પ્રેમની પતંગ… – મીરા જોશી 8


કોફી.. જેના એક એક ઘૂંટે મેં તને, આપણા સંબંધને આ કાગળ ઉપર ઉતાર્યો છે. પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. કેમ કે મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી.. કોઈ સભાનતા વિના..

ઝરણાનું મૂળ શોધવાની ઝંખનામાં મેં
કાગળ ઉપર ચીતરી દીધું છે મૌન પહાડનું!

આજે ઉત્તરાયણ.

તું મારા જીવનમાં આવ્યા બાદ, મનના આકાશે હવે માત્ર પ્રેમ અને આનંદની પતંગ હિલોળા લે છે, મારા મનના આકાશે હર ક્ષણ ઊંચે ને ઊંચે આ પ્રેમનો આનંદ ચગતો જાય છે!

person holding a kite
Photo by Praveen Kumar on Pexels.com

પણ તને તો પતંગ ચગાવવા ગમે છે.. તું પતંગ ચગાવતો હોય અને હું ફીરકી પકડીને તારો ઉત્સાહ વધારું. પ્રેમમાં પડ્યા પછી પ્રેમ કરવાનું કે ન કરવાનું કારણ હોઈ શકે? પતંગને દોરી સાથે બાંધ્યા પછી ચગાવવા માટે ઉત્સાહી મન અને અનુકુળ પવન જોઈએ, દિશા ગમે તે હોય… બધી દિશાઓનું આકાશ તો એક જ છે ને! જે રીતે મારું આકાશ તું છે, જ્યાં મારું પ્રેમમય હ્રદય તને વધુને વધુ ઓળખવા માંગે છે, તારી ખૂબીઓ ને ખામીઓથી પણ આગળ જઈ તારા આત્માના ઊંડાણ સુધી પહોંચવા માંગે છે, બસ માત્ર પ્રેમ કરવા માંગે છે.

ઈશ્વરે પ્રેમની લાગણી સર્જીને આ જીવસૃષ્ટિ પર ખુબ મોટી મહેરબાની કરી છે, આ પવિત્ર સંવેદન ન હોય તો સંસાર કઈ રીતે ચાલે? ખાલી કલ્પના પણ કરું તો ધ્રુજી ઉઠું છું. પ્રેમ ન હોય તો ચારે તરફ ઈર્ષ્યા, દ્રેષ, મગજથી લેવાતા નિર્ણયો ને બસ સ્વાર્થથી ખદબદતી અશાંતિ. પ્રેમને પ્રદીપ્ત થવા હ્રદયની જરૂર પડે છે, મગજની નહિ. પ્રેમ અને હ્રદય એકમેકના પુરક છે. શરીર ગૌણ બની જાય ને માત્ર હ્રદય, આત્મા જ મહત્વના રહી જાય પ્રેમની એ ઊંચાઈ પર મારે તને ચાહવો છે!

ગઈકાલે અચાનક જ ખાલી કાગળમાં પેન્સિલથી ચિતરડા કરતા, આપણા સંબંધની યાદગાર ક્ષણોનું એક ચિત્ર દોરાઈ ગયું ને તને મોકલી દીધું! આપણી પહેલી મુલાકાત, તે આપેલું પુસ્તક, તારી ચોકલેટની મીઠાશ.. મારી અંદર આટલો બધો પ્રેમ હશે એવી તો ખબર જે નહોતી… તારા આવ્યા પહેલા! તારામાં અને તારી સાથે જ હું સંપૂર્ણ અનાવૃત થાઉં છું!

તારી જાણ બહાર કાગળ પર તને લખું છું, ચિતરું છું, શું તું ક્યારેય મારી જાણ બહાર પહોંચી શકીશ આ શબ્દો સુધી? જો ને મારી કલમ પણ હવે તારા પર પહોંચીને અટકી જાય છે..!


ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું?
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું  
– અનિલ ચાવડા

હાથમાં કલમ છે, સામે સફેદ ખાલી કાગળ પડ્યો છે, કોરાધોકાર મન જેવો! કશુંક કહેવા ઝંખતો હોય એમ પવનની તોલે ફરફરી રહ્યો છે. બાજુમાં હાલમાં જ પૂરી કરેલી કોફીનો વાસી કપ પડ્યો છે.

કોફી.. જેના એક એક ઘૂંટે મેં તને, આપણા સંબંધને આ કાગળ ઉપર ઉતાર્યો છે. પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. કેમ કે મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી.. કોઈ સભાનતા વિના..

latin american lady shooting vlog on phone with ring light
Photo by Liza Summer on Pexels.com

મારી બધી ક્રિયાઓમાં તું સમાઈ ગયો છે. મારી એકગ્રતાનું કેન્દ્ર તું બની ગયો છે. પરંતુ હવે મારે કોફીની એક-એક ઘૂંટને લિજ્જતથી પીવી છે. નહીંતર એક દિવસ ભૂલી જઈશ આ કોફીનો અસલ સ્વાદ અને સ્મૃતિમાં જે રહેશે એ માત્ર તારી યાદ…

ખેર, સીધા રસ્તા ઉપર ચાલવામાં ત્યાં સુધી જ મજા આવે છે જ્યાં સુધી એ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર ના આવે. એ જ રીતે આનંદની સરવાણીમાં શાંત નદીની જેમ વહી રહેલા આપણા આ સંબંધમાં જ્યાં સુધી કોઈ ધક્કો લાગ્યો નહીં ત્યાં સુધી આ કલમ ઉઠી નથી..!

ગઈકાલે તે કહ્યું, મારી લાગણી, કાળજી કે મારો પ્રેમ તને મહેસુસ જ નથી થતો! હ્રદયને એક ધક્કો લાગ્યો… તો આજ સુધી તારા સુધી જે પહોંચતું હતું, તારા માટે દિનરાત ધબકતું હતું એ શું હતું!? આપણે રેલ્વેના બે સમાંતર પાટા જેવા હતા? એક સાથે ને છતાં જુદા..!?

તારા વિના હું શું છું એ આ કાગળને પૂછ! તું હોય તો કાગળને સાચી લાગણીથી મઢેલા શબ્દોનો શણગાર છે, ને તું નથી તો સાવ કોરોકટ્ટ.. તારા વિનાની મારી જિંદગી આ કોરા સફેદ કાગળ જેવી છે!

તારા વિના કેફેમાં લૂડો ને કેરમ કોની સાથે રમીશ? તારા વિના ગાડી શીખવાનો આનંદ ક્યાંથી મળશે? પેલા પૂલની પાળીમાં બેસીને મારું ગીત કોને સંભળાવીશ? તું આપતો એવી ચોકલેટની મીઠાસ જિંદગીમાં ક્યાંથી લાવીશ? તારા વિના મારા વાળની દરકાર કોણ કરશે? હુંફાળું આલિંગન કોણ આપશે? તારા વિના મને હસાવશે કોણ, રડાવશે કોણ..?! કાશ આ શબ્દોની જેમ હ્રદયને પણ વાંચી શકાતું હોત તો મારે આટલું બધું કહેવાની જરૂરત જ ન પડત!

ના, ના કરતા કેટલી યાદો અનાયાસ જ બની ગઈ ને..! ખબર નહિ ઈશ્વર કેમ મળાવતા હશે એમને જેમના નસીબ પહેલેથી જ અલગ ફંટાયેલા હોય છે..!

અટકું છું, પણ હ્રદયને તને ચાહતાં અટકાવી શકાતું નથી. મારા જીવનના દરેક રસ્તાઓ તારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે…  

– મીરા જોશી

મીરા જોશીની કલમે લખાયેલા પત્રો તેમની કૉલમ તારાથી આ કાગળ સુધી અંતર્ગત અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “પ્રેમની પતંગ… – મીરા જોશી