મારું સૂરત, પ્યારું સૂરત.. 6


જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી, સુરતીના લોચા જેવી તીખી, બાબુભાઈની ભેલ જેવી ચટપટી, લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ, સુરતી પોંક જેવી અનોખી, તાપી જેવી વહેતી અને દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે મળીએ

સૂરત, કેમ છે? આજકાલ તું મઝામાં નથી. મને ખબર છે. બહાર જે બધું ચાલી રહ્યું છે એ જોતા તું કે હું કઈ રીતે મઝામાં રહી શકીએ? પણ મને લાગે છે કે આપણે મઝામાં રહેવું જોઈએ. એનું કારણ છે, સૂરત એટલે જ લહેરી લાલાઓનું શહેર, અને લહેરી લાલા એટલે સુરતી. તો સૂરતની ખુશમિજાજી એના સુરતીઓ વગર શક્ય નથી. અને સુરતીઓ એટલે મોજમાં છે કારણકે તેઓ સૂરતમાં છે. ઇન શોર્ટ, આપણે બેય એકબીજાને કારણે જ તો અસ્તિત્વમાં છીએ અને મઝામાં છીએ. એવું જ હોય ને!

ચાલ, તું જ મને કહે જોઉં, સૂરત નામનું એક શહેર એટલે શું? અમુક ચોરસ કિલોમીટરનો વિસ્તાર, થોડા તાલુકાઓ કે જીલ્લાઓ કે પછી નગરપાલિકા કે મહાનગર પાલિકાની હદની અંદર રહેલો વિસ્તાર? અરે ના, શહેર તો બને છે એમાં રહેનારા લોકોથી. તને ખબર છે, મને તું બેહદ ગમે છે. અને એના કોઈ કારણો નથી. બાળકને મા કેમ ગમતી હોય? એના તે વળી કંઈ કારણો મળે? બસ.

મારી રગોમાં એ લોહી દોડે છે જેમાં કતારગામની પાપડી અને રાંદેરના પોંકની સુગંધ છે. હું બહુ નાની હતી ત્યારથી તારા દરેક સ્વરૂપને નિહાળ્યા છે, માણ્યા છે. તાપી નદી પર ‘કૉઝ-વે’ બન્યો એ પહેલા, ગાંધીબાગની પાછળના પેલા ‘T’ આકારના ઓવારે પપ્પા-મમ્મી સાથે જઈને બેસતી. ત્યારે તો તાપીમાં એટલું પાણી રહેતું કે ત્યાં પગ લટકાવીને બેસીએ તો પગ પાણીમાં ભીના થતા. ત્યારે મારા નાનકડા મનમાં એવું જ હતું કે તાપી નદી સૂરતમાં છે એટલે તાપી પણ સૂરતની.

બહુ પછીથી ખબર પડેલી કે નદી શહેરમાં ન હોય, શહેર નદીકાંઠે હોય. એ પણ ક્યારે, જ્યારે અમે ફુલપાડા ગામ જતા અને ત્યાં વડીલો કે સગા-સબંધીઓ એમ પૂછતાં, ‘સૂરતથી આવ્યા ને!’ ત્યારે મને બહુ નવાઈ લાગતી. શું એ ગામ સૂરત નહોતું? ત્યાં પણ તો તાપી નદી જ છે ને! પણ ચાલે. નાનકડા મનની નાની મૂંઝવણો સાથે મઝા આવતી. ત્યારે તું પણ તો નાનું જ હતું ને! ભાગળના બજારથી ઘોડાગાડીમાં બેસી સ્ટેશન જતા મેં દરેક વળાંક આંખ બંધ કરીને માણ્યા હતા. અને ત્યારે તો એ વિસ્તાર તારી ભાગોળ હતું. પછી કેન્દ્ર બન્યું અને હવે… સિટીમાં ગણાય! તું પણ મોટું થઈ ગયું મારી જેમ! મને એ વાતનો અઢળક આનંદ છે કે એ મોટા થવું આપણે બેઉએ સાથેસાથે અનુભવ્યું છે.

મેં પપ્પાના ખભે બેસી ‘હોપ પુલ’ પર મોર્નિંગ વોક કર્યું છે, જ્યારે તાપી ઓળંગવા માત્ર એક જ પુલ હતો અને એના બીજા છેડે હતું રાંદેર. હવે તો પાંચ પાંચ પુલ! તને એવું નથી લાગતું કે આ બધા જ પુલ તારા હાથ છે અને એ હાથ વડે તું સુરતીઓને આ છેડેથી પેલે છેડે લઈ જાય છે? અને જો, તને પણ તારા વખાણ સાંભળવા ગમતાં જ હશે એમ માનીને આ વાત કહું છું.

અમારા ‘ધ સુપ્રીમ ટ્યુશન ક્લાસિસ’ના સમાજવિદ્યાના સર હતા ને, એમણે આ વાત કહી હતી. કોઈ પણ નદી જયારે દરિયાને મળે ત્યારે નદીનું પાણી કેટલાક કિલોમીટર સુધી દરિયાને કારણે ખારું થઈ જાય છે. પણ ખબર છે? આપણી તાપી નદી જ્યાં દરિયાને મળે ત્યાં દરિયાનું પાણી કેટલાક કિલોમીટર સુધી મીઠું કરે છે! અને એ જ તો રહસ્ય છે, ડુમસની મીઠી કમરખ અને મીઠા જાંબુ, ચીકુ, જમરૂખની મીઠાશનું! અને આવું ફક્ત ને ફક્ત એટલે છે કે તાપી જ્યાં દરિયાને મળે છે એ પહેલા એ સૂરતમાંથી પસાર થાય છે. તો સૂરતની મીઠાશની અસર એ દરિયાને ન આપે તો જ નવાઈ! લે, ‘સૂરત મીઠ્ઠું છે એવું કોણે કહ્યું’ એમ? જો, સાંભળ. મારા નાનપણનો એક કિસ્સો કહું. હું બહુ નાની હતી ને ત્યારે એક વખત ફૅમીલી ડૉકટરના ક્લિનીક પર ગયા હતા. ત્યાં કેસ કાઢવા નામ પૂછ્યું. આપણે તો વટથી કહ્યું, “નેહા.” પછી એ ભાઈ પૂછે, “નેહા કેવા?” આપણે તો એક સેકંડ પણ મૂંઝાયા વગર કહી દીધું, “મીઠ્ઠા”. બોલ હવે, સુરતી લોકો કેવા અને સૂરત કેવું એ કોઈ બે-પાંચ વર્ષના બાળકને પણ કોઈના શીખવ્યા વગર આવડે તો એમાં તારી મીઠાશ જ કારણભૂત  નહીં?

એક વાત કહું! હું વેકેશનમાં જ્યારે પણ મામા-માસીના ઘરે જાઉં અને ત્યાંથી પાછા ફરતી વખતે જેવું આપણું સૂરતનું રેલ્વે સ્ટેશન આવે અને એનું પીળું બોર્ડ વંચાય, જ્યાં ઝીણા અક્ષરે ‘ડુમસ જવા માટે અહી ઉતરવું’ એવું લખ્યું હોય. એ જોઈને જીવમાં જીવ આવે. ઉતરતા જ એમ થાય કે એ પીળા પાટિયાને વળગી પડું. પણ તું એટલે કઈ એ પીળું પાટિયું નહિ ને દોસ્ત! તો મને કહે જોઉં, મારે તને વળગવું હોય તો શું કરવું? મને ક્યારેક એમ મન થાય કે જેમ મહાભારતમાં ભીષ્મ ગંગાકિનારે જઈ એમની માતા ગંગાનું સ્મરણ કરે અને ગંગામાતા દેહ સ્વરૂપે એમની સમક્ષ આવીને ઉભા રહે, એમ ક્યારેક હું પણ તાપી કિનારે બેસી તાપીમાતાનું સ્મરણ કરું અને તાપીમાતા દેહધારી સાક્ષાત મારી સમક્ષ આવે તો કેવું ગમે! તને ન સહી, એમને તો વળગી જ લઉં.

હાલમાં જ એક શહેર વિશે એક મસ્ત પુસ્તક વાંચ્યું  ત્યારે મને થયું કે હું કોઈ લેખક કે ફોટોગ્રાફરને ફક્ત તારા માટે જ રાખું અને અને કહું, ‘આને પણ ટપી જાય એવું પુસ્તક મારા સૂરત વિષે તૈયાર કર!’ હા, જેલસી છે તો છે, એમાં શું? માન્યું કે એ શહેર બહુ જ સરસ છે, આધ્યાત્મિક છે અને ગંગા કાંઠે છે. પણ પેલો શ્લોક નથી ખબર?

ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને, તાપી સ્મરણે…..

એટલે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું પાણી પીવાથી અને નર્મદાના દર્શનથી જે પુણ્ય મળે છે એ તાપીના સ્મરણ માત્રથી મળે છે. એટલે સમજ કે,

‘થાય સરખામણી તો ઉતરતા છીએ…’

એવું હું તારા માટે તો ક્યારેય નહિ સ્વીકારું. હા, કૈંક વધારે લગાવ છે તારા માટે તો છે! કેમ, અમદાવાદીઓ કે મુંબઈગરાઓને નથી હોતો પોતાનો અમદાવાદી હોવાનો કે પછી મુંબઈકર હોવાનો વટ! પણ સાચું કહુંને તો તારા વિશે એ લોકો સાથે ક્યારેય એવી શાબ્દિક હરીફાઈમાં ઉતરવું ગમ્યું જ નથી. એ કરતા આપણામાં ભળી ગયેલા સુરતીપણાનાં વર્તનથી જ સહુને બતાવી દેવું ગમે કે “ઇસ્ટ ઓર વેસ્ટ. સૂરત ઈઝ ધ બેસ્ટ.”

એ બધું તો ઠીક પણ તારા સિવાય બીજા કોઈ શહેરનું નામકરણ કોઈ ગણિકાના નામથી થયાનું મને નથી ખબર. કેવી હશે એ સૂરતાદેવી, જેના નામથી નવાબે આખા શહેરનું નામ સૂરત રાખી દીધું! અને જો…એ જ પરમ્પરા આગળ વધી. ગોપીચંદ શેઠે બનાવેલું ગોપીતળાવ, રાણીઓ માટેનું રાણીતળાવ – એ બધા નામકરણમાં! અને મક્કાઈ પુલ! હા, એ કેમ ભૂલાય? એક સમયે મક્કા જવાના જહાજ ત્યાંથી ઉપડતા. એટલે તો એ મકાઇપુલ છે. ઘણા તો એવું પણ માનતા હશે કે ત્યાં મકાઈ થતી હશે! છે ને, કેવી અજીબ વાત! અને ખબર છે, તારા નામનો શું અર્થ છે?

અરે સૂરત એટલે ચહેરા વાળો અર્થ નહિ, સૂરત એટલે સારા લોકોનું શહેર! આ હું નથી કહેતી પણ વિકિપીડિયા કહે છે. ૧૯૧૫માં થાઈલેન્ડના રાજા ‘રામ ષશ્ઠમ્’ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે તે સમયના મુંબઈ રાજ્યના સૂરત શહેરથી, એટલે કે તારાથી, ખૂબ પ્રભાવિત થયા હતા. થાઈલેન્ડ પરત ફરીને તેઓએ થાઈલેન્ડની દક્ષિણે આવેલા ‘ચૈયા’ પ્રાંતનું નામ બદલીને ‘સૂરત થાની’ એટલે કે ‘સારા માણસોનું શહેર’ એવું કર્યું હતું. એટલું જ નહિ, તેમણે એ પ્રાંતની નદી ‘ફમ દુઆંગ’ નું નામ બદલીને ‘તાપી’ આપ્યું હતું. જોયું, દેશ વિદેશના લોકો તો ઠીક, રાજાઓ પણ પ્રભાવિત થઇ ગયા છે આપણા સુરતી પાણીથી!

આપણે બેઉએ સાથે મળીને કેટલી બધી તકલીફોનો સામનો કર્યો છે! ‘બાબરી મસ્જીદ’ પછી થયેલા રમખાણો હોય કે પછી ‘ગોધરાકાંડ’ના પગલે ફાટેલા કોમી રમખાણો, ‘૯૬ની રેલ હોય કે પછી પ્લેગ. અને સૌથી ભયંકર ૨૦૦૬ની રેલ! આ બધાંયનું કારણ તું જ છે, જે આવે તેને સ્વીકારીને ખુદમાં સમાવી લેવાનો તારો સ્વભાવ! એ બીજા પ્રાંતથી અહીં આવીને વસેલા લોકો હોય કે પછી આ બધી તકલીફો..! જે આવે તે આવવા જ દો, સમાવી લઈશું! પણ એ જ તો છે ને આપણું ખમીર! એ દરેક મુસીબતો પછી આપણે બધું ખંખેરીને ફરીથી ઉભા થયા છીએ. કદાચ દરેક વખતે વધુ ને વધુ મજબૂતીથી! પ્લેગ પછી ગંદકી વિશેનું મહેણું ભાંગી આપણે વિશ્વના બીજા નંબરના ‘સૌથી સ્વચ્છ શહેર’નું સ્થાન પણ મેળવ્યું ને! આ મહામારીમાંથી પણ ઉગરી જઈશું. શું થાય, પીડાને અને આપણને બનતું જ નથી અને છતાં સૌથી વધુ એ વેઠવાની પણ આપણે જ આવે છે!

તને કહું, ૨૦૦૬ની રેલ વખતે ઘરમાં ભરાયેલું પાણી જોઈ હું જેટલું રડી ન હતી એટલું તો એ રેલના પાણી ઓસર્યા પછી તારી બેહાલી જોઈ રડી હતી! આ બધું આપણને શોભે નહિ ને યાર! આપણે રહ્યા ડાયમંડ સિટી, સિલ્ક સિટી અને ઐતિહાસિક શબ્દોમાં કહું તો ‘સોનાની મૂરત’! સાંભળ ને, એ મૂરતની આંખમાં આંસુ નહિ જોવાય. ન મારાથી ન બીજા કોઈ સુરતીથી. Tough time don’t last but tough people do.

તો આપણાથી વધારે મજબૂત કોણ હશે? ડાયમંડ જ તો વિશ્વની સૌથી મજબૂત વસ્તુ છે ને! અને આપણે ડાયમંડ સીટી! તો ચાલ, ભેગા મળી ઝઝૂમીએ.

જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી,
સુરતીના લોચા જેવી તીખી,
બાબુભાઈની ભેલ જેવી ચટપટી,
લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ,
સુરતી પોંક જેવી અનોખી,
તાપી જેવી વહેતી અને
દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે ફરી મળીશું.
તારો હૂરતી હતપતિયો જીવ,

– નેહા રાવલ.

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મારું સૂરત, પ્યારું સૂરત..

    • Rajesh Soni Soni

      સૂરતી તરીકે ગૌરવ છે.
      ખૂબ સરસ રીતે સૂરતને મૂલવ્યુ છે.

  • MEERA JOSHI

    ખૂબ સરસ નિબંધ લેખ અને સાચું કહ્યું, જે આવે તેને ખુદમાં સમાવી લેવાનો સ્વભાવ જ સૂરતને અન્ય શહેર કરતાં અલગ બનાવે છે. સૂરતના દાનવીરો વિષે લખ્યું હોત તો!

  • Hiral Vyas

    ખૂબ સરસ. બાર વર્ષ પહેલાં સૂરત આવેલી ત્યારે મારા પતિએ વટથી કહેલું, “Welcome to the city of flyovers”. સૂરત શહેરની ચોખ્ખાઈ ઊડીને આંખે વળગે એવી. તો વળી ત્યાંની લીલાશ પણ નોંખી.

    “કાશીનું મરણ ને સૂરતનું જમણ”, આંખે જોયું છે.