હું ગુજરાતી પણ મારે ભણવું અંગ્રેજીમાં.. 7


હા, તમે સાચા છો. હું આજે અહીં શિક્ષણના માધ્યમ વિશે જ વાત કરવા જઈ રહી છું. શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એ કાયમ શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત સમાજશાસ્ત્રીઓ અને દરેક કોલમિસ્ટ માટે ચર્ચાનો મનપસંદ વિષય રહ્યો છે.

ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી ઈ.સ. ૧૯૪૭માં મુક્ત થઈ ગયો પરંતુ અમુક વિચારસરણી ભારતમાં ઘર બનાવીને રહી ગઈ. સારી રીતે સુવિધાભર્યું જીવન વ્યતીત કરવાની બાબતો ખરેખર સ્વીકારવા જેવી હતી પરંતુ ન સ્વીકારવા જેવી અનેક બાબતો પણ રહી ગઈ અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે. તમે સાંભળ્યું હશે કે મૅકોલેની શિક્ષણનીતિ ક્લાર્ક બનાવવા માટેની હતી. અંગ્રેજો ઈચ્છતા હતા કે ભારતમાં તેઓ ક્લાર્ક ઊભા કરે, બાકી બુદ્ધિજીવીઓ તો તેઓ એમના દેશમાંથી લઈ આવશે.

‘ક્લાર્ક’ શબ્દનો બહોળો અર્થ એવો લેવો કે લખેલા નિયમ મુજબ કામ કરતી વ્યક્તિ. આ પ્રકારની વ્યક્તિએ પોતે કંઈ જ વિચારવાનું જ નહીં, ફક્ત નિયમો મુજબ ચાલવાનું. અંગ્રેજો આપણા દેશના લોકોને શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ ગુલામ બનાવવા ઈચ્છતા હતા. અંગ્રેજો દ્વારા મળેલી શિક્ષણનીતિના નિયમોની ભેટ હજુ આપણી સાથે જોડાયેલી છે. ઘણા નિયમો શિક્ષણને પોલું બનાવી રહ્યા છે.

૨૦૨૦ની શિક્ષણનીતિમાં સૂચિત અમુક ફેરફારોથી સૌને શિક્ષણક્ષેત્રે ક્રાંતિની આશા છે, જો કે આ આશા ફળશે કે કેમ એ તો સમય જ બતાવશે. નવી શિક્ષણનીતિમાં પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ આપવું એવો નિયમ આવ્યો છે. પરંતુ એ નિયમનો અમલ થશે તો આપણી આજુબાજુ ફૂટી નીકળેલી અંગ્રેજી માધ્યમની શાળાઓનું શું થશે એ વાત પણ વિચારવા જેવી છે, પરંતુ આ બધા પહેલાં વિચારવા જેવું એ છે કે બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ શા માટે? આજે આપણે આ જ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ.

એક વૈજ્ઞાનિક સત્ય છે કે દરેક વ્યક્તિ પોતાની માતૃભાષામાં જેટલું ઉત્તમ શિક્ષણ મેળવી શકે છે એટલું સારું શિક્ષણ એ કોઈ પણ ભાષામાં મેળવી શકતું નથી. આ વાતની પુષ્ટિ અનેક પ્રયોગો દ્વારા અનેક શિક્ષણશાસ્ત્રીઓએ કરી છે. પરંતુ આપણો સમાજ વૈજ્ઞાનિક તથ્યો પર નહિ પરંતુ “શું સારું લાગે છે”ના બેનર હેઠળ વધુ જીવતો હોય છે. વાલીઓ બાળક માટે શું સારું છે એના કરતાં શું દેખાવમાં સારું છે એ બાબત પર ભાર આપે છે અને એક સર્વ સામાન્ય માન્યતા એ જ છે કે આજના જમાના પ્રમાણે ગુજરાતી માધ્યમમાં બાળકને ભણાવીએ તો ગામડાવાળા લાગીએ કે પછી આપણે સારા ન લાગીએ.

બાળકનું માધ્યમ પસંદ કરવામાં કોઈપણ તાર્કિક વિચાર જોડાયેલો હોતો નથી. માતૃભાષામાં શિક્ષણ બાળકને વધુ વિચારશીલ બનાવે છે એ હકીકત તો વાલીઓ જાણે જાણતા જ નથી. માતૃભાષા માટે ગુણવંત શાહ તો ત્યાં સુધી કહે છે કે માતાના ધાવણ પછીના સ્થાને માતૃભાષા આવે છે તો બીજા એક વિદ્વાને કહ્યું છે કે માનવીને જે ભાષામાં સ્વપ્ન આવે એ એની માતૃભાષા. ખરું પણ છે. તમે કોઈ પણ બાબત વિશેનો પહેલો વિચાર કઈ ભાષામાં કરો છો? તમારી માતૃભાષામાં જ ને! માનવી જ્યારે મુસીબતમાં ફસાઈ જાય ત્યારે તેના મુખેથી મા માટેનો જે ઉદ્દગાર સરશે તેની ભાષા પણ માતૃભાષા જ હશે. પરંતુ આ કોઈ બાબત બાળકના શિક્ષણનું માધ્યમ અંગ્રેજી પસંદ કરનારને જાણે નજરમાં આવતી જ નથી.

આજની ૨૧મી સદીમાં બાળક અંગ્રેજી નહિ ભણે તો કેવી રીતે ચાલશે? આજનો યુગ એ સ્પર્ધાનો યુગ છે. સારી સારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો બાળકે અંગ્રેજીમાં જ આપવાની છે ને… બાળક ગુજરાતી માધ્યમમાં ભણશે તો આ બધી પરીક્ષાઓમાં પાછળ રહી જશે. મારે તો મારા બાળકને ડૉક્ટર કે ઍન્જીનીયર બનાવવો છે. એ અભ્યાસક્રમ તો અંગ્રેજીમાં જ આવશે, હું બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવીશ તો તેને કોલેજમાં અઘરું પડશે. આ બધા ‘ભ્રમ’માં વાલીઓ રહેતા હોય છે.

આ બધા વાલીઓ એમ નથી સમજતા કે આપણા બાળકને pancreas કરતાં સ્વાદુપિંડ કહેશો તો વધુ સમજાશે, તેને rope કરતાં દોરડું કહેશો તો વધુ સમજાશે, તમે વરસતા વરસાદમાં તેને હાથમાં કાગળનો ટુકડો આપીને કાગળની હોડી બનાવવાનું કહેશો તો વધુ મજા આવશે, એટલી મજા એને ક્રાફ્ટ વર્ક કરવામાં નહિ આવે. જેટલો આનંદ માતાના હાથના ભોજનનો છે એટલો જ આનંદ માતૃભાષાના શિક્ષણનો છે. જેમ બહારનું કે હોટેલનું ભોજન કોઈવાર સારું લાગે એમ વિદેશી ભાષા સાઈડમાં શીખવી સારી લાગે. તમે એકથી વધુ ભાષાના જાણકાર થઈ શકો છો પરંતુ તમારે પાયો તો તમારી માતૃભાષાને જ બનાવવો જોઇએ.

કોઈપણ ભાષા શીખવાની સાચી પદ્ધતિ છે – LSRW
એટલે કે Listening
Speaking
Reading અને
Writing

આપણી માતૃભાષા આપણે અનાયાસે જ આ પદ્ધતિથી શીખતાં હોઈએ છીએ. બાળક બોલતાં શીખે એ પહેલાં પોતાની આજુબાજુ જે કોઈ અવાજ સાંભળે છે એ તેની માતૃભાષામાં હોય છે. ઘણાં સમય સુધી અવાજો સાંભળ્યા પછી બાળક નાના-નાના શબ્દોથી બોલવાની શરૂઆત કરે છે. ત્યારબાદ બાળક શાળામાં જ્યારે ઔપચારિક શિક્ષણ મેળવવાનું ચાલુ કરે છે ત્યારે તે વાંચવા અને લખવાનું શરૂ કરે છે.

ભાષા શીખવાની આ પ્રક્રિયા ફક્ત કુદરતી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક પણ છે. આપણે જ્યારે માતૃભાષા સિવાયની કોઈ ભાષામાં શિક્ષણ મેળવીએ છીએ ત્યારે આ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરી શકતા નથી અને પરિણામે સાચી રીતે ભાષા શીખી શકતા નથી. માતા-પિતા બાળકને અંગ્રેજી માધ્યમમાં બેસાડી શકે છે પરંતુ તેને ભાષા સારી રીતે શીખી શકે એ માટેનું વાતાવરણ પૂરું પાડી ન જ શકે.

વિશ્વમાં અનેક એવા દેશ છે કે જ્યાં દરેક અભ્યાસક્રમ ત્યાંની માતૃભાષામાં જ વિદ્યાર્થીને કરાવવામાં આવે છે. રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની, ઈઝરાયલ વગેરે  દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. આ બધા દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં અગ્રેસર રહ્યા જ છે. આપણાથી અનેકગણો નાનો એવો દેશ ઈઝરાયલ વિજ્ઞાન ક્ષેત્રે ભારત અને બીજા અનેક દેશોથી આગળ છે. બીજા અનેક દેશો કરતાં વધુ નોબેલ પારિતોષિક આ દેશે વિજ્ઞાન ક્ષેત્રમાં મેળવ્યા છે અને તેની આ પ્રગતિનું કારણ ત્યાં  માતૃભાષામાં અપાતું ઉચ્ચ શિક્ષણ જ છે.

તમે દુનિયાની કોઈપણ મહાન વિભૂતિનું ઉદાહરણ લઈ લો કે જેને પોતાના ક્ષેત્રમાં નોંધનીય પ્રદાન કર્યું છે, આ બધી વિભૂતિઓએ એમનું મૂળ શિક્ષણ એમની માતૃભાષામાં જ મેળવ્યું હશે. આપણા દેશમાં જ વાત કરીએ તો ગાંધીજીએ એમનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું તો રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020નો અમલ તો બાળક માટે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાનો કાયદો બનાવશે જ પરંતુ એ પહેલાં પણ આપણે આપણા બાળક માટે શા માટે માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી છે એ સમજી લેવાની જરૂર છે. એક વાક્યમાં જ કહું તો બાળકને ગોખણિયું બનાવવું હોય તો અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકાય પરંતુ સમજુ બનાવવા તો તેને માતૃભાષામાં જ શિક્ષણ અપાવવું જોઈએ.

– હેમાંગી ભોગાયતા મહેતા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “હું ગુજરાતી પણ મારે ભણવું અંગ્રેજીમાં..

  • હર્ષદ દવે

    ભાષા અંગે અંગ્રેજીની તરફેણમાં જે લોકો કહે છે તે કેવળ ભ્રાંતિ છે. અંગ્રેજી સારું હોય તેવા નબળા વિદ્યાર્થીઓ આગળ નથી આવી શકતા અને માતૃભાષા સબળ હોય તેવા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી શકે છે. તમારા લેખ પરથી એ જ વાત સિદ્ધ થાય છે કે માતૃભાષા શિક્ષણ માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. કોઈ એવું કેમ નથી વિચારતું કે ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવો અને સાથો સાથ અંગ્રેજીમાં પણ કૌશલ્ય કેળવો. શા માટે તેમાં પણ પાછા પડવું? ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન સરસ હશે તો તેને ગુજરાત બહાર પણ ક્યાંય કાંઇ પણ નડે જ નહીં. ભારતમાં ઘણી ભાષાઓને માન્યતા મળી છે. એ સાચી વાત છે કે ચીનની ભાષા (મેન્ડેરીન) સહુથી વધારે બોલાતી ભાષા છે (કારણ કે ચીનની વસ્તી વિશ્વમાં સહુથી વધારે છે!). હિન્દી સહુથી વધારે વૈજ્ઞાનિક ભાષા છે અને સંસ્કૃત તો એથી પણ ચડિયાતી ભાષા છે. ‘ભ્રમર: રસમ પીબંતિ’ વાક્યના ગમે તે શબ્દને ગમે ત્યાં ગોઠવો તો પણ વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી. ભાષામાં સમજણ અને સંવાદ સાધવો જોઈએ. ‘ગુજરાતીમાં જોડણી ભૂલો ચાલે પણ અંગ્રેજીના શબ્દમાં સ્પેલિંગ મિસ્ટેક શરમજનક ગણાય!’ સરકાર પણ (ભાષાને લુપ્ત થતી બચાવવાના બહાને) ‘જોડણી દોષને ધ્યાનમાં નહીં લેવાના’ જેવા ફરમાનો બહાર પાડે ત્યારે બહુ ઓછા વેદિયા ગણાતા શિક્ષકો કેટલો ક્ષોભ અનુભવે છે તેની કોઈને ક્યાં પરવા છે?
    માતા-પિતા, શિક્ષકો બાળકોને પ્રારંભથી જ એવું વાતાવરણ પૂરું પાડે અને અંગ્રેજીના યશોગાન ઓછા ગાય તો પરિસ્થિતિ ચોક્કસ સુધરશે એવી આશા અવશ્ય સેવી શકાય. જાગૃત લોકો નિષ્ક્રિય ન રહે તો ઘણું ઘણું થઇ શકે. બાવાના બંને બગડે છે, એ સ્થિતિ કેમ ન સુધરે?

  • Sushmaksheth

    સાચી વાત છે. ગુજરાતીમાં શિક્ષણ લેનારને ક્યારેય અંગ્રેજી ન આવડ્યું હોય તેવી તકલીફ નથી પડી.

  • Dipak Patel

    હેમાંગી ભોગાયતા મહેતાજી ,
    આપની આ રજૂઆત ખરેખર ખુબ જ મહત્વની અને વર્તમાન સમય માં દરેક અંગ્રેજી માધ્યમ પાછળ અંધદોટ મૂકી રહેલા વાલીઓ સુધી પહોંચવી જરૂરી છે.
    હું ગુજરાતી માધ્યમ શાળામાં આચાર્ય તરીકે કાર્ય કરી રહ્યો છું જેમાં ઘણા વાલીઓને અત્યારે સુધી પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષા માં જ એ બાબતે માર્ગદર્શન આપ્યું છે અને આ થી એ માર્ગદર્શન આપતી વખતે આપની આ અતિ સુંદર અને તાર્કિક રજૂઆત ને પણ લીંક ના માધ્યમ થી શેર કરીશ.
    ખુબ જ સુંદર રજૂઆત. આભાર

  • smdave1940

    આ એક કમનસીબી છે કે ૧૯૪૭ પછી ૭૫ વર્ષે આપણે ભારતમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવવું પડે છે. અને અંગેજીનો મોહ જતો નથી.
    એક કાળે, આપણા જેવી સ્થિતિ યુરોપમાં પણ હતી. ન્યુટને પણ પોતાના પુસ્તકો લેટીનમાં લખેલા. ૧૮ મી /૧૯મી સદીમાં ત્યાં પણ શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવાની માંગણી ઉઠેલી.
    ૧૯૫૫ના દશકામાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતમાં તો ગુજરાતી થયેલ. પણ બીજા રાજ્યોએ ગુજરાતનું અનુસરણ કરેલ નહી. અરે ગુજરાતમાં તો અંગ્રેજી પાંચમાથી ભણાવવું કે આઠમાથી ભણાવવું તેના વાક્યુદ્ધો થયેલા. અને તેના મુખ્ય હિરાઓ, ઠાકોર ભાઈ ઓ હતા. એક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા અને બીજા અમદાવાદની કોઈ સ્કુલના આચાર્ય હતા. તેઓ અનુક્રમે ઠાકોરભાઈ આઠમા અને ઠાકોરભાઈ પાંચમા તરીકે ઓળખાતા હતા.
    ગુજરાતની કોલેજોમાં ઇંટર સાયંસ સુધી ગુજરાતી માધ્યમ હતું, જેને અંગ્રેજીના હિમાયતીઓ મગન માધ્યમ કહેતા હતા. મગનભાઈ દેસાઈ, ગુજરાત યુનીવર્સીટીના વાઈસ ચાંસેલર હતા. મગન માધ્યમવાળાઓને, પર પ્રાંતોમાં અને ખાસ કરીને મુંબઈમાં, (ગુજરાતીઓને) નોકરીમાં ન રાખવાનું એક બહાનુ મળી ગયેલ. જે હજુ સુધી ચાલુ છે (!). વલ્લભ વિદ્યાપીઠ અને સયાજીરાવમાં અંગ્રેજી માધ્યમ હતું તો પણ, ગુજરાતીઓ મગન માધ્યમ વાળા કહેવાતા

    શું આનો કોઈ રસ્તો નથી?
    રસ્તો તો છે જ. પણ આપણે તે અપનાવવો નથી.

    મૂળ વાત કરીએ તે પૂર્વે આપણે આપણા મૂર્ધન્યોને થોડા ગોદા મારી લઈએ. આપણા એક મૂર્ધન્યે એમ કહેલ કે “અંગ્રેજી ખસેડીને તેની બધી જ જગ્યાએ હિંદી લાવવી એનો અમારો વિરોધ છે”. આમાંથી ઘણા અર્થો નિકળી શકે. પણ આ મહામાનવે ચીપીયો પછાડીને એમ કદી ન કહ્યું કે દરેક સ્તરે શિક્ષણનું માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઇએ.

    જો કશું જ કર્યા વગર ગુજરાતી માધ્ય્મ લાવવું હોય તો ગુજરાતની અંદર નોકરી માટે ગુજરાતી આવડવું પૂરતું નહીં ગણાય. ગુજરાતી માધ્યમમાં જ ભણેલું હોવું જોઇશે. જો તમારી આંતર્દેશીય કે આંતર રાષ્ટ્રીય કંપની હશે તો પણ તમારે બધું કામ હિંદીમાં કે ગુજરાતી (સ્થાનિક ભાષા)માં કરવું પડશે. આવી કંપનીઓએ અંગ્રેજી માટે, તેના દરેક વિભાગમાં અંગ્રેજીના જ્ઞાતા વિકલ્પે રાખવા પડશે. આ વાત પૂરા દેશમાં લાગુ પડશે.

    આમ કરવાથી ગુજરાતમાં ગુજરાતીની અસ્મિતા પણ જળવાશે, હિંદી અને અંગ્રેજીનું મહત્ત્વ પણ વધશે. ુ
    અંગ્રેજીનું શિક્ષણ કોલેજમાં એક વિષય તરીકે વિકલ્પે આપવું જોઇએ. અંગ્રેજીને ફરજીયાત રીતે ભણાવી શકાય નહીં. અથવા તો ૧૦મી પાસ થયા પછી અંગ્રેજી ભણાવવા માટે ખાસ સંસ્થાઓ સ્થાપવી જોઇએ. જેઓ ભાષાંતરકારો તૈયાર કરે.
    આખા દેશમાં વિષયોની ટર્મીનોલોજી (પારિભાષી શબ્દો) સમાન અને સંસ્કૃત (તદ્ભવ) શબ્દોવાળી હોવી જોઇએ. કૌંસમાં અંગ્રેજી શબ્દો વિકલ્પે હોવા જોઇએ.