લાલ મોત : નિલય પંડ્યા અનુવાદિત વાર્તાસંગ્રહ 8


પુસ્તક સમીપે – અંકુર બેંકર

ભાષાકીય મર્યાદાને કારણે કેટલુંક અમૂલ્ય સાહિત્ય અમુક પ્રદેશ સુધી સીમિત થઈ જાય છે. અનુવાદ આવી કૃતિઓને ભાષાકીય સીમાડા ઓળંગીને અનેક વાચકો સુધી પહોંચાડી આપે છે. પ્રાથમિક વાચકોને આ પુસ્તકની ઓછામાં ઓછી ત્રણ વાર્તાઓ વાંચવા સૂચન કરીશ કે જેથી તેમને ખ્યાલ આવે કે તેમણે વાર્તાવાંચન અને વાર્તાસમજણની ક્ષિતિજ ક્યાં સુધી વિસ્તારવાની છે. વાંચનરસિયાઓ અને જેમને ઍબ્સર્ડ વાર્તાઓ વાંચવામાં રુચિ છે તેમના માટે આ પુસ્તક એક અમૂલ્ય ભેટ સમાન છે.

પુસ્તક સમીક્ષા: લાલ મોત (અનુવાદિત વાર્તાસંગ્રહ)

લેખક: ઍડગાર ઍલન પૉ

અનુવાદક: નિલય પંડ્યા

ડૉ. નિલય પંડ્યા ભાવનગરના વતની છે અને હાલમાં વ્યવસાયને કારણે ઉદયપુર ખાતે સ્થાયી થયા છે. વ્યવસાયે ડૉક્ટર અને અમેરિકન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. સાહિત્ય પ્રત્યેની રુચિએ તેમને વાર્તા સાથે સાંકળી રાખ્યા છે. તેઓ ટૂંકી વાર્તા અને માઇક્રોફિક્શનના ખૂબ સારા અભ્યાસુ અને વિવેચક છે. તેમણે લખેલ માઇક્રોફિક્શન્સ, જીગ્નેશભાઈ અધ્યારુ દ્વારા સંપાદિત માઇક્રોસર્જન ૧ અને ૨ તથા માઇક્રોફિક્શન શૉટ્સ પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. 

નિલયભાઈએ ઍડગાર ઍલન પૉની વાર્તાઓના ચારેક વર્ષના અભ્યાસ પછી, પૉની ગૂઢ રહસ્યોથી ભરપૂર કુલ તેર વાર્તાઓનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. આ અનુવાદિત વાર્તાઓ ‘લાલ મોત’ નામે પુસ્તકનો અવતાર પામી છે. દુનિયાના મોટા ભાગના લોકો અમેરિકન લેખક ઍડગાર ઍલન પૉને એમની વિશ્વવિખ્યાત કવિતા ‘The Raven’ને કારણે જ ઓળખે છે. પૉએ ચાળીસ વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન હત્યા, બદલો, શારીરિક અને માનસિક ઉત્પીડન, પ્લેગ અને ટી.બી. જેવા અનેક જીવલેણ રોગો ઉપરાંત મનુષ્યોને જીવતા દાટી દેવાથી માંડી અનેક વિકૃતિઓને આવરી લેતી લગભગ ૬૭ ટૂંકી વાર્તાઓ લખી છે. આ પુસ્તકમાં ‘The tell-tale Heart’ અને ‘The masque of the red Death’ જેવી વિશ્વવિખ્યાત કૃતિઓની સાથેસાથે ‘The Sphinx’ અને ‘Shadow – a Parable’ જેવી એ સમયમાં પ્રખ્યાત બનેલી કથાઓ પણ છે. 

આ પુસ્તકની વાર્તાઓ પહેલી નજરે સામાન્ય લાગે પણ જેમ જેમ એમાં ઊંડા ઊતરતાં જઈએ તેમ તેમ એકએકથી ચડે એવી રહસ્યમય અને ગૂઢ છે. મૃત્યુ એ જીવનનું સનાતન સત્ય છે છતાં આપણે સૌ એ ભૂલીને જીવી શકીએ છીએ એ એક આશ્ચર્ય જ છે. આ પુસ્તકમાં મોટાભાગની વાર્તાઓના કથનકેન્દ્રમાં ‘મૃત્યુ’ છે. જે વાર્તા પરથી આ પુસ્તકનું નામ રખાયું છે એ વાર્તા ‘લાલ મોત’માં મહામારીના કારણે દેશનાં લોકો ટપોટપ મરી રહ્યાં છે. એવા સમયમાં તેનો રાજા પોતાનો જીવ બચાવવા થોડાક શ્રીમંતો અને ઓળખીતાઓને લઈને એક હવેલીમાં રહેવા લાગે છે.

હવેલીના ભારેખમ દરવાજા ખીલા ઠોકીને સજ્જડ બંધ કરી દેવાય છે કે જેથી મહામારી અર્થાત્ મોત કોઈ પણ રીતે અંદર પ્રવેશી ન શકે. આ હવેલીમાં નાચગાન, ખાણીપીણીના નિયમિત જલસા થતા હોય છે. હવેલીના લોકો બહારની દુનિયાને મરવા દઈને લહેરથી જીવતા હોય છે. આવા એક જલસા દરમિયાન રાજા મહામારીને કારણે મોતને ભેટે છે અને ધીરે ધીરે આખી હવેલીમાં મોતનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. ‘લાલ મોત’ વાર્તા વાંચ્યા બાદ તમારું મન તમને જલદી આગળ નહિ જવા દે એટલું ચોક્કસ છે. વર્ણન દ્વારા મૃત્યુનો ચહેરો બતાવવાની મૂળ લેખકની જે યોજના હશે એ અનુવાદક સાંગોપાંગ ગુજરાતી ભાષામાં ઉતારી શક્યા છે. 

‘સંમોહન થૅરપી’ નામની વાર્તામાં વશીકરણ અને સંમોહન વિદ્યાનું અધ્યયન કરતી એક વ્યક્તિની વાત છે. પોતાના પ્રયોગ માટે મૃત્યુના આરે ઉભેલા પોતાના મિત્રને એના મૃત્યુ સમયે સંમોહિત કરે છે અને એના મૃત્યુને પાછું ધકેલવા પ્રયત્ન કરે છે. આખી વાર્તા દરમિયાન એ પોતાના પ્રયોગમાં સફળ રહેશે કે કેમ અને મૃત્યુને પાછળ ધકેલી શકશે કે કેમ એ વાર્તાના અંત સુધી લેખક કળાવા દેતા નથી અને વાચકને અંત સુધી જકડી રાખે છે. 

અન્ય વાર્તાઓમાં પણ અનેક રહસ્યો અને જાતજાતની લાગણીઓ ભરપૂર માત્રામાં છે. બાળકોને બાદ કરતાં, દરેક વયના વાચકને આ વાર્તાઓ હચમચાવી શકવામાં સફળ નીવડે એવી છે. શરત માત્ર એટલી જ કે છીછરું અને ઉપરછલ્લું વાંચન છોડી વાચકે દરેક શબ્દમાં ઊંડા ઊતરવું પડશે. આ વાર્તાઓના શબ્દેશબ્દે રહસ્ય છુપાયેલું છે. વાચકો આ રહસ્યો અને ઉગ્ર લાગણીઓને ચોક્ક્સ સમજી શકશે. કોઈ પણ સાહિત્યરસિક માટે આ વાર્તાઓમાં એક નવા જ પ્રકારનો ખોરાક સમાયેલો છે, જે તેના મનની સાહિત્યભૂખને તૃપ્ત કરવા સો ટકા સક્ષમ છે. પૉની આ તમામ વાર્તાઓમાં માત્ર રહસ્ય કે ચમત્કાર જ નહીં, પરંતુ લાગણી અને માનવમનના ઊંડાણો અને તેનાં વિવિધ પાસાઓનાં પણ દર્શન થાય છે. ઍડગાર ઍલન પૉની કમનસીબી હતી કે તેમના સમયમાં તેમની વાર્તાઓને આજના જેવી સ્વીકૃતિ મળી નહોતી. બલકે તેમની વાર્તાઓ વધારે પડતી ભયાનક તેમજ વિકૃત છે એવાં લેબલ તેમના પર લગાવાયાં હતાં.

પ્રાથમિક વાચકોને આ પુસ્તકની ઓછામાં ઓછી ત્રણ વાર્તાઓ વાંચવા સૂચન કરીશ કે જેથી તેમને ખ્યાલ આવે કે તેમણે વાર્તાવાંચન અને વાર્તાસમજણની ક્ષિતિજ ક્યાં સુધી વિસ્તારવાની છે. વાંચનરસિયાઓ અને જેમને ઍબ્સર્ડ વાર્તાઓ વાંચવામાં રુચિ છે તેમના માટે આ પુસ્તક એક અમૂલ્ય ભેટ સમાન છે. 

પુસ્તકનું મુખ્પૃષ્ઠ પણ તેમાંની વાર્તાઓ જેવું ગૂઢ અને રહસ્યમય છે. એમ લાગે કે – આગળના ભાગે કાળો રંગ જીવનને પ્રસ્તુત કરે છે અને તેમાંના લાલ નિશાન મૃત્યુને દર્શાવે છે. લાલ નિશાનવાળું સફેદ મહોરું એ સૂચિત કરે છે કે મૃત્યુ ગમે તે સ્વરૂપે આવી શકે છે. મુખપૃષ્ઠની ડિઝાઇન માટે આ પુસ્તકને સોમાંથી સો ગુણ આપી શકાય. 

ભાષાકીય મર્યાદાને કારણે કેટલુંક અમૂલ્ય સાહિત્ય અમુક પ્રદેશ સુધી સીમિત થઈ જાય છે. અનુવાદ આવી કૃતિઓને ભાષાકીય સીમાડા ઓળંગીને અનેક વાચકો સુધી પહોંચાડી આપે છે. સાથેસાથે અનુવાદકની એ જવાબદારી પણ છે કે મૂળ કૃતિના રસને ક્ષતિ ન પહોંચવી જોઈએ. અનુવાદ કરતી વખતે મૂળ કૃતિની ભાષા, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંનું સમાજજીવન અને અનુદિત ભાષા, તેની સંસ્કૃતિ તથા સમાજજીવન બધું ધ્યાનમાં રાખવું પડતું હોય છે. પુસ્તકમાં અમુક ઠેકાણે એમ લાગે કે કેટલાક શબ્દોનું ચયન અલગ હોવું જોઇતું હતું; જેમ કે ‘લંબચોરસ પેટી’ વાર્તામાં ‘floor’ માટે ‘તળિયું’ શબ્દ વાપર્યો છે; ત્યાં ‘ભોંય’ શબ્દ વધારે યોગ્ય રહેત એમ લાગે. પરંતુ આ પુસ્તક પરથી એટલું તો તારણ નીકળે છે કે નિલય પંડ્યા અંગ્રેજી ભાષામાં સર્જાયેલ ઉત્તમ વાર્તાઓને તેના મૂળ ભાવ/વાર્તાતત્વ સાથે ગુજરાતી ભાષામાં લાવવાની ક્ષમતા ધરાવે છે. 

તો મિત્રો ફરી મળીશું આવા જ કોઈક પુસ્તકનાં પાનેપાને પગલાં પાડવાં. ત્યાં સુધી વાંચતા રહો અને પ્રસન્ન રહો. 

મા ગુર્જરીની જય! નર્મદે હર!

— અંકુર બેંકર

[લાલ મોત, લેખક: ઍડગાર ઍલન પૉ, અનુવાદક: નિલય પંડ્યા, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: ફૅલિક્સ પબ્લિકેશન, પૃષ્ઠ: ૧૨૮, મૂલ્ય: ૧૩૦-૦૦]

અંકુર બેંકરની કલમે આ કૉલમ અંતર્ગત લખાયેલા પુસ્તકોની સમીક્ષા વાંચવા અહીંં ક્લિક કરો


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “લાલ મોત : નિલય પંડ્યા અનુવાદિત વાર્તાસંગ્રહ