‘કદાચ’ એટલે વળી શું? – રાજુલ ભાનુશાલી 23


લખતી વખતે શબ્દોનો કેફ ચઢે પછી વિષય પરથી અજાણતાં જ લપસી પડાય ત્યારે હસવું આવી જાય. સાબુવાળાં પોતાં કરતી વખતે  લીસ્સી થઈ ગયેલી ફર્શ પરથી ફૂવડ ગૃહિણીની જેમ લપસી પડાયું હતું ત્યારે પણ આવું જ હસવું આવ્યું હતું!

નાની નાની બાબતો જીવનને સુંદર બનાવે છે. જીવવાલાયક. જતી મોસમે વૃક્ષ પરથી ખરી પડેલાં  છેલ્લાંછેલ્લાં ફૂલો પણ હવામાં પોતાની સુગંધ મૂકી જતાં હોય છે ને આપણે તો માણસ  છીએ.  જીવતાંજાગતાં. વિચારી શકતાં. બધું સમજી શકતાં. જીવનમાં કશું જ નિરાકાર નથી હોતું. પણ જીવન પોતે  નિરાકાર હોય છે. એને આકાર આપણે આપવાનો હોય છે. મનગમતો. મનફાવતો. કદાચ એવું ન હોત તોં?  જો આપણને અમુક ચોખઠામાં સજડાસજડ બેસાડેલું જીવન જીવવાની ફરજ પાડવામાં આવતી હોત તો?  તસુભર ચસકવાની પણ જ્યાં શક્યતા ન હોય એવા સજ્જડ. વિચારજો. 

હું રહું છું એ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં એક ઘટાદાર પીપળો છે. હું ત્રીજા માળ પર રહું. અમે રહેવા આવ્યાં હતાં ત્યારે એ માંડ બીજા માળ સુધી આવતો હતો અને હવે તો ચોથા માળની બાલ્કનીનેય ટપી ગયો છે. હું રોજ એને જોઉં, ને એ મને રોજ નવોનક્કોર લાગે. ઉનાળામાં તે  એક યોધ્ધા જેવો ભાસતો હોય છે. આખી બપોર તગતગતાં તડકા સામે ટક્કર લીધા કરે. જેમ જેમ વખત વીતતો જાય એની સ્ફુર્તિ અને ઉત્સાહમાં અવધિ થતી રહે. સાંજ પડે કે વધુ જોરશોરથી થનગનવા લાગે. જાણે કે સૂરજને ડિંગો દેખાડીને કહેતો હોય,”જોયું? ફરી એકવાર તું હારી ગયો!”

એકદંડિયા મહેલમાં પોઢેલી કોઈ પરી લાંબી ઉંઘ પછી જાગીને પહેલી વખત જ્યારે ઝરુખામાં આવીને ઊભી રહે અને વાતાવરણમાં એના સૌંદર્યની આભા પ્રસરી જાય તે જ રીતે પીપળામાં પોઢેલી લીલપરી ચોમાસું શરૂ થતાં જ જાગી જાય અને આખા વૃક્ષ પર લીલી નાજુકાઈ પ્રસરી જાય. હવાની એકાદ લહેરખી આવતાંની સાથે રણઝણવા લાગતાં પર્ણોનો મધુર રવ મને ખૂબ ગમે. રાતે ઠંડી હવાઓ વહે ને ડાળીઓ હિલ્લોળા લે ત્યારે એવો ભાસ થાય કે જાણે એ  ટાઢમાં કાંપી રહી છે. મને એમને શૉલ ઓઢાડવાનું મન થઈ જાય પણ પરિવારનાં સભ્યો મારી આ હરકતને શી દ્રષ્ટિએ જોશે એ વિચારીને એ ‘વિચાર’ને રદ્દ કરી દેવો પડે.

એની કેટલીક ડાળીઓએ બાલ્કનીની જાળીમાંથી છેક અંદર સુધી પગપેસારો કર્યો છે. મારી ઘણી બધી રચનાઓમાં પણ એ ક્યારેક જાણતાં તો ક્યારેક અજાણતાં પ્રવેશી જતો હોય છે. આખો દિવસ મટકી મટકીને હાજરી પુરાવતી એ ડાળીઓ પર તાજેતરમાં જ કૂણાંકૂણાં પાન આવ્યાં છે. ચારછ દિવસ પહેલા બાલ્કનીમાં હું ઊભીઊભી એ લીલી સાહ્યબીને જોઈ રહી હતી. એક ખિસકોલી સર્રર્રર્રર કરતીક બાજુની ડાળી ઉપરથી દોડી. ડાળી એના ભારથી લચી પડી. એની નજર કદાચ બાજુમાં જ મટકી રહેલી બીજી ડાળી પર હતી જેનાં પર મોતી જેવી ટેટીઓ દેખાઈ રહી હતી. બન્ને ડાળીઓ વચ્ચે માંડ વેંત એકનું અંતર હશે પણ હવાની આછીઆછી લહેરખીઓને કારણે ડાળીઓ પળભર પણ સ્થિર રહી શકતી નહોતી અને પેલી ટચુકડી ખિસકોલીબાઈને એ અંતર એક કૂદકામાં પાર કરવું હતું. મને મારા આ વિચાર પર  આશ્ચર્ય થયું. મેં કેમ આ વિચારી લીધું? હું કેમ એનું મન વાંચી શકું? વાંચી શકી? એનો જવાબ હજુ હું મારા મનમાંથી ખોળું એ પહેલા તો એ….યને પાતળી ડોક લાંબી થઈ, આગળનાં બેય પગ ઉંચા થયા ને પછી નાજુકડી કમરને આછેરો ઝટકો દઈને ખિસકોલીબાઈએ છલાંગ લગાવી, ને સીધા પહોંચી ગયાં સામેની ડાળ પર! આ દિલધડક કર્તબ જોઈ મારું હ્રદય ધબકારો ચૂકી ગયું. આવડો અમથો જીવ અને આ સાહસ! એને પોતાના છલાંગ મારવાના કસબ પર ભરોસો હતો કે પછી  પીપળાની અંદર ધબકતાં વૃક્ષત્વ પર શ્રદ્ધા હતી? એક છલાંગમાં આખા ને આખા પીપળાને એણે  પોતીકું બનાવી લીધું. ખિસકોલી તો દોડી ગઈ પણ એની  હળવાશ કેટલીય ક્ષણો સુધી પેલી ડાળીની સુકોમળતામાં આંદોલિત થતી રહી. મારું મન મોહી પડ્યું.

અને.. 

ન જાણે શું સુજ્યું કે મેં હાથ લંબાવીને બાલ્કનીની અંદર ધસી આવેલી પેલી ડાળી પરથી એક કૂણું પાન તોડી લીધું અને સાચવીને મારી ડાયરીનાં પાનાંઓની વચ્ચે મૂકી દીધું. એ લીલીછમ સાહ્યબીને મેં કેવી સહેલાઈથી વશમાં કરી લીધી એ વિચાર આવતો ને હું આછું આછું મલકી ઉઠતી. લગભગ એકાદ અઠવાડિયા પછી કપડાં સુકવતી વખતે ફરી એ ડાળી પર ધ્યાન ગયું. જોયું તો એ આખી લીલીછમ ડાળી પરનાં બીજાં લગભગ દસપંદર પાન સાવ વિલાઈ ગયાં હતાં! આમ કેમ બન્યું હશે? જીવ જરીક કચોટાયું. અને.. એક તીણો વિચાર વીજળીક ઝડપે મનમાં ઝબકી ગયો. ક્યાંક મેં જે એક પાન તોડી લીધું હતું એના વિયોગમાં કે પછી વિરોધમાં તો આ બાકીનાં પાન વિલાઈ નહીં ગયાં હોય ને! ખબર નથી. પીપળો કદાચ બોલી શકતો હોત તો ચોક્કસ સોઈ ઝાટકીને મારી ભૂલ તરફ નિર્દેશ કરત. પણ  રાહતની વાત એ હતી કે વૃક્ષ બોલી નથી શકતા. ત્યાર બાદ મેં ઘણી વખત એ ઘટનાનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એને યથાર્થની જેમ જોઈ જ ન શકાઈ. એવી સાંત્વના લીધે રાખી કે જે ઘટ્યું હતું એ અજાણતા જ ઘટ્યું હતું. મારો એમાં સીધેસીધો કે આડકતરો કોઈ વાંક નહોતો. પણ ફરીફરીને વિચાર આવી જાય છે કે કદાચ મેં એ પાન ન તોડ્યું હોત! હજુ પેલું  મેં તોડેલું પાન ડાયરીના પાના વચ્ચે પડ્યું છે. પાના ઉથલાવતી વખતે જ્યારેજ્યારે એ દેખાઈ જાય છે ત્યારેત્યારે આ  કદરૂપો ‘કદાચ’ મારા આખા અસ્તિત્વ પર  ભરડો લેવા માંડે છે.

પણ એ વાત તો સ્પષ્ટ છે કે આ પીપળા અને ખિસકોલીના પરિચયમાં આવ્યા પછી જીવનને મનગમતો આકાર આપી શકવાની થોડીઘણી ફાવટ આવવા લાગી છે. ચાડિયાની આસપાસ ગમે એટલા પક્ષીઓ પાંખો ફફડાવે પણ એમની ચેતનાનો ચેપ એને લાગતો નથી. આપણે ચાડિયા નથી. માણસ છીએ. જીવતાંજાગતાં. વિચારી શકતાં. બધું સમજી શકતાં. જીવનમાં જે તે સમયે અમુક ઘટનાઓ ઘટવાની હોય છે તે ઘટ્યા કરે છે. એમાં ઘણી વખત વિધાતાની રચેલી રમત પણ હોય છે. આપણે છેક ચાડિયા જેવા ન બની જઈએ એટલે કદાચ! વાંક કોઈનો નથી હોતો. આપણે અંતરના ઊંડાણમાં બેઠેલો પ્રથમ પુરુષ એકવચન જાગ્રત રહે એટલે ભયોભયો. હું જેટલી વાતો કરું છું એનાથી વધારે વાતો મારું હ્રદય કરે છે. મારું હ્રદય જેટલી વાતો કરે છે એનાથી વધારે વાતો મારી આંખો કરે છે. એનો અર્થ એ કે મારી અંદરનો પેલો પ્રથમ પુરુષ એકવચન જાગે છે.

જો કે લખતી વખતે આ પ્રથમ પુરુષ એકવચનને શબ્દોનો કેફ ચઢે પછી વિષય પરથી અજાણતાં જ લપસી પડાય ત્યારે હસવું આવી જાય. સાબુવાળાં પોતાં કરતી વખતે  લીસ્સી થઈ ગયેલી લાદીઓ પરથી ફૂવડ ગૃહિણીની જેમ લપસી પડાયું હતું ત્યારે પણ આવું જ હસવું આવ્યું હતું! આવી નાની નાની  હાસ્ય ક્ષણિકાઓ પણ આપણને ચાડિયા જેવા બની જતાં અટકાવે છે.  જીવનને થોડુંક વધુ સુંદર પણ બનાવે છે.  એ સાબુવાળી લાદીઓ પર વેરાયેલો  આકાશનો ઉઘાડ હવે ધીરે ધીરે મારાં મનમાં ઊતરવા માંડ્યો છે.

જંગલમાં અટવાઈ ગયેલી પગદંડી પણ કોઈક ગામે તો પહોંચાડી જ દેતી હોય છે. નિબંધ સુધી પહોંચવાની પગદંડી પણ આવા જ કેટલાક અટવાયેલા વાક્યોમાંથી પસાર થઈ રહી છે.  કોઈક ગામે તો પહોંચાડી જ દેશે. કદાચ! આ ‘રખે’, ‘જો અને તો’, ‘કાશ’ ને ‘કાદાચ’ જેવા શબ્દો ખરેખર વરદાન જેવા છે.  ભલભલી ઘટનાઓમાંથી એની આંગળી પકડીને ગુપચુપ સરી જઈ શકાય.

~ રાજુલ ભાનુશાલી

રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “‘કદાચ’ એટલે વળી શું? – રાજુલ ભાનુશાલી