખરી ઓળખ. ભલે ઝાકળ જેવું અલ્પાયુ લખાયું હોય લલાટે, પરંતુ જાતની ઓળખ સ્થાપી સ્વયંસિદ્ધા બનવાનું જ સ્વીકાર્ય છે કવિને. આ શૌર્યથી સભર શબ્દોને સ્વમાન કહો કે અભિમાન, એને નગણ્ય ગણી અવગણી તો ન જ શકાય. સામે ગમે તેટલી વિશાળ વિભૂતિ કેમ ન હોય, જાતમાં જ્વલંત જોમ હણહણતું હોય ત્યારે જ આવા શબ્દો સ્ફુરે.
ઝાકળ શી હયાતી હો ભલે, પણ સ્વયંસિદ્ધા રહીને જ જીવન સફરના શ્વાસ ભરવા- એવી જ્વલંત જિજીવિષા કવિની કલમથી શબ્દે શબ્દે ટપકતી અનુભવાય છે.
ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.
ને સગપણના દ્વાર પર કવિ ટકોરા મારી પહેલ કરવાનું ચૂક્યા નથી..પરંતુ એ બારણા ખોલી સંબંધનું સસ્નેહ સ્વાગત કરવા સજ્જ રહે સ્વજન તેવી અભીપ્સા આળોટતી રહી છે શબ્દોમાં. કોઈ જ આતુરતાની દીવાલ તોડી સામેથી હાથ લંબાવી સાયુજ્યનો સધિયારો શાને માંગવો? બેય પક્ષે એકસરખી ઉત્કટતા આકાર પામે તો એ સગપણનો સેતુ સુવર્ણ શો ચળકે..
ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.
ને અંતિમ શેરમાં બુલંદ અવાજે ઉઘાડેછોગ મળવાની મમત બખૂબી વર્ણવી છે કવિએ. સુષ્ઠુ શબ્દોની કોઈ જ આળપંપાળ કર્યા વગર ચોખ્ખી ને ચટ વાત કરતા કવિ કહે છે કે ઢાંકપિછોડો કરી છાનામાના આવવું નહિ જ ફાવે, હું તો ઉઘાડેછોગ તને મળીશ..
માત્ર એક ગઝલના છ શેરનો આસ્વાદ માણવાથી ક્યાં સંતોષ મળે છે? ચાલો, તેમનું એક અફલાતૂન મુક્તક પણ બોનસરૂપે જરા મમળાવી લઈએ..
રગ રગ ને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
લાગણીભીના ઋજુ હૃદય ધરાવતા તમામ કવિમિત્રો આવી ઉન્માદી અવસ્થાને ઉંબરે ચોક્કસ અટવાયા હશે ને એટલે જ આ મુક્તક સોંસરું ઉતરી ગયું હશે શબ્દશઃ સૌની ભીતરે, ખરું ને? શબ્દોનો આ વૈભવ, સુંદર ભાવનો સંચય ને કવિની ખુમારી છલકતી કલમને નમન.
ખલીલ! આખર શું કરવી
અમારે ખોવાયેલ ટહુકાની ફરિયાદ?
ગનીમત છે, ઓ ઈશ્વર !
કે પિંજરથી થયું છે પંખી આઝાદ…
જો ગમ્યો હોય આ આસ્વાદ તો કહો – ‘ગમ્યો’ ને કમેન્ટ બોક્સમાં તમને ગમતું કોઈ ગીત, ગઝલ કે મૌલિક કવન મોકલો. સાથે મળીને શોધીશું એના મર્મ. બની શકે કોઈ અલભ્ય વિચારનું મોતી હાથ લાગી જાય, ખરું ને?
– મેધાવિની રાવલ ‘હેલી’
ખૂબ ગમ્યું। એક મૌલિક રચના મોકલું છું, હવે તમારે પ્રતિભાવ આપવો પડશે
હું શૈશવે આમ વિચારતો’તો, પચાસથી બાદ જતાં પચાસ
હજારથી બાદ જતાં હજાર
રે’ શૂન્ય બે : એકથી અન્ય કિંતુ
હશે નકી, કાંઈક તોય મોટું
ઈલ્કાબ ‘ તું મૂર્ખ ! ‘ મળી જતો ત્યાં
મને હતી ના વયસિધ્ધિ ઝાઝી
જેથી દઉં કોઇ ઉપાધિ પાછી
આશ્ચર્ય ને કૌતુકથી મિલાવી ,બે આંખને કાંઇક પટ્પટાવી,
તાકી રહું