બધા જ નિબંધોને અપાયેલા ઉત્તમ શીર્ષકો સુંદર અને ચિતાકર્ષક રેપર્સ છે કે જે તમને અંદરના ગિફ્ટ માટેની તાલાવેલી વધાર્યા વગર રહે નહીં. આમ આ પુસ્તક જોતાાં જ એને વાંચવાની એક પ્રકારની તાલાવેલી જાગે છે. લેખકે શીર્ષકો, શબ્દો, વિચારોની પસંદગીમાં કોઈ કચાશ નથી રાખી.
ચાલો, માપીએ વિચારોની લંબાઈ, પહોળાઈ અને ઉંડાઈ પુસ્તકનું નામ: થ્રિડી: દિલ-દિમાગ, દુનિયા
પુસ્તકોની એક આગવી અને અલગારી દુનિયા છે. તો બીજી તરફ દુનિયાને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોતાં કેટલાય અભિગમો પુસ્તક સ્વરૂપે આપણાં વારસામાં અકબંધ પડ્યાં છે. ક્યાંક કોઈક પુસ્તક જેમ ફ્રાન્સિસ બેકન કહે છે તેમ માત્ર ચાખી કે ખાઈ લેવા કરતા, જીવનમાં નિરાંતે ભાથાની જેમ વાપરવાનું મન થાય એવું મળી આવે ત્યારે સાર્થક જલસો પડી જાય.
એવું જ એક અનોખા વિચારો ધરાવતું અદભુત પુસ્તક એટલે- ‘થ્રીડી : દિલ-દિમાગ, દુનિયા. આમાં ડૂબકી લગાવો એટલે લંબાઈ-પહોળાઈ કરતા ઉંડાઇનો અદભુત આંનદ આપણી મરજીવાવૃત્તિને આવ્યા વગર રહે નહીં. આ પુસ્તકનું મુખપૃષ્ઠ જોતાં જ તમારાં દિલમાં એક અનોખુ સંવેદન ઉઠવા લાગે છે અને મજાની વાત એ છે કે આ આનંદ પુસ્તકના અંતિમ પૃષ્ઠ સુધી અકબંધ રહે છે. પંકજ કપૂરની એક જૂની સોસની જાહેરાતની જેમ તમને its different કહેવાનુંં મન ચોક્કસપણે થઈ આવે. આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમને તમારી એકવિધ દુનિયામાંથી બહાર કાઢી આપવાની ખાતરી આપે છે. આમ તો આ પુસ્તકનું નાવિન્યસભર શીર્ષક વાંચતા જ દિમાગના દ્વારેથી થઈ સાવ એક અનોખી દુનિયામાં આપણે પહોંચી જઈએ છીએ. લેખકની આ દુનિયા ત્રિપરિમાણીય પાર્શ્વ કાચ જેવી હોવા છતાં ત્રિવેણી સંગમ જેવી આહલાદક પણ છે જ; કહો ને કે ત્રિપરિમાણીય છે! અહીં થ્રીડી એટલે ક્યાંક વૈચારિક ચમકારા, ક્યાંક શબ્દવૈભવ તો ક્યાંક રસાળ ભાષાવૈભવ. લેખક મોટાભાગેેે વર્ણન કરતા વિચાર ઊંડાણને વધુ મહત્વવ આપે છે અનેેેેેે એ વાત જ તેના લખાણ ને આકર્ષક બનાવે છે.
બધા જ નિબંધોને અપાયેલા ઉત્તમ શીર્ષકો સુંદર અને ચિતાકર્ષક રેપર્સ છે કે જે તમને અંદરના ગિફ્ટ માટેની તાલાવેલી વધાર્યા વગર રહે નહીં. આમ આ પુસ્તક જોતાાં જ એને વાંચવાની એક પ્રકારની તાલાવેલી જાગે છે. લેખકે શીર્ષકો, શબ્દો, વિચારોની પસંદગીમાં કોઈ કચાશ બાકી નથી રાખી.
‘બોલવાની ટેવ – વ્યક્તિત્વનો સ્કેન’, ‘કોઈ ગુલાબ તો કોઈ ગુલમહોર’, ‘માનતા અને મલમનું મેચ મેકિંગ’, ‘વેવલેન્થ : સંબંધોનું સનાતન સત્ય’, ભૌતિક ચીજવસ્તુઓ : from facility to necessity’ તથા ‘સ્ત્રી સાથે સંકળાયેલ સ અને શ’ જેવા શીર્ષકો એકદમ તરોતાજા અને નાવિન્ય સભર છે. પ્રથમ નજરે કદાચ કેટલાક લોકોને આવા ચિત્ર-વિચિત્ર શીર્ષકો આપવાની લેખકની ઘેલછા જેવું લાગે. પરંતુ જેમ-જેમ આપણે પ્રકરણો વાંચતા જઈએ છીએ તેમ-તેમ આ શીર્ષકો આપણા મસ્તિષ્કમાં મહદંશે બંધબેસતા જાય છે.
‘બોલવાની ટેવ – વ્યક્તિત્વનો સ્કેન’ નિબંધ વાંચ્યા બાદ કોઈ લેખક બોલવાની ટેવના આધારે લોકોના વ્યક્તિત્વનું આટલું સરસ આંતરિક સ્કેનિંગ કરી શકે એ વાત જ અદભુત અને અશક્ય લાગે.પણ પછી ખ્યાલ આવે કે આટલું સરસ કામ જો કોઈ કદાચ કરી શકે તો તે એક ડોક્ટર લેખક જ કરી શકે. તેમાં નીચેની લીટીઓ તો જુઓ.. ‘મોટાભાગના સારા વક્તા લોકપ્રિય નેતાઓ, સંચાલકો વગેરે આ પ્રકારમાં બંધબેસતા હોય છે અને મોટાભાગે તે પુરુષો હોય છે કારણ કે સત્ય છુપાવવાની અથવા વ્યવહાર ન અટકે એ માટે અસત્ય બોલવાની કળા તેમના જનીનમાં હોય છે.’ પ્રથમ નજરે કદાચ સ્ત્રીવર્ગને ખટકે એવી વાત પરંતુ ત્યારબાદ લેખક વ્યાજસ્તુતિ અલંકારનો આબેહૂબ ઉપયોગ કરીને સ્ત્રીવર્ગને અને પુરુષવર્ગને બંનેને ખુશ કરી દે છે. અહીં પુરુષવર્ગને ખુશ થવાનું એકમાત્ર કારણ લેખકના વાક્યમાં રહેલી યથાર્થતા છે. તો પ્રકરણ નંબર બેમાં લેખક દ્વારા લખાયેલી એક લીટી કેટલું મોટું અને કેટલું સટીક નિરીક્ષણ છે. ‘હાજરીથી મળતી આહલાદક અનુભૂતિ ગમે તે સ્તરે પહોંચે તો પણ ગેરહાજરીની પીડાને મહાત આપી શકે નહીં.’
એક જ લીટીની અંદર કેટલું બધું કહેવાઇ ગયું! જાણે કે ગેરહાજરીની આખી પીડાને લેખકે એક લીટીમાં વ્યાખ્યાયિત કરી નાખી. આ પ્રકારની તો કેટલી અનુભવજન્ય રત્નકણિકાઓ આ પુસ્તકમાં ઠેર-ઠેર પડી છે.
ત્યાર પછીના ” ફોર અ ચેઈન્જ” નામના પ્રકરણમાં લેખક જીવનનો આનંદ ઘરેડમાંથી બહાર નીકળીને જીવવામાંં છે, એવું જણાવીને આપણી સમક્ષ વધુ એક આબેહૂબ નિરીક્ષણ ખોલે છે. જીવનમાં વૈવિધ્યપૂર્ણ રીતે કેમ જીવી શકાય તેના આનંદ અને અનુભૂતિની વાત તેઓ સુપેરે રજૂ કરે છે એમ કહેવા કરતાં એ રીતે જીવીને રજૂ કરતા હશે એમ ચોક્કસપણે વધુ લાગે. એમાં લેખકનું એક સ્ટેટમેન્ટ આ આખા નિબંધનો સાર આપણી સમક્ષ પીરસી આપે છે. ” માણસ સૌથી વધુ વૈવિધ્યને પ્રેમ કરે છે, પોતાનાથી પણ વધુ.” આ વિચક્ષણ સર્વેક્ષણ સમું વાક્ય નિબંધ પૂર્ણ થઇ ગયા બાદ પણ વાચકના મસ્તિષ્કમાં અકબંધ રહે છે. આ નિબંધ વાંચ્યા પછી તમારા મસ્તિષ્કમાં વિચારોનો એક તુમુલ સંઘર્ષ શરૂ ન થાય તો જ નવાઈ. પોતાનાથી પણ વધુ વૈવિધ્યને પ્રેમ કરતા માણસની વાત કરીને લેખકે માણસના એક શાશ્વત અને સનાતન કાળથી ચાલ્યા આવતા ગુણ અને વૃત્તિને અહીં આપણી સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે.
‘કોઈ ગુલાબ તો કોઈ ગુલમહોર’ એક જ પ્રકરણની અંદર ડૉ. કેેેતનભાઈએ આજની શિક્ષણ વ્યવસ્થા અને માતા-પિતાના ઉછેર સામે કેટલીક વિચારધારાઓ અનોખી અને સરસ રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે. આજનું શિક્ષણ માછલી ને ઊડવા અને પતંગિયાને તરવા મજબૂર કરે છે! બધા જ લોકો જે તે વ્યક્તિને જે એ છે જ નહીં તે બનાવવામાં જ સતત વ્યસ્ત રહેતા હોય છે. એક શિક્ષક જીવ તરીકે આ પ્રકરણ દરેક શિક્ષકને, દરેક મા-બાપને અને એમ તો દરેક વ્યક્તિને માણસ તરીકે ગમવું જ જોઈએ.
વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ જેવા ગંગા સતીના ભજનનું ગદ્ય સ્વરૂપ કહી શકાય એટલું સરસ પ્રકરણ ‘કર્મ : અફસોસ કે સંતોષ’ બનવા પામ્યું છે. જેમ વીજળીના ચમકારાની વાત કરીને ગંગાસતી ખુબ ઝીણી વાતને આપણી સમક્ષ ખુલ્લી કરે છે. એ જ રીતે લેખક આ પ્રકરણની અંદર કેટલીક જીવનના સાર સમી ઝીણી-ઝીણી બાબતોને આપણી સમક્ષ ખોલી અને આપણને વિકલ્પ પસંદ કરવા માટેનું કહે છે. આ બધા જ પ્રકરણમાં સુખ માત્ર ચાર પગલાં જ દૂર મને સૌથી શ્રેષ્ઠ લાગ્યું. આ ચાર આદત વિષે આપણને ડોક્ટર કેતન ભાઈએ જણાવ્યું અને પછી જ આપણને ખ્યાલ આવ્યો એવું નથી, પણ ઢગલાબંધ મોટીવેટર્સની વાહિયાત વાતો સાંભળ્યા બાદ આ બાબતમાં કોઈકે ખરું સાર તત્વ કાઢીને આપ્યું હોય તેવું તો ચોક્કસ લાગે. આ ચારની ગતિ સમજાઈ જાય તો જીવનનો ભાર ઘણા અર્થમાં હળવો કરીને જીવનને જીવવા જેવું બનાવી શકીશું.આ ચાર પાયાની સમજ તો એ રીતે અવશ્ય વિકસાવવા જેવી અથવા આપણામાં પડેલી જ હોય તો તેનું પાલન કરવાની જરૂર સમજાય છે. ટૂંકમાં આ શ્રેણી ચશ્માં ચઢાવીને જોનારને દિલ-દિમાગ અને દુનિયાની એક સાવ નવી જ સફર જોવા અને જાણવા આપે જ છે.
આ થ્રી ડી દુનિયા તમને બધી જ રીતે માણવી ગમે એવી છે. ટૂંકમાં, એક ડોક્ટરની કલમે લખાયેલ હોવાથી સાહિત્ય પ્રેમીને એક વૈવિધ્યસભર નિબંધ સંગ્રહ પ્રાપ્ત થાય છે. આ પુસ્તક આપણા વિચારોમાં રહેલી પરંપરાગત ધૂળને ખંખેરીને આપણને પણ એક નવી જ દિશામાં વિચારવા તરફ લઈ જાય છે. દિલ અને દિમાગ બંનેને એકસાથે એક્ટિવેટ કરીને એક અજબ ઉંડાણમાં લઈ જતી એક પુસ્તવાટિકા એટલે આ થ્રિડી: દિલ-દિમાગ, દુનિયા. એક વાર ચોક્કસપણે લટાર મારવા જેવું ખરું અને લટાર મારતાં- મારતાં ઘણાં શબ્દપુષ્પો કાળજે કટાર મારીને કોતરાઈ જાય એમ કોતરાઈ જશે એની પણ સાંગોપાંગ ખાતરી. જો કે આ ઘા પીડા નહીં આપે પણ આહલાદક આંનદની અનુભૂતિ કરાવશે.
— ધર્મેન્દ્ર કનાલા