સંબંધનો અર્ક..! – મીરા જોષી 2


ગઈકાલે મારી સહેલીના ‘પ્રેમ-લગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, ને એ બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હતો! એક રસવિહીન, શુષ્ક સંબંધ… શું વ્યક્તિને પામી લેતા જ પ્રેમ ઓગળી જાય છે?

જ્યાં લાગણી પ્રથમ મળે, સમજણ મળે પછી
એવાં પ્રણયની રાહમાં તત્પર થવું નથી..!
– દેવાંગ નાયક

આ દુનિયા કેટલા ખોખલા સંબંધોથી ભરેલી છે, એનું પ્રમાણ જયારે કોઈક તદ્દન સાચા, જીવંત અને લાગણીથી ધબકતા સંબંધમાં આવીએ પછી મળે છે. 

ગઈકાલે મારી સહેલીના ‘પ્રેમ-લગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, ને એ બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હતો! એક રસવિહીન, શુષ્ક સંબંધ… શું વ્યક્તિને પામી લેતા જ પ્રેમ ઓગળી જાય છે?

‘આ અઢી અક્ષરમાં માત્ર બે વિજાતીય વ્યક્તિના તન-મન જ નથી મળતા, જિંદગી એક ઉત્સવ બને તો એ ખરેખર પ્રેમ છે. નહિતર એક સામાન્ય ઘટનામાત્ર!

એક પાત્ર પોતાના લગ્નમાં નહિ પણ બહાર પ્રેમ શોધે, એક વ્યક્તિ અહમના કારણે બીજી વ્યક્તિને તરછોડી દે, ને ક્યાંક માંગણી ન સંતોષાતા સંબંધનો અંત આવે… આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે એવા સંબંધનું લેબલ ‘લવ મેરેજ’ હોય!

મારી આસપાસ એવા દાખલાઓ જોઉં છું જ્યાં પ્રેમ નામની ઘટનાને લગ્ન કે પ્રણય સાથે કોઈ સંબંધ જ ના હોય એ રીતે જોવામાં આવે.. હ્રદય ભાંગી પડે છે. ક્યાંક બહારી દેખાવને જ પ્રેમસંબંધ માનવામાં આવે છે તો ક્યાંક રૂપ-રંગ-ગુણ, જાત-કાસ્ટનું મેચ મેકિંગ કરીને એમાં લાગણીઓ થોપવામાં આવે છે.. ને ક્યાંક તો પ્રેમ પામી લીધા પછી, લગ્નમાં બંધાયા પછી એમાંથી અચાનક પ્રેમરસ ઓછો થવા માંડે છે..! કોઈક પોતે જ પસંદ કરેલી વ્યક્તિ સાથે ખુશ નથી તો કોઈક લગ્નમાં ખુશ નથી, કોઈકને પ્રેમમાં દગો મળ્યો છે, તો કોઈકને સંબંધ નિભાવવો જ અઘરો લાગે છે.. ને છતાં એક સંબંધની શરમે બન્ને પાત્રો એ બંધનમાં જોડાયેલા રહે છે.

જે માત્ર તમારી સુંદર આંખોના જ વખાણ ન કરે, પરંતુ તમારી દ્રષ્ટિની પણ નોંધ લે, જે તમારા હોઠના જ વખાણ ન કરે, પણ તમારા શબ્દો પાછળ રહેલી ખુશી કે પીડાના આરોહ-અવરોહને પણ સમજી શકે, જે તમારી ખામીઓને પણ એટલા જ આત્મવિશ્વાસથી કહે જેટલી તમારી ખૂબીઓને એ સાચો પ્રેમ-સંબંધ છે. જ્યાં હ્રદય અને આત્મા સુધી પહોંચવામાં શરીરના આવેગો કે બાહ્ય આકર્ષણ રોકે નહિ એ પ્રેમ છે..!

એક પ્રેમાળ વ્યક્તિના વ્યક્તિત્વનું ઓજસ, એનો ઓરા તેની ખૂબીઓ તમારા ઓજશમાં પણ પરિવર્તન લાવી દે એ સાચો સંબંધ..!  

પણ અફસોસ આજે એવી આદર્શ જોડી ભાગ્યે જ જોવા મળે છે, જે કોઈજ દંભ વિના, મોઢા પર ખુશ રહેવાનો અંચળો ઓઢ્યા વિના સંબંધનું નામ ઉજળું કરતું હોય, પ્રેમનો ઉત્સવ મનાવતું હોય..!

આજે મનમાં વિચારોના વમળો ઉઠે છે.. પ્રેમમાં હોઈએ ત્યારે આસપાસ લાગણીવિહીન સંબંધો જોઈ જીવન આટલું પાંગળું લાગવા માંડતું હશે, ખબર નહોતી..!

તારો પ્રસ્તાવ…

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે..

મોજાઓનો અફળાટ, ઊછળતો શોર, રેતીની સુગંધ, ભીનો વાયરો..

આવેગથી ઊછળતા દરિયાના મોજાના શોર જેવો શોર આ ક્ષણે મારા હ્રદયમાં ઊછાળા ભરે છે…

જે રીતે મોજાઓ અફળાતાં અફળાતાં કિનારા સુધી પહોંચે અને કિનારાને સ્પર્શતા જ સાવ શાંત થઈ વિખેરાઈ જાય, એ જ રીતે આ મારું હ્રદય એક તરફ આનંદની છોળોમાં ઉછળે છે ને પછી તુરંત કોઈક અગમ્ય શાંતિમાં ડૂબી જાય છે..!

લગ્ન..

આ સમાજની માત્ર એક પ્રથા જ છે કે પછી ખરેખર આ પ્રથામાં જિંદગીનો ધબકાર છે? જેવો ધબકાર, જેવી ચેતના સંગીતમાં હોય છે, નૃત્યમાં હોય છે, હાસ્યમાં હોય છે, પ્રકૃતિમાં જેવી જીવંતતા હોય છે શું આ લગ્ન નામની પ્રથામાં એવું જ ચેતન તત્વ હોય છે!?

સાત જન્મોનું બંધન.. અગ્નિની સાક્ષીએ ઉજવાતો પ્રેમનો ઉન્માદ..! સ્વપ્નો સાચા થવાનો અવસર, ખરેખર લગ્નના સૂત્રમાં જોડાતા જ કોઈ આપણું સાત જન્મો માટે થઈ જતું હશે? શું જીવન પ્રેમરસથી તરબોળ થઈ મહેકી ઉઠતું હશે? જો એવું થઈ શકતું હોય તો મંજુર છે મને આ બંધન..!

મંજુર છે મને તારો પ્રસ્તાવ- ‘તારી સાથે બાકીની જિંદગી જીવવી છે, લગ્ન કરીશ મારી સાથે?’

બે હ્રદય-આત્માના એક થવાનું એકસૂત્રતાનું બંધન એટલે લગ્ન.

પણ એક બંધનની આડેય કેટલા બંધનો છે! ઈશ્વરે જાતી અલગ આપી, તો જ્ઞાતિ મનુષ્યે અલગ બનાવી. કઈ રીતે ‘એક’ થઈ શકાય એ બંધનમાં, કઈ રીતે પહોંચી શકાય સાત જન્મો સુધી હસતાં રમતાં, જ્યાં રંગ-રૂપ, સ્ટેટ્સ, જાતિ, જ્ઞાતિના ‘તફાવતો’થી જ સંબંધની શરુઆત થતી હોય..? ઈશ્વરે કુદરતમાં વિવિધતા આપી છે તો માનવીએ જિંદગીમાં આ બધી વિવિધતા ભરી દીધી..

કહે ને, આપણો પ્રેમ શ્વાસ લઈ શકશે આ તફાવતથી રચાયેલા વિશ્વમાં?

તને અને મને તો બંધ રૂમ કે બંધ બસમાં પણ ગુંગળામણ થાય છે, તો આ લાગણીની આડે સમાજે થોપેલા જાતી-જ્ઞાતિના બંધનોમાં મુક્તિનો શ્વાસ લઈ શકીશું..?!

નહીં લઈ શકીએ, એટલે જ તારા પ્રસ્તાવના જવાબમાં તને આગાહ કર્યો, ‘મારો પરિવાર આ સંબંધને મંજુર નહિ કરે તો આપણા લગ્ન શક્ય નથી.’

સાચા અંતરમનથી કોઈના પૂરેપૂરા થઈ ગયા પછી જાતને એ રસ્તેથી પાછી વાળવી પડે, આવું નસીબ પ્રેમના ભોગે જ કેમ લખાતું હશે?!

— મીરા જોશી

મીરા જોષીની આ કૉલમ ‘તારાથી કાગળ સુધી..’ અંતર્ગત લખાયેલા પત્રો વાંચવા – માણવા અહીં ક્લિક કરો..


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સંબંધનો અર્ક..! – મીરા જોષી