બાળકોનાં પ્યારાં દોસ્ત : દરિયો, દફ્તર ને દાદા-દાદી! – ભારતીબેન ગોહિલ 7


દોસ્તીની બાબતમાં બાળપણ સૌથી વધુ સમૃદ્ધ હોય છે. દોસ્ત સજીવ છે કે નિર્જીવ, ગરીબ છે કે અમીર, દૂર છે કે નજીક, પોતે એને પ્રિય છે કે અપ્રિય.. કશુંયે વિચાર્યા વગર બસ દોસ્તી કરી બેસે છે. એટલે જ ક્યારેક નદી, ક્યારેક પર્વત, ક્યારેક પશુપંખી, ક્યારેક નદીઝરણાં તો ક્યારેક તપતો સૂરજ બાળકનો પ્યારો દોસ્ત બની જાય છે!

આપણા સન્માનનીય સર્જક શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત માણ્યું છે તમે?

મસ્ત મજાના શબ્દો, સુરિલું સંગીત અને એવી જ નટખટ ટાબરિયાંની ટોળી. તે બધાંની ધીંગામસ્તી જોઈને ઘડીભર તો થઈ જાય કે ચાલોને આપણે પણ નાનાનાના થઈ જઈએ ને ગાવા લાગીએ…

દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો,
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો.

દરિયો જાતો દરિયે ન્હાવા, કાંઠે બેસી તડકો ખાવા,
ઓટમાં આઘે બેટમાં જાવા, ભરતી લાવે ગીતને ગાવા,

દરિયાજીને વાદળાં બની વરસી જાવા હોંશ છે હો…
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો..

seaside
Photo by Fabian Wiktor on Pexels.com

કેવી આશ્ચર્યની વાત છે નહીં? બાળકોની દુનિયા જ આવી! અહીં જાણે દરિયો એ દરિયો નહીં પણ નાનકડો ગરિયો (ભમરડો) હોય અને એની દોર બાળકના હાથમાં. બાળક દોરીથી ફરતો મૂકે ને ભમમમ કરતો ગરિયો ફરવા માંડે એમ દરિયો પણ જાણે કે એના પૂરેપૂરા કંટ્રોલમાં! બાળક કેટલા હકથી કહે છે..દરિયો મારો દોસ્ત છે! બાળક માટે દરિયાની અગાધ વિશાળતા કંઈ અડચણરૂપ બનતી નથી. બસ, દોસ્ત એટલે દોસ્ત અને દોસ્તી એટલે દોસ્તી!

અને આ મૈત્રીભાવ છે એટલે જ તો બાળકને પોતાના અન્ય દોસ્તની રોજિંદી ક્રિયાઓની જેમ દરિયો પણ એવી જ સહજ ક્રિયાઓ કરતો અનુભવાય છે. દરિયો પણ ન્હાય છે, દરિયો પણ ઠંડી ઉતારવા માટે તડકો ખાય છે, દરિયો પણ ગીતો ગાય છે ને વળી દરિયાને વાદળાં બની વરસી જવાની હોંશ પણ થાય છે!

બાળકોને દરિયો આટલો પ્રિય હોય તો તમને નથી લાગતું કે તેને પોતાના દોસ્તની રૂબરૂ મુલાકાત કરાવવી જોઈએ? બાળક દરિયાને મળે, તેનાં આવતાંજતાં મોજાંઓ નિહાળે, સરકતી રેતીમાં પગલાં પાડે, શંખલાછીપલાં વીણી ખિસ્સામાં ભરે અને રેતીમાં પોતાના સપનાનું ઘર બનાવે!

તમે જોશો દરિયાનો ઘુઘવાટ એને કુદરતના કરિશ્મા સમાન લાગશે. જો બાળકને આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા ઇચ્છતા હોઈએ તો પ્રકૃતિદર્શન એમાં પાયાની ભૂમિકા ભજવે છે.

બાળકોની દોસ્તી સંપૂર્ણ સમર્પિતભાવ સાથેની હોય છે. પોતાનાં રમકડાં સાથે મશગુલ થઈને રમતું બાળક પોતાની બધી જ લાગણી તેના પર ઢોળી દેતું અનુભવાય. પછી એ ઢીંગલી હોય કે અન્ય વસ્તુઓ. રમકડાં તરફથી પ્રતિભાવની કોઈ આશા રાખ્યા વગર એ કલાકો સુધી એનામાં જ રમમાણ રહે છે. જો નાનકડાં રસોઈ માટેનાં સાધનો હાથમાં આવી ગયાં હોય તો કોઈપણ બાળકી અદ્દલ એની મમ્મીની જેમ એ સાધનોનો ઉપયોગ કરતી જણાશે. એવું જ મેડિકલ કિટનું. પોતે સાચે જ ડૉક્ટર હોય એમ વડીલોની નકલ કરતાં જણાય.

દોસ્તીની બાબતમાં બાળપણ સૌથી વધુ સમૃદ્ધ હોય છે. દોસ્ત સજીવ છે કે નિર્જીવ, ગરીબ છે કે અમીર, દૂર છે કે નજીક, પોતે એને પ્રિય છે કે અપ્રિય.. કશુંયે વિચાર્યા વગર બસ દોસ્તી કરી બેસે છે. એટલે જ ક્યારેક નદી, ક્યારેક પર્વત, ક્યારેક પશુપંખી, ક્યારેક નદીઝરણાં તો ક્યારેક તપતો સૂરજ બાળકનો પ્યારો દોસ્ત બની જાય છે!

અફસોસની વાત તો એ છે કે બાળપણની દોસ્તી ધીમે ધીમે વય વધતાની સાથે સંકોચાતી જાય છે. બાળપણનું વિસ્મય અદૃશ્ય થતું જાય છે. એક સમય એવો આવી જાય છે જ્યારે માત્ર ગણ્યાગાંઠ્યા માનવમિત્રો જ વ્યક્તિ પાસે રહી જાય છે.

આવું જ બાળકોનું એક નાનકડું દોસ્ત જે મોટાભાગનો સમય તેની આસપાસ રહેતું હોય છે. એ છે બાળકોનું દફતર. મોટેરાંઓ ભલે દફતરને બાળકનો ભાર ગણીને શોર મચાવતા હોય પણ બાળક માટે દફ્તર પ્રિય દોસ્તની ભૂમિકામાં હોય છે. એમાં રહેલી અભ્યાસ સામગ્રી તો તેને પ્રિય હોય છે પરંતુ સામગ્રી ઉપરાંતની ચીજવસ્તુઓ તો અત્યંત ગમતીલી હોય છે.

તમે ધ્યાનથી જોયું હશે તો ખ્યાલ હશે. બાળક ભણતાંભણતાં કોઈ નોટબુક વચ્ચેથી એક સુંદર પીંછું કાઢશે ને પછી એને હળવેહળવે કોઈનું ધ્યાન ન પડે એમ પોતાના મોં પર એની સુંવાળપને સ્પર્શવા મથતું હોય એમ ફેરવે. ને પછી ખૂબ સાચવીને પાછું દફતરમાં મૂકી દે. પીંછા ઉપરાંત ક્યારેક પોતે દોરેલું ચિત્ર, વિવિધ પ્રકારની લખોટીઓ, સ્ટિકર્સ કે માચીસની છાપ જેવી વસ્તુઓ એમાં ભરેલી હોય છે.

કંઈક આવી જ રીતે એક બાળક વારંવાર પોતાનો કંપાસ ખોલી ખોલીને અંદરથી કશુંક જોઈ લેતો હતો ને પછી મૂકી દેતો હતો. શિક્ષકે પૂછ્યું તો જવાબ મળ્યો, “મેમ, મારી મમ્મીનો ફોટો છે. એ હવે આ દુનિયામાં નથી એટલે કંપાસમાં રાખીને મન થાય ત્યારે જોઈ લઉં છું.”

બાળકની શોખસમૃદ્ધિ દફતરમાં સચવાયેલી હોય છે એ વાત નક્કી.

એટલે જ

આવું અદ્ભુત દફ્તર બાળકનું દોસ્ત ન હોય તો જ નવાઈ!

ભારતીય સંસ્કૃતિમાં વડીલોને માન આપવાનું, તેમના પ્રત્યે પૂજ્યભાવ રાખવાનું અને એમની આમાન્યા જાળવવાનું શીખવવામાં આવે છે. લોકો માટે વડીલોની ભૂમિકા અગત્યની હશે. કબૂલ. પણ બાળકો માટે તો તેમણે નક્કી કરી છે એ મુજબ દોસ્તની ભૂમિકા જ હોય છે. મમ્મીપપ્પાને જે વાત ન કરી શકાય એ દાદાદાદીને બિન્દાસ રીતે કહી શકાય, ધીમું ન સંભળાય તો રાડો પાડીપાડીને પણ કહી શકાય.. મમ્મીપપ્પા જ્યાં સહમત ન થાય ત્યાં દાદાદાદીની ભલામણથી સંમતિ મેળવી શકાય. દાદાજીની લાકડી, દાદાજીના ચશ્મા, દાદાજીનો ખભો, દાદીમાનો ખોળો અધિકારપૂર્વક વાપરી શકાય. દાદાદાદીની વાર્તાઓ તો તેમના માટે સૂતા સમયની ગળચટ્ટી મીઠાઈ બની રહે છે!

સામે પક્ષે વડીલો પણ “મૂડી કરતાં વહાલું વ્યાજ” એ ન્યાયે બાળકો માટે પોતાનાં જીવનમૂલ્યો કોરાણે મૂકી બાળકો માટે ક્યારેક ખોટું બોલતા, ક્યારેક તેમના પક્ષે દલીલ કરતા તો ક્યારેક નાનકડું નાટક કરતા જોઈએ ત્યારે આપણું મન હરિયાળું હરિયાળું થઈ જાય!

સાચે જ…

દરિયો, દફતર ને દાદાદાદીનું અનોખું ભાવજગત એ જ બાળકોની દોસ્તીની દુનિયા!

– ભારતીબેન ગોહિલ

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બાળકોનાં પ્યારાં દોસ્ત : દરિયો, દફ્તર ને દાદા-દાદી! – ભારતીબેન ગોહિલ

 • Archita Pandya

  વાહ. વાંચવાની ખૂબ મઝા આવી. બાળપણના દરિયામાં પગ ઝબોળ્યા!

 • હર્ષદ દવે

  દરેક માનવીમાં એક બાળક કાયમ જીવતો હોય છે. ‘અમે બધાં’ પુસ્તક યાદ આવી ગયું. બાળકની નિર્દોષ અને નિર્દંભ વર્તનમાં ઈશ્વરનું ભોળું હાસ્ય હોય છે. બાળકોના પ્રશ્નોના ઉત્તર ક્યારેક પીઢ શિક્ષક પણ નથી આપી શકતા. આ સુંદર લેખ અને ધ્રુવ ભટ્ટના કાવ્યથી બાલ્યાવસ્થાને દરિયા જેવો દોસ્ત મળી ગયો છે. મારે ફરી બાળક બનવું છે…પણ આમ તો હું બાળક જેવો જ છું! દોસ્તીનું અને દોસ્તનું મહત્વ સમય કદાચ ભૂલવાડી દે પણ તેના સાથ વગર વિકાસ પૂર્ણ ન થઇ શકે. બાળપણમાં બાળકની આંખમાં વિસ્મયનું વિશ્વ વિકસતું હોય છે…

 • DHIRAJLAL GULABBHAI PARMAR

  આ લેખ બે થી ત્રણ વાંચી જવા વિનંતી છે,દોસ્તના હોવાની સમૃદ્ધિ તો ત્યારે જ ખબર પડે જ્યારે તમારા ખભા ઉપર દોસ્ત નો હાથ હોય.
  “રોયે તો દોસ્ત કે કંધે પે રોયે,
  જાયે તો દોસ્ત કે કંધે પે જાયે.”
  સંગમ ફિલ્મનો સંવાદ યાદગાર છે.
  બાળપણના નિર્દોષતા નો લેખ ગમે જ.