કહેવાઈ જવાનો મોક્ષ – નેહા રાવલ 12


મને ક્યારેક થાય કે અત્યારે અબઘડીએ જો ભગવાન આવીને કશુંક માંગવાનું કહે તો હું આવો જ અઢળક મોહ માંગુ. એ મોહની મજા, પીડા, આંસુ સ્મિત..એ બધુ જ ફરીફરીને જીવવું છે, પછી મોક્ષ લઈને શું કરીશું? તારી આંખોના સાત દરિયામાં મારી નાવ વહેતી મૂકું પછી એ જ્યાં પહોંચે એને જ મોક્ષ ન કહેવાય?

એય સાંભળને,
હું શું કહું છું.. કે..
એક તો આ ફાટ્ટીમુઓ વરસાદ,
ને વાલામુઈ તારી યાદ!
બેય જીવ લેવા બેઠા છે.
આ વિરહના સમયમાં
ભગવાને ચોમાસું ન આપવું જોઈએ ને!
અથવા તો પછી ચોમાસામાં વિરહ ન આપવો જોઈએ!
ભગવાનને એટલુંય નથી ખબર કે
ચોમાસું અને વિરહ બેય એકબીજાને વધુ ઘૂંટે છે!
કોણ કોની અસર વધારે એય કહેવું અઘરું!
જેમ આપણા બેમાં કોણ કોને વધારે પ્રેમ કરે એ નક્કી કરવું..
પણ હું એમ કહેતી હતી કે…
કઈ નહિ.. રે!

એય સાંભળને,

બહુ વખતે પત્ર! તને ખબર જ છે, વ્યક્ત થવું મારો સ્વભાવ છે એટલે ભલે સાડી સત્તર વખત કહ્યું હશે છતાં અઢારમી વખત કહીશ.

સાંભળ ને,

તું યાદ આવે, બહુ જ યાદ આવે. પહેલા જેટલો અને કદાચ વધારે. વધારે એટલે કે કલ્પનાઓ બેબાકળી બની છે. કલ્પનાઓ પણ હવે અધીરી થઈ હોય એમ એક જ દિશામાં જાય છે અને પછી તું કહે એમ માહોલ તરત જ છવાઈ જાય. બાય ધ વે, આ માહોલ એટલે? માહોલ એટલે શરીર રસોડામાં હોય અને માંહ્યલો તને જોતો હોય. હાથ દાળનો વઘાર કરતા હોય અને આંગળીઓ તારા વાળમાં ફરતી હોય. આંખો ભરાઈ રહેલી બાલદી જોતી હોય અને નજર તને વધુ શરારત નહિ કરવા વીનવતી હોય. આ બધું એના સમયે આપોઆપ થતું જ રહે છે. પછી શરીર અને મન જ્યારે સાથે બેસે ત્યારે બેય એકબીજાને ટપારતા રહે છે કે આ શું ચાલી રહ્યું છે? અને પછી બેય એકબીજાને સાચવી પણ લે છે, સાંત્વના પણ આપે છે કે હમણાં તો આમ જ ચાલશે ને! તું તારી જંગલ ટ્રીપ પૂરી નહીં કરે ત્યાં સુધી આમ જ ચલાવવાનું છે. આમ જ ચાલતી રહેતી આ ઘટમાળમાં તારી યાદો ઓક્સિજનનું કામ કરે છે. ઓક્સીજન….કેટલું સરસ…કલ્પન! હું એટલે જ તારી સાથે ગાળેલી દરેક પળને વાગોળતી રહું છું. એમ લાગે કે જાણે ઓક્સીજનના સિલિન્ડરમાંથી  જરૂર જેટલો ઓક્સીજન લઈ રહી છું.

આજકાલ ફરી બધું ‘બેક ટુ નોર્મલ’ થવા લાગ્યું છે. આમ તો નોર્મલ એટલે બોરિંગ હોય, પણ આ ‘બેક ટુ નોર્મલ’ થવું થોડું થોડું ગમે છે કારણ કે આપણું તો નોરમલ પણ ક્રેઝી હોય. તું જ્યાં પણ હોય ત્યાંથી તારા કૅમેરામાં કેદ કરેલી ક્ષણોને મારા સુધી વહેતી મુકે. એ ફોટાઓ જોઈ હું એ કલ્પના કરી લઉં કે આ ક્લિક કરતી વખતે આ જ દ્રશ્યમાં તું હોય તો કેવો લાગતો હશે? આખું દ્રશ્ય મારી આંખો સામે ફિલ્મની જેમ જીવંત થઈ જાય. તું, કોઈ તળાવ કે નદીના કિનારાની ઝાડીઓમાં ક્યાંક ઉભો હોય. હાથમાં કૅમેરો હોય અને નજર એ દ્રશ્યની શોધમાં ભટકતી હોય.

અને એકાદ કલાકની તપસ્યા પછી તને પાણીની ઉપર એક જ જગ્યાએ સ્થિર રહી પાંખો ફફડાવતો કલકલિયો દેખાય. એ માછલી પકડે ત્યારે તારી સમાધિ પૂર્ણ થતી હશે ને ક્લિક થતી હશે! ક્યારેક હું પણ તારી સાથે આવીશ ને ત્યારે તારી આ સમાધિમાં તને જ ક્લિક કરીશ! આવી કલ્પનાઓ ફરી પાછી આવવા લાગે એટલે બેક ટુ (ક્રેઝી)નોર્મલ પણ ગમવા જ લાગે ને! આ ફોટાઓમાં  ક્યારેક કોઈ નવી જાતનું હરણ દેખાઈ જાય તો ક્યારેક કોઈ નવું જ રંગીન પક્ષી! હવે પ્લીઝ, બધાની ડિટેઇલમાં જઈને એમના સાયન્ટીફીક નામની નામાયણ શરુ ન કરીશ! તું જાણે છે એટલું પૂરતું છે. મારા માટે તો એ બધું એટલે જ અગત્યનું છે કે હું નથી ત્યાં એ બધું છે, તારી આસપાસ. તને જોઈ શકે એટલું નજીક. તું કૅમેરામાં સાચવી શકે એટલું નજીક. હવે જયારે તું ઘરે આવીશ ને ત્યારે હું ઘરમાં બધે જ છૂપા કૅમેરા ગોઠવી દઈશ. તારી એકએક ક્ષણો સાચવી લઈશ. પછી તું સાથે ન હોય ત્યારે એ બધું જ…! મારે કંઈ કહેવું જ નથી. એ બધું કહેવા કરતા…

હું રાહ જોઈશ,

જ્યારે આપણા ઘરના ઝુલાની ઝીણી ઘંટડીઓ
તારા આવવાની રાહ જોતી હશે,
જયારે સૂરજ ઢળતો જશે ને ત્યારે
મારા ચાંદનો આવવાનો સમય થતો હશે,
જયારે ઘરમંદિરની જ્યોતથી સાંજની વિદાય થશે
અને અંધારું ઉતરતા પહેલા ખીલેલા મોગરા
તારા સ્વાગતની રાહ જોશે.
જ્યારે વાદળો છવાતાં હશે
અને ફોરાં પડતાં જ
બાલ્કની બહાર લંબાયેલી
મારી હથેળી પર
તું તારી હથેળી રાખી,
વરસાદ મને ભીંજવે
એ પહેલા તું ભીંજવી દઈશ.
જ્યારે વરસાદમાં ભીંજાતા
આપણે બે થરથરતા હોઈશું,
અને એ જોઈ આપણી અગાશીની
રાતરાણી હસતી હશે.
જયારે અધરાત મધરાતે
ઉકળતી ચાની સુંગધે
અધખુલ્લા પુસ્તકોના પાનાં પ્રતીક્ષારત હશે,
જ્યારે સવારે ચકલીઓની ચીંચીનું ઍલાર્મ વાગશે  
અને ‘તલત’ના ગીતોથી સવાર સંગીતમય બનશે.
જયારે રફતાર તો હશે પણ કોઈ ભાગદોડ નહિ હોય,
એક નિરાંત હશે
સુકૂન હશે
રણકે… એ ‘આપણો’ સમય હશે.
સહિયારો.

આમ તો હું કહું કે તું સતત મારી સાથે હોય છે અને વળી આટલા દૂર પણ ખરા. કેટલી વિચિત્ર અને અદ્ભુત વાત છે ને! પણ ગમે છે. ક્યારેક આ અંતર વિરહ લાગે અને પછી ‘તારી રાહ જોવાની ક્ષણો’ શરુ થાય. વરસાદી વિરહ! ભીનો ભીનો વિરહ, છાંટે છાંટે વરસતો અને તરસાવતો વિરહ! ક્યારેક આભ ફાટીને મુશળધાર વરસતો…. આ વરસાદ છે કે વિરહ એ પણ ન ખબર પડે! પણ જે પણ છે એ….ખૂબ ગમે છે. આ  બધું જ. એની પ્રતીક્ષા, એની વિહ્વળતા, એનું અલગ જ સ્મિત, એની અલગ પીડા, એ પીડાની મજા અને એ મજાની પીડા! બધું જ ખૂબ વ્હાલું છે. અસ્તિત્વમાં ભળી ગયું છે સુગંધ બનીને. એના વગર જીવવાની કંઈ મજા આવે?

ના રે, ક્યારેય એટલે ક્યારેય મોક્ષ નહિ માંગુ. આ બધા જ વળગણો એની પીડા સમેત બહુ વ્હાલા છે. જીવની જેમ જાળવ્યા છે અને જતન કરી પોષ્યા છે. લોકો ભલે મોહ ન રાખવા કે ઓછા કરવા કહે પણ આ બધા મોહ તે કેમ છોડાય! છોડવું તો શું ઓછા થવાની કલ્પના પણ નથી કરી શકાતી. કશુંક તો જોઇએ ને, જે જીવને જીવન સાથે જોડી રાખે! એ સાંકળો મજબૂત કરવાની કે ઓછી કરવાની!

મને ક્યારેક થાય કે અત્યારે અબઘડીએ જો ભગવાન આવીને કશુંક માંગવાનું કહે તો હું આવો જ અઢળક મોહ માંગુ. એ મોહની મજા, પીડા, આંસુ સ્મિત..એ બધુ જ ફરીફરીને જીવવું છે, પછી મોક્ષ લઈને શું કરીશું? જો કે મોક્ષનો કોઈ અનુભવ નથી મને અને થયો હશે તો યાદ પણ નથી. મને તો હંમેશા એવું જ લાગે કે તારી આંખોના સાત દરિયામાં મારી નાવ વહેતી મૂકું પછી એ જ્યાં પહોંચે એને જ મોક્ષ ન કહેવાય?

શું નું શું લખાઈ રહ્યું છે! ખબર નહિ, બહુ ભેગું થયું હશે કે પછી જરાય સભાનતા રાખી નથી લખતી એટલે..! જે હોય તે, કહેવું છે. કહી દેવું છે. એ બધું જ, જે મનની સપાટી પર વારંવાર હિલોળા લે છે, ટકોરા મારે છે, ઝંખે છે – કહેવાઈ જવાનો મોક્ષ. આપણે ભલે મોક્ષ ન માંગીએ, આ કહેવાઈ જવાની ઈચ્છાઓને, વાતોને, વિચારોને તો મોક્ષ આપી જ શકીએ ને!

સાલું, વિરહથી શરુ કરીને વાત મોક્ષ પર આવી. એનું પણ કાંઈ નક્કી થોડું હોય! એ મારી જેમ રંગબેરંગી વિચારોના બગીચામાં મ્હાલતી રહે. જ્યાં ગમે ત્યાં બે ઘડી થોભી જાય. અને પોતાનું થોડું અસ્તિત્વ મૂકતી જાય. સામસામે ઓછી વાતો થાય એટલે શું છે કે બિચારીને કોઈ હોંકારો નથી મળતો ને તો અહીં ચાન્સ મળ્યો એટલે છલકાઈ ગઈ. તારે તો બસ, ઝીલી લેવી. તું ઝીલે છે એટલે જ એ વિશ્વાસથી છલકાઈ શકે છે.

અને સાંભળ…

થોડું ઓછું યાદ આવ ને!                           

— નેહા રાવલ

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “કહેવાઈ જવાનો મોક્ષ – નેહા રાવલ