મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.
સ્મશાન યાત્રા ભાગ – ૬
મમ્મી અને મોટી બેન કહેતાં કે હું હવે તોફાની થતો જાઉં છું. મારા વર્ગની પેલી તોફાની ટોળી અજબ-ગજબની રમતો શોધી આવતી. જે દેડકાને જોઈ મારી મોટી બેન ડરી ગઈ હતી, એ જ દેડકાને મેં જયારે મારા હાથેથી પકડ્યો અને ગૅઇટની બહાર ફેંકી આવ્યો ત્યારે મને પહેલીવાર સાહસ કે હિંમતનો અનુભવ થયેલો. વંદા, ગરોળી, ઈયળ જેનાથી પહેલાં મને બીક લાગતી, એ તમામ જીવજંતુઓને હું ચપટી વગાડતા પકડીને બહાર ફેંકી આવતો. મારી સાથે રમનારાઓ થાકી જતાં પણ હું ન થાકતો. ઘરમાં પલંગને એકલે હાથે ધક્કો મારી એક ખૂણામાંથી બીજા ખૂણામાં ધકેલી શકતો. પાણી ભરેલી ડોલ, ઘઉંનું બાચકું, મોટી સાયકલ.. હું બધું જ એકલે હાથે ઊંચકી શકતો. મારો અવાજ પણ હવે ઘેરો થવા લાગ્યો હતો. કબ્બડી રમતી વખતે ચાર જણાંએ મને પકડી રાખ્યો હોય તો પણ હું મધ્યરેખા ટચ કરી જ લેતો. મારી પાસે બધી જ સમસ્યાના ઉકેલ હાજર રહેતા. કોણ જાણે કેમ ઘરના મોટાઓ અને શેરીના નાનકાઓ મને સમજી નહોતા શકતા.
મનેય મારી ભીતરે થતાં કેટલાક ફેરફારો સમજાતાં નહોતાં. મને થતું કે મારા જેવડાં બીજા કોઈનામાં નહીં થતાં હોય એવા ફેરફારો મારી અંદર થઈ રહ્યા હતા. પેલી તોફાની ટોળી સાથે સાયકલ રેસિંગ, છુટ્ટા હાથે સાયકલ દાવ, ડબલ નહીં, ચોબલ સવારીમાં સાયકલ દાવના ખેલનો રોમાંચ તો જેણે લૂંટ્યો હોય એને જ ખબર પડે. ક્યાંય પણ, કોઈ પણ કરતબ બાજી જોઈએ એટલે અમને જાણે કોઈ લલકારતું હોય એવું લાગે. કોણે જાણે કેમ, સ્કૂલની છોકરીઓ અમને ગણકારતી નહીં. એ અમને (અને મનેય) ન ગમતું. હવે પરીક્ષાઓમાં મારો સાતમો, સોળમો અને સત્યાવીસમો નંબર આવતો. પિન્ટુ અને બંસી હોંશિયાર બનતા જતા હતા. પણ પિન્ટુ છૂટ્ટા હાથે સાયકલ ચલાવતા બહુ ગભરાતો. એ જોઈ મને એના ‘ભણેશરી’ હોવાની દયા આવતી.
આ દિવસોમાં અનેક નવી વાતો અમારી આસપાસ ફરતી અમારા મગજમાં આવવા લાગી હતી. પાકિસ્તાન એ ભારતનું મોટું દુશ્મન છે, અમેરિકા બહુ પૈસાદાર છે, ચીનમાં મોટી દીવાલ છે, ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા છે, ૧૫મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું, ઓક્સિજન અને હાઈડ્રોજન ભેગા થઈને પાણી બને, કોઈ સંખ્યાને તેનાથી જ ગુણવાથી વર્ગ મળે, કાટખૂણામાં કર્ણનું માપ તેની આસપાસની બે બાજુઓના માપના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય. પાયથાગોરસ, ન્યૂટન, ગેલેલિયો આ બધા વૈજ્ઞાનિકો હતા. નરસિંહ મહેતા મીરાંબાઈ, પાનબાઈ આ બધાં ભક્ત કવિઓ હતા. સુદામા ગરીબ હતો અને કૃષ્ણ ભગવાન હતા….
ઓહોહો.. ચારે બાજુથી અમારા દિમાગની નસો ફાટી જાય એટલી વાતો સંભળાતી હતી. કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી અને સાતમ-આઠમના મેળા અને નિશાળમાં રજા. ઉંચકનીચક, ટોરાટોરા, હોડી, મોતનો કૂવો, રમકડાં, જોકર, ભેળ, મકાઈના ડોડા, ચોકોબાર આઈસ્ક્રીમ અને મોટા લોકોની ફરાળી વાનગીઓ – સાબુદાણાની ખીચડી, તળેલી પત્રી, વેફર, ફરાળી કચોરી, શક્કરિયાનો શીરો, સૂકી ભાજી અને ખારી સીંગ.
મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ. એવા જ રંગો દિવાળીમાં મળતા. પણ એ રંગોથી રંગોળી બનતી. મને તો ફટાકડા ફોડવાની મજા આવતી. ચાંદલિયા, રોલ, લવીન્ગીયા, ફૂલજર, ઝાડ, રોકેટ, તાજમહેલ, સિંદરી બૉમ્બ, જમીનચકરી.. એક જુઓ અને એક ભૂલો. મોટી બેન અને મમ્મી રંગોળી કરતાં. ગોળ રંગોળી, ચોરસ રંગોળી. ક્યાંક વાંસળી, તો ક્યાંક ફૂલડું. કો’ક લખતું વેલકમ તો કો’ક લખતું નૂતન વર્ષાભિનંદન. આવું જ વેલકમ નવરાત્રિના ચોકમાં શણગારવામાં આવતા મંડપમાં જોવા મળતું. જય આદ્યાશક્તિ, મા જય આદ્યશક્તિથી ગરબી શરૂ થતી. રંગબેરંગી ચણીયાચોળી પહેરી મોટી બેન અને એની બહેનપણીઓને રમતી જોવા નાનપણમાં પપ્પા મમ્મી સાથે જતો, પણ હવે તો હું, પૂજન અને પિન્ટુ નીકળી પડતા. નવે નવ દિવસ અમે એક ગરબી જોઈ પછી બીજી જોવા જતા. ક્યાંક નાટક હોય ત્યારે તો મજા પડી જતી. છોકરાંઓ ગોવાળિયાઓના ડ્રેસમાં ઊંચે-ઊંચે કૂદતા, દાંડિયા ફેરવતા. પછી તો મેં અને પિન્ટુએ પણ એ મંડળીમાં નામ લખાવ્યું હતું. પ્રેક્ટિસમાં અમને બધી સ્ટાઈલ શીખવવામાં આવતી. ઢોલ કેમ વાગે, થાપી કેમ પડે, એકતાલ, બે તાલ, ચલતી, સિંગલ, ડબલ, પંચીયુ… ઓહોહો..
આ બધાં વચ્ચે બંસીની હેરસ્ટાઈલ, એની બિંદી, એની મુસ્કાન મને શા માટે જોવી બહુ ગમતી, એ મને સમજાતું નહીં. બીજી બાજુ મોટી બેન હવે શા માટે રમતિયાળ નથી રહી, એ પણ મારા માટે રહસ્ય હતું.
“મોટી બેન કેમ મારી સાથે રમતી નથી?” એક દિવસ મેં મમ્મીને પૂછ્યું.
“એ એસ.એસ.સી.માં છે ને એટલે..” મમ્મીએ કહ્યું.
“તો.. હુંય હવે હાઈસ્કૂલમાં છું. હું તો રમું છું.”
તે દિવસે પપ્પાએ મને દસમા અને બારમા ધોરણની ગંભીર અને બિહામણી વાતો કરી.
“દસમું હોય તો શું? ટેન્શન શાનું?” મેં પૂછ્યું.
પપ્પા બોલ્યા, “એની પરીક્ષા તારી નિશાળમાં નહીં હોય, બીજી નિશાળમાં હશે.”
“તો શું?” મેં કહ્યું. “હશે તો પેપર જ ને! કોઈ લાકડી લઈને મારવાનું થોડું છે? જેમ પાંચમાની પરીક્ષા આપી એમ દસમાની! બીજું શું?” મમ્મી અને મોટી બેન પણ અમારી વાત સાંભળતા હતા.
“હું તને સમજાવું.” પપ્પા બોલ્યા. મને કોઈ સમજાવે એ મને ગમતું નહીં, પણ પપ્પાએ આ અગાઉ મને ગાલ પર બે’ક વખત મેથીપાક ચખાડ્યો હતો. એટલે મને એમની થોડી બીક પણ લાગતી.
એ બોલ્યા, “પાંચમા ધોરણના તારા પેપર તારી નિશાળ કાઢે અને નિશાળ જ ચેક કરે, જયારે દસમા ધોરણના પેપર તારી નિશાળ નહીં કાઢે, આખા ગુજરાતના પેપર એકસરખા હશે, ચેક પણ તારી નિશાળ નહીં કરે, બીજા કરશે.” મને નવીન લાગ્યું પણ ગભરાવા જેવું નહીં.
“હવે જો તું શેરીમાં છૂટ્ટા હાથે સાયકલ ચલાવતો હોય અને ગબડી પડે તો પગ કે હાથ ભાંગે, એ હજુ મોટું નુકસાન ન કહેવાય. પણ આપણે અમદાવાદ વાળા હાઈવે પર ગયા ત્યારે મેં તને પેલા એક્સિડન્ટ બતાવેલાં, એ યાદ છે?” મને એ ઊંધા માથે પડેલી મોટરકાર અને ટ્રક યાદ આવ્યા. પણ પપ્પાનું ઉદાહરણ મને સમજાયું નહીં.
એ બોલ્યા, “પાંચમા ધોરણમાં તું ગમે તેમ લખી આવે તોય તારા ટીચર તારા અક્ષર ઉકેલી કાઢે, પણ દસમા ધોરણમાં ગમે તેમ ન લખવાનું હોય. નિયમ મુજબ, પૂરાં સ્ટેપ, પૂરાં મુદ્દા, પૂરાં જવાબ લખવાના. જો બધું જ સાચું અને નિયમ મુજબ લખો તો વધુમાં વધુ માર્ક મળે. હવે રમત-ગમતમાં જેનું ધ્યાન જાય એના મગજમાં નિયમો યાદ રાખવાની જગ્યા ન હોય. એટલે મોટી બેન હવે નિયમોની જ રમત રમે છે. તારેય એની જેમ પ્રેક્ટિસ કરવી જોઈએ.”
પપ્પાએ ઘણું સમજાવ્યું, પણ મારા માટે બધું બાઉન્સ ગયું. એક વાત પાક્કી થઈ ગઈ કે એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા બહુ ખતરનાક હોય છે. મેં પિન્ટુને વાત કરી. એ બોલ્યો, “એટલે જ મારા પપ્પાએ આ વર્ષથી મને ટ્યુશન રખાવી દીધું છે.” મને યાદ આવ્યું. મારી મોટી બેન પણ ટ્યુશન જતી હતી.
બીજા અઠવાડિયાથી હું પણ પિન્ટુની સાથે ટ્યુશન જતો. મોટી બેન લેસન કરતી ત્યારે હું એને જોયા કરતો. એ બજારમાંથી મને પેન્સિલ લાવવાનું કહેતી. હું દોડીને લઈ આવતો. મારે બેનની ચિંતા ઓછી કરવી હતી, પણ મારી રમત-ગમતની વાતોથી એ ઓછી થાય એમ ન હતી. એક દિવસ મોટી બેન ખુબ ખુશ હતી. એનો ટ્યુશનની યુનિટ ટેસ્ટમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો. દોઢ જ માર્ક એનો કપાયો હતો. આખરે મોટી બેનની મહેનત રંગ લાવી. એનો ફર્સ્ટ ક્લાસ આવ્યો. પાંસઠ ટકા. એ દિવસે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. જે મળતું એ બેનને ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહેતું. પપ્પા પેંડાના બોક્સ લાવ્યા હતા. બેનની સાથે હું પણ એ વહેંચવા ગયો હતો. પણ..
અચાનક આખી સોસાયટીમાં ગમગીની ફેલાઈ ગઈ. અમારી પાછલી શેરીમાં રહેતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. એ એસ.એસ.સી.માં નાપાસ થયો હતો. આપઘાત… મેં પહેલી વાર આ શબ્દ સાંભળ્યો હતો. બાપ રે! ભગવાનના ઘરે જવાની આ રીત તો બહુ ખતરનાક હતી. કોઈ કહેતું એ છોકરો ખૂબ જ હોંશિયાર હતો, પણ સાથે સાથે ઇમોશનલ બહુ હતો. પરીક્ષાના દિવસોમાં ટેન્શનના લીધે એને તાવ આવી ગયો હતો. મને પપ્પાએ કહેલી પેલા એક્સિડન્ટ વાળી વાત સમજાઈ. હું ગમગીન બની ગયો. મને બહુ ડર લાગવા માંડ્યો, પણ ત્યાં.. અમારી સ્કૂલમાં મારા વર્ગની તોફાની ટોળી હતી, એમ એસ.એસ.સી. વાળી પણ એક તોફાની ગેંગ હતી. એ આખી ફેલ થઈ હતી. નિશાળ બહાર એ ગેંગની વાતોએ મને ચોંકાવી મૂક્યો. એક બોલ્યો, “હાશ! હવે હું ત્રીજી વાર ફેલ થયો. હવે મને મારા બાપા ભણવા નહિ મોકલે.” બીજો કહે, “હું તો નાનો હતો ત્યારથી અમારી દુકાને જાઉં છું. નિશાળે ખોટો ટાઈમ બગડતો હતો. હવે આખો દી’ દુકાને બેસીશ.” ત્રીજો કહે, “બધાંય ડોક્ટર કે ઍન્જીનિયર બનશે તો શાક કોણ વેચશે?” નાપાસ થવાથી તો જાણે એ લોકોને લોટરી લાગી હોય એમ એ લોકો ખુશ હતા.
ના, જિંદગી એટલે જન્મ, એસ.એસ.સી., એચ.એસ.સી. અને મૃત્યુ એવું નથી. આ ‘ફેલ’ થનારી ગેંગનું એસ.એસ.સી.નું રિઝલ્ટ કાંઈ બગાડી શક્યું નહોતું. જિંદગીમાં બીજું ઘણું છે. પાછલી શેરી વાળા ઇમોશનલ છોકરા કરતાં ઓછી બુદ્ધિ વાળી આ તોફાની ગેંગ જો મોજથી જિંદગીની મુસાફરી ચાલુ રાખી શકતી હોય તો એ ઇમોશનલ છોકરો તો જિંદગીને સો ટકા માણી શકે એમ હતો.
પછીથી મને ખબર પડી કે એસ.એસ.સીનું રિઝલ્ટ ચોપ્પન ટકા આવ્યું હતું. એટલે કે ફેલ થવા વાળો પેલો ઇમોશનલ છોકરો એકલો ન હતો. એના જેવા તો અનેક ફેલ થયા હતા.
નો ! આપઘાત.. એ ભગવાનના ઘરે જવાનો રસ્તો નથી, મને એવું ફીલ થવા લાગ્યું હતું.
– કમલેશ જોષી
Sachi vat jindgi ne mapvano ekam e board na marks nthi
Right
Thanks