ગુજરાતમાં આવેલું ચાંપાનેર ગામનું નામ તો ઘણાં બધાંએ સાંભળ્યું હશે અને જોયેલું પણ હશે. મારા આ પ્રવાસની વાત કંઇક અનેરી છે. ચાંપાનેરનો ઈતિહાસ વગેરે તો બધે મળી રહેશે એટલેજ મને થયું કે આજે તમને મારી રીતે સફર કરાવું.
મેં પણ ચાંપાનેરનું નામ બહુ સાંભળ્યું હતું. તેના વિશે બહુ વિગતવાર માહિતી નહોતી એટલે જવા માટે આકર્ષણ પણ થયું નહોતું. એક વખત એક ફોટોગ્રાફીના પ્રદર્શનમાં અમુક ફોટા જોયા અને બસ મનમાં ચાંપાનેર જોવાની તૃષ્ણા જાગી. એક દિવસ એક મિત્રને ત્યાં બેઠા હતાં અને ચાંપાનેરની વાત નીકળી તો તેણે કહ્યું કે ચાંપાનેર જોવું હોય તો ખૂબ વ્યવસ્થિત માર્ગદર્શક એટલેકે ગાઈડ સાથે જ ફરવું જોઈએ નહીંતો પથ્થરો જોઈ પાછા આવશો. વાત કરતા એમણે ઘનશ્યામભાઈ ઓઝાનું નામ આપ્યું. જો એમની સાથે ચાંપાનેર જોવા મળે તો વિશેષ ખુશી રહેશે. અમારા સદભાગ્યે મિત્ર પાસે ઘનશ્યામભાઈનો ફોન નંબર હતો એટલે અમે ખુશ થઇ પ્લાન કરવા લાગ્યાં.
બીજે દિવસે અમે ઘનશ્યામભાઈને ફોન કર્યો અને અમારે ચાંપાનેર તેમની સાથે જોવું છે તે જણાવ્યું. અમને તેમણે કીધું કે હમણા તો તેઓ વ્યસ્ત છે. અમે રાહ જોવા તૈયાર છીએ તેવું કહ્યું. જ્યારથી વર્લ્ડ હેરીટેજની જગ્યાઓમાં ચાંપાનેરનું નામ ઉમેરાયું ત્યારથી ઘણા પરદેશી પ્રવાસી ત્યાં આવતા વધી ગયા છે તેવું ઘનશ્યામભાઈ પાસેથી જાણવા મળ્યું. તેમને અગાઉથી રોકેલા હોય તેથી તેઓ અમને તારીખ ફાળવી શકતા નહોતા. અમને ઘણીવાર કીધું કે હું મારા વિદ્યાર્થીને તમારી સાથે મોકલું. પણ અમારે તો ભાષાવિદ્ ઘનશ્યામભાઈ સાથે જ ફરવું હતું.
છેવટે અમારી બે મહિનાની ધીરજનો અંત આવ્યો. અમને બે હજાર પાંચની વીસમી ફેબ્રુઆરીનો દિવસ મળ્યો. બધું નક્કી કરી લીધું. તમને થશે આમાં એવું તો શું મોટું રાહ જોવાનું હતું! પણ ના એતો આગળ વાંચો એટલે જાણશો. છોકરીઓની પરીક્ષા નજીક હતી પણ એક દિવસ માંડ ગોઠવાયો હતો એટલે એ લોકોને પણ સમજાવી દીધાં.સવારે વહેલાં નીકળી પહોંચી શકાય પણ અમારે કોઈપણ પ્રકારનું જોખમ નહોતું લેવું એટલે અમે ઓગણીસમીની રાત્રે વડોદરા પહોંચી ગયાં. આશય ખાલી ચાંપાનેર સમયસર પહોંચી શકાય તેજ હતો. અમદાવાદથી એકસો સુડતાલીસ કિલોમીટરના અંતરે હતું અને વડોદરાથી ખાલી પચાસ કિલોમીટર હતું.
ઘનશ્યામભાઈ સાથે વાત થયા મુજબ અમારે હાલોલ પાવાગઢનો રસ્તો લેવાનો હતો. રસ્તો ખુબ સુંદર આખો દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ વે) હતો. ઉત્સાહમાં અમે તો સમય કરતા અડધો કલાક વહેલા પહોંચી ગયા. જેમજેમ નજીક જતા હતાં તેમ તેમ મસ્જિદ, કોટની રાંગ વગેરે દેખાવા લાગ્યા. એક કોટ પાસે સુંદર ઝરુખો નજરમાં આવતા અમે ફોટા પાડવા ઉભા રહી ગયા. ફોટોગ્રાફીનું કામ પતાવી આગળ જુમ્મામસ્જિદ પાસે પહોંચ્યા. ત્યાં ઘનશ્યામભાઈ અમારી રાહ જોતાં ઊભા હતા. એમની સાથે વાત કરી તો જાણ્યું કે બહુ બધું જોવાનું છે એટલે સમય બગડ્યા વિના આગળ વધવું. અમે જુમ્મામસ્જિદ અંદરથી જોવા ગયા.
ઈતિહાસ અંગે વાત કરતા જાણ્યું કે મહમદ બેગડાના રાજ્ય લગભગ સન ચૌદસો ચોર્યાશી દરમ્યાન આ મસ્જિદ બંધાઈ હતી. એ સમયમાં ગુજરાત સૌથી સમૃધ્ધ પ્રદેશ હતો. તેની રાજધાની ચાંપાનેર હતી. દર શુક્રવારની નમાજ અહિયાં પઢાય તે માટે આ મસ્જિદ બાંધી હતી. જેમજેમ મસ્જિદના કામને જોતાં ગયા અને અંદર ફરતા ગયા ત્યારે લાગ્યું કે અહિયાં હિન્દુ અને જૈન સંસ્કૃતિની ઝલક દેખાતી હતી. આમ અમારા ફરવાની શરૂઆતમાં જ હિન્દુ ઇસ્લામિક સંસ્કૃતિની બાંધણી જોવા મળી.
ઘણી જગ્યાએ આસોપાલવના તોરણોની કોતરણી જોવા મળી તો ઘણી જગ્યાએ ખીલેલા કમળના ફૂલ જોવા મળ્યાં. વળી કેટલીક જગ્યાએ તો કોતરણીકામ માં સ્વસ્તિકના ચિહ્નો પણ કોતરણીમાં જોવા મળ્યા. હવાની અવરજવર માટેની બારીઓમાં જે પથ્થરની કોતરણીવાળી જાળીઓ ગોઠવવામાં આવી હતી તે ખૂબ અદભૂત કારીગરીની ઝલક દર્શાવતી હતી. સફાઈદાર રેતિયા પથ્થર ( સેન્ડ સ્ટોન)માંથી બનાવેલી આ ત્રણ માળની મસ્જિદ ખૂબ જ સુંદર અને ભવ્ય દેખાય છે. સો ફૂટની ભવ્ય ઊંચાઈ ધરાવતી આ મસ્જિદમાં લગભગ બેંતાલીસ જેટલા થાંભલા છે. પરંતુ થાંભલાની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે જોવામાં આગળનું કશું નડે નહિ. ત્રણ માળની આ મસ્જિદ લગભગ પાંચસો વર્ષથી અડીખમ ઊભી છે. આ જ તેની મજબૂતાઈ, વિશાળતા અને ભવ્યતાની સાક્ષી પૂરે છે. આ મસ્જિદ પૂર્ણ કરવામાં લગભગ પચ્ચીસ વર્ષ જેટલો લાંબો સમય થયો હતો.
ખૂબ જ બારીકાઇ અને અંગેની માહિતી લેતાં અમે આખી જુમ્મા મસ્જિદ અથવા તો એને જામામસ્જિદ પણ કહેવાય છે તે જોઈ બહાર આવ્યા. ઘનશ્યામભાઈ પણ એમનું સાહિત્ય અને ફોટા લાવ્યા હતા તે જોઈ અમે વડાતળાવ તરફ આગળ વધ્યાં.
પાટનગર ચાંપાનેરનું નવનિર્માણ હાથ ધરતી વખતે સુલતાન બેગડાએ વિશેષ ધ્યાન આપી અનિવાર્ય સંજોગોમાં શહેરીજનોને શુધ્ધ પાણી મળી રહે તેની કાળજી રાખી વડાતળાવનું નિર્માણ કર્યું હતું. વળી શાહી કુટુંબ નૌકાવિહારનો આનંદ લઇ શકે માટે વિશ્વામિત્રી નદીનો કેટલોક જળપ્રવાહ તેમાં વાળી અને વિશાળ સરોવરનું સુંદર આયોજન કર્યું છે. હવાખાવા અને આનંદ પ્રમોદ માટે આ તળાવ કિનારે સુંદર બે માળનો જળ મહેલ બનાવેલ છે. અત્યારે તો જોકે જળ મહેલના કેટલાક અવશેષો જ જોવા મળે છે.
જળમહેલની નજીકમાં સુંદર ખજૂરી મસ્જિદ આવેલી છે. ખજૂરી મસ્જિદ જોઈ અમે આગળ કાચા રસ્તે નગીના મસ્જિદ જોવા આગળ વધ્યાં. રસ્તામાં બહારથી જ કેવડા મસ્જિદ જોઈ નગીના મસ્જિદ તરફ આગળ વધ્યાં. નગીના મસ્જિદનું બીજું નામ મોતી મસ્જિદ પણ કહેવામાં આવે છે. ચમકદાર પથ્થરોથી બંધાયેલી આ બે માળની મસ્જિદ લગભગ અર્ધો કિલોમીટર દૂરથી પ્રવાસીનું ધ્યાન ખેંચે તેવી સુંદર છે. એનો નકશીકામ ધરાવતો નાનો રોજો વધુ અંશે સુંદરતા વધારવામાં નિમિત્ત બનવા પામ્યો છે. આસપાસ વધી ગયેલા જંગલની વચ્ચે ઊભેલી આ ઈમારત પર કંડારાયેલી બારીક અને અતિસુંદર કલાત્મક નકશીકામ જોઈ મારી જીજ્ઞાસાવૃત્તિને સંતોષ મળ્યાની લાગણી થઇ.
આગળ વધતાં જમીનની અંદરથી દટાયેલી મળેલી અમીર મંઝીલ જોઈ. અમીર મંઝીલમાં જુદાજુદા કમરા જોયા. અંદરની પાણીની નાની નીક બનાવેલી જોતાં એ સમયમાં આખા ઘરને ઠંડુ રાખવા કેવી પધ્ધતિસરનું આયોજન કર્યું હતું તે જોવાની ખૂબ મઝા આવી. રાજા અને રાણીના નહાવાના બાથટબ અને તેમાં પાછી પાણી પડવાની રીત જોતાં અત્યારના જમાનાના ઝાકુઝી બાથટબની યાદ અપાવી. વાતો કરતા જાણવા મળ્યું કે હજુ આજુબાજુનો ઘણો ભાગ ખોદવાનો બાકી છે.
પુરાતત્વ વિભાગની આ શોધ જોઈ અમે ચાંપાનેર ગામની મધ્યમાં આવેલી માંડવી જોવા જતાં હતા ત્યાં રસ્તામાં ઇટેરી મસ્જિદ જોઈ. માંડવીએ દિલખુશ મહેલનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાતું હતું. વિશિષ્ટ શૈલી ધરાવતું સ્થાપત્ય, પાંચ કમાનવાળી આ સુંદર ઈમારત લગભગ અડતાલીસ સ્તંભ ધરાવે છે. મરાઠા શાસન દરમ્યાન આ ઈમારતનો ઉપયોગ જકાતનાકા તરીકે થતો હતો. અત્યારે પુરાતત્વ ખાતાનું કાર્યાલય કરવામાં આવેલું છે. એના પરિસરમાં પ્રાચીન તોપો, પથ્થરના ગોળા, લોખંડના બખ્તર સાથે બીજા પ્રાચીન સમયના યુધ્ધમાં વપરાતા શસ્ત્રો જે રીતે ખડકાયેલા હતા તે જોઈ જરા દુઃખની લાગણી જન્મી. મનમાં થયું આપણી આ સંપત્તિના આવા હાલ. એક ખુણામાં ખડકાઈ રહેવાની આપણી આવી મહામૂડી!
બધું ફરતા બપોર તો થઈ જ ગઈ હતી એટલે ગામથી પાંચ કિલોમીટર ઊપર આવેલી જગ્યા જેને માંચી કહેવાય છે ત્યાં ગુજરાત ટુરીઝમની હોટલમાં જમવા ગયા. ઊપરથી પાવાગઢ પર્વતની બીજી બાજુ જોઈ. ચાંપાનેર એ તળેટી છે અને પાંચ કિલોમીટરની દૂરી પર પાવાગઢ પર્વત આવેલ છે.
પાવાગઢ પર્વત એક વલ્કેનો માંથી બનેલો હોય તેવું માનવામાં આવે છે. પર્વત ઊપર મહાકાળીનું મંદિર આવેલ છે. મંદિર જવા વાહનો આ માંચી સુધી આવી શકે એ પછી ઊપર ક્યાં પગપાળા ચઢવાનું અથવા રોપવે માં જઈ શકાય. અનેક યાત્રીઓને દર્શન કરતા જતા જોયા. અમારે તો હજુ ઘણું જોવાનું બાકી હતું એટલે અમે ઉતાવળે જમી સાત કમાન જોવા ગયા. અનેક કિલ્લા ધરાવતી આ હારમાળાના સૌથી ઊંચાઈ પર આવેલા કિલ્લાની રાંગમાં આ સુંદર કમાનો દૂરથી નજરે પડે છે.
મહત્વની બેઠકો યોજવા માટેના વિશાળ મંડપના એક ભાગ રુપે આ આકર્ષક કમાનો રચાઈ હોવાની સંભાવના જણાય છે. અત્યારે માત્ર છ કમાન હયાતી ધરાવે છે. આ નયનરમ્ય કમાનો જોઈ બુઢીયાનો દરવાજો જોયો. તેનાથી નીચે તરફના આખા પહાડ પર થતી અવરજવરનું બારીક નજરે નિરીક્ષણ થતું હશે. આમ પ્રાચીન જમાનામાં આ સ્થળ ઘણા હેતુઓથી ઊપયોગી બની રહેલ હશે એવી લાગણી અનુભવી.
જેમજેમ આગળ વધતા હતા તેમતેમ આપણી પૌરાણિક સંપતિ જોઈ ગર્વનો અનુભવ થતો હતો. ત્યાંથી આગળ વધી લાલી ( સદનશાહ) નો દરવાજો જોયો. આ કિલ્લાનો દરવાજો જોતાં લાગે કે સંરક્ષણની વ્યૂહરચનાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર રીતે બાંધણી થયેલી છે. આ જોઈ અમે પગપાળા બુરજ ઊપર ગયા અને ત્યાં અંદર આવેલી ટંકશાળ જોઈ.
પર્વતની ધારપર ખાપર ઝવેરી નામના લુંટારાનો સાત માળનો મહેલ આવેલ છે. અત્યારે તો માત્ર એકજ માળ દેખાય છે. ખીણની એકદમ ધાર પર બાંધવામાં આવેલા આ પ્રાચીન અધ્ધર ઝરુખા મહેલનું અદભુત અને સાહસી બાંધકામ ખુબ અચરજ પમાડે તેવું છે. રેતિયા પથ્થરો વડે બંધાવેલો આ ભવ્ય મહેલ કાળના પ્રવાહમાં આજે તો જીવંત અવશેષ રુપે માત્ર જોવા મળે છે અને તે જોવા લગભગ એકસો પચ્ચીસ એવાં આકરા પગથિયા ઉતરી અને ચઢવાનો શ્રમ લેવો પડે. મુકેશ સાચવીને નીચે ઉતરીને જોઈ આવ્યો પરંતુ મારી હિમંત ન ચાલતા હું તો ઉપર આવેલી એક પથ્થરની ચટ્ટાન ઉપર ઊભી રહી અને આગળ નીચે આવેલી વિશ્વામિત્રી નદીના ધોધને અને ખીણને જોતી ઊભી રહી. અંદરની રચના અને પગથિયા એવા સાંકડા હતાં કે મુકેશને કેમેરા સાથે ઉતરવું અને ચઢવું આકરું પડ્યું હતું. ત્યાં મારું તો શું ગજું!
વાતો કરતા આગળ વધતા હતા ત્યારે વાતો કરતા ઘણાં અનુભવો જાણ્યા. રસ્તામાં ભૂલભૂલામણી જોઈ તળેટી તરફ આગળ વધ્યાં. ગેબનશાહની વાવ જોવા ગયા. પાવાગઢની આજુબાજુ તળાવો, પાણીના કુંડ અને ઘણા કૂવા જોવા મળે છે. પરંતુ પગથિયા વાળી આ ગેબનશાહની વાવની બાંધણી ખૂબ સુંદર હતી. તે જોઈ આગળ હેલીકલ વાવ જોવા ગયા. ગોળાકારે પગથિયા બહુ સુંદર દેખાતા હતા.
વાવ શબ્દ પડે એટલે મગજમાં એક ચિત્ર ઉપસી આવે કે અમુક માળ સુધી નીચે ઉતારવા લાંબા પગથિયા ઉતરીને પાણી સુધી જવાનું. બે બાજુ કોતરણી વાળા ઝરૂખા જોવા મળે. પરંતુ આ હેલીકલ વાવમાં ગોળાકારે સીડી અને ઝરૂખાની જગ્યાએ ચાર માણસ બેસી શકે એવા બાકોરા જોવા મળ્યા. આ એક વિશિષ્ટ વાવ જોઈ અમે એક મિનાર જોવા ગયા. મનમાં થાય, ‘વાહ શું કારીગરી જોવા મળી!’ સાથે સાથે આગળ હજુ વધારે શું એમ જિજ્ઞાસા વધતી જતી હતી.
એક મિનાર મસ્જિદમાં અત્યારે તો ભોંયતળિયું અને એક મિનારો જ જોવા મળે છે. મિનારા ઉપરની સુંદર નકશીદાર ડીઝાઇન વાળા કમરબંધ જોતાં લાગે કે ભૂતકાળમાં અહિંયાની મસ્જિદ ભવ્ય હોવી જોઈએ. મુકેશ મિનારાના સાઈઠ પગથિયા ચઢીને ઉપરથી આજુબાજુનું જંગલ જોઈ આવ્યો. આખો પ્રદેશ ખુબ લીલોતરી વાળો દેખાતો હતો. આજુબાજુના જંગલ જેવા વાતાવરણને કારણે ઘણા ઓછા પ્રવાસી આ બાજુ જોવા આવે છે.
અમે પછી સાહજી સવાઈનું દેરું જોવા ગયા. તેને ઘણા લોકો શેખનું દેરું પણ કહે છે. મને નામ પરથી મુસ્લિમ લાગ્યું પણ પછી જાણવા મળ્યું કે હિન્દુ પરિવાર દ્વારા આ દેરું સચવાઈ રહ્યું છે. અંદર ગઈ તો જોયું કે દેરામાં દેવની સ્થાપના જોતાં હિન્દુ ધર્મની ઝાંખી થઇ. અહિયાં મુસ્લિમ કોમની જેમ પુરુષોએ માથે રુમાલ ઢાંકીને અંદર જવાનું હોય છે. અમે દર્શન કર્યા ત્યાં ઘનશ્યામભાઈ એ અમને એક નાનો કાળો પથ્થર બતાવ્યો અને કહ્યું કે મનની કોઈ મુરાદ હોય તો વિશ્વાસ રાખી આ પથ્થર પર બે પગ મુકી બેસી જાવ. પથ્થરની સાઈઝ જોતાં મને મનમાં થયું કે આની ઉપર કેમ કરતા બેસાય! પછી મુકેશ મનમાં શ્રધ્ધા રાખી બે પગ પથ્થર ઊપર ગોઠવી બે હાથની એકએક આંગળી જમીનપર ટેકવી ગોઠવાયો. ત્યાંતો પથ્થર અને મુકેશ બંને ગોળ ફરવા લાગ્યા. આ ચમત્કાર જોઈ મેં પણ અનુભવ કરવાની ઈચ્છા દર્શાવી અને જેવી પથ્થર ઉપર બે પગ ગોઠવું અને આંગળી ટેકવી બેઠી ત્યાંતો સટાસટ હું અને પથ્થર ગોળ ફરી ગયા. ( વાત માનો યા ના માનો જેવી છે ) પણ જયારે તમને મારી સાથે ચાંપાનેરની સેર કરાવું છું તો મારો સ્વાનુભવ ના લખું તો મારું લખાણ ઊણું રહે.
બહાર નીકળી મેં ઘનશ્યામભાઈને આ પથ્થરના ચમત્કાર વિશે વધારે પૂછતા તેમણે કહ્યુકે અમુક વસ્તુની ચર્ચા ના હોય અને મને મનમાં એક શ્રધ્ધા સ્થપાઈ. રસ્તામાં શાહી મસ્જિદ ( શહેરી મસ્જિદ) બહારથી જોઈ. સાંજના સમયે જુમ્મા મસ્જિદના ફોટા લેવા હતાં એટલે પાછા અમે જુમ્મા મસ્જિદ ગયા. કામ પતાવી ઘનશ્યામભાઈ જેવા શ્રેષ્ટ ગાઈડ સાથે ફર્યા એનો સંતોષ લઇ અમદાવાદ આવવા પાછા નીકળ્યા.
આશા રાખું મારી સાથે ચાંપાનેર મારી રીતે ફરવાનું આપને ગમ્યું હશે. હવે આવતી વખતે ફરી કોઈક વિશેષ જગ્યાએ લઇ જઈશ. હા એ કહી શકું કે નિરાશ નહી કરું..
– સ્વાતિ મુકેશ શાહ
Photo Copyrights (C) by Mukesh Shah
સ્વાતિ મુકેશ શાહના અક્ષરનાદ પરનો આ સ્તંભ ‘સફરનામું’ અનેકવિધ અદ્રુત વિસ્તારોના પ્રવાસ વિશેની શૃંખલા છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
Very Nicely written Article.
Can you please share Contact details of Sh. Ghanshyambhai Oza. Thanks
VISITED IN 1958. BUT DON’T KNOW DETAILS OF ARTITACT. TO DAY SHOWN YOUR PHOTO REMEBER ALL THING WHICH I WAS SEEN. SARAS MAHITI API CHE
Dear Swatiben & Mukeshbhai ,Execellant information in lucid language give experience as if we are visiting Champaner with you .Thank .Kudos also to Ghanshyambhai Oza.Can you send me your Emai. thanks
Swati & Mukesh ,
your travel descriptions are very very appealing & i thoroughly enjoy . The details of photographs add more colour to the description . Keep sending such vital journey experiences.
બહુજ સરસ, તમારી સાથે અમે વિહરતા હોય એવું લાગ્યું.
સ્વાતિ-મુકેશ
તમે પ્રવાસ માહિતી રસપ્રદ બનાવીને પીરસી રહ્યા છો. ખૂબ આબંદ ! કંઈ બાકી રાખતા નહીં ! — રમેશ બાપાલાલ શાહ
સ્વાતિ ના દરેક લેખમાં ભારતમાં છુપાયેલી બેનમૂન કારીગરી અને તેનો ઈતિહાસ જાણવા મળે છે, ફોટા તેની ભવ્યતાનો ખ્યાલ આપે છે.
Very nice description, congratulation
Eagerly waiting for next safar.
ખૂબ સરસ….! લેખકની સાથેની સફર… ખૂબ જ સુંદર વર્ણન અને સાથે ભ્રમણ
સુંદર માહિતી અને રસપ્રદ વર્ણન! તમારી સાથે પ્રવાસ કર્યાની લાગણી અનુભવી, મઝા આવી.
ઓહો. ખૂબ સરસ વર્ણન અને આકર્ષક ફોટા.
Thanks a lot
Inspite of very close to this place, we have never visited it. But reading your article along with photos, I came to know about the history & importance of this heritage place. Thanks for writing.
વાહ ખૂબ સરસ વર્ણન. ચાંપાનેર વિશે સરસ માહિતી સ્વાતિબેન
Thanks