એ આંખો – ગિરિમા ઘારેખાન; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 6


ટૂંકીવાર્તા, લઘુકથામાં ગિરિમા ઘારેખાન આગવી પ્રતિષ્ઠા ધરાવે છે, છેલ્લાં પાંચેક વર્ષમાં સાહિત્ય ક્ષેત્રે તેમનું નામ ગૂંજતું થઈ ગયું છે. આજની તેમની વાર્તા જેની આપણે ચર્ચા કરીએ છીએ તે ચિત્રલેખા કચ્છશક્તિ વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની વિજેતા વાર્તા છે.

લેખકનો પરિચય :

હાલ અમદાવાદ રહેતા વરિષ્ઠ લેખક ગિરિમા ઘારેખાન છેલ્લાં પાંચેક વર્ષમાં સાહિત્ય ક્ષેત્રે ગાજતું નામ થઈ ગયું છે. તેઓને નાનપણથી જ ઘરમાં વાંચનનું વાતાવરણ મળેલું, મમ્મી અને ત્રણ ભાંડરડા ખૂબ વાંચતાં, આ શોખને કારણે તેઓએ અંગ્રેજી સાહિત્ય વિષય સાથે એમ.એ કર્યું. એ વખતે પણ એમની વાર્તાઓ એ સમયના જાણીતા સામયિકોમાં છપાતી પરંતુ તેઓ લગ્ન કરી ત્રીસ વર્ષ માટે મસ્કત ગયા જ્યાં લેખન પ્રવૃત્તિ ઉપર અલ્પ વિરામ લાગ્યો. એ વખતે પણ ત્યાંના ગુજરાતી લોકોના સંપર્કમાં રહી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ભારત પાછા ફર્યા બાદ એમણે ફરીથી લેખન શરૂ કર્યું અને જોતજોતામાં અનેક નામી પુરસ્કારો મેળવી નામના મેળવી. તેઓ કેતન મુન્શી, અંજુ નરશી, સ્મિતા પારેખ જેવી અનેક નામી સ્પર્ધાઓમાં વિજેતા બન્યાં છે.

ટૂંકીવાર્તા, લઘુકથામાં ગિરિમા ઘારેખાન આગવી પ્રતિષ્ઠા તો ધરાવે જ છે પણ એમના બાળસાહિત્યને પણ એટલી જ પ્રતિષ્ઠા મળી છે. ગિરિમાબેનના આઠ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.

આજની વાર્તા ચિત્રલેખા કચ્છશક્તિ વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની વિજેતા વાર્તા છે. વાર્તા અહીં ક્લિક કરીને માણી શકાય છે. તો હવે આવો તપાસીએ મનના માઇક્રોસ્કોપથી ‘એ આંખો’ :

ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા સંપૂર્ણ પણે અભિધામાં લખાઈ છે પરંતુ તેમાં રૂપકોનું ખૂબ સુંદર સાયુજ્ય થયું છે. વાર્તા શરૂ થાય છે એક ફોન કૉલથી, ડૉ.કોઠારીને તેની મિત્ર રત્નાનો ફોન આવે છે કે તેના પતિનું મૃત્યુ નજીક છે તો રત્ના ઈચ્છે છે કે ડૉકટરની કામવાળીના પુત્રને ચક્ષુદાન આપવું. આ વિશે લખતી વખતે લેખકે અહીં બીમારી, તેના લક્ષણો અને ચક્ષુદાન વિશે બરાબર માહિતી મેળવી વાચકો સુધી પહોંચાડી છે. પરંપરાગત અંત કરતાં અપાયેલા નવીન અંત અને આધુનિક નારીના ચિત્રણને કારણે આ વાર્તા વિજેતા બનવા લાયક છે.

વાર્તાની થીમ :

“તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા કયા હૈ!” નામ પ્રમાણે જ આંખોની આસપાસ ફરતી વાર્તામાં આંખનો મોહ, ભય અને નફરત વાર્તાની થીમ છે.

વાર્તાનો પ્લોટ:

એક સ્ત્રીનો પતિ જીવનના અંતિમ દિવસો ગણી રહ્યો છે. તે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી ધીરે-ધીરે મરી રહ્યો છે. તેની માંજરી આંખો કે જેને કારણે એ સ્ત્રી એના તરફ આકર્ષાઈ હતી તે જ આંખો તેના પર ચોકીપહેરો કરતી હતી. એ આંખોના અસ્તિત્વમાં બંધાઈ ગયેલી સ્ત્રી પતિના મૃત્યુ બાદ એ આંખોને જીવંત રાખવા માંગે છે, .કારણ- નફરત.

પરિવેશ:

હાલના યુગની મોટાભાગની આધુનિક ટૂંકીવાર્તાઓની જેમ અહીં પણ પરિવેશ ઉભો કરવામાં નથી આવ્યો. વાર્તાની થીમ કહો કે પ્લોટ કે પરિવેશ બધું જ ફક્ત માંજરી આંખો જ છે. તેમ છતાંય આધુનિક કીટીપાર્ટીનું થોડુંક વર્ણન કરવામાં આવેલું છે, તે જ પ્રમાણે સાબરમતી અને ઝૂલતા મિનાર વિશે લખી અમદાવાદની આછેરી ઝલક આપી છે સાથે વેદાંતની આંખોના દૃશ્ય વડે તેમના ભવ્ય ઘરની પણ ઓછા શબ્દોમાં રૂપરેખા આપી છે.

પાત્રાલેખન:

આ વાર્તામાં ફક્ત બે જ મુખ્ય પાત્ર છે, રત્ના અને વેદાંતની આંખો, અન્ય પાત્રમાં વેદાંત, ડૉ. સંકેત કોઠારી અને જગદીપ.

૧. રત્ના  : રત્નાનું  પાત્રાલેખન બહુ જ સુઘડ રીતે લખાયું છે. લંડનમાં મોટી થયેલી આધુનિક સ્ત્રી, જે મૂળભૂત રીતે ભારતીય સંસ્કાર ધરાવતી સ્ત્રી છે. માતાપિતાની સલાહ અવગણી વેદાંતની માંજરી આંખો ઉપર મોહે છે. વેદાંતના મૃત્યુ પછી પણ રત્ના એ આંખોને જીવંત રાખવા ઈચ્છે છે. રત્ના એક મક્કમ મનોબળવાળી મજબૂત સ્ત્રી છે.

# ‘મને લાગે છે હવે હું મેન્ટલી પ્રિપેર થઇ ગઈ છું, સંકેત. એક્ચ્યુલી આજે મેં તને એક ખાસ કામ માટે ફોન કર્યો છે.’

‘યુ આર એ બ્રેવ લેડી. બોલ, શું કામ હતું?’

૨. વેદાંતની માંજરી આંખો : વાર્તાના મુખ્ય પાત્રને લેખકે બરાબર બહેલાવ્યું છે. એ રત્નાના જીવન સાથે વણાઈ ગયું છે. એ આંખો  પહેલા મોહિત કરે પછી રક્ષક બને, બાદમાં તેનું અસ્તિત્વ બને અને છેવટે કેદ બને.

# માંજરા ડોળાની અંદર કાળી કીકી અને ડોળા ફરતે શનિના વલયો જેવી લીલી કિનારી. રત્નાએ આવી આંખો પહેલા ક્યારેય જોઈ ન હતી. એ આંખોએ એને ચુંબકની જેમ ખેંચી હતી. એ ખેંચાઈ ગઈ હતી, આખી ને આખી, મૂળિયાં સહિત. એ આંખો સામે રત્ના જોતી ત્યારે એને આખું અસ્તિત્વ એમાં ઓગળી જતું હોય એવું લાગતું.

# વેદાંત સામે હોય ત્યારે એની આંખોમાંથી જાદુઈ સાંકળો જેવું કંઇક નીકળતું અને રત્નાના વિચારોને બંદી બનાવી લેતું.

૩. વેદાંત : વેદાંતનું પાત્ર જુનવાણી માનસિકતામાં જીવતા પુરુષનું છે. જે પત્ની ઉપર માલિકી ભાવ ધરાવે છે.

# રત્નાને આધુનિક કપડાં પહેરતી બંધ કરી, એનું પરફ્યુમ બંધ કરાવ્યું, ઊંચી એડીના સેન્ડલ પહેરવાની પણ મનાઈ કરી દીધી. એનું એના મિત્રોને મળવાનું ઓછું કરાવી નાખ્યું. કોઈને ઘેર બોલાવતા પહેલા પણ રત્નાએ એની પરવાનગી લેવી પડતી. વેદાંતનું ચાલત તો એની પત્ની શ્વાસ પણ એને પૂછીને જ લે એવો નિયમ પણ બનાવી દેત.

ડૉ. સંકેત કોઠારીનું પાત્ર  વાર્તાને અંત તરફ લઈ જવા ઉપકારક છે અને જગદીપ વાર્તાને અંત આપવા માટે આવેલી વ્યક્તિ છે. જેના મુખે એકપણ શબ્દ નથી મુકાયો,

મનોમંથન:

વાર્તામાં રત્નાનું મનોમંથન આબાદ ઉપસાવવામાં આવ્યું છે.

# રત્ના ઘણીવાર વિચારતી હતી કે પૂરી સ્વતંત્રતાથી ઊછરેલી એ આવી રીતે કોઈની ગુલામ કેમ થઇ ગઈ હતી? કઈ અદ્રશ્ય જંજીરોએ એને જકડી લીધી હતી? સ્ત્રીઓ તો પ્રેમને માટે બધું જ કરી છૂટે, પણ પુરુષના પ્રેમનું શું? આ બધો શું વેદાંતનો પ્રેમ હતો! એવો અધિકાર ભરેલો પ્રેમ કે પોતાની પત્ની સુંદર દેખાય, બધાં એની તરફ જુએ, એના વખાણ કરે, એ પણ એ સહન ન કરી શકે? એ શું પોતાનો માલિક હતો?

અલગ-અલગ જગ્યાએ એના વિચારો બરાબર ડોકાયા છે.

# એને યાદ આવતી હતી રીંગ માસ્ટરના ચાબૂકના ફટકાનો માત્ર અવાજ સાંભળીને, માથું નીચું કરીને પાંજરામાં જતી રહેતી વાઘણ, સરકસની વાઘણ!

# એકલી હોય ત્યારે રત્નાના મગજમાં આ બધા સામે બળવો કરવાના, પોતાનો અધિકાર પાછો મેળવવાના વિચારો આવતાં, પણ વેદાંત સામે હોય ત્યારે એની આંખોમાંથી જાદુઈ સાંકળો જેવું કંઇક નીકળતું અને રત્નાના વિચારોને બંદી બનાવી લેતું.

આ મનોમંથન ઉપરથી વાચકો નક્કી કરી લે કે એને પતિ અને તેની આંખોથી છુટકારો મળવાનો છે એ સારું જ થયું ત્યારે ફરી એક નવો વિચાર મુકાય છે કે ..

# ‘આઈ હેવ લોસ્ટ હીમ ફોર એવર.’

‘ઓહ! આઈ એમ સો સોરી!’

‘પણ મારે એની આંખો નથી ગુમાવવી સંકેત. જલ્દી તારા સાધનો લઈને આવી જા.’

સંઘર્ષ -પાત્ર પરિવર્તન :

આખી વાર્તા રત્નાના વેદાંતના વિચારો સાથેના સંઘર્ષ ઉપર જ રચાયેલી છે.
# લંડનમાં ઉછરેલી સ્વતંત્ર યુવતીનો ભારતીય પત્નીમાં ઢળવાનો સંઘર્ષ.
# માતાપિતાની મરજી વિરુદ્ધ જવાનો સંઘર્ષ
#  પતિને પ્રેમથી જીતવાની કોશિશ અને એનો આક્રોશ,

‘ હું હતી ત્યાંથી માઈલો પાછળ આવી ગઈ, તું બે ડગલાં ય આગળ ન વધ્યો. યુ મેડ માય લાઈફ એ હેલ. ’

વાર્તામાં પાત્રમાં કોઈક પરિવર્તન આવવું જ જોઈએ એ નિયમ અહીં બરોબર જળવાયો છે.

# રત્ના મોહિત યુવતીમાંથી દબાયેલી પત્ની બને છે અને છેવટે મજબૂત સ્ત્રી.

‘તો મારી ઈચ્છા છે કે એ જગદીપ વેદાંતની આંખોથી દુનિયા જુએ. એના ઓપરેશનનો ખર્ચો પણ હું આપીશ.’

# વેદાંતની આંખોનું પાત્ર પરિવર્તન પણ સતત છે. દુનિયાની સર્વશ્રેષ્ઠ આંખોમાંથી ફોડી નાંખવાનું મન થાય તેવી માંજર આંખો.

● એ દિવસે તો રત્નાને ખરેખર એને ગમતી એ બે આંખો ફોડી નાખવાનું મન થયું હતું.

ભાષાકર્મ :

આખી વાર્તામાં સૌથી મોટું જમા પાસું છે ભાષાકર્મ. સુઘડ, સ્વચ્છ ભાષા. ખપ પૂરતો રોજિંદા અન્યભાષી શબ્દોનો સ્વાભાવિક ઉપયોગ અને સુંદરતા. ક્યાંક ક્યાંક મેજીક રિયાલિઝમના (એટલે કે હકીકત અને કલ્પનાની ભેળસેળ) ચમકારા પણ સુંદર છે.

# આકાશમાંથી ઊતરી આવેલી પરીની જેમ રત્ના વેદાંતની જિંદગીમાં આવી હતી અને વેદાંત એ પરીને ઝીલવા માટે એક ઊંચો કૂદકો પણ મારવા તૈયાર ન હતો. ઊલટો એને પકડીને એ જાણે એના ભારથી જમીનમાં વધારે ને વધારે ઊંડો ઊતરતો જતો હતો.

મેજીક રિયાલિઝમ અથવા તો સર-રિયાલિઝમનો ચમકારો જોઈએ તો ..

# એ જેવી બેડરૂમની બહાર આવી કે સામે જ એને વેદાંતની આંખો દેખાઈ. એણે નજર ફેરવી લીધી અને બીજી તરફ જોયું. ત્યાંથી પણ પેલી રાની બિલાડા જેવી આંખો એને જોઈ રહી હતી. રત્નાને હવે ચારેબાજુ વેદાંતની આંખો જ દેખાતી હતી-દિવાલો ઉપર, છતમાં, ગોળ ગોળ ફરતા પંખાની પાંખોમાં, કાર્પેટની ડીઝાઈનમાં અને લાઈટના બલ્બમાં પણ એ આંખો જ દેખાતી હતી. એ સીધી મોં ધોવા બાથરૂમમાં દોડી ગઈ હતી. ત્યાં અરીસામાં જોયું તો એના પોતાના ચહેરા ઉપર વેદાંતની જ આંખો લાગેલી હતી. રત્નાએ નળ ચાલુ કર્યો. પછી હાથમાં પાણીની ધારને બદલે વેદાંતની આંખો પડતી હોય એવું એને લાગતું હતું. 

અન્ય ઉદાહરણ જોઈએ તો ..

# એને યાદ આવતી હતી રીંગ માસ્ટરના ચાબૂકના ફટકાનો માત્ર અવાજ સાંભળીને, માથું નીચું કરીને પાંજરામાં જતી રહેતી વાઘણ, સરકસની વાઘણ!

સારાંશ:

સર્વાંગ સુંદર રીતે લખાયેલી વાર્તા, વાર્તાની દરેક શરતોનું પાલન કરે છે. મક્કમ શરૂઆત-મધ્ય અને ચોટદાર અંત.  ભાષા પણ ખૂબ જ ઉત્તમ છે. આધુનિક પ્રક્ષેપમાં લખાયેલી વાર્તા સાથે લોકો તાદામ્ય અનુભવી શકે છે. ચંદ્ર જેવી વાર્તામાં વિવેચકની વક્ર દૃષ્ટિ  કરીએ તો મને એવું લાગે છે કે આંખોનો મોહ કેમ ઉતરી ગયો એ થોડું વધારે મોડું મૂકી શકાયું હોત.

તો ફરી મળીશું આવતી વખતે, અન્ય વિજેતા વાર્તા અને તેનું વિવેચન લઈને ત્યાં સુધી એંયૌગ  (કોરિયનમાં ગુડ બાય… દર વખતે નવી ભાષામાં ગુડબાય નોંધ્યું કે નહીં?)

– એકતા નીરવ દોશી

એકતા દોશી અક્ષરનાદ પરના આ સ્તંભ ‘વ વાર્તા નો વ’ અંતર્ગત વાર્તાઓનું ઝીણવટભર્યું વિવેચન કરી રહ્યાં છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “એ આંખો – ગિરિમા ઘારેખાન; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી

  • Dr. Pinesh Modi

   ખુબ જ સરસ વાર્તા.
   ખરેખર વિજેતા કૃતિને છાજે છે.
   એકતા દોશી દ્વારા તલસ્પર્શી પ્રતિભાવ પણ એટલો જ ગમ્યો…

 • હર્ષદ દવે

  વિવેચન એટલે ‘વિશેષ રીતે વિચાર કરવો’. કોઈપણ સાહિત્યિક રચના કે કૃતિ પર તેના ગુણ-દોષ અંગે તટસ્થ (અંગત પૂર્વગ્રહ રહિત) અભિપ્રાય કે આલોચના. ‘ટીકા’ શબ્દ નકારાત્મક નથી જ. તેમાં સકારાત્મકતા છે. આપણે કહેવું જોઈએ કે તેમાં આંગળી ચિંધ્યાનું પુણ્ય છે. આ હકીકતનો ખ્યાલ આવે ગિરિમા ધારેખાનની વાર્તા અને એકતા દોશના વિવેચન પર દૃષ્ટિપાત કરવાથી. તેનો હેતુ છે વાચકને સત્યનું રસપાન કરાવવાનો અને ગેરસમજ થતી અટકાવવાનો. સ્વાભાવિક છે કે વાર્તા લખવાનું કાર્ય જેમ સહેલું નથી તે જ રીતે લખેલા રાઈટ-અપની વિવેચના કરવાનું કાર્ય બેધારી તલવાર પર ચાલવા જેવું છે. કર્તા-કૃતિ અને વાચકોને અન્યાય ન થાય તે રીતે સત્યનો પક્ષ નિભાવવો સરળ તો નથી જ. આ માટે અનુભવ અને મનોમંથનનો સાથ આવશ્યક છે. અહીં એ સિદ્ધ થાય છે. અભિનંદન, સહુને!