વેદ દર્શન – શ્રદ્ધા ભટ્ટ 11


વેદ એટલે શું? વેદનો અભ્યાસ ખરેખર જરૂરી છે ખરા? શા માટે વેદ હજુ સુધી સામાન્ય જનની પહોંચથી દૂર જ રહ્યા છે? વેદ સૌથી કઠિન સાહિત્ય શા માટે ગણાય છે? થોડી કોશિશ મારા તરફથી આ બધા પ્રશ્નોના જવાબ આપવાની અને સાથે વેદના ચાર ભાગ અને એના વિશેની સંક્ષિપ્ત માહિતી.

को नाम वेद ?

સાયણાચાર્યે પોતાના ઋગ્વેદભાષ્યની ભૂમિકાના પ્રારંભમાં જ આ પ્રશ્ન પૂછ્યો છે.

વેદ એટલે શું?

સંસ્કૃત શબ્દ છે વેદ. विद्- ज्ञाने ધાતુમાંથી આવ્યો છે આ શબ્દ. એ પરથી વેદનો સર્વ સામાન્ય અર્થ થાય – જ્ઞાન. કેવું જ્ઞાન? જે જ્ઞાન મેળવ્યા પછી આત્માનું કલ્યાણ થાય, જે જાણવાથી માનવ માત્રને સુખ, સંતોષ અંને શાંતિની અનુભૂતિ થાય, અને જે જાણ્યા પછી બીજું કશું જાણવાની ઈચ્છા જ ન રહે એવું જ્ઞાન એટલે વેદ. વેદ માટે કહેવાયું છે – विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्मादिपुरुषार्था: | જેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો જાણી શકાય તે વેદ.

વેદની બીજી એક વ્યાખ્યા છે – अपौरुषेय वाक्यं वेद | અપૌરુષેય વાક્યને વેદ કહે છે. અપૌરુષેય એટલે? શાબ્દિક અર્થ લઈએ તો કહી શકાય કે જેની રચના કોઈ પુરુષે નથી કરી એવા વાક્યો એટલે વેદ. જેમ વાલ્મીકીએ રામાયણી રચના કરી, મહાકવિ કાલિદાસે શાકુંતલની તથા અન્ય લેખકોએ જુદા જુદા ગ્રંથોની રચના કરી, એમ વેદોની રચના કોઈ વ્યક્તિએ નથી કરી એવો અર્થ અહીં નીકળે છે. પણ વેદોમાં દરેક સૂક્તના અલગ અલગ ઋષિ નિયુક્ત કરેલા છે! અપૌરુષેયનો આ અર્થ અહીં બંધબેસતો નથી! આ અર્થ સમજવા પહેલાં ઋષિ શબ્દનો અર્થ સમજીએ. ઋષિ શબ્દ આવ્યો છે ऋष ધાતુ પરથી. એનો અર્થ થાય ગતિ, શ્રુતિ, સત્ય, તપ. વેદોના મંત્રોનું જ્ઞાન ઋષિઓએ અંત:સ્ફૂરણાથી મેળવેલું છે.

देवानाम् यत उच्छवासितम् तद् ऋग्वेद: यजुर्वेद: सामवेद: अथर्ववेद्श्च |

જેમનું ચિત્ત દિવ્ય બની ગયું છે તેમણે પ્રશ્વાસની જેમ સહજ રીતે મેળવેલ જ્ઞાન એટલે જ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સહજ રીતે મળેલ જ્ઞાન – આ શબ્દ જુઓ. પૌરુષ એટલે પ્રયત્ન. અપૌરુષેય એટલે પ્રયત્ન વિના. અહીં ઋષિઓએ પ્રયત્ન તો કર્યો જ ,પણ બાહ્ય રીતે કરવામાં આવેલો યત્ન નહીં. સૂક્ષ્મ રીતે અંતરમન તરફ કરેલી ગતિ અને એને પરિણામે પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિ! ઋષિઓને એટલે જ મંત્રના કર્તા  કે રચયિતા નહિ, મંત્ર દ્રષ્ટા કહ્યા છે!

ऋषयो: मन्त्र द्रष्टार: |

વેદની રચના પાછળનો પુરુષાર્થ આંતરિક છે, અને એટલે જ એ દિવ્ય છે! યાસ્ક કહે છે, ऋषि दर्शनात् | વેદમંત્રોનું દર્શન કરનાર હોવાથી ઋષિ કહેવાય છે. અહીં પ્રશ્ન એ થાય કે આ ઋષિ દર્શન કરે છે એ શું છે? મંત્ર રૂપે જે આપણી સમક્ષ ઋષિઓએ મૂક્યું એ ખરેખર તો બીજરૂપ છે, ફલરૂપ નહીં. ઋષિઓના દર્શનના જુદા જુદા અર્થો નીકળી શકે. કઈ રીતે? બીજ એટલે શું? એક નાનું એવું બીજ પોતાનામાં કેટલી સંભાવનાઓ સંઘરીને બેઠું હોય છે! બીજનો વિકાસ થતાં જ તેમાંથી લીલાછમ પાન, નાની ડાળખીઓ અને જોતજોતામાં એક મસમોટું વુક્ષ પેદા થઇ શકે જે સમય જતાં ફળ પણ આપે! બહારથી દેખાય નાનું એવું બીજ પણ એના કેટલાંય અલગ અલગ સ્વરૂપો એ સમયાંતરે દેખાડ્યા જ કરે! ઋષિઓના દર્શનનું ય આવું જ!

વેદ મૂળ એક જ છે. દ્વાપરના અંતમાં અધ્યયન, સંરક્ષણ, પાઠ વગેરેની સરળતા માટે શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસે વેદનું ચાર વિભાગમાં વિભાજન કર્યું. એટલે જ એમનું નામ પડ્યું- વેદવ્યાસ ( वेदान विन्यास यास्यत स वेदव्यास इति स्मृत: ) આ ચાર વિભાગ એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદવ્યાસજીએ આ ચાર વેદની શિક્ષા પોતાના શિષ્યોને આપી. ઋગ્વેદ પૈલને, યજુર્વેદ વૈશંપાયનને, સામવેદ જૈમિનીને અને અથર્વવેદ સુમંતુને. પછીથી આ શિષ્યો દ્વારા વેદની પરંપરા આગળ વધી.

એક જ વેદના ચાર અલગ અલગ ભાગ! સરળતા માટે આ વ્યવસ્થા કરવામાં આવી, પણ સહજ પ્રશ્ન થાય કે એક જ વેદનો અભ્યાસ કરવો જોઈએ કે ચારેય વેદનો સાથે અભ્યાસ કરવો વધુ હિતાવહ છે? અહીં વેદના  મૂળ ઉદ્દેશ પર ધ્યાન આપવું જરૂરી છે. સૌ પ્રથમ આ ચારેય વેદના વર્ગીકરણ પર ધ્યાન આપીએ. ઋક એટલે પદ્યબદ્ધ મંત્ર. યજુ એટલે ગદ્ય સ્વરૂપના મંત્રો. સામ  એટલે  ગેય મંત્ર. વેદમંત્રોના આ ત્રણ સ્વરૂપને આધારે સમગ્ર મંત્રરાશિને ઋક, યજુ અને સામ – એમ ત્રણ વિભાગમાં વહેચવામાં આવી છે. આ અનુસાર શબ્દપ્રયોગ આવ્યો – વેદત્રયી. અથર્વવેદમાં આ ત્રણેય પ્રકારના મંત્રો છે, એટલે એ અલગ વેદ છે એવી માન્યતા ખોટી છે.

આ તો થયું, વેદોનું સ્થૂળ રીતે વિભાજન. ખરેખર તો ચારેય વેદનો અંતિમ ઉદ્દેશ એક જ છે. વિગતવાર એક પછી એક વેદના મુખ્ય વિષયને લઈને આ વાત સમજીએ. યજુર્વેદનો વિષય છે – કર્મ. યજુર્વેમાં યજ્ઞની વિધિના મંત્રો છે. યજ્ઞ એટલે જ કર્મ. સામવેદના મંત્રો સ્વર અને તાલની સાથે લય સાધીને ગઇ શકાય એ રીતનું એનું બંધારણ છે. ગાઈને દેવતાઓની ઉપાસના કરવી – આ છે સામવેદનો વિષય. સામવેદના મંત્રોથી અલગ અલગ દેવતાઓમાં સ્થિત પરમ શક્તિની ઉપાસના કરવી અને એના દ્વારા પરમશાંતિની પ્રાપ્તિ થવી – આ છે સામવેદનો મુખ્ય ઉદ્દેશ. યજુર્વેદ દ્વારા આપણને ઉત્તમ કર્મની શિક્ષા મળે છે જયારે સામવેદ આત્મિક શાંતિ આપવાનું કાર્ય કરે છે. ઋગ્વેદ સૂક્તવેદ છે. સૂક્તનો અર્થ થાય – સુ + ઉક્ત. સારી ઉક્તિ અથવા કથન. સુભાષિત. ઉત્તમ વચનોનો સમૂહ એટલે ઋગ્વેદની ઋચાઓ.

ઋગ્વેદ – ઉત્તમ વિચારોનો સમૂહ – સુવિચાર વેદ
યજુર્વેદ – ઉત્તમ કર્મ તરફ નિર્દેશ કરતા મંત્રોનો સમૂહ – સત્કર્મ વેદ
સામવેદ – ગાઈને કરવામાં આવતા સ્તુતિ મંત્રોનો સમૂહ – ઉપાસના વેદ

અથર્વનો અર્થ થાય ગતિ રહિત. थर्वति गतिकर्मा न थर्व इति अथर्व | थर्व શબ્દ ચંચળતા અને ગતિનો સૂચક છે. અથર્વ એટલે સ્થિરતા, સમતા. ગીતામાં જે ભાવ માટે સ્થિતપ્રજ્ઞ શબ્દ વાપર્યો છે એ જ ભાવ અથર્વવેદમાં “અથર્વ” શબ્દ દ્વારા વ્યક્ત થયો છે. સૌથી ઉચ્ચ સ્થિતિ જ્યાં ચિત્ત સ્થિર થઇ જાય એ સ્થિતિની પ્રાપ્તિ થાય છે અર્થવવેદના અભ્યાસથી. વેદત્રયીની ત્રણેય વિદ્યાની સમાપ્તિ થાય છે અથર્વવેદમાં!

હવે આ ચારેય વેદના અભ્યાસથી પ્રાપ્ત થતી આંતરિક ઉપલબ્ધિ જોઈએ.

ઋગ્વેદ (વિચારોની પવિત્રતા) -> યજુર્વેદ (કર્મોની પવિત્રતા) -> સામવેદ (ઉપાસનાથી શુદ્ધતા) -> અથર્વવેદ (સ્થિતપ્રજ્ઞ અવસ્થા)

માનવ માત્રની ઉન્નતીના આ મુખ્ય ચરણ છે. માનવ પહેલાં વિચાર કરે છે,પછી એ વિચારને કાર્યમાં પરિવર્તિત કરે છે અને પોતાના કાર્ય અનુસાર ફળ મેળવે છે. હવે એક ક્ષણ માટે વિચારો કે પવિત્ર વિચારો હંમેશા શુદ્ધ કર્મમાં જ પ્રવૃત્ત થવાના અને એ કર્મનું ફળ શાંતિ આપનાર જ હોવાનું! એકબીજાથી ભિન્ન લગતા આ ચારેય વેદ એકબીજા સાથે અનન્ય રીતે સંકળાયેલા છે એનું આનાથી વધુ ચોક્કસ પ્રમાણ ક્યાં મળવાનું? વિચાર, ક્રિયા, ભક્તિ અને છેલ્લે આવે એકાગ્રતા. અ ચારેયને અલગ પાડવા અશક્ય છે એ જ રીતે ચારેય વેદને પણ એકબીજાથી જુદા પાડવા શક્ય નથી.

દરેક માનવીના જીવનનું આખું ચક્ર જે ગ્રંથ પોતાનામાં સમાવીને બેઠો છે એના પ્રત્યે આપણે કેટલા ઉદાસીન છીએ એ વિચાર કર્યો છે ક્યારેય? વેદ – બે જ અક્ષરના આ શબ્દમાં જ્ઞાનનો આખોઆખો મહાસાગર સમાયેલો છે! જરૂર છે બસ, એની પાસે જઈને ખોબામાં ભરાય એટલું જળ ગ્રહણ કરવાની પહેલ કરવાની! વેદ એ મારા તમારા જેવા સામાન્ય જન માટે છે જ ! હા, ઘણી માન્યતાઓ છે વેદમંત્રોના સ્તુતિ ગાન બાબતે. અમુક અંશે એ સાચી પણ છે કેમકે વેદમંત્રોનું ગાન સાચી પદ્ધતિથી કરીએ તો જ એનો કલ્યાણકારી ઉદ્દેશ સિદ્ધ થાય. પરંતુ, એનો અર્થ એવો નથી કે ‘મારાથી તો વેદનો અભ્યાસ જ ન થાય. એ મારા ગજા બહારની વાત છે.’ – આવું વિચારીને એનાથી દૂર રહીએ! ઋષિઓએ વર્ષો સુધી ફક્ત શ્રુતિ પદ્ધતિથી વેદોને જીવંત રાખ્યા છે એટલે એના મંત્રોના ઉચ્ચારણની અમુક ચોક્કસ પદ્ધતિ છે જે થોડા અભ્યાસ પછી બેશક શીખી શકાય છે. જયારે એના મંત્રોનો ગૂઢ અર્થ… એ તો અભ્યાસ કરીને ગ્રહણ કરી જ શકાય ને? વેદ ગૂઢ છે, પણ સમજવા અશક્ય નથી જ! અંજલીમાં સમાય એટલું જ્ઞાન એની પાસેથી લેવા તમે એક ડગલું તો ભરો, એ તમને પોતાના જ્ઞાન સાગરમાં સમાવી તરબોળ કરી દેશે એ નક્કી!

~ અંજલિ ~

मन: तारयति इति मंत्र: – જે મનના વિચારોનું તારણ કરે તે મંત્ર.

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “વેદ દર્શન – શ્રદ્ધા ભટ્ટ

  • કૌશિક પટેલ

    નમસ્કાર.
    અદ્દભુતમ્ – અદ્દભુતમ્ – અદ્દભુતમ્ !
    ઉત્તમથી અતિ ઉત્તમ.
    આ લેખિકા – શ્રદ્ધા ભટ્ટ-નાં, જ્ઞાન તથા લેખન-શૈલી પર તો વારી જવાયું !
    આપે તો દિવ્ય વેદ-યાત્રા કરાવી.
    કોઈ પૂછે કે જ્ઞાન તથા તેનું ઊંડાણ શું છે ! ?
    તો ઉત્તરમાં કહી શકાય કે તેનાં પર્યાય માટે શ્રદ્ધા ભટ્ટ પર્યાપ્ત છે. તેમને પીરસેલાં જ્ઞાનને વાંચો !
    આ ઉમદા મનુષ્ય-જીવનનો મર્મ પામવો હોય, તેને સાર્થક તથા ધન્ય કરવું હોય તો, શ્રદ્ધા ભટ્ટ લિખિત, ધર્મ તથા અધ્યાત્મ વિષયક, લેખ અથવા પુસ્તક જરૂર વાંચી જવું.
    વેદ વિશે વિશેષ લખતાં રહેશો.
    આ લખનાર ‘ વેદ ‘ નાં પ્રખર હિમાયતી છે.

  • Shirish M. Dave

    અયોધ્યાનો ઉલ્લેખ ઋગવેદમાં કઈ જગ્યાએ છે. તે માહિતિ હોય તો મંડલ-સુક્ત – મંત્ર પ્રમાણે આપશો.

  • Manoj Divatia

    અદ્ભુત । આજ રીતે દરેક વેદનું ત્તવ જ્ઞાન વાળા લેખ જરુર આપશો.

  • હર્ષદ દવે

    વેદ વિષે આટલી સરળ શૈલીમાં પહેલીવાર જાણ્યું. હું દવે હોવાથી મારો વેદ સાથે કોઈ તો નાતો છે! જ્ઞાન સાગરની અંજલિ પામીને કૃતાર્થ થવાની પ્રેરણા મળે છે આ લેખથી. તથાસ્તુ.

  • Vijay Vyas

    ઘણી ઉમદા માહિતી.. આટલેથી ન અટકતા, વધુ જાણકારી આપતા રહેવી.. જ્ઞાન વહેંચવામાં આવે એનાથી ઉત્તમ કામ બીજકાંઈ ન હોય શકે..

  • Harish Dasani

    વેદ વિશાળકાય મહાસાગર છે. તેનો ટૂંક પરિચય આપતો લેખ સરસ છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતાનું તત્વજ્ઞાન વેદમાંથી લીધું છે કહીને તેનો મહિમા કરે છે. સંપૂર્ણ જ્ઞાન આપનાર વેદોનો અભ્યાસ અને સંશોધન માનવજાતિના ઉત્કર્ષ માટે જરૂરી છે.