એ દિવસે કીટીમાં રત્ના બિલકુલ મૂડમાં ન હતી. શોર્ટ સ્કર્ટ, સ્ટ્રેપલેસ બ્લાઉઝ અને બેકલેસ ગાઉન પહેરીને સ્મોકિંગ કરતી છોકરીઓને એ જોઈ રહી. લંડનમાં ક્યારેક એ પણ સ્મોકિંગ કરી લેતી હતી. આ બધું તો ઇન્ડિયામાં પણ હવે કોમન હતું. વેદાંતને એની ખબર ન હોય એવું થોડું હશે? આમ આટલો બધો મોર્ડન થઈને ફરતો વેદાંત આવો હશે? મમ્મી-ડેડી કહેતાં હતાં એ સાચું પડશે?
રાત્રે આઠ વાગે ડો. કોઠારીએ પોતાના છેલ્લા પેશન્ટની આંખો તપાસી, એને દવા લખી આપી અને ઘેર જવાની તૈયારી કરતા હતા ત્યારે જ એમનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન ઉપર નામ વાંચીને એમણે તરત ફોન ઉપાડ્યો.
‘હાય રત્ના! હાઉ આર યુ? હાઉ ઈઝ વેદાંત?’
‘વેદાંતની તો તને ખબર છે સંકેત. દિવસે દિવસે હાલત વધુ ને વધુ બગડતી જાય છે. હવે તો એનો બીઝનેસ પણ હું જોવા માંડી છું.’
‘ઓહ! તારી ફિકર થાય છે રત્ના. તું એકલી…’
‘મને લાગે છે હવે હું મેન્ટલી પ્રિપેર થઇ ગઈ છું, સંકેત. એક્ચ્યુલી આજે મેં તને એક ખાસ કામ માટે ફોન કર્યો છે.’
‘યુ આર એ બ્રેવ લેડી. બોલ, શું કામ હતું?’
‘એક વાર તું કંઇક વાત કરતો હતો ને કે એક અકસ્માતમાં તમારી કામવાળીના છોકરાની આંખો જતી રહી છે. શું નામ છે એનું?’
ડો.કોઠારીને નવાઈ લાગી કે રત્નાને એ જાણીને શું કામ હશે? પણ કંઈ પૂછ્યા વિના એમણે જવાબ આપ્યો, ‘જગદીપ. ખરેખર બિચારા સાથે બહુ ખરાબ થયું. કુટુંબ માટે સહારો બનવાની ઉંમરે એ બધા માટે ભારરૂપ થઇ ગયો.’
‘તો મારી ઈચ્છા છે કે એ જગદીપ વેદાંતની આંખોથી દુનિયા જુએ. એના ઓપરેશનનો ખર્ચો પણ હું આપીશ.’
આવા મુશ્કેલ સંજોગોમાં પણ આવું વિચારી શકતી આ સ્ત્રી માટે ડો.કોઠારીનું માન વધી ગયું. ‘બહુ જ સરસ વિચાર છે રત્ના. આમ તો એ લોકોના આંખના ટીસ્યુઝ મેચ થાય તો જ એ શક્ય બને. પણ જગદીપ નહીં તો બીજું કોઈ, કોઈને તો નવી દ્રષ્ટિ મળશે!
‘સંકેત, મને ખ્યાલ છે ત્યાં સુધી તારે તો આઈ બેંકમાં પણ ઓળખાણ છે. જો એ આંખો બીજા કોઈને અપાય તો મને એની ખબર પડવી જોઈએ.’
‘પણ રત્ના..’.
‘પ્લીઝ સંકેત, ફોર માય સેક’.
ડો. કોઠારીને એ શબ્દોની પાછળ ડૂસકાં જેવું સંભળાયું અને એમણે કહ્યું, ‘ઓ.કે. થઇ જશે.’
ફોન મૂકીને રત્ના પથારીમાં સૂતાં સૂતાં એને તાક્યા કરતી, એની આગળ-પાછળ ફરતી, સતત એની ચોકી કરતી એ માંજરી આંખો તરફ જોઈ રહી. થોડા વર્ષો પહેલાં એને માટે આ વિશ્વની સહુથી સુંદર આંખો હતી અને એ આંખોનો માલિક દુનિયાનો શ્રેષ્ઠ પુરુષ. વેદાંત આમે ય બધી જ રીતે આકર્ષક હતો. એટલે જ લંડનથી અમદાવાદ માત્ર ફરવા માટે આવેલી રત્ના રીવરફ્રન્ટ ઉપર એને મળી ત્યારે એના દેખાવથી, એની સ્માર્ટનેસથી, એની વાતો કરવાની સ્ટાઈલથી એટલી પ્રભાવિત થઇ ગઈ હતી કે એ જ વખતે એના મનના શાંત નીરમાં સાબરમતીના જળની જેમ કંઈ ગજબની લહેરો ઊઠી હતી.
રત્નાને સહુથી વધુ સંમોહિત કરી હતી વેદાંતની આંખોએ. એના ઘઉંવર્ણા રંગ ઉપર એ માંજરી આંખો એવો વિરોધાભાસ રચતી હતી કે થોડીવાર સુધી તો દરેકની નજર ત્યાં જ સ્થિર થઇ જાય. માંજરા ડોળાની અંદર કાળી કીકી અને ડોળા ફરતે શનિના વલયો જેવી લીલી કિનારી. રત્નાએ આવી આંખો પહેલા ક્યારેય જોઈ ન હતી. એ આંખોએ એને ચુંબકની જેમ ખેંચી હતી. એ ખેંચાઈ ગઈ હતી, આખી ને આખી, મૂળિયાં સહિત. એ આંખો સામે રત્ના જોતી ત્યારે એને આખું અસ્તિત્વ એમાં ઓગળી જતું હોય એવું લાગતું. એટલે જ થોડા દિવસો પછી ઝૂલતા મિનારા ઉપર વેદાંતે એને લગ્ન માટે પૂછ્યું ત્યારે રત્નાનું મન બ્રહ્માંડના હિંડોળે ઝૂલવા માંડ્યું હતું. ‘એ ઇન્ડિયામાં રહેતા છોકરા સાથે પરણીને તું સુખી નહીં થાય’- એના વર્ષોથી લંડનમાં સ્થાઈ થઇ ગયેલા મમ્મી-ડેડીએ કહ્યું હતું. પણ એ સલાહને અવગણીને, વેદાંત સાથે પરણીને એણે કાયમ માટે ભારતમાં રહી જવાનું પસંદ કર્યું હતું.
રત્નાને આજે પણ એ દિવસ બરાબર યાદ હતો જયારે એને પહેલીવાર મમ્મી-ડેડીની સલાહ યાદ આવી ગઈ હતી. એ દિવસે એ પોતાના એક કીટી ગ્રુપમાં પાર્ટી માટે જવાની હતી અને એણે પોતાનું ઓફ શોલ્ડર ફ્રોક પહેર્યું હતું. તૈયાર થઈને એ રૂમની બહાર નીકળી અને બહારની રૂમમાં સોફા ઉપર બેઠેલા વેદાંતની નજર એના ઉપર પડી. મોબાઈલ બાજુમાં મૂકીને એ રત્ના સામે જોઈ રહ્યો.
‘શું જુએ છે?’ રત્નાએ રોમેન્ટિક થઈને, આંખો ઉલાળીને પૂછ્યું અને ગોળ ફુંદરડી ફરીને પોતાનું ફ્રોક બતાવ્યું.
વેદાંતે એનો કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. કંઈ જ બોલ્યા વિના એ ગુસ્સાભરી નજરથી રત્ના સામે તાકી રહ્યો. એ નજરમાં શું હતું? રત્નાને પહેલીવાર એ માંજરી આંખોનો થોડો ડર લાગ્યો.
‘શું થયું? બોલતો કેમ નથી? તને મૂકીને જવું પડે છે, પણ યાર, લેડીઝની કીટી. યુ કાન્ટ કમ બેબી.’
‘તેં આ શું પહેર્યું છે?’
રત્નાને વેદાંતનો પ્રશ્ન સમજાયો નહીં.
‘ફ્રોક યાર. મસ્ત છે ને? અત્યારે આની બહુ ફેશન છે.’
‘આવું સાવ ખભા ઉઘાડા દેખાય એવું ફ્રોક? આ ઇન્ડિયા છે મેડમ, લંડન નથી.’
‘કમ ઓન યાર. તું કીટીમાં આવીને જુએ તો તને ઇન્ડિયા લંડન કરતાં વધારે મોર્ડન લાગે.’
‘બીજાં જે કરતાં હોય એ, મારી વાઈફ આવા કપડાં પહેરીને બહાર નહીં જાય.’
‘કમ ઓન વેદાંત, તું..’.
‘નો આર્ગ્યુમેન્ટ! જવું હોય તો ઢંગના કપડાં પહેરીને જા, નહીં તો ઘરમાં બેસ.’ વેદાંતે એની આંખો પહોળી કરીને કહ્યું.
ક્યારેય કોઈને તાબે ન થનારી રત્ના એ દિવસે એ આંખોથી ડરી ગઈ હતી.
એ દિવસે કીટીમાં રત્ના બિલકુલ મૂડમાં ન હતી. શોર્ટ સ્કર્ટ, સ્ટ્રેપલેસ બ્લાઉઝ અને બેકલેસ ગાઉન પહેરીને સ્મોકિંગ કરતી છોકરીઓને એ જોઈ રહી. લંડનમાં ક્યારેક એ પણ સ્મોકિંગ કરી લેતી હતી. આ બધું તો ઇન્ડિયામાં પણ હવે કોમન હતું. વેદાંતને એની ખબર ન હોય એવું થોડું હશે? આમ આટલો બધો મોર્ડન થઈને ફરતો વેદાંત આવો હશે? મમ્મી-ડેડી કહેતાં હતાં એ સાચું પડશે?
‘નો વે.’ રત્નાએ વિચાર્યું. પોતે એમની સાથે ઝગડીને આ નિર્ણય લીધો હતો. એને એ સાચો સાબિત કરીને જ બતાવશે. ગમે તે થશે એ એ લોકો પાસે પાછી તો નહીં જ જાય. વેદાંતને એ ધીરે ધીરે સુધારી દેશે.
‘વેદાંત! તું સુધરી ગયો હોત તો!’ રત્નાએ સૂકાઈ ગયેલા રતાળુ જેવા, પથારીમાં પડેલા વેદાંત સામે જોઇને બૂમ પાડીને બોલી, ‘ હું હતી ત્યાંથી માઈલો પાછળ આવી ગઈ, તું બે ડગલાં ય આગળ ન વધ્યો. યુ મેડ માય લાઈફ એ હેલ.’
વેદાંત પેલા ગોળ ગોળ માંજરી ડોળાથી રત્ના સામે એકીટસે તાકી રહ્યો.
આકાશમાંથી ઊતરી આવેલી પરીની જેમ રત્ના વેદાંતની જિંદગીમાં આવી હતી અને વેદાંત એ પરીને ઝીલવા માટે એક ઊંચો કૂદકો પણ મારવા તૈયાર ન હતો. ઊલટો એને પકડીને એ જાણે એના ભારથી જમીનમાં વધારે ને વધારે ઊંડો ઊતરતો જતો હતો. એણે રત્નાને આધુનિક કપડાં પહેરતી બંધ કરી, એનું પરફ્યુમ બંધ કરાવ્યું, ઊંચી એડીના સેન્ડલ પહેરવાની પણ મનાઈ કરી દીધી. એનું એના મિત્રોને મળવાનું ઓછું કરાવી નાખ્યું. કોઈને ઘેર બોલાવતા પહેલા પણ રત્નાએ એની પરવાનગી લેવી પડતી. વેદાંતનું ચાલત તો એની પત્ની શ્વાસ પણ એને પૂછીને જ લે એવો નિયમ પણ બનાવી દેત.
એ દિવસે તો રત્નાને ખરેખર એને ગમતી એ બે આંખો ફોડી નાખવાનું મન થયું હતું. એ લોકો એક મુવી જોવા જતા હતા. રત્ના તૈયાર થઈને બેડરૂમની બહાર નીકળી એ સાથે વેદાંતની આંખો ચાર થઇ.
‘આ શું? આટલી ડાર્ક લીપસ્ટીક! તું જો તો ખરી તું કેવી લાગે છે?
‘વેદાંત! આજે તું સાથે છે એટલે મેં..’
‘હું સાથે છું એટલે શું થયું? બીજા લોકો તને જોવાના નથી? મને એવું ન લાગવું જોઈએ કે હું કોઈ બજારુ સ્ત્રી સાથે ચાલી રહ્યો છું.’ પછી ન ઉથાપી શકાય એવા અવાજમાં બોલ્યો હતો,‘ચૂપચાપ ટીસ્યુ લે અને લીપસ્ટીક લૂછી નાખ.’
વેદાંતના શબ્દોથી આઘાત પામી ગયેલી રત્નાની નજર વેદાંતની આંખો સામે પડી હતી અને એણે ટીસ્યુ લઈને પહેલાં પોતાના આંસુ અને પછી લીપસ્ટીક લૂછી નાખી હતી. સાથે સાથે એણે પોતાના જીવનમાંથી ‘સુખ’ અને ‘સ્વતંત્રતા’ નામના શબ્દોની અનુભૂતિ પણ લૂછી નાખી હતી.
રત્ના ઘણીવાર વિચારતી હતી કે પૂરી સ્વતંત્રતાથી ઊછરેલી એ આવી રીતે કોઈની ગુલામ કેમ થઇ ગઈ હતી? કઈ અદ્રશ્ય જંજીરોએ એને જકડી લીધી હતી? સ્ત્રીઓ તો પ્રેમને માટે બધું જ કરી છૂટે, પણ પુરુષના પ્રેમનું શું? આ બધો શું વેદાંતનો પ્રેમ હતો! એવો અધિકાર ભરેલો પ્રેમ કે પોતાની પત્ની સુંદર દેખાય, બધાં એની તરફ જુએ, એના વખાણ કરે, એ પણ એ સહન ન કરી શકે? એ શું પોતાનો માલિક હતો?
આવી ઘટનાઓ બને ત્યારે રત્નાને હવે એના મમ્મી-ડેડી યાદ ન હતા આવતાં, એને યાદ આવતી હતી રીંગ માસ્ટરના ચાબૂકના ફટકાનો માત્ર અવાજ સાંભળીને, માથું નીચું કરીને પાંજરામાં જતી રહેતી વાઘણ, સરકસની વાઘણ!
એકલી હોય ત્યારે રત્નાના મગજમાં આ બધા સામે બળવો કરવાના, પોતાનો અધિકાર પાછો મેળવવાના વિચારો આવતાં, પણ વેદાંત સામે હોય ત્યારે એની આંખોમાંથી જાદુઈ સાંકળો જેવું કંઇક નીકળતું અને રત્નાના વિચારોને બંદી બનાવી લેતું.
એકવાર રત્નાએ આ અદ્રશ્ય બંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યો હતો. વેદાંત બે દિવસ માટે પોતાના બિઝનેસના કામે બહારગામ ગયો ત્યારે મક્કમ નિર્ધાર કરીને રત્નાએ પોતાનો પહેલાં ખરીદેલો બેકલેસ ડ્રેસ પહેર્યો હતો, પાર્ટી મેકઅપ કરીને ડાર્ક લીપસ્ટીક લગાવી હતી અને વેદાંતને બિલકુલ ન ગમતું સ્ટ્રોંગ પરફ્યુમ પણ છાંટ્યું હતું. પણ એ જેવી બેડરૂમની બહાર આવી કે સામે જ એને વેદાંતની આંખો દેખાઈ. એણે નજર ફેરવી લીધી અને બીજી તરફ જોયું. ત્યાંથી પણ પેલી રાની બિલાડા જેવી આંખો એને જોઈ રહી હતી. રત્નાને હવે ચારેબાજુ વેદાંતની આંખો જ દેખાતી હતી-દિવાલો ઉપર, છતમાં, ગોળ ગોળ ફરતા પંખાની પાંખોમાં, કાર્પેટની ડીઝાઈનમાં અને લાઈટના બલ્બમાં પણ એ આંખો જ દેખાતી હતી. એ સીધી મોં ધોવા બાથરૂમમાં દોડી ગઈ હતી. ત્યાં અરીસામાં જોયું તો એના પોતાના ચહેરા ઉપર વેદાંતની જ આંખો લાગેલી હતી. રત્નાએ નળ ચાલુ કર્યો. પછી હાથમાં પાણીની ધારને બદલે વેદાંતની આંખો પડતી હોય એવું એને લાગતું હતું.
રત્નાને લાગ્યું કે એ હવે ક્યારેય એની જિંદગી એની રીતે નહીં જીવી શકે. એ પૂરેપૂરી એક જાદુગરના વશમાં હતી અને એની રચેલી માયાજાળમાંથી એ હવે ક્યારેય મુક્ત નહીં થઇ શકે. એના લગ્ન પછી બે જ વર્ષમાં એના મમ્મી-ડેડી તો એક કાર અકસ્માતમાં ગુજરી ગયા હતા. એની ત્યાંની વિઝા પણ કેન્સલ થઇ ગઈ હતી. એટલે એ દરવાજો તો કાયમ માટે બંધ થઇ ગયો હતો. એણે હવે કાયમ માટે આવી રીતે જ રહેવાનું હતું.
પણ એવું ન થયું. છેલ્લા થોડા સમયથી વેદાંતને થઇ આવતો પેટનો દુખાવો એ ‘બિઝનેસનું થોડું ટેન્શન’ અને ‘જમવામાં અનિયમિતતા’ જેવાં કારણો આપીને અવગણતો હતો. પણ એક દિવસ એ દુખાવો અસહ્ય બની ગયો. હોસ્પિટલમાં થયેલી ઝીણવટભરી તપાસ પછી રત્નાને કહેવામાં આવ્યું, ‘છેલ્લા સ્ટેજનું આંતરડાનું કેન્સર છે. બધે જ ફેલાઈ ગયું છે. ઘણા કેસમાં આવું થતું હોય છે કે છેલ્લે સુધી પેશન્ટને બહુ ખ્યાલ જ નથી આવતો અથવા તો પછી એ લોકો શરીરની ચેતવણીઓને અવગણ્યા કરે છે. હવે ઓપરેશન તો શક્ય જ નથી. કેમોથેરાપીનો પણ કોઈ અર્થ નહીં સરે. જેટલા દિવસો છે એટલા દિવસો ઘરમાં હવે સાથે રહી લો.’
રત્ના વેદાંતને ઘેર લઇ આવી હતી. મિત્રો મળવા આવતાં. એ લોકો સાથે રત્ના વાતો કરે ત્યારે પણ વેદાંતની ચોકીદાર આંખો એની આગળ-પાછળ ફર્યા જ કરતી.
કશું જ બોલ્યા વિના પણ રત્નાને સતત ડરાવતી, ધમકાવતી, ડાર્યા કરતી એ આંખો એક દિવસ કાયમ માટે બંધ થઇ ગઈ. રત્નાએ ‘આઈ ડોનેશન’ અંગેની બધી માહિતી ડો.સંકેત કોઠારી પાસેથી મેળવી લીધી હતી. એટલે સમય વેડફ્યા વિના રત્નાએ થોડા ભીના લાગતા અવાજે પહેલો ફોન એમને જ કર્યો, ‘સંકેત, આઈ હેવ લોસ્ટ હીમ ફોર એવર.’
‘ઓહ! આઈ એમ સો સોરી!’
‘પણ મારે એની આંખો નથી ગુમાવવી સંકેત. જલ્દી તારા સાધનો લઈને આવી જા.’
ડો.સંકેતનો ફોન આવી ગયો હતો એટલે રત્ના જગદીપની રાહ જોઇને જ બેઠી હતી. ડોરબેલ વાગી અને એ બારણા સુધી પહોંચે એ પહેલાં તો એણે લગાડેલા સ્ટ્રોંગ પરફ્યુમની સુગંધ જગદીપના નાક સુધી પહોંચી ગઈ હતી. રત્નાએ બારણું ખોલ્યું અને જગદીપના ચહેરા ઉપર લાગેલી વેદાંતની આંખો રત્નાના મેકઅપ કરેલા, ડાર્ક લીપસ્ટીક કરેલા ચહેરા ઉપરથી સરકીને, એના ઓફ શોલ્ડર, ટૂંકા ફ્રોક ઉપરથી સરીને, નેઈલ પેઈન્ટ લગાવેલા પગના નાખ ઉપર સ્થિર થઇ ગઈ. રત્નાએ એને સોફા ઉપર બેસવાનું કહ્યું. એશ ટ્રેમાં પડેલી સળગતી સીગરેટનો કશ લઈને, એનો ધુમાડો જગદીપની આંખો તરફ ફેંકતી રત્નાએ એને પૂછ્યું, ‘જગદીપ, મારી ઓફિસમાં મારા પર્સનલ પ્યુન તરીકે કામ કરવાનું પસંદ કરીશ?’
– ગિરિમા ઘારેખાન
એકતા દોશી દ્વારા આ વાર્તાનું વિવેચન અહીં ક્લિક કરીને માણી શક્શો.
ગિરિમા બેન ની વાર્તા હોય એટલે વિષય માં નાવીન્ય, ભાષાની સુંદરતા અને આરંભ થી અંત સુધી વાચકને જકડી રાખવા ની ખાતરી – એટલું તો હોય જ. વાર્તા ખૂબ સારી લાગી અને ભજવવા ની અદમ્ય ઈચ્છા થઈ આવી. મા સરસ્વતીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે
sunder ritey vaarta lakhai chhey.
ખૂબ સરસ વાર્તા. માલિકીહક સામે સમતાપૂર્વક પ્રતિકાર.રજૂઆત કલામય છે.