કોરોનાએ બદલ્યું શિક્ષણનું સ્વરૂપ – હેમાંગી ભોગાયતા મહેતા 7


મુખ્ય પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? તો જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી. આપણા બાળકો પ્રત્યક્ષ શિક્ષણ માટે જ ટેવાયેલા છે.

સમગ્ર દેશમાં સૌથી વધુ લોકો શિક્ષણ ક્ષેત્રસાથે જોડાયેલા છે. બાલમંદિરથી કોલેજ સુધીના અલગઅલગ અભ્યાસક્રમમાં ભણતાં વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન પૂરું પાડતા શિક્ષકોની સંખ્યા ગણીએ તો ખ્યાલ આવે કે આ ક્ષેત્રમાં કેટલાં બધાં લોકો જોડાયેલા છે! આ સિવાય પરોક્ષ રીતે જોડાયેલા વાલીઓ પણ ખરા! આમ જોઈએ તો સમાજનો મોટો વર્ગ શિક્ષણ સાથે સંકળાયેલો છે. લગભગ દરેક ઘરમાં એક વિદ્યાર્થી તો ઓછામાં ઓછો હોય જ છે. સદીઓમાં એકાદ વખત થાય એવી કોરોના મહામારીની સામે ફક્ત આપણો ભારત દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ લડત આપી રહ્યું છે. આ મહામારીએ માનવજીવનના દરેક ક્ષેત્રમાં અસર કરી છે, શિક્ષણ ક્ષેત્રમાં પણ એની ઉંડી અસર થઈ છે, એ વિશે આજે મારા વિચાર પ્રસ્તુત કરી રહી છું.

માર્ચ મહિનો એટલે ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો મહિનો. (આ વર્ષ અપવાદ રહેશે). ગયા વર્ષે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી અને આપણા દેશમાં કોરોના મહામારીએ પગપેસારો કર્યો; સાવધાનીના ભાગરૂપે સૌપ્રથમ શાળાઓ બંધ થઈ. બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યાં સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું. ત્યારે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સૌ માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી. પછી જ્યારે થોડી શાંતિ થઈ ત્યારે શિક્ષકો માટે સામાજિક અંતર અને અને ૫૦% સ્ટાફ જેવા નિયમો સાથે શાળાઓ ફરી શરૂ થઈ. ત્યાં આવી રહ્યો હતો મે મહિનો. મે મહિનો એટલે બોર્ડના ધોરણ સિવાયના ધોરણો માટે પરીક્ષાનો મહિનો. હા, CBSE શાળાઓમાં થોડો ફેરફાર હોય છે. પરંતુ મે મહિનામાં કોરોનાનો ડર હજુ અકબંધ હતો. લોકડાઉન પણ સાવ નહિવત્ ખુલ્યું હતું. એ સમયમાં શાળાઓ ખોલીને પરીક્ષા લેવાનું સરકારને યોગ્ય ન લાગ્યું અને સરકારે જાહેરાત કરી માસ પ્રમોશનની. કોઈપણ જાતની પરીક્ષા વિના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલી આપવા. બધાં આ નિર્ણયથી ખુશ થયાં. પરંતુ ત્યારે બધાંને થોડી ખબર હતી કે આ સવાલ ફક્ત બે-ચાર મહિના પૂરતો નથી. કોરોનાની પરિસ્થિતિ લંબાઈ અને હવે શિક્ષણ ક્ષેત્રના મહારથીઓએ આગળ શું કરવું એ વિચાર કરવો પડ્યો.

mother daughter use a laptop 
online education article aksharnaad
Photo by August de Richelieu on Pexels.com

અત્યાર સુધી શિક્ષણ પૂર્ણપણે ઓનલાઈન નહોતું, એ માટે અમુક છૂટીછવાઈ સુવિધાઓ હતી, પરંતુ કોરોનાકાળને લીધે સૌએ આ ઓનલાઈન શિક્ષણના રસ્તાઓ વિશે વિચાર કર્યો. કોઈએ તરત તો કોઈએ પછી! ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા પાછળ ક્યાંક હેતુ એવો પણ હતો કે સૌપ્રથમ આપણે શરૂ કરીએ તો ‘સારું લાગે’ અને અમુક પ્રથાઓ એવી હોય કે એક નિભાવે એટલે ‘સારું લગાડવા’ બીજાએ પણ નિભાવવી પડે. એકનું જોઈને બીજાએ પણ ‘દેખાવ’ શરૂ કર્યો, પરંતુ પછી પણ પરીસ્થિતિ લાંબો સમય સુધી બદલી નહીં. સૌને એમ હતું કે થોડાં સમયમાં શાળાઓ ખુલી જશે, પણ એવું બન્યું નહીં. લોકડાઉન તો ધીમે ધીમે અનલોક થતું ગયું પરંતુ જેમ-જેમ બધું અનલોક થયું એમ કોરોનાના કેસ વધતા ગયા અને શાળાઓ ખુલવાની શક્યતા ફરી નહિવત્ થવા લાગી. હવે કંઈક કરવું જરૂરી હતું. પ્રાઈવેટ શાળાઓએ એકબીજાને જોઈને ઓનલાઈન અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. ધીરે-ધીરે પ્રાઈવેટ શાળાઓએ આ ઓનલાઈન અભ્યાસના આધારે ફી માંગવાનું શરૂ કર્યું. પ્રાઈવેટ શાળાઓના પ્રયત્ન સાથે જ સરકારી શાળાઓમાં પણ સરકારે ઓનલાઈન મટીરીયલ મોકલવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને બોલાવીને ટેસ્ટબુક લેવી – આપવી વગેરે જેવી કામગીરી શરૂ થઈ. જો કે આ બધી વાત તો શાળાઓ તરફની થઈ. અત્યારે જ્યારે આપણે કોરોનાકાળમાં શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે વાલીઓ તરફની વાત કરવી પણ જરૂરી છે.

એક દુઃખદ વાત એ છે કે કોરોનાકાળ પહેલા ખૂબ ઓછા વાલીઓ પોતાના બાળકની અભ્યાસની જવાબદારી લેતા હતા. મોટાભાગના વાલીઓ પાસે એવું સાંભળવા મળતું હતું કે, “અમારું બાળક માનતું નથી”, “અમને સમય મળતો નથી”, “અમે તો બાળકને ટ્યુશન રખાવી દીધું છે.” મોટાભાગે વાલીઓ શિક્ષકો પર જવાબદારી મૂકી દેતા હતા. પરંતુ આ વખતે વાલીઓએ જવાબદારી લેવી પડી. એકબાજુ ઘણાં બધાં પરિવારની આજીવિકા વિખેરાઈ ગઈ હતી. ચારેબાજુ કોરોનાને લીધે થયેલા આર્થિક નુકસાન બાબતે લોકો ચિંતિત હતા, બીજા બધા પ્રશ્નો હતા અને ત્યાં આ બાળકોનું શિક્ષણ. આ બધી પરીસ્થિતિમાં બાળકોના શિક્ષણને જોઈએ એટલું મહત્વ ન મળ્યું. (જો કે સામાન્ય પરીસ્થિતિમાં પણ ઘણીવાર જોઈએ એટલું મહત્વ વાલીઓ તરફથી નથી મળતું હોતું.) વાલીઓને પણ શરૂઆતમાં એમ હતું કે એક બે મહિનામાં શાળાઓ શરૂ થઈ જશે તો બાળકો શાળાએ જશે તો લેસન કરી લેશે પણ એવું ન થયું. હા, એવા વાલીઓ પણ હતા કે જેમણે પોતે જ રજૂઆત કરી હોય કે બીજી શાળાઓમાં તો અભ્યાસ આગળ વધે છે, અભ્યાસક્રમ ચલાવે છે તો તમે પણ ચલાવો.

આ બધા વચ્ચે પ્રાઈવેટ શાળાઓ માટે સૌથી અગત્યનો મુદ્દો હતો ફીનો. ઘણીબધી નાની શાળાઓએ તો શિક્ષકોને છૂટાં જ કરી દીધાં. જે પ્રાઈવેટ શાળાઓએ ઓનલાઈન શિક્ષણકાર્ય અને બીજા વહીવટી કાર્ય માટે શિક્ષકો અને અન્ય સ્ટાફને રોક્યો હતો એમના માટે આ કર્મચારીઓના પગારનો પ્રશ્ન સામે ઊભો હતો. દરેક ક્ષેત્રના લોકોને જો કે કોરોનાકાળમાં આર્થિક પ્રશ્નો તો ભોગવવા જ પડ્યા છે. સમગ્ર દુનિયાનું અર્થતંત્ર વિખેરાઈ ગયું. દરેક ક્ષેત્રની જેમ શિક્ષણ વિભાગનું અર્થતંત્ર પણ વિખેરાઈ ગયું. ઓનલાઈન શિક્ષણના આધારે ફી લઈ શકાય કે નહીં એ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે ફેંસલો આપ્યો કે શાળાઓએ 25% ફી માફી કરી દેવી. પરંતુ હજી વાલીઓ આ નિર્ણયથી ખુશ નથી અને શાળાઓ ૪૨% ફી વસૂલવા મહેનત કરી રહી છે.

આ બધી રમઝટ વચ્ચે બાળક તો વેકેશન જ માણી રહ્યું છે. કદાચ ૧૦% બાળકો ઘરે અભ્યાસ કરી રહ્યા હશે. અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે થોડા સમય માટે અલગ અલગ ધોરણ માટેની શાળાઓ થોડાં-થોડાં સમય માટે શરૂ થઈ હતી પરંતુ ફરી ‘કોરોના’ મહામારીને લીધે ઑફલાઈન શિક્ષણકાર્ય અટકી ગયું છે.

મુખ્ય પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? તો જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી. આપણા બાળકો પ્રત્યક્ષ શિક્ષણ માટે જ ટેવાયેલા છે. ઘરમાં જો બાળકને કંઈ ન સમજાય તો પણ ઘરમાં એમ જ કહેવામાં આવે કે, “કાલે ટીચરને પૂછી લેજે.” ભલે ઈન્ટરનેટના ઉપયોગ થકી નવી માહિતી મેળવવી ખૂબ સહેલી છે કે નવું જાણવું ખૂબ જ સરળ છે પરંતુ પોતાની જાતે આવું સંશોધન કરનાર વિદ્યાર્થીઓનો વર્ગ 2% જ હશે. આપણે જો બાળકને કોઈ મુદ્દો ન સમજાતો હોય તો તેને કોઈ રેફરન્સ વિડીયો શોધીને બતાવતા નહોતા. પરંતુ હવે કદાચ આ બાબતમાં ફેરફાર આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌને જાણવા મળ્યું છે કે ઓનલાઈન તો બધા વિષય માટે અઢળક વિડીયોઝ ઉપલબ્ધ છે. ઘણા શિક્ષકોએ આ સમયમાં વિડીયોઝ ઓનલાઈન મૂકવાના શરૂ કર્યા. વિદ્યાર્થીઓ સરખું ભણ્યા ભલે નહીં પરંતુ આવું ઘણું એમને જાણવા મળ્યું. ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઓનલાઈન શિક્ષણના અલગ અલગ માધ્યમોથી પરિચિત થયા. એક વાત તો કહેવી જ પડે કે આ સમયમાં માનવીના ખાસ મિત્ર બન્યા મોબાઈલ અને કમ્પ્યૂટર. ખાસ કરીને શિક્ષણક્ષેત્રે પણ આ બંનેની બોલબાલા રહી.

હવે પ્રશ્ન એ થાય કે ઓનલાઈન શિક્ષણ સારું કે ઓફલાઈન? હજુ શાળાઓ ખુલવી જોઈએ કે નહીં? ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ માટે એમ કહી શકાય કે ભારત દેશ હજુ ઓનલાઈન શિક્ષણ માટે સંપૂર્ણ તૈયાર નથી. હજુ પણ નેટવર્કના પ્રોબ્લેમ છે. અમુક વિસ્તારોમાં તો નેટવર્ક હોતું જ નથી. આપણાં ઘર એ રીતે તૈયાર થયેલા નથી કે બાળક એકલું એક રૂમમાં બેસીને શાંતિથી અભ્યાસ કરી શકે. શિક્ષકો પણ આ માધ્યમથી ટેવાયલા નથી. ગણિત જેવા વિષયો કે પ્રેક્ટિકલ વિષયો કેમ ભણાવવા એ બાબતે હજુ પણ ગૂંચવણો છે. પરંતુ હા, ઉચ્ચ અભ્યાસ માટે દૂર બેઠેલા તજજ્ઞોના વિડીયોઝ વગેરે ચોક્કસથી ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. જે વિદ્યાર્થીઓ સેલ્ફ સ્ટડી કરે છે કે કરવા સક્ષમ છે એને ખ્યાલ આવ્યો કે આ માધ્યમ થકી એ લોકો વિસ્તારપૂર્વક જ્ઞાન મેળવી શકે છે. પરંતુ આ બધી ઉપલબ્ધતા પ્રત્યક્ષ શિક્ષણનું મહત્વ ઘટાડી પણ શકે.

તમે પણ આ બધાં અનુભવમાંથી પસાર થયા હશો. તમે શું કહો છો? કોરોનાકાળમાં બદલાયેલું આ શિક્ષણનું સ્વરૂપ ભવિષ્યમાં શિક્ષણના ઓનલાઈન સ્વરૂપને વધુ મહત્વ અપાવશે કે ફરી લોકો એમ જ કહેશે કે, “કાલે ટીચરને પૂછી લેજે.”

– હેમાંગી ભોગાયતા

આજથી શરૂ થાય છે હેમાંગીબેન ભોગાયતાની કલમે એક શિક્ષકનો દ્રષ્ટિકોણ – ‘સ્કૂલની બારીએથી..’

નવી કૉલમ દર પખવાડિયે અક્ષરનાદ પર


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કોરોનાએ બદલ્યું શિક્ષણનું સ્વરૂપ – હેમાંગી ભોગાયતા મહેતા

  • મેહુલયો

    સારું wifi હોય, PC uptodate હોય તો schoolનું રોડ બનાવ્યા કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર, રોડનો ઘોંઘાટથી બચીએ offline ભણવાથી

  • Vipul Ramakant Joshi

    અર્જુનને ઓફ લાઇન શિક્ષણ મળ્યું અને એકલવ્યે ઓનલાઇન કરતાં ય અઘરૂં છતાં ટોચનું શિક્ષણ મેળવ્યું.

    આપણા ઋષિઓઆઐ પણ માત્ર માનસિક ધ્યાન અને એકાગ્રતાથી ઈંદ્રિયાતીત શક્તિઓ પાસે થી લૌકિક અને પારલૌકિક જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો અને ઓછા સમયમાં અદ્ભુત સિદ્ધિ ઓ મેળવી.

    આપણી મહાન સાંસ્કૃતિની અનેક ઉત્તમ પદ્ધતિ ઓનું સંશોધન ખુબ ઉપયોગી નિવડશે.

  • હર્ષદ દવે

    શિક્ષણ તેના દરેક સ્તરે અગત્યની બાબત છે અને રહેશે તેમાં બે મત ન હોઈ શકે. બાળક, કિશોર કે યુવક બધાને શિક્ષણ મળવું જ જોઈએ. પહેલાં જેવી ખોટી અને જૂની માન્યતા સ્ત્રી-કેળવણીની હતી કે સ્ત્રીઓએ તો રસોડું જ સંભાળવાનું હોય છે માટે તેને ભણવાની જરૂર નથી સામે સ્ત્રી શિક્ષણના હિમાયતીઓ અને રાજા રામમોહન રાય જેવા સુધારાવાદીઓ સ્ત્રીઓ માટે વર્તમાન થોડી સ્વીકાર્ય સ્થિતિએ પહોંચ્યા. પણ અભૂતપૂર્વ મહામારીએ શિક્ષણના પાયામાં પાયાના શિક્ષણ પર ઘા કર્યો છે. તેને રૂઝ આવતા સમય લાગશે પણ પાયાને નબળો ન જ પડવા દેવાય એ સ્વાભાવિક છે. આ કાર્ય કેવી રીતે ઓછામાં ઓછા સમયમાં સિદ્ધ કરી શકાય તે માટે સહુએ સક્રિય થઇ ઉચિત પગલાં લેવાં જ જોઈએ. દરેક રસ્તા મૂળ પ્રશ્નને ઉકેલવામાં સહાયક બની શકે. યથાશક્તિ સહુ પોતાનો સહયોગ આપે, સ્વેચ્છાએ એ ઇચ્છનીય છે. પ્રજ્ઞા અને બુદ્ધિ લાચાર ન જ બની શકે. ‘ક્યાં સુધી…’ જેવી વિચારધારાને છોડીને આગળ વધવું રહ્યું. જીવન વિકસે છે તેમ શિક્ષણ પણ વિકસતું રહેવું જોઈએ…સહુ સમજે, સહુ શીખવે…વસુધૈવ કુટુંબકમ સાર્થક કરી બતાવે…શુભમ ભવતુ.

    • hemangi bhogayata

      સાચી વાત છે તમારી, આપણે હવે આગળ એ જ વિચારવાનું છે કે આપણે કઈ રીતે બાળકોનું ઓછામાં ઓછું નુકશાન થાય એવું કરી શકીએ…

      • Dhimant Prajapati

        સરકારી પ્રા.શાળાઓમાં ગત વર્ષે વાર્ષિક પરીક્ષા-2019-20 ન લેવાતા માસ પ્રમોશન આપેલ.આ વર્ષે 70% બાળકો ઓનલાઈન શિક્ષણથી (જરૂરી સંસાધનો ન હોવાથી ) વંચિત છે , તેથી આવા બાળકોનું શિક્ષણનુ સ્તર નીચું ગયેલ છે.જે લેવામાં આવતી સામાયિક કસોટી ના આધારે જોઈ શકાય છે. શું હવે ‘0’ વર્ષ ગણાય છે કે ફરીથી માસ પ્રમોશન ????