ઓથાર : મીનળ દવે; પુસ્તકસમીપે – અંકુર બેંકર 6


‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.

પુસ્તક સમીક્ષા: ઓથાર (વાર્તાસંગ્રહ)
લેખક: મીનલ દવે

રેવાકિનારે ભરૂચ ખાતે જે.પી. આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં અધ્યાપિકા તરીકે ફરજ બજાવતાં મીનલબેન દવે મુખ્યત્વે તો વાર્તાનો જીવ. તેઓ ખૂબ સારાં વિવેચક છે. આ ઉપરાંત તેઓએ હાસ્યલેખો, પ્રવાસવર્ણન અને નાટકોનું સંપાદન કર્યું છે. ઉત્કૃષ્ટ વ્યાખ્યાનકાર હોવાને કારણે અલગ અલગ જગ્યાએ એમણે વ્યાખ્યાનો પણ આપેલાં છે. એક વિવેચક જ્યારે વાર્તાકાર બને છે ત્યારે તે પોતાનાં સર્જનને ટપારી-ટપારી અને ચકાસીને રજૂ કરતાં હોય છે. આવી ટકોરાબંધ અને ચૂંટેલી વાર્તાઓનો ૯૦ પાનામાં સમાવેશ કરતો અને વર્ષ ૨૦૧૭માં અરુણોદય પ્રકાશન દ્વારા પ્રકાશિત સંગ્રહ એટલે ‘ઓથાર’. 

‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. ‘વાર્તા અને હું’ એમ કરીને નિવેદનમાં લેખક નોંધે છે કે, “મૂળભૂત રીતે હું કથારસની માણસ. નવલકથા, આત્મકથા અને ટૂંકી વાર્તા મારો પહેલો પ્રેમ. ગુજરાતી જ નહીં, અન્ય ભારતીય ભાષાઓની એટલી બધી વાર્તાઓ-નવલકથાઓ વાંચી છે કે મારી વાર્તાઓ મને નબળી જ લાગે છે. છતાંય પરિચિત જગતને અપરિચિત બનાવવાની ધખનાએ મને કાયમ નવી વાર્તા તરફ ધકેલી છે.” કેટલું સ્પષ્ટ નિવેદન! આ સંગ્રહમાંની વાર્તાઓમાં નાવિન્ય હોવાનું, એ વાતનો અણસાર એમના નિવેદનમાંથી જ મળી જાય છે. આ સંગ્રહમાં સમાવિષ્ટ અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.

‘Othaar’ Short story Collection book by Minal Dave

સંગ્રહની પહેલી વાર્તા ‘ઓથાર’ કે જેના નામ પરથી સંગ્રહનું નામ રાખવામાં આવ્યું છે, એમાં નોકરી કરતી સ્ત્રીની આસપાસ કૃતિની ગૂંથણી કરવામાં આવી છે. કોમી તોફાનોના કારણે થયેલા કર્ફ્યુ પછી દસ-બાર દિવસે ખૂલેલી ઑફિસેથી નીકળતાં નાયિકાને મોડું થઈ જતાં એની દરરોજની ટ્રેન સહેજ માટે ચૂકી જાય છે. આવા કોમી રમખાણવાળા સમયમાં, ડરની ગંધ હવામાં પ્રસરેલી હોય ત્યારે નાયિકાને બીજી ટ્રેન આવે ત્યાં સુધીનો સમય એટલે કે એક કલાક રેલવેસ્ટેશન પર એકલા ગાળવાનો છે. આ ઉપરાંત બીજી ટ્રેન મળ્યે છેક બે કલાકે તે એના ઘરે પહોંચશે.

એક તો ડરભર્યો માહોલ અને એમાંય મોડું થતાં ભયની લાગણી નાયિકાના મન પર પ્રભાવી થઈ જાય છે. એ જ ભયમિશ્રિત મનોવ્યાવ્યાપાર વાર્તામાં આલેખાયો છે. રેલ્વસ્ટેશન અને ટ્રેનના પરિવેશનું ઝીણવટભર્યું આલેખન વાર્તાને એક અલગ ઊંચાઈ બક્ષે છે. કંઈ ન કહીને પણ ઘણું બધું કહી દેવાની આવડત એક વાર્તાકારમાં હોવી જોઈએ. આ વાર્તામાં એવા ઘણાં ઠેકાણાં છે કે જ્યાં નાનાં ઝરણાનાં મૂળમાં મોટું જળાશય હિલોળા લેતું હોય. જેમ કે ટ્રેન છૂટી ગઈ અને પોતે બીજી ટ્રેનમાં આવશે એ જણાવવા નાયિકા જ્યારે એના ઘરે ફોન કરે છે ત્યારની વાત,

‘વિક્રમે જ ફોન ઉપાડ્યો. બીજી મેમુમાં આવવાની વાત સાંભળીને ચિડાઈ ગયા. પણ, મેં તો ફોન મૂકી જ દીધો. એમનો ખીજભર્યો અવાજ ફોનમાંથી ઝૂલતો મારા લગી પૂરો પહોંચી જ ન શક્યો.’

આ વિધાનમાં સીધેસીધો જે અર્થ મળે છે એ સિવાય બીજા અર્થો પણ મળી આવે છે. નોકરી કરતી સ્ત્રીએ પોતાના જીવનમાં ઘણું બધું સાંભળ્યું ન સાંભળ્યું કરવાનું હોય છે. નાયિકાના પતિના ખીજભર્યા અવાજમાં સમગ્ર સમાજનો પડઘો પડે છે. એવો સમાજ કે જેમાં નોકરી કરતી સ્ત્રીને વણમાગી સલાહ આપનાર વડીલો, કટાક્ષ કરનાર મિત્રો અને પડોશી બાઈઓ, કોઈનાથી દબાયેલા કે અહમના ઘવાયેલા પુરુષના કડવા વેણ બધું જ આવી જાય.

આવા ક્લિષ્ટ અવાજોને નોકરિયાત સ્ત્રીએ અવગણવાના હોય છે, એ પણ કાન ખુલ્લા રાખીને. રેલવેસ્ટેશન પર જ્યારે નાયિકા બીજી ટ્રેનની રાહ જુએ છે ત્યારે કાળા બુરખાવાળી એક સ્ત્રી મોટો થેલો લઈને એની બાજુમાં આવીને બેસી જાય છે. ત્યાંથી શરૂ થાય છે ડરની પરાકાષ્ઠા, જે અંત સુધી તમને જકડી રાખે છે. અંતમાં પણ નાયિકાનો અવાજ ટ્રેનની વ્હીસલને પણ દબાવી દે એવો નીકળ્યો અને બુરખાવાળી સ્ત્રીનો થેલો નાયિકાને હળવોફૂલ લાગ્યો. – જેવાં પ્રતીકો દ્વારા નાયિકાના મનોજગતને આબાદ રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે. આવા સરસ અંત માટે લેખકને ખાસ અભિનંદન આપવા ઘટે. સમાજમાં પ્રવર્તતી અલગ-અલગ પરિસ્થિતિ લેખક આલેખનમાં ખૂબ સરસ રીતે ગૂંથી શક્યાં છે. 

‘સામેનું ઘર’ નામની વાર્તામાં એક ઘર અને એની સામે રહેલી નાનકડી ઝૂંપડીના પરિવેશમાં મોટો વ્યાપ ધરાવતી કૃતિ આપવામાં લેખક સફળ રહ્યાં છે. માલા નામની નાયિકાનો સવારે સાડાપાંચે શરૂ થતો આખો દિવસ ઘરનાં કામ અને નોકરીમાં વીતે છે. પોતાનાં રસોડાની બારીમાંથી દેખાતી સામેની ઝૂંપડીમાં રહેતા પરિવારમાં પણ પોતાના પરિવારમાં છે એટલા જ સભ્યો છે. સાસુ-સસરા, પતિ, પત્ની અને દીકરો. આ ઘરમાં વહુ-દીકરો નોકરીએ જાય છે અને એ ઘરમાં વહુ-દીકરો કામે જાય છે. આટલી સમાનતાઓ સાથે આ બંને ઘરો વચ્ચે જે અસમાનતા રહેલી છે એ નાયિકાના દૃષ્ટિકોણથી વાચક સુધી પહોંચાડવામાં આવી છે અને એ અસમાનતામાં વાર્તા રહેલી છે. 

‘ભૂંસી નાખ્યું એક નામ’ વાર્તામાં શાળામાં ભણતી નાનકડી છોકરી નીકીના મનોજગતને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે. દરેક દીકરી માટે પોતાના પિતા હીરો હોય છે, એમ જ નીકી માટે પણ એના પિતા દુનિયાના સૌથી સારા પિતા છે. એના પિતાએ કરેલ કોઈ પાપને કારણે પોતાની નાનકડી દુનિયામાં આવેલ બદલાવ નીકીને મૂંઝવણમાં મૂકી દે છે. વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નીકી પોતાના પપ્પા વિશે અને પોતાના જીવન વિશે કોઈ નક્કર નિર્ણય પર આવે છે. આ નિર્ણય પર આવવાની સફર જે રીતે આલેખાઈ છે એ મનનીય છે. કોઈ અપરાધી જો અપરાધ કરે તો એની સજા પોતે તો ભોગવતો હોય છે પરંતુ સાથોસાથ એનો પરિવાર પણ યાતનાઓ વેઠે છે. – એ વાત આ વાર્તામાં બખૂબી રીતે વાચક સુધી પહોંચાડવામાં આવી છે. 

આ સિવાય પણ સંગ્રહની અન્ય વાર્તાઓ જેમ કે ‘મોંકળા’, ‘દ્વિધા’, ‘ચકુ’, ‘ઉંબરો’, ‘ઘર?’, ‘બળ્યું આ જીવવું’, ‘ઝુરાપો’ પણ સ્ત્રીજીવનનાં અલગ અલગ પડાવોની વાત અને એના સંઘર્ષની વાત આપણી સમક્ષ મૂકી આપે છે. તો ‘ગમતું જીવન’ અને ‘કોના વાંકે’ જેવી વાર્તાઓ દ્વારા પુરુષોને પણ પોતાની આગવી તકલીફ હોય છે એની વાત કરવાનું લેખક ચૂકતાં નથી.

‘ચકુ’ વાર્તામાં, ચકુ પાત્રનાં નાનપણની વાત આલેખતો ફકરો વાંચી જો કોઈ વાચકની આંખો આર્દ્ર ન થાય તો એવું કહી શકાય કે એ વાચકની સંવેદનાને લૂણો લાગી ગયો છે. આ ઉપરાંત પુસ્તકમાંથી પસાર થતાં થતાં કેટલાંક વાક્યો એવાં આવ્યાં કે જ્યાં બે ઘડી રોકાઈ જવાયું. આવાં ગમી ગયેલાં વાક્યો તમારી સાથે વહેંચું છું. 

“બીચારી છોકરી! બાપના પાપની સજા…’ જેવો ગણગણાટ નીકીની પીઠમાં ચોંટી ગયો, દીવાળી પર હાથમાં સળગતો ફટાકડો ચોંટી ગયો હતો તેમ જ.”

“નીકીએ પોતાની સાઇકલ પર સ્ટિકર લગાવેલું છે: ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’! અને એ નામ આજે ખારી શીંગનાં ફોતરાં ઊડતાં હોય તેમ આખો દિવસ અહીંતહીં જ્યાંત્યાં ઊડતું રહ્યું છે.” 

“મનમાં પ્રશ્ન ઊઠ્યો: અસલી રંગ કયો? દિવસના અજવાળામાં દેખાય છે તે? કે આ રાતના અંધારામાં ભળાય છે એ? એવું ન બને કે અંધારું જ વાસ્તવમાં સત્ય હોય અને અજવાળાને દિવસ માની લેવો એ આપણો ભ્રમ હોય?”

પુસ્તકના મુખપૃષ્ઠની જો વાત કરીએ તો ઝીણીઝીણી ડિઝાઇન પર વાર્લી પેઇન્ટિંગની ત્રણ છબીઓ એકબીજાને અડોઅડ ગોઠવેલ હોય તેવું દર્શાવેલ છે. જે કદાચ માનવસ્વભાવની ઝીણીઝીણી સંવેદનાઓનું પ્રતીક હોય. માનવસ્વભાવની ઝીણીઝીણી સંવેદનાઓને પોતાની વાર્તાઓમાં તેઓએ વાચા આપી છે. પુસ્તકનું નામ ઓથાર પણ સૂચક છે, જે વાચકને સંગ્રહની બધી વાર્તાઓમાંથી પસાર થયા બાદ અનુભવાય છે. સમાજમાં દરેક સ્ત્રી, પછી તે નોકરિયાત હોય કે ગૃહિણી, શ્રીમંત હોય કે ગરીબ, નાની હોય કે મોટી, સૌ એક ઓથાર તળે જીવતી હોય છે એની અનુભૂતિ થયા વગર રહેતી નથી.  

એક બાબત આ સંગ્રહમાં ખૂટે છે અને તે છે વાર્તાઓની સંખ્યા. આટલી ઉત્તમ વાર્તાઓ વાંચીને એમ થાય કે હજી સાતઆઠ વાર્તાઓ વધારે હોત તો કંઈક ઉત્તમ વાંચ્યાના સંતોષમાં ઉમેરણ થાત. આશા રાખીએ કે મીનલબેન પાસેથી આવી માતબર સાહિત્ય કૃતિઓ મળતી રહે અને વધુ એક સંગ્રહ સાથે તેઓ વાચકો સમક્ષ ફરીથી ઉપસ્થિત થાય.  

તો મિત્રો ફરી મળીશું આવા જ કોઈક પુસ્તકનાં પાને પાને પગલાં પાડવાં. ત્યાં સુધી વાંચતા રહો અને પ્રસન્ન રહો. 

મા ગુર્જરીની જય! નર્મદે હર!

-અંકુર બેંકર

[ઓથાર (વાર્તાસંગ્રહ), લેખક: મીનલ દવે, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: અરુણોદય પ્રકાશન, પૃષ્ઠ: ૬ + ૯૦ = ૯૬, મૂલ્ય: ૯૦-૦૦]

અંકુર બેંકરની કલમે આ કૉલમ અંતર્ગત લખાયેલા પુસ્તકોની સમીક્ષા વાંચવા અહીંં ક્લિક કરો


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ઓથાર : મીનળ દવે; પુસ્તકસમીપે – અંકુર બેંકર