અંકિત ત્રિવેદીની કલમે : સાત સૂરોના સરનામે.. 3


દોસ્તો સંગ મહેફિલ સજી હોય કે હોય એકલવાયું એકાંત – આપણે તો અનુભૂતિનો ઇસ્કોતરો ખોલી, પેલી ગમતીલી સાંજને બહાર કાઢી જ લેવાની હોય. આખા દિવસની રોજિંદી ભાગદોડમાંથી સાંજનો સમય તો સ્વ માટે ચોરતાં શીખવું જ રહ્યું.

સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા.
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા.

તમને કહું છું કે ‘સા’માંથી સાંજ મજાની કાઢો,
ગમતાં જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો.
રોમ રોમને જે અજવાળે એ દીવડાં  પ્રગટાવ્યાં,
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સૂરોના સરનામે..

ગીત ગઝલમાં ગગન ઉમેરી ઊડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો રસભર છે જીવન.
યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં,
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સૂરોના સરનામે..


આજના યુગના યુવા શાયર શ્રી અંકિત ત્રિવેદીનું આ સુમધુર ગીત એક અનેરી સરગમ છેડી મનના તાર ઝણઝણાવી જાય.. ખરું ને?

સરગમ એટલે સાત સૂરોનો સમન્વય, જીવનના અતરંગી ભાવનો સમન્વય. સા.. રે.. ગ.. મ.. પ… ધ.. ની.. આ સાત સૂરમાં એક અદ્ભૂત મધુરતા છૂપાયેલી છે. પ્રિયજનની મુલાકાતને અહીં સંગીત સાથે સાંકળી લઈ કવિએ મન વીણાના તમામ તારને રણજણતા કરી મૂક્યા છે. બે યુવા હૈયાઓના હૃદયમાં ધડકતાં સૂર એ કોઈ સૂરીલી સરગમથી ઓછાં તો ન જ આંકી શકાય ને!

સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા.
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા.

પ્રિયજનને મળવા જવાનો રોમાંચ જ અનેરો હોય. શુષ્કતાને વળી ત્યાં કોઈ સ્થાન હોય જ ક્યાંથી? લીલીછમ્મ લાગણી અવનવા તાલ અને લયનો સથવારો સાધીને ચાલી નીકળે સજનની મુલાકાત કરવા. રોમરોમમાંથી ટપકયાં કરે મીઠું મધુરું કોઈ ગાયન અને પગરખાંની જગ્યાએ અકથ્ય, અકલ્પ્ય ઉતાવળ પટ્..પટ્…ઝડપી પગલાં ભરે. અનેક ઘાટ ઘડામણને અંતે મુલાકાતની ક્ષણો આકાર પામી હોય. આનંદ, ઉત્સાહ અને થોડી અવઢવ વચ્ચે વહેંચાયેલી જાતને સંકોરી – સમેટી અસ્તિત્વ નીકળી પડે મનમીતની મુલાકાતે. સાથે ઢગલો એક સ્વપ્નોનું અંજન હોય આંખમાં અને કલ્પનાઓનું ઘોડાપૂર નસેનસમાં દોડી રહ્યું હોય. સાથે ખિસ્સું ભરીને ગળચટ્ટી લાગણીઓની મીઠાશના પ્રતીક સમી ચોકલેટ્સ અને આંખોમાં ઊગેલા ઋજુ સ્પંદનો સરીખા કોમળ પુષ્પ બે હાથમાં ભરીને રણજણતું અસ્તિત્વ નીકળી પડે સુગંધના સરનામે અને મુલાકાતની ક્ષણોએ શબ્દોનો – સ્પંદનોનો ઘૂઘવતો સાગર અવિરત ગાજ્યા કરે. બે મળેલાં જીવ પછી થોડા લય – તાલબદ્ધ સૂરના આલાપ અને લગાર શબ્દોના સંવાદની હાજરી થકી વેરાન એકલતામાં ખચોખચ ઓરતાં ભરી દે છે. આ મુલાકાતના સુંવાળા સમયનું સ્મરણ પછી ખરબચડા એકાંતને સાવ જ સહજતાથી વીતાવી શકવા સક્ષમ હોય છે.

Photo by <a href="https://unsplash.com/@mitch_peanuts?utm_source=unsplash&utm_medium=referral&utm_content=creditCopyText">Mike Giles</a> on <a href="https://unsplash.com/?utm_source=unsplash&utm_medium=referral&utm_content=creditCopyText">Unsplash</a>
Photo by Mike Giles on Unsplash

તમને કહું છું કે ‘સા’માંથી સાંજ મજાની કાઢો,
ગમતાં જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો.
રોમ રોમને જે અજવાળે એ દીવડાં પ્રગટાવ્યાં,
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સૂરોના સરનામે..

વળી, દરેકે દરેક સાંજે મનગમતો સંગાથ સાંપડે જ, એવી શક્યતાઓ બહુ જૂજ હોય છે. તો શું થયું? ચાહે યાર – દોસ્તો સંગ મહેફિલ સજી હોય કે હોય એકલવાયું એકાંત – આપણે તો અનુભૂતિનો ઇસ્કોતરો ખોલી, પેલી ગમતીલી સાંજને બહાર કાઢી જ લેવાની હોય. આખા દિવસની રોજિંદી ભાગદોડમાંથી સાંજનો સમય તો સ્વ માટે ચોરતાં શીખવું જ રહ્યું. સમી સાંજની વેળા, એ દિવસભરનો થાક ઉતારવાની ક્ષણો બનવી જ જોઈએ ને! સ્વજનનો સંગાથ અથવા તો તેમનું સ્મરણ માણવાનો સમય એટલે સલૂણી સંધ્યા. અવની પર અંધકારનો ઓળો ઉતરે એટલે ગમતાં જણની ગમતી વાતોની ચોપાટ માંડવાનો ખરો સમય. સમયનું પ્યાદું ભલે સરક્યા કરે, આપણું અસ્તિત્વ તો આપોઆપ જ સ્મરણોનો ખેલ ખેલ્યા કરે છે. અંતરને ઉજાળતી આ મનગમતી લાગણી સાથેની બેઠક, આતમમાં એક અદ્ભૂત રોમાંચનું ઉંજણ ભરે છે. મનગમતી સોબત માણીને માંહ્યલો હરખાતો હોય અને આખુંય અસ્તિત્વ ઝગારા મારતું જ્વલંત ઝુમ્મર બની બેઠું હોય એમાં શું નવાઈ?

જો સંગીત એ જીવનનો ધબકાર છે તો સૃષ્ટિ છે એનો લય. આપણી સંસ્કૃતિમાં, ઉત્સવોમાં, પ્રસંગોમાં, રોજિંદી ઘટનાઓમાં, પ્રકૃતિમાં – ચોતરફ સંગીત વીખરાયેલું છે. આપણા અસ્તિત્વને જો સ્નેહાર્દ્ર સૂક્ષ્મ દૃષ્ટિ સાંપડે તો કણકણમાં છે સંગીત. ભીની ભીની લાગણીને શ્વસતો જણ પ્રકૃતિમાં સંગીત અને સ્નેહ શોધી જ લે છે. તેના માટે વહેલી સવારની તાજગી ને ઢળતી સાંજની રમ્યતા – પ્રિયજનના સ્મરણોનો સૂર છેડે જ છે. એક ગમતો લહેકો પેલા મર્મર કરતાં પર્ણોના વિભિન્ન સૂરમાં પણ સંભળાય છે અને ટપકતી વર્ષાશીકરનો કર્ણપ્રિય ધ્વનિ પણ સંભારી દે છે ધોધમાર વરસતું એક જણ. ક્યારેક એમ લાગે કે શું સંગીત અને સ્નેહની લાગણી વચ્ચે કોઈ બળકટ બંધન હશે કે? કોઈની મીઠી યાદની ચળ ઉપડે એ પછી આપોઆપ હૈયું ગીતો કેમ ગાવા લાગતું હશે?

ગીત ગઝલમાં ગગન ઉમેરી ઊડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો રસભર છે જીવન.
યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં,
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સૂરોના સરનામે..

માનવ મનમાં ઘોળાતો કોઈ પણ ભાવ હોય, હોઠ એને અનુરૂપ ગીત શોધી જ લે અને પછી એ ગમતીલી ક્ષણો મન વીણાના તાર ઝંકૃત કરે. કોઈ ગીત હોય કે ગઝલ , એમાં આભનું કલ્પન ઉમેરી મનવિહંગ ઊંચી ઉડાન ભરે છે. આખુંય અસ્તિત્વ ગમતીલી પંક્તિઓ ગણગણતું હોય ત્યારે સાથીદારનો સૂરીલો સંગાથ પામીને જીવન કવન અનેરો લય પામી સર્વોચ્ચ સૂર મેળવી સંગીતમય બને છે. થોડી યાદો, અવનવા કલ્પનો અને ઝીણકા સ્વપ્નોની વચ્ચે પ્રિયનો ટહુકો ઘોળાય પછી સઘળું સૂરમય બની જતું હોય છે. મનોહર સૂરાવલીઓ છેડતાં હૈયાની ખુશાલી જોઈ જિંદગી એ અવસરના મધમીઠા ઓવારણાં લે છે. ગમતીલી પળોની સરગમ રોમરોમથી ઉદ્દભવે છે જીવનનું સંગીત ઉજવવા માટે. હૈયાના તબલા પર એક નામની થપાટ શું પડે છે – આ ઘેલું મન તિરકીટ ધા.. કરતું ગુંજી ઉઠે છે. આ ભીતરની લથબથ ભીની લાગણીઓ સરગમના સૂર જ છે ને!  કવિઓ/ ભાવકો આ સરગમનો છેડો પકડી, અંતર વલોવી જે તે ભાવને કાગળ પર શબ્દોના વાઘા પહેરાવી ઉતારે ત્યારે જ તો એક ભાવભર્યું ગીત, ગઝલ, કવિતા કે કીર્તન આકાર પામે છે. ખરું ને?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
– કવિશ્રી રમેશ પારેખ

નાનાવિધ શમણાં, અવનવા ઓરતાં – કેટલું હકડેઠઠ ભરીને જીવાય છે જિંદગી! ને એટલે જ આ દુન્યવી મેળો રંગીન ને ચિત્તાકર્ષક લાગે છે કાયમ. જાતભાતના પ્રલોભનો દેખાડીને જિંદગી આપણને એક સબળ બહાનું પૂરું પાડ્યાં જ કરે છે કાયમ.

આપણું મન અવારનવાર મનગમતી યાદોની મહેફિલ સજાવી બેઠું હોય ત્યારે કોઈ જ સાજ-પખાજની જરૂર નથી પડતી. એક મધુરું સ્મરણ, ભીનું વાદળ થઈ સીધું કલ્પનાના આકાશેથી ઉતરીને હયાતીને તરબતર કરે છે અને મનગમતો એક આલાપ માંહ્યલો છેડે છે. નજરોમાં એક અકથ્ય ઉમળકો ચૂપચાપ આવીને બેસી જાય અને સમગ્ર અસ્તિત્વ એ ભાવની શ્રીકાર વર્ષામાં તરબોળ થઈ વર્ણનાતીત અનુભૂતિનો આસ્વાદ કરતું રહે છે. સાવ કોરા કાગળ મહીં ક્હાન ઘેલી રાધાના ભીતરી ભાવ આપોઆપ ઉપસે ને આખાય પરિસરમાં બંસીનાદ ગુંજી ઉઠે, એવી અલભ્ય ઘટના પળવારમાં આકાર લેતી અનુભવાય છે.

બે’ક સપનાં, ચારેક તમારી વાતુંના હિલ્લોળે,
ઉંબર ઉભી નેજવું ધરતી મૂંગી આંખું બહુ બોલે,
લાગણીના લીલા તોરણે અમે સગપણ સજાવ્યાં.
સૂર શબદના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સૂરોના સરનામે..
– મેધાવિની ‘હેલી’

આશા છે શબ્દોના સથવારે ખેડેલી આજની આ સફર તમારા માટે પણ મારા જેટલી જ આહ્લાદક રહી હશે. કવિ શ્રી અંકિત ત્રિવેદીનું આ કવન મારું તો ફેવરિટ છે. તમને ગમ્યું કે નહીં? પ્રતિભાવ પાઠવજો અને હા! તમને ગમતી અન્ય ગઝલ કે ગીતનો આસ્વાદ માણવો હોય તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. મળીએ પછી ફરી કોઈ સૂરીલી, બોલકી પંક્તિઓના પડછાયે..

— મેધાવિની રાવલ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અંકિત ત્રિવેદીની કલમે : સાત સૂરોના સરનામે..