મગનલાલ માસ્તર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ભણાવે. વિદ્યાર્થીઓને કવિતા શીખવાતાં શીખવતાં તે પોતેય કવન કરતાં થઈ ગયા. “આ તો મારા ડાબા હાથનો ખેલ. આમાં શું? આવું તો હુંય લખી શકું.” વિચારી માસ્તરના કરકમળોએ કવિતા-લેખન તરફ પ્રયાણ કર્યું. મનમાં ગુંજતા શબ્દો કાગળ પર અક્ષર બની અવતર્યા. “શાબ્બાસ, માસ્તર ગજબ કરી.” મનોમન બોલી તેઓ પોરસાયા અને જાતેપોતે પોતાનો ખભો થાબડ્યો. રાત્રે સપનામાં જોયું, જાણીતા કવિઓના મુશાયરામાં તાળીઓના ગડગડાટ વચ્ચે ‘દુબારા’, ‘વન્સમોર’ સાંભળી તેઓ આંખો ચોળતા જાગ્યા.
જોયું તો પોતે લાઈટના પ્રકાશથી ઝળહળતા સ્ટેજ પર નહીં પરંતુ અંધારી ઓરડીના નાનકડા પલંગ પર ચત્તાપાટ હતા. ઉત્સાહમાં આવી તેમણે બાજુમાં નસકોરાં બોલાવતી આડી પડેલી રમાને ગાલે વહાલથી ચૂંટલી ખણી. રમા સફાળી બેઠી થઈ ગઈ.
“મચ્છર મચ્છર.” બઘવાઈ ગયેલી રમાએ રઘવાઈ થઈને બૂમો પાડી.
“એ તો હું છું.” મગનલાલ ધીમે રહી ગણગણ્યા, “સાંભળને.”
“અત્યારે અડધી રાત્રે સું છે ભઇસા’બ?”
“કોમળ પંખ સમો પાલવ પસારી…” માસ્તરે રમાની રજામંદી વગર શરૂ કર્યું ત્યારે રમાએ પોતાનો થાંભલા સમો પગ રજાઈ બહાર કાઢી પલંગમાં પસાર્યો. તે સુંવાળા ગાદલા પર ફેલાઈ અને પછી પડખું ફરીને પાછી ઘોરવા માંડી.
અડધી રાત પડખાં ઘસ્યા પછી માસ્તરે આખી કવિતા લખી નાખી. પઠનોત્સુક માસ્તર માટે અતિ વિકટ પ્રશ્ન એ હતો કે આ પહેલવહેલી સ્વહસ્તે લખેલી કવિતા સંભળાવવી કોને? સ્વાભાવિક જ ધર્મપત્ની રમા તેમનો પ્રથમ ભોગ બની.
“સાંભળ રમા.” હંમેશા રમા બોલે અને માસ્તર સાંભળે તે ક્રમમાં ફેરફાર થયો.
“તમને ભણાવતાં ભણાવતાં પ્રવચન સંભળાવવાની લત લાગી છે. તે હું કાંઈ તમારી વિદ્યાર્થીની છું કે સાંભળું? આજકાલ તો એ લોકોય તમારું નથી સાંભળતા. ચાલો સંભળાવી જ દો ત્યારે. આ… આ.” રમાએ માસ્તર પર રહેમ કરી, એક મોટું બગાસું ખાઈ, કંટાળાજનક ઉદ્દગાર કાઢતાં કહ્યું.
“મહેકતી હવા લઈ કોમળ પંખ પસારી
કોયલસમ ટહુકો કરતી તે સમીપે સરકી…”
“ભઇસા’બ હમઝાય તેવું ક્યોને. ને આ ચાદર આમ ગડી કર્યા વગર કેમ ડૂચો કરીને મૂકી? આખો દિવસ કામ કરીને પરસેવા છૂટી જાય છે. કેટલીયે વાર કીધું કે રસોડામાં પંખો તો નંખાવો. હવા માટે હવાતિયાં મારવા પડે છે.” રમાનો કર્કશ સ્વર મગનલાલ માસ્તરને કાને અફળાયો. મોટા ડોળા તતડાવી રમાએ ચોળાયેલી ચાદરનો તેમની તરફ ઘા કર્યો.
“રતુંબડા શા ગાલ જોઈ પરોઢિયાની લાલી લજામણીશી એ…વી શરમાઈ.” માસ્તરે ચાદર સંકેલતાં આગળ ચલાવ્યું.
રમા આખેઆખી રાતીપીળી થઈ બરાડી, “આમ લવારી કર્યે પેટ નહીં ભરાય. ચા ઠરીને ઠીકરૂં થઈ ગઈ. ઝટ પરવારી જાઓ, ટ્યુસનનો સમય થઈ ગયો. મોડા પડસો તો સેઠાણી મણમણની ચોપડાવસે.”
“રમા, પ્રિયે તને કેટલી વાર કહ્યું, સ નહીં, શ બોલાય, શ શ…” માસ્તરે શાળાની ટેવ મુજબ રમાની ભૂલ સુધારવા ચાહી તેમાં રમા ભડકી.
“શ કે સ. એ જે હોય તે. કાંઈ ફરક નથી પડતો. પાછા ફરતાં સાક લેતા આવજો. મફતના ધાણામરચાં નંખાવજો પાછા.” રમાએ જરૂરી સુચનાઓ આપી.
“શ શાણપણનો શ અને સ સમજણનો સ. આપણી માતૃભાષાની ગરિમા જાળવવાનો સવાલ છે. તું મારી આ કવિતા તો પૂરી સાંભળ, મારી ગરિમાનોય સવાલ છે. ને કોકિલકંઠી ટહુકી એ વામા, એના મધુર રસનું શ્રવણ કરતાં ચંચળ મન નાચી ઊઠ્યું તેના ધ્યાનમાં.”
“ગરિમા એટલે વળી સું? બજારમાં જાઓ છો તે બરોબર ધ્યાનમાં રાખીને ઓલા દરજીડાને ત્યાંથી, તમારો પાયજામો જે ધોવાઈને ચડી ગયો એનો ચડ્ડો સીવવા આપેલો તેય લેતા આવજો. નાડું નાખ્યું કે નહીં તે તપાસીને જ પૈસા ચૂકવજો ને પછી એ પહેરી જ્યાં નાચવું હોય ત્યાં નાચજો.” રમાનો કંઠ તાર સપ્તકે પહોંચ્યો જે કવિતાપઠન કરતા માસ્તરને કાને અફળાઈ તેમની લયને અવરોધતો રહ્યો.
“એ નમણી કમનીય નાર, કરે સંમોહન અપરંપાર.” માસ્તર મનોમન આગળના શબ્દો ગોઠવવા માંડ્યા.
હ્રષ્ટપુષ્ટ રમાની આંખમાંથી તણખા ઝર્યા. તે પોતાની કમરા જેવી કમરે હાથ મૂકી બરાડી, “આમ બબડ્યા સું કરો છો? છોકરાવને સીખવાડવાનું તે તમારેય ગોખવું પડે છે? જો જો પાછા તમારી લીધે એ લોકો ફેલ થશે તો માબાપ ગાળો દેશે. તમારા માસ્તર હુંસિયાર હતા તેમાં તમે માસ્તર બની ગયા પણ બીચારાં છોકરાંઓ? એમનું સું થસે હેં? આજકાલ તો સોટીયે નથી દેવાતી. એ તો સારું હતું કે તમને બરોબ્બર પડેલી. મને તો તમારા કરતાં એ બચાડાંવની ચિંતા થાય છે.”
સોટીનો માર યાદ આવતાં મગનલાલ માસ્તર સ્વરચિત કવિતાની આગળની પંક્તિઓ ભૂલી ગયા અને “મારે માથે પડેલી જાડી વઢે લડે વળી માર પડે…” એવું બબડતા બબડતા ઘર બહાર નીકળ્યા.
ટ્યુશન આપવા પહોંચેલા માસ્તરને ભણાવવા કરતાં પોતાની કવિતા સંભળાવવાની અધીરાઈ વધુ હતી. બંગલાનો દરવાજો ખોલતી કામવાળી બાઈ સમક્ષ તેમણે પોતાની રચના સુવિદિત કરી, “તું હરખાય તે નીરખી હું ભરમાઉં, લલાટે ફરતી તારી ફરફરતી લટ પર વારી વારી જાઉં.”
એ સાંભળી કામવાળીના હાથમાંથી ઝાડુ પડી ગયું. “એ કચરો કચરો. કચરો વાળીને ગેટ પાંહેં ઢગલો કર્યોસે. આઘા રે’જો.” તેણે બૂમો પાડી. તે પહેલાં તો માસ્તરનો પગ કચરા પર પડ્યો.
“હે મંદબુદ્ધિ નાદાન, આને કચરો નહીં, કવિતા કહેવાય.” તેમણે કામવાળીને હાથોહાથ ઝાડુ પકડાવતાં કહ્યું.
પાછળ ઊભેલી શેઠાણીએ માસ્તરને ધમકાવી નાખ્યા. “ભાંગબાંગ પીધી કે? સવારના પહોરમાં લવારીએ ચઢ્યા છો? કાલે પપ્પુની પરીક્ષા છે. આ વખતે ફુલ્લી પાસ થવો જ જોઈએ નહીંતર હું તમને ફેલ કરી દઈશ સમજ્યા?”
લટોમાં ગૂંચવાયેલા માસ્તર ટટ્ટાર થયા અને ટયુશનમાં પડેલી ગૂંચ ઉકેલવા અંદરની ઓરડી તરફ આગળ વધ્યા. તેમનો અડિયલ વિદ્યાર્થી મોબાઇલમાં ગેમ રમતો હતો. માસ્તરે ચોપડી કાઢવાનું કહેતાં તેણે ચોપડી ખાનામાંથી બહાર કાઢી ટેબલ પર પછાડી. ઇન્કપેન ઝાટકીને શાહીના છાંટા માસ્તર પર ઊડાડ્યા. માથું દુઃખતું હોવાનો ચાળો કર્યો.
“નથી ભણવું?” માસ્તરે ભવાં ચડાવી પૂછ્યું.
“મૂડ નથી.” કહી પેલાએ મોબાઇલ મચેડ્યો.
“ચાલ, કંઈક મજેદાર સંભળાવું.” માસ્તર સારા મૂડમાં આવી ગયા. તેમને શ્રોતા મળ્યો. “જો સાંભળ, સ્વગૃહે રણચંડીને નીરખી ઠંડી મહીં બંડી પહેરી વંડી ઠેકી હું કૂદ્યો.”
વિદ્યાર્થી ઉવાચ: “અરે વાહ! તમે ક્યાં કૂદ્યા? કહો ને ક્યાં સર? આવું તો હું ઘણીવાર કરું છું.”
“આપણા વંડી કૂદવાના પ્રયોજન ભિન્ન હોય વત્સ. તું મને નીરખીનેય ક્યાંક કૂદી જાય છે. તને પરીક્ષાનું આખું પ્રશ્નપત્રક અગાઉથી આપી દઈશ જો તું મારી કવિતાને સાંભળે તો.” માસ્તરે ખાનગી વાત કરતા હોય તેવા ગુસપુસીયા સ્વરે કહ્યું.
“હેં! મારી કવિતા તમારી થઈ ગઈ? તે મને શું સંભળાવશે સર? એને ખાતર હું કંઈ પણ કરવા તૈયાર છું પણ એ મારી છે, તેને મારી રહેવા દો.” પપ્પુએ પ્રકાશ્યું.
“પપ્પુ, તુંય કવિતા કરે છે? એટલેસ્તો ફેલ થાય છે.”
“કવિતા મને ગમે છે. તેને ખાતર ફેલ તો શું મરી ફીટવું પણ મને મંજૂર છે. કવિતા કે લિયે અપુન કી જાન ભી હાજિર હૈ.” પપ્પુ ટેબલ પર મુઠ્ઠી પછાડતાં ફિલ્મી ઢબે જોશભેર બોલ્યો.
“વાહ, આને કહેવાય ખરો સાહિત્યપ્રેમી; પણ પહેલાં તું મારી કવિતા સાંભળ.”
“આમાં તો સંભાળવાનું હોય સર, સાંભળવાનું નહીં. બાકી મને તો એમ થાય કે મારી કવિતા બોલતી રહે બોલતી જ રહે અને હું તેને સાંભળ્યા જ કરું.”
“ડફોળ, આ તારા વર્ગની વિદ્યાર્થીની કવિતાની નહીં, મારી, મારી કવિતાની વાત કરું છું.” માસ્તરે ફોડ પાડી.
“તમારી પણ કોઈક કવિતા છે? તો બીચારા આંટીનું શું થશે?” ચિંતિત પપ્પુએ નિર્દોષ પ્રશ્ન કર્યો.
“તેને મહેરબાની કરીને વચ્ચે ન લાવ. તને હાથ જોડું. એ મારે માથે પડેલી જાડી લડે વઢે વળી માર પડે.” ધર્મપત્નીને નજર સમક્ષ કલ્પી, માસ્તર ફરી ગૂંચવાયા અને અસંબદ્ધ બોલવા લાગ્યા. તેઓ પોતાની મૂળ કવિતા ભુલી ગયા. પપ્પુને એમ કે માસ્તરના ખાનગી રહસ્યનો પર્દાફાશ થવાથી હવે પરીક્ષાનું પેપર મળી જ જશે. ન મળે તો માસ્તરને બ્લેકમેલ કરવાની મજા પડશે અને મિત્રવર્તુળમાં આ વાત વહેતી કરવાની વળી ઓર મજા!
“ચાલો પેપર આપો.” તે દમ મારતો બોલ્યો.
“પહેલાં સાંભળ.” માસ્તરે મોટા સાદે કહ્યું.
“હું કંઈ સાંભળવા નથી માંગતો. પહેલાં પેપર પછી બધી વાત.”
“લે.” માસ્તરે આજુબાજુ નજર કરી પછી ધીમેથી પપ્પુના હાથમાં પ્રશ્નપત્રક સરકાવ્યું, “આ વાત કોઈને કહેતો નહીં, તારી મમ્મીને પણ નહીં. હવે સાંભળ, લચકંતી ચાલે એ હરણીશી આવી, નૈણ મટકાવી, મને લટકાવી, અધરોને મારી સમીપે લાવી.”
“સર, આ કોર્સ બહારનું છે. હવે ભણવું નથી, હું આ પેપરના આન્સર્સ ગોખી જઈશ. જો આ પેપર ન નીકળ્યું તો તમારી વાત છે, તમારી કવિતા આખી સ્કુલમાં બદનામ થશે અને સાથે તમે પણ.” પપ્પુએ જાણે અલ્ટીમેટમ આપ્યું.
માસ્તરને પરસેવા છૂટી ગયા. બે ગ્લાસ ઠંડુ પાણી ગટગટાવી જઈ રૂમાલથી પરસેવો લૂછતાં તેઓ બોલ્યા, “કોઈને મારી પડી નથી. સંસારમાં સાર નથી. આ દુનિયા મારા કામની નથી. મારી કવિતા કોઈ સાંભળતું નથી.” બબડતાં બબડતાં તેઓએ જેવો ઘરમાં પગ મૂક્યો એટલે રમાએ રાડારાડ કરી, “સાકની ખાલી જોળી હલાવતા આવી ગયા. એકેય સાક ન લાવ્યા. આજે એકલા દાળભાત જમજો હવે.” પછી તો એવી જામી કે…
“કોઈને મારી પડી નથી. સંસારમાં સાર નથી…” માસ્તર આજકાલ એકલા એકલા બોલ્યા કરે છે. શૃંગાર શતકની જગ્યાએ વૈરાગ્ય શતકની ગાથાઓ ગાયા કરે છે. શાળામાં તેમના કવિતા સાથેના અનૈતિક સંબંધો રસપ્રદ ચર્ચાનો વિષય બન્યાં છે કારણ કે પપ્પુ પાસ એટલે કે પરીક્ષામાં ઉત્તિર્ણ ન થયો. ઘરમાં રમા પૂછ્યા કરે છે, “આ કવિતા ક્યાંથી ફૂટી નીકળી? એ વળી કોણ છે?” અને ઘર બહાર શેઠાણી તેમના માથે માછલાં ધુવે છે, “તમારી કવિતાને લીધે મારો પપ્પુ પાસ ન થયો.”
“કોણ કવિતા? કઈ કવિતા? મને નથી ખબર.” કરગરતા બીચારા માસ્તર બંને સ્ત્રીઓથી એવા ત્રસ્ત છે કે તેઓ હવે મોટા ભાગનો સમય હાથમાં કરતાલ અને તંબૂરો લઈ, મંદિરમાં ભક્તોને બેસૂરા રાગે ભજન સંભળાવવામાં વીતાવે છે. ભક્તો આઘાપાછા થઈ જાય છે એટલે માસ્તર ગળગળા સાદે કહે છે, “કોઈને કાંઈ નહીં સંભળાવું. ભાઈ, મારે કોઈ પ્રકારની કવિતા સાથે નહાવા નીચોવવાનો સબંધ નથી. હું કોઈ કવિતાને ઓળખતો નથી. આખી જિંદગી કવિતાનો ક હોઠ પર નહીં લાવું પણ આ દુનિયા મને સમજતી નથી. સંસારમાં સાર નથી. હે પ્રભુ, કોઈક તો મારું સાંભળો.”
– સુષમા શેઠ
સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
બહુ મઝા આવી. આવા કપરા સમયમાં સ્મિત વહેંચવાનું ખુબ સુંદર અને ભગીરથ કાર્ય તમે સફળતાથી કરી રહ્યા છો. અભિનંદન.
વાહ. મઝા આવી.
હસતા રહો.
maujemauj..
Enjoy , laugh out loud
મજા પડી ગઈ
આભાર. હસતા રહો.
SMILE-SMILE- SMILE . FREE SMILING EXERCISE. BEN AP HAVE TRACK UPER CHO. BEST HASY LEKH MA ONE. AS PER MY OPINION. GREAT- CONTINUE SHRUSHMAJI.
Thank you so much. Laughter is the best medicine. Enjoy .
Really funny. Enjoyed thoroughly.
Thanx. Enjoy
સામાન્ય રીતે હાસ્યરસ વાળા લેખ મને વાંચવાનો કંટાળો આવતો હોય છે. કદાચ મનોવૈજ્ઞાનિક રીતે અંગત પસંદગીનું કારણ હોઈ શકે. પરંતુ આજે અચાનક જ આ લેખમાં ઓતપ્રોત થઈ જવાયું.
પોતાની રોજીંદી ઘટમાળમાં વ્યસ્ત અને પોતીકા આનંદની સમજણથી અભાન લોકો વચ્ચે સાહિત્યિક જીજ્ઞાસા ધરાવતા માનવીની શું દુર્દશા થાય છે અને તેમાંથી હ્યુમર મિશ્રિત હાસ્યરસની છોળો ઉઠે છે તે માણવાની ખૂબ મજા આવી.
આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર. હસતા રહો.
અતી રમુજ સભર રજુઆત્, માસ્તર ની સહિત્ય પીડા, અને આજની પરીસ્થીતી.
Thanx.
શિક્ષકની સાહિત્ય સાધનાની ઉપેક્ષા દ્વારા નિષ્પન્ન થતી રમૂજી પરિસ્થિતિમાં શિક્ષકની અભિવ્યક્ત ન થઈ શકવાનો વલોપાત છે. અહીં શાહબુદ્દીન રાઠોડની બહારવતીયાની ગેંગનો સામનો કેવી રીતે કરવો તે માટેની મિટિંગમાં જે ઠરાવો પાસ થયા હતા તેનો અંજામ માસ્તરની દયનિય સ્થિતિ જેવો લાગે…કવિતા સંજ્ઞા અને સાહિત્યિક કૃતિ દ્વારા શ્લેષ પણ સારો સાધવામાં આવ્યો છે પણ કવિતા સંભળાવવા માટે શિક્ષક પ્રશ્નપત્ર વિદ્યાર્થી સમક્ષ ધરી દે એ કાંઈક વધારે પડતું લાગે…અને તેમ છતાં વિદ્યાર્થી ઉત્તીર્ણ ન થાય! પરંતુ કેટલીક અતિશયોક્તિ વગર હાસ્યપ્રધાન લેખ નહિ લખી શકાતો હોય. જ્યોતીન્દ્ર દવે સ્વયંને પ્રમુખ પાત્ર બનાવી અજ્ઞાન અને જ્ઞાનના પાટે પોતાની ગાડી પુરપાટ દોડાવતા. અહીં પણ ગાડી ગતિમાન છે…પ્રગતિમાન છે…અભિનંદન.
પ્રતિભાવ બદલ ખૂબ આભાર. હસતા રહો.