એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું. આ પુસ્તક તેમને ખૂબ જ ગમ્યું. મોતીભાઈએ આ પુસ્તક દરબાર શ્રી ગોપાલદાસ દેસાઈને આપ્યું અને દરબારસાહેબે તે પુસ્તક ગિજુભાઈ બધેકાને વાંચવા આપ્યું. આ પુસ્તક વાંચતાં જ વકીલાતનો વ્યવસાય કરતા ગિજુભાઈનો આત્મા જાગી ઊઠ્યો અને વકીલાત છોડી તેઓ આજીવન બાળકેળવણીને સંપૂર્ણ સમર્પિત એવી ભાવનગર સ્થિત દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાઈ ગયા.
કેટકેટલી દિશાઓ ખોલી આપે છે આ મૂલ્યવાન ગ્રંથો! બાળકો માટે “બાળવિશ્વકોશ” એટલે…
- ગમ્મત સાથે જ્ઞાન
- માહિતીનો ભંડાર
- જીવનઘડતરની સામગ્રી
- વૈશ્વિક મૂલ્યોનો પરિચય
- રંગબેરંગી ચિત્રો અને તસવીરો
- વાચનસામગ્રીનો ખજાનો
- જ્ઞાનભૂખ ખીલવતી બારી
સ્વભાવથી સાચા શિક્ષક અને ગુજરાતના ઇતિહાસમાં જે કેટલાક નિર્મળ, ચારિત્ર્યવાન અને સાચા અર્થમાં સમાજ માટે પથદર્શક જીવન જીવી ગયા હોય તેમાં શ્રી મોતીભાઈ અમીનનું નામ આદરપૂર્વક લેવાય છે. એક વખત તેઓને વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિનું કામ સોંપાયેલું. તેઓની એક ખાસિયત હતી કે કોઈ વિશિષ્ટ પુસ્તક વાંચવા મળે તો તે અન્યને વાંચવા આપી તેનો પ્રચાર અને પ્રસાર કરે.
એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું. આ પુસ્તક તેમને ખૂબ જ ગમ્યું. મોતીભાઈએ આ પુસ્તક દરબાર શ્રી ગોપાલદાસ દેસાઈને આપ્યું અને દરબારસાહેબે તે પુસ્તક ગિજુભાઈ બધેકાને વાંચવા આપ્યું. આ પુસ્તક વાંચતાં જ વકીલાતનો વ્યવસાય કરતા ગિજુભાઈનો આત્મા જાગી ઊઠ્યો અને વકીલાત છોડી તેઓ આજીવન બાળકેળવણીને સંપૂર્ણ સમર્પિત એવી ભાવનગર સ્થિત દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાઈ ગયા.
તેઓના આ નિર્ણયથી ગુજરાતને એક સમર્થ કેળવણીકાર, વાર્તાકાર, દીર્ઘદ્રષ્ટા પ્રયોગકાર પ્રાપ્ત થયા. બાળકેળવણી ક્ષેત્રમાં તેઓનું કાર્ય સુવર્ણ અક્ષરે લખાયું. એક પુસ્તક ક્યાં, કેવી રીતે, કેવું અને કેટલું ફળ આપે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય!
પૂજ્ય કસ્તુરબાના વરદ્ હસ્તે ટેકરી પર બાલમંદિરનું મકાન બંધાયું. કામ કરતાં કરતાં ગિજુભાઈને બાળ કેળવણીનાં અનેક સત્યો અને સિદ્ધાંતો સમજાતાં ગયાં. પરંતુ કોણ જાણે કેમ તેઓને સંતોષ ન હતો. સતત એવું વિચારતા રહેતા કે હું અહીં બાળકો માટે કામ તો કરું છું પરંતુ એનો દેશના કરોડો બાળકોને ફાયદો થશે ખરો?
આવો ફાયદો આપવા તેમણે બાળશિક્ષણમાં એક પ્રચંડ મોજું ઉત્પન્ન કર્યું. અધ્યાપનમંદિરમાં અનેક બાળશિક્ષકો તૈયાર કર્યાં. વાલીઓ માટે અને બાળકો માટે ઉપયોગી હોય એવું સાહિત્ય લખ્યું. પત્રિકાઓ અને સામયિકો ચલાવ્યાં. આ ક્ષેત્રમાં ચોક્કસ ધ્યેય સાથે કામ કરી શકાય તે માટે “બાલ શિક્ષણ સંઘ”ની સ્થાપના કરી. બાળકો કેન્દ્રમાં હોય એવી પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ અમલમાં મૂકી. વાર્તાઓ દ્વારા શિક્ષણ અપાતું કર્યું.
પરિણામસ્વરૂપ સમાજમાં બાળકોને જોવાની એક નવી દૃષ્ટિનો આવિર્ભાવ થયો. જાણે એક નવો યુગ આરંભાયો. લોકોએ ગિજુભાઈને “મૂછાળી મા” જેવું અદકેરું બિરુદ આપી નવાજ્યા. પણ મુખ્ય વાત તો હવે કરવાની છે. ગિજુભાઈ જીવ્યા ત્યાં સુધી તો બાલસેવા કરતા રહ્યા..કરાવતા રહ્યા. પરંતુ તેમને લાગતું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ અને તેમનામાં રહેલ અમાપ ક્ષમતાઓને ચોક્કસ દિશા મળે તે માટે આટલા પ્રયત્નો અપૂરતા છે. અને આ અધૂરપ પૂરી કરવા તેઓએ સતત મંથન કર્યું.
તેઓએ આ દિશામાં નક્કર કામ થાય તેવા બે સંકલ્પો વ્યક્ત કર્યા.
૧) ગુજરાતમાં બાળકો માટે “ચિલ્ડ્રન યુનિવર્સિટી”ની સ્થાપના થાય.
૨) બાળકો માટે વિશ્વકોશ તૈયાર થાય.
ગુજરાતી તરીકે આપણે આજે ગર્વથી કહી શકીએ તેમ છીએ, “જુઓ ગિજુભાઈ, તમારા સંકલ્પોને અમે સિદ્ધ કરી બતાવ્યા છે!”
ગાંધીનગર ખાતે Children University ની સ્થાપના થઈ ચૂકી છે અને “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ” અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષાના સર્વ પ્રથમ ગુજરાતી બાળવિશ્વકોશ તૈયાર કરવામાં આવ્યા છે. તેના 1 થી 7 દળદાર ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે. અ થી શરૂ થયેલ આ જ્ઞાનયાત્રા ર સુધી પહોંચી ચૂકી છે. બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
આ ભગીરથ કાર્ય લેખન-ચિત્રાંકન-સંપાદક સમિતિ દ્વારા હાથ ધરાયું. પ્રમુખ સંપાદક તરીકે ડૉ. ચંદ્રકાન્ત શેઠ તથા કલા નિર્દેશક રજની વ્યાસ સમગ્ર ટીમ પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહી છે.
સંપાદક સમિતિનાં સભ્ય એવાં ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી કહે છે, “બાળકોનું કોઈપણ વિકાસશીલ ભાષાસાહિત્યમાં બહુ મહત્વનું સ્થાન હોય છે. બાળકોના જિજ્ઞાસારસને સંતોષવાનું, એ રીતે એમની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાનું, એમને જીવન તેમ જ જગતનાં રસ રહસ્યો પ્રતિ આકર્ષવાનું, એમના અંતઃકરણને કેળવવાનું, એ રીતે એમની વ્યક્તિતા ને વૈચારિકતાને સમૃદ્ધ કરવાનું કાર્ય આવા વિશ્વકોશ કરી શકતા હોય છે. આવા બાળવિશ્વકોશનું નિર્માણ – પ્રકાશન શૈક્ષણિક ક્ષેત્રે શાંત ક્રાંતિ સાધવાનું સબળ માધ્યમ બની શકે છે. એ રીતે બાળવિશ્વકોશ કોઈપણ સમાજની સંસ્કારિતાના, એની સારસ્વત ઉપાસનાના શ્રદ્ધેય જ્યોતિર્ધરો બની રહેતા હોય છે.”
કેટલી અદ્ભુત સંકલ્પના વ્યક્ત કરી છે શ્રદ્ધાબહેને! ખાસ કરીને શિક્ષણક્ષેત્રે કાર્ય કરતાં સૌ કોઈ માટે આ વિશ્વકોશ અત્યંત ઉપયોગી બની રહ્યા છે.
બાળકોને અભ્યાસમાં આવતા કોઈ કઠિન મુદ્દાના સંદર્ભગ્રંથ તરીકે બાળક-શિક્ષક-વાલી ત્રણેય તેનો ઉપયોગ કરી શકે છે.
- તેમાં આકર્ષક રંગીનચિત્રો અને તસવીરો આપેલી હોવાથી બાળકને તેનો ઉપયોગ કરવામાં વિશેષ રુચિ જણાય છે.કોઈપણ અધરી સંકલ્પનાઓ સરળતાથી સિદ્ધ કરી શકાય છે.
- બાળકોને અપાતા પ્રોજેકટવર્ક માટે તો આ વિશ્વકોશ આશીર્વાદરૂપ બને છે. બાળકો જાતે જ પોતાને જોઈતી માહિતી મેળવી શકે છે. ખાસ તો આ માહિતી આધારભૂત હોવાથી બાળકો ગેરમાર્ગે દોરાય તેવી શક્યતાઓ ઓછી રહે છે.
- ભડલી વાક્યો, બહારવટિયો, ભવાઈ, અખાડા પ્રવૃત્તિ અને તેની સાથે જોડાયેલા મગદળ, ગદા, નાળ, લાઠી, ડમ્બેલ્સ, મલખમ જેવા શબ્દો, છપ્પનિયો દુકાળ, ચાંચિયા જેવા વ્યવહારમાં ઓછા વપરાતા અનેક શબ્દોની વ્યવસ્થિત સમજ બાળકને મળે છે.
ટૂંકમાં..બાળકો માટે “બાળવિશ્વકોશ” એટલે…
~ ગમ્મત સાથે જ્ઞાન
~ માહિતીનો ભંડાર
~ જીવનઘડતરની સામગ્રી
~ વૈશ્વિક મૂલ્યોનો પરિચય
~ રંગબેરંગી ચિત્રો અને તસવીરો
~ વાચનસામગ્રીનો ખજાનો
~ જ્ઞાનભૂખ ખીલવતી બારી
બાળવિશ્વકોશનાં વિષયક્ષેત્રો એ એની વિશેષતા છે. ખાસ કરીને તેમાં ભાષા અને લિપિ, સાહિત્ય, કલા, સમૂહમાધ્યમો, ધર્મ-તત્ત્વ-સંસ્કૃતિ, વાણિજ્ય વ્યવસાય, વિજ્ઞાન (શુદ્ધ), વિજ્ઞાન (પ્રયુક્ત), સમાજવિદ્યાઓ અને પ્રકીર્ણ એ રીતે વિભાજન કરવામાં આવ્યું છે. સંક્ષેપ સંજ્ઞા-સૂચિ, કોશના ઉપયોગ માટે માર્ગદર્શન, વિષયક્ષેત્રો તથા અધિકરણ ક્રમ આપેલો હોવાથી વિદ્યાર્થીઓ જાતે જ કોશનો જરૂરી ઉપયોગ કરી શકે છે.
આ બધું શક્ય બનવા પાછળ માત્ર ને માત્ર ગિજુભાઈએ જોયેલાં સ્વપ્નો છે. આપણે સદાયે એ સપનાંઓ જોનાર અને તેને અમલમાં મૂકી સાકાર કરનાર મહાનુભાવોના ઋણી રહીશું!
ખાસ વિનંતી…
શિક્ષકોને ખાસ વિનંતી કે જો તમે ખરેખર આ ગ્રંથોનો ફાયદો બાળકોને થાય તેવું ઇચ્છતા હો તો તમારાં વાલીશ્રીઓને અને બાળકોને આ કોશથી જરૂર પરિચિત કરાવશો. કબાટમાં વ્યવસ્થિત મુકાયેલાં ગ્રંથોથી ગિજુભાઈનાં સ્વપ્ન કાયમ માટે અધૂરાં જ રહેશે!
ચિલ્ડ્રન યુનિવર્સિટી અને તેનાં કાર્યોની વાત જરૂરથી કરીશું.
— ભારતીબેન ગોહિલ
ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
ગુજરાતી બાળવિશ્વકૉશ નવીન જાણકારી જાણવા મળી.
ગ્રંથ માહિતીસભર છે, એવું આ લેખ પરથી જાણવા મળે છે.
ગુજરાતી વિશ્વકોશ જેમ આ પણ સફળ પ્રકાશન સિદ્ધ થશે એવી શુભેચ્છા.
પ્રતિભાવ બદલ આભાર પરમારસાહેબ,
ખરેખર બાળકો માટે ખૂબ ઉપયોગી પ્રકાશન છે.
સાચી વાત ભારતીબેન.. ખરેખર માહિતી આપનાર પોસ્ટ છે…
આભાર…
બાળકો ભવિષ્યના સમૃદ્ધ નાગરિકો બને અને સ્વસ્થ તથા સુખી અને સર્વાંગી વિકસિત જીવન જીવી શકે તેનું મૂળ આ પ્રકારના ગ્રંથો અને તેનો સુયોગ્ય ઉપયોગ છે. કાવીગુરુ રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ગ્રંથો ઘરમાં વસાવો, ભલે તમે ન વાંચી શકો. તમે નહિ તો બાળકોને તેનો લાભ મળશે. શરદચંદ્ર વિશ્વના મહાન કથાકાર થયા તેનું કારણ તેમના પિતાએ લખેલી અપૂર્ણ કથાઓ હતું. એ તેમણે વાંચી, વિકસાવી અને સ્વયં વિકસ્યા. જૂલે વર્ન ઘરે બેસીને એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા જેવાં અનેક રસપ્રદ પુસ્તકો લખ્યાં છે. મુછાળી મા જેવી ધગશ સહુ રાખે તો ધરતી પરનું જીવન સોળે કળાએ પાંગરે, ખીલી ઉઠે!
ખૂબ સાચી વાત. સરસ લેખ અને માહિતી ભારતીજી!
Thanks Meeraben.
KYA THI AMLE? PUSTAK NI KIMMAT?
જાણકારી મળે તો આ emai par જણાવશો,
dgparmar65@gmail.com
ખૂબ ઉપયોગી વાત છે આપની.
આભાર સાહેબ.