આશા કરીએ કે બાળકોને ‘મફત’ અને ‘ફરજીયાત’ શિક્ષણ આપવા દેશનો પ્રત્યેક નાગરિક કટિબદ્ધ બને અને સરકારે ભવિષ્યમાં તમામ પ્રકારની શાળાઓમાં ૧૦૦ % ફી માફી કરવી પડે અને આ કાયદો ફક્ત 14 વર્ષ સુધી નહિ પરંતુ હાઈસ્કૂલના શિક્ષણને પણ લાગુ પડે.
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો છે કે, “શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું શ્રેષ્ઠ સાધન છે.” આજે દરેક વ્યક્તિ શિક્ષણની ઉપયોગિતાથી માહિતગાર છે. એમ કહીએ તો જરા પણ ખોટું નથી કે આજના યુગમાં ફક્ત ‘રોટી’, ‘કપડાં’ અને ‘મકાન’ જ નહીં ‘શિક્ષણ’ અને ‘આરોગ્ય’ પણ માનવજીવનની પ્રાથમિક જરૂરિયાતો બની ગયા છે.
માનવજીવનની દરેક પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવી એ જે-તે દેશ તથા રાજ્યની ફરજ છે અને આ ફરજના ભાગરૂપે ઘણા નિયમો ઘડાતા હોય છે. ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ વાતનો સ્વીકાર થયો છે કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને આ અધિકાર એ જ Right to Education કે જેને આપણે ટૂંકમાં RTE તરીકે ઓળખીએ છીએ. ચાલો આજના લેખમાં આપણે આ અધિકાર વિશેની વાત કરીએ.
સમગ્ર વિશ્વ એ વાત સાથે સહમત થાય કે શિક્ષિત વ્યકિત જ એક સુઘડ સમાજની રચના કરી શકે છે. એક તરફ જ્યાં ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે ત્યારે વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણ વિના શક્ય જ નથી. ઔપચારિક શિક્ષણ મેળવવું એ વ્યક્તિની ફક્ત જરૂરિયાત જ નહિ પરંતુ તેનો મૂળભૂત અધિકાર પણ છે અને આ વાત સમગ્ર વિશ્વમાં સ્વીકૃત થઈ છે. યુનાઈટેડ નેશન્સે ઈ.સ.૧૯૪૧માં કહ્યું છે કે દરેક માનવીને શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં પણ આર્ટિકલ ૨૬ માં Right to Education નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત સહિત કુલ ૧૩૫ દેશોમાં શિક્ષણને માનવીના અધિકાર તરીકે ગણવામાં આવે છે. ભારતમાં આ માટેનો ચોક્કસ કાયદો આવતા ઘણા વર્ષો વીતી ગયા. આઝાદી પછી દેશને જ્યારે તેનું બંધારણ ઈ.સ.1950માં મળ્યું ત્યારે તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે આગામી ૧૦ વર્ષમાં ૧૪ વર્ષની વય સુધીના બાળકોને શિક્ષણનો અધિકાર મળે એ માટે તૈયારી કરી લેવી. પરંતુ તરત એ બધું શક્ય ન બન્યું. ઈ. સ.૧૯૭૨ થી દેશમાં અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ એવા કોર્ટ કેસ થયા કે જેમાં ભારત દેશમાં બાળકને શિક્ષણનો અધિકાર છે કે કેમ એ બાબત ઉપસી આવી. ત્યારબાદ પણ ઘણા વર્ષો પછી, ઈ.સ. ૨૦૦૨માં બંધારણના ત્રીજા ભાગમાં શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ઉમેરવામાં આવ્યો.
આ સુધારામાં ઉમેરો થયો ૨૦૦૯ માં ૬ થી ૧૪ વર્ષના બાળકોને ‘મફત તથા ફરજીયાત શિક્ષણ’ની જોગવાઈવાળું વિધેયક સંસદના બંને સત્રોમાં જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૯ માં પસાર કરવામાં આવ્યું તથા આ વિધેયકને રાષ્ટ્રપતિએ ઓગસ્ટ ૨૦૦૯માં મંજૂરી આપી. આ અધિનિયમ એપ્રિલ ૨૦૧૦થી સમગ્ર દેશમાં લાગુ થયો. આ વિધેયકમાં વિકલાંગ બાળકોને ૧૮ વર્ષ સુધી મફત શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી છે.
આ અધિનિયમ અંતર્ગત બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવો એ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી છે. સરકારે જોવાનું છે કે બાળકને 8 ધોરણ સુધીનું શિક્ષણ નજીકની શાળામાં પ્રાપ્ત થાય. મિત્રો તમને કદાચ ખ્યાલ હશે કે બ્રિટન અને અમેરિકા જેવા વિકસિત ગણાતા દેશોમાં એવો નિયમ છે કે વાલી બાળકનું એડમિશન પોતાના વિસ્તારમાં આવેલી શાળામાં જ લઈ શકે. જો એમને કોઈ ખાસ કારણથી બાળક માટે દૂર કોઈ શાળામાં પ્રવેશ લેવો હોય તો સરકારી મંજૂરી લેવી પડે કે કોઈવાર કેસ લડવો પડે. આ બધા દેશોમાં સરકારી શાળાઓની સંખ્યા જ વધુ હોય છે અને મોટાભાગનાં લોકો સરકારી શાળામાં જ પોતાના બાળકોનો પ્રવેશ લે છે. આ બધા દેશોમાં બહુ ઓછી પ્રાઈવેટ શાળાઓ હોય છે અને તેની ફી એટલી વધુ હોય છે કે લગભગ લોકોને તે પરવડે નહિ.
આપણા દેશમાં શાળાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીં સરકારી, પ્રાઇવેટ, ગ્રાન્ટ-ઇન-એઇડ ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય વગેરે. RTE અંતર્ગત સરકારે એવું નક્કી કર્યું છે કે તમામ કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ઓછામાં ઓછા 25% આર્થિક દૃષ્ટિ એ નબળા બાળકોને પ્રવેશ આપવો.
આ ઉપરાંત RTE કાયદા અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી કે પ્રાઇવેટ શાળામાં પણ ૨૫% અનામત આપવાનું નક્કી થયું છે. આ યોજનાનો લાભ લોકો દસ વર્ષથી લઈ રહ્યા છે. જો કે શરૂઆતના વર્ષોમાં લોકોને આ યોજના વિશે ઓછો ખ્યાલ હોવાથી બહુ ઓછા લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો પરંતુ હવે લોકો આ યોજના પ્રત્યે જાગૃત થયા છે. આ વર્ષે જ્યારે તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો ત્યારે ઘણા બધા વાલીઓ RTEની આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે. જો કે સરકારી શાળાઓ વિનામૂલ્યે જ બાળકને શિક્ષણ ઉપરાંત ગણવેશ, પાઠ્યપુસ્તક વગેરે આપતી હોવા છતાં લોકોમાં ખાનગી શાળાનો એક ક્રેઝ છે. ઘણીવાર વાલી એમ ઈચ્છતા હોય છે કે બાળક નજીકની શાળામાં અભ્યાસ કરે તો એમના માટે આ બહુ સારી યોજના છે.
આ યોજનાનો લાભ લેવા માટેના અમુક નિયમ હોય છે. બાળકનું એડમિશન પહેલાં ધોરણ માટે જ થઈ શકે છે. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યા પછી બાળક 8મા ધોરણ સુધી જે-તે શાળામાં ફી આપ્યા વિના અભ્યાસ કરી શકે છે. ધોરણ 1માં પ્રવેશ માટે બાળકને 1જૂન પહેલાં 5 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (૨૦૨૩-૨૪ બાદ ૬ વર્ષ પૂરા થયેલા હોવા જોઈશે.) બાળકના વાલીની આવક મર્યાદા જે-તે સમયે નક્કી કરી હોય એથી ઓછી હોવી જોઈએ. જો બાળકના અભ્યાસ વચ્ચે વાલીની આવક વધે તો પણ વાલીએ RTEનો લાભ જતો કરવો પડે છે.
સરકાર પોતે પ્રાથમિક શાળામાં એક બાળક પાછળ જેટલો ખર્ચ કરે એટલી રકમ કે પછી ખાનગી શાળાની ફી એ બેમાંથી જે રકમ ઓછી હોય તે RTE અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળક દીઠ શાળાને ચૂકવે છે. આ ઉપરાંત જો બાળકને શૈક્ષણિક વર્ષની હાજરી ૮૦% હોય (ધોરણ ૧ સિવાય) તો સરકાર અમુક રકમ વિદ્યાર્થીને પુસ્તકો વગેરેના ખર્ચ માટે પણ આપે છે.
તમને એક પ્રશ્ન એ પણ થતો હશે કે ખાનગી શાળામાં કેટલા બાળકો RTE અધિનિયમ અંતર્ગત પ્રવેશ મેળવી શકે? તો તમને કહી દઉં કે ખાનગી શાળાની યુ.કે.જી. કે ધોરણ ૧ ની સંખ્યાના ૨૫% બાળકોને આ નિયમ અંતર્ગત પ્રવેશ આપવાનો હોય છે.
બાળકોના પ્રવેશ ઉપરાંત અમુક નિયમો શિક્ષકો માટે પણ બનાવવામાં આવ્યા છે. જેમકે શિક્ષકોએ ખાનગી ટ્યુશન કરાવવા નહિ. આ ઉપરાંત શિક્ષકોને ચૂંટણી, વસ્તી ગણતરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવાયની કામગીરીઓ સોંપી શકાશે નહિ.
હવે પ્રશ્ન એ છે કે સરકારના આટલા પ્રયત્નો પછી શું આપણા દેશનું ૬ થી ૧૪ વર્ષનું દરેક બાળક મફત અને ફરજીયાત શિક્ષણ મેળવી રહ્યું છે? RTEના ૨૦૧૦ ના કાયદામાં ‘મફત’ અને ‘ફરજીયાત’ આ બે શબ્દો પર ભાર આપવામાં આવ્યો છે પણ શું આ શક્ય બન્યું છે? વિશ્વના ૧૯% બાળકો ભારતમાં છે પણ હજુ ભારતના 3 મિલિયનથી વધુ બાળકો શિક્ષણથી વંચિત છે. સમગ્ર વિશ્વમાં પણ આ જ પરિસ્થિતિ છે. સમગ્ર વિશ્વમાંથી ૭૦ મિલિયન બાળકો શિક્ષણથી વંચિત છે. આ પરથી એમ કહી શકાય કે હજુ પણ આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકારે અને સૌ જાગૃત નાગરિકોએ ઘણું બધું કરવાની જરૂર છે.
વિશ્વભરમાં UNESCO અને UNICEF જેવી સંસ્થાઓ શિક્ષણના પ્રચાર માટે કામ કરી રહી છે. ભારતમાં પણ અનેક એકમો દ્વારા આ કામ થઈ રહ્યું છે છતાં હજી ભારતમાં અનેક બાળકો શાળાની બદલે મજૂરી કરવા જઈ રહ્યા છે તો ઘણા બાળકો પારિવારિક સંજોગોને કારણે શાળાકીય શિક્ષણ અધવચ્ચે છોડી રહ્યા છે.
આપણે આશા કરીએ કે બાળકોને ‘મફત’ અને ‘ફરજીયાત’ શિક્ષણ આપવા દેશનો પ્રત્યેક નાગરિક કટિબદ્ધ બને અને સરકારે ભવિષ્યમાં તમામ પ્રકારની શાળાઓમાં ૧૦૦ % ફી માફી કરવી પડે અને આ કાયદો ફક્ત 14 વર્ષ સુધી નહિ પરંતુ હાઈસ્કૂલના શિક્ષણને પણ લાગુ પડે. તમારી આજુબાજુ કોઈ બાળક હોય જેની ઉંમર ધોરણ 1માં પ્રવેશ મેળવવા જેવી છે તો તેને RTEનું ફોર્મ ભરવામાં મદદ જરૂર કરશોજી.
વાંચકોની જાણકારી માટે : હાલમાં ચાલી રહેલી RTE પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી તમને આ વેબસાઈટ પરથી મળી રહેશે : rte.orpgujarat.com
— હેમાંગી ભોગાયતા મહેતા
Very nice information