બધાં મહેમાનો જમે પછી પ્લેટો ઉપાડનારાઓને કડક સૂચના અપાયેલી કે, ‘એંઠી પ્લેટો ફટાફટ ઉપાડી લેવી.’ તેમાં એ લોકો જમનાર પાછળ એવા ટાંપીને ઊભા રહી ગયેલા કે હજુ જમનારની ડોક આમ ફરે તેવામાં તો પ્લેટ ઉપડી જાય.
રાજેન્દ્રકુમારને એટલે કે રાજુને પહેલી નજરે માલા પસંદ પડી ગઈ પછી તો ચટ મંગની ઔર પટ બ્યાહ. મૂરત ચોઘડિયા જોઈને લગ્ન ગોઠવાઈ ગયા. હૉલ, કેટરીંગ, ડેકોરેશન સમેત કંકોત્રીઓ છપાઈ ગઈ.
માલા જરીક તંદુરસ્ત બાકી આમ દેખાવે ગમી જાય તેવી અને રાજુ જરીક દૂબળો પરંતુ એ તો લગ્ન બાદ બધાનું શરીર જામી જ જાય એટલે તે બાબતે વાંધો પાડવા જેવું નહોતું.
લગ્નના આગલા દિવસે સંગીતસંધ્યા ગોઠવાઈ હતી. સૌ ગાવાનાચવા માટે ઉત્સાહિત હતાં. સંગીતકારે સુગમ સંગીતના સૂર રેલાવવા શરૂ કર્યા. ભાવતાલ અને રકઝક કર્યા બાદ ઓછી રકમ મળવાથી પહેલું જ ગીત, “તેરી યાદ દિલસે મીટાને ચલા હૂં…” ઉપાડ્યું. અચાનક માલા રડવા માંડી અને વાતાવરણ ગમગીન થઈ ગયું. તેમાં કો’ક ડાહ્યા દોસ્તે વળી થ્રી ઈડિયટ્સ ફિલ્મના ‘જાને નહીં દેંગે તૂજે, ચાહે તૂજકો રબ બુલાલે.’ ગીતની ફરમાઈશ કરી. રાજુની આંખમાં હરખનાં આંસુંડા આવી ગ્યાં. પછી તો ગાયક આડેધડ “કભી ખોલે ના તિજોરીકા તાલા, તેરા સસુરા બડા પૈસેવાલા…” ગાવા પર ચડી ગયો.
“એ હાલો બધા ડાન્સ કરો. આ લોકોને પૈસા આપ્યા છે.” રાજુના પિતાશ્રીએ હાકલ કરી.
ભૂતપૂર્વ પ્રેમીને ભુલાવવા, માલાની હિતેચ્છુ સખીઓએ તેને પરાણે વ્હીસ્કી પાયેલી તેથી તે ઘડીક હસતી અને ઘડીકમાં રડી પડતી. રાજુને એમ કે પિયર છોડવાનું દુ:ખ અને પરણી જવાનું સુખ તેને આવું કરવા મજબૂર કરે છે. છેલ્લે ગરબા, ડિસ્કો અને ભાંગડા સંગીતના રિમિક્સના તાલે નાચવા જતાં ભાંગરો વટાઈ ગયો. માલા રાજુને ઘસડીને ડાન્સ કરવા લઈ ગઈ. ગરબા લેવા કે ડિસ્કો કરવું કે પછી ભાંગડા કરવા તેની અવઢવમાં રાજુએ માલાનો હાથ પકડી સ્ટેજ પરથી કૂદકો માર્યો. નવો બૂટ લીસી ફરસ પર લપસી પડ્યો. પીધેલી માલાએ સંતુલન ગુમાવ્યું અને તે ઊછળીને રાજુ પર પડી. તે બચી ગઈ કિંતુ પરંતુ રાજુની કમરની એક પાંસળી તૂટી ગઈ. ઊંધે મોઢે પડેલો ચિત્કાર કરતો ચગદાયેલો રાજુ પડખું ફેરવવાની સ્થિતિમાં ન રહ્યો. ચાર જણાએ મળી તેને ઊભો કર્યો. એ સમય વરતી અસંતુષ્ટ મ્યુઝિકપાર્ટી ત્યાંથી ઉચાળા ભરી ગઈ.
લાખેણો પ્રસંગ સચવાઈ જાય એ માટે રાજુને દર્દશામક દવાઓનો હાઇ ડૉઝ આપી ફેરા ફરવા મનાવી લેવાયો. છેવટે બધી એજન્સીઓને એડવાન્સની બધી રકમ ચૂકવાઈ ગઈ હોવાથી તેની લાજ તો રાખવી પડે!
બીજી સવારે બેન્ડવાજા સાથે વરઘોડો નીકળ્યો. રાજુ વરરાજાના ડ્રેસમાં માથે સાફો પહેરી ઘોડી પર સવાર થયો. કમર દુઃખતી હોવાથી બીચારો રાજુ ઘોડીની પીઠ ઊંચી થાય ત્યારે પોતેય ચીસો પાડતો ઊંચો થઈ જતો તેમાં ઘોડીને ખોટું લાગ્યું અને તે ઊછળી. રાજુ ઊછળીને બાજુમાં ચાલતા અણવર પર પડ્યો. એ તો સારું કે કદાવર અણવરે દૂબળા પાતળા રાજુને અણીને સમયે ઝીલી લીધો. રાજુને ઊંચકવા માટે જ લાંબા કદના કસાયેલા શરીર ધરાવતા અણવરને રાખેલો એટલે માલા વરમાળા પહેરાવવા આવી ત્યારે તેણે રાજુને ફરી ઊંચકી લીધો. સામે પક્ષે તંદુરસ્ત માલાને ઊંચકી લેનાર કોઈ નહોતું માટે કંટાળીને માલાએ વરમાળા રાજુના ગળા તરફ હવામાં ઊછાળી. એ વખતે પવન ફૂંકાયો અને વરમાળાની દિશા ફંટાઈ ગઈ. વરમાળા જઈને અણવરના ગળામાં ભરાઈ. ફોટોગ્રાફરે ફટાફટ ચાંપો દબાવી. લાંબો કુંવારો અણવર એવો શરમાયો કે તેણે રાજુને જમીન પર લાવીને પટક્યો. કમરમાંથી સણકો બોલી જતાં, રાજુના મોઢામાંથી ઊંહકારો નીકળી ગયો. બીજા ત્રણ જણાંના ટેકે માંડ ઊભા થઈ રાજુએ માલા તરફ મીટ માંડી. વરમાળા પહેરાવતો તેનો હાથ કન્યાને જોઈને આઘાતથી અધવચ્ચે અટકી ગયો.
“આ કોણ છે?” તેણે રાડ પાડી. આજુબાજુના સૌ હતપ્રભ બની એકબીજાને જોવા માંડ્યા.
“લે મને ન ઓળખી? હું માલા.” માલા શરમાઈને બોલી.
“અવાજ તો એ જ પણ આ ઈ માલા નથી જેને મેં જોઈ’તી.” મોટેથી બોલતો રાજુ છોને દુબળો હતો પરંતુ તેનો અવાજ ભારે હતો.
બનેલું એવું કે મેક-અપવાળીએ, નવવધૂ માલા વધુ રૂપાળી દેખાય માટે તેના ચહેરા પર મેક-અપનો એવો થપેડો કરેલો કે માલાના રંગરૂપ ફરી ગયા હતા. આંખ પર મેચીંગ ચમકતો લાલ મેકઅપ ચીતરી દીધેલો. વાળની એવી વિચિત્ર હેરસ્ટાઈલ કરેલી કે માલા ગઈ રાત્રે દેખાતી બબીતામાંથી બિંદુ જેવી દેખાવા લાગી તેમાં રાજુ થાપ ખાઈ ગયો. દુષ્યંત-શકુંતલાનો સીન ભજવાય તે પહેલાં માલાની મમ્મીને એ વાતનો ખ્યાલ આવતાં જ તેણે માલાનો ચહેરો રૂમાલથી લૂછવા માંડ્યો. સાડીસાત મિનિટ બાદ રાજુને અસલી માલા ઓળખાઈ. વરરાજાને પોંખ્યા બાદ સાસુમાએ રાજુનો હાથ ખેંચી તેને માયરામાં બેસાડ્યો જેથી એ ક્યાંક છટકી ન જાય.
રાજુ માટે નવો રેશમી કુરતો તો સીવડાવાયેલો પણ ચોરણીના માપમાં છેલ્લા છ વર્ષથી કોઈ ફેરફાર નહોતો નોંધાયો માટે ‘જે છે તે જ ચાલશે.’ માની તેના કંજૂસ બાપાએ તેમાં પૈસા બચાવ્યા હતા. અણવર દ્વારા પટકાયેલ અને માલા મારફત ચગદાયેલ રાજુનો પગ વાંકો પડતો હતો. જમીન પર મૂકેલ બાજોઠ પર જેવો એ બેસવા ગયો તેવો પૂંઠેથી ચરરર… ધ્વની સંભળાયો. જૂની ચોરણી રિસાઈને ચિરાઈ ગઈ. ગોર મા’રાજે, “કન્યા પધરાવો સાવધાન”ની બૂમ પાડી. માલાને મામાઓ તેનો હાથ મજબૂતાઈથી પકડીને માયરામાં ઘસડી લાવ્યા. ક્યાંક એનો વિચાર અધવચ્ચેથી બદલાઈ ન જાય. રાજુએ ફક્ત “સાવધાન” સાંભળ્યું. તેનું સમગ્ર ધ્યાન ચિરાયેલ ચોરણીમાં કેન્દ્રિત હતું.
“બાથરૂમ જવું પડશે.” રાજુ અણવરના કાનમાં ગણગણ્યો.
“અત્યારે ન જવાય. તને કીધું તો હતું કે દબાવીને જઈ આવ.”
“ના. ના. લાગી નથી, ફાટી છે.” રાજુએ ફક્ત અણવરને જ સંભળાય તેવા ધીમા સાદે કહ્યું.
એ બંને વચ્ચે ગુસપુસ થતી જોઈ માલાની મમ્મીને કાળજે ધ્રાસકો પડ્યો, ‘જમાઈરાજ ક્યાંક માલાના એક્સ બોયફ્રેન્ડ કમ પ્રેમી સાથેના બ્રેકઅપ અંગે તો જાણી નહીં ગયા હોય ને?’
“એ ફરી સંધાય તેવું નથી.” તેમણે રાજુને કહ્યું. રાજુને એમ કે ચોરણી ફાટી એનો અવાજ સાસુજી સાંભળી ગયા.
“બીજી હાજર છે?” રાજુએ પૂછ્યું.
“તમે જાતે આને કબૂલ કરી. હવે આનાથી જ ચલાવો. હવે અત્યારે છેક છેલ્લી ઘડીએ બીજી ક્યાંથી લાવીએ?” સાસુએ કહ્યું.
“મારી ઇજ્જતનો સવાલ છે. આમાં રિસ્ક છે.” રાજુએ આમતેમ નજર કરતાં કહ્યું.
“અમારીયે ઇજ્જતનો સવાલ છે.” સાસુએ હાથ જોડી રડમસ અવાજે કહ્યું, “તમે અત્યારે ચૂપચાપ ફેરા ફરી લ્યો. આ વાતની બીજા કોઈને ખબર નથી.”
“એમ? પણ સોયદોરો મળશે? વધુ ફાટશે તો?” રાજુએ ગળગળા સાદે પૂછ્યું.
“એની સાથે સંબંધ કપાઈ ગયા છે. એ તો લગ્ન પછી બધું સંધાઈ જશે. તમે ચિંતા ન કરો.”
“લગન પછી? પણ ત્યાં સુધી શું? મારાથી વાંકુ નહીં વળાય. તમે ભરાવી છે એ સેફ્ટીપીનથીયે ચલાવી લઈશ.” રાજુનો ચહેરો દયામણો થયો.
“હેં?” સાસુના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. તેમને જમાઈના માનસિક સંતુલન અંગે શંકા ઉપજી. રાજુ અણવરના ટેકે સંતુલન જાળવી ફેરા ફરવા માટે ઊભો થયો. બાજુના મંદિરમાં કોઈકે ભજન લલકાર્યું, “ઈતની શક્તિ હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના.”
તેવામાં જ્યુસવાળો હોંશેહોંશે વરરાજાને જ્યુસ આપવા આવ્યો એ જોઈ અણવરે બૂમ પાડી, “એને નહીં, એને નહીં, એનાથી અધવચ્ચે ન જવાય. માંડ રોકી છે. જો એને જવું જ પડે તો માલાનેય બાથરૂમમાં સાથે જવું પડે તો પછી એ ‘ઓન્લી જેન્ટ્સ’માં કઈ રીતે જાય? છેડાછેડીની ગાંઠ ન છોડાય.”
પછી એ પોતે જ બે ગ્લાસ જ્યુસ ઠોકી ગયો. અણવરે પાણીની બોટલોય ચાર ફૂટ આઘી મૂકી દીધી.
ફોટા પાડતા ફોટોગ્રાફરની નજર ફરતી ફરતી માલાની નાની બેન, લટકમટક કરતી સોહામણી મયુરી પર અટકી. સામી મયુરીની નજર ફોટોગ્રાફર પર લટકી. મોહક દેખાતી મયુરીને મૉડેલ બનવાના ઓરતા હતાં. હાસ્યની આપલે બાદ, એકબીજામાં લટ્ટુ થયેલ બંને એક ખૂણામાં ચાલ્યાં ગયાં. લગ્નની વિધિઓ શરૂ થઈ અને સૌ ફોટોગ્રાફરને ખોળવા લાગ્યા ત્યારે ખબર પડી કે ફોટોગ્રાફર મયુરીના જાતજાતના પોઝમાં ભાતભાતના ઊભા, આડા, અવળા, ત્રાંસા ફોટા પાડવામાં વધુ વ્યસ્ત હતો. મયુરીએ ઝાડ પાછળ, ફુવારા આગળ, ફુલ પકડીને, પાલવ લહેરાવીને જુદીજુદી અંગભંગિમા દર્શાવતા ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયામાં વહેતા કર્યાં.
ફોટોગ્રાફરને દમદાટી આપી, બાવડેથી ઝાલી, ખેંચીને પરાણે માયરા સમક્ષ ઊભો કરાયો. જો કે તેણે કોઈ પણ એંગલથી લીધેલા ફોટાઓમાં મયુરી તો હતી જ; માલા કે રાજુ છો કપાઈ જાય!
બીજી તરફ જમવાનું શરૂ કરાયું. ચારસો વીસમાં બેતાલીસ આઇટમ પીરસતા “ધમાલમસ્તી” કેટરરે રસોયા મા’રાજને કહી રાખેલું, “આ લોકોએ બહું કસ્યું. તમતમારે રસોઈમાં ધમધમાટ મરચું નાખજો. લોકો ખાય ઓછું અને જાય વધારે.”
ફાયર-ઢોકળા અને આગબબુલા-મિર્ચી ભજીયા ખાઈ લોકો ફાયરબ્રિગેડની માફક દોડવા લાગ્યા. ચારેકોર પાણી… પાણીની બૂમરાણ મચી પરંતુ અણવરે છેક લગી વરરાજાને પાણી ન આપ્યું તે ન જ આપ્યું. સેફ્ટીપીન પકડીને ઊંચાનીચા થતા બીચારા રાજુનો ક્યાંય સુધી બાથરૂમ ભેગા થવાનો વારો જ ન આવ્યો.
લગ્ન પત્યા પછી રિવાજ મુજબ કેટલુંય મનાવ્યા છતાં એ ધરાર કોઈને પગે ન જ લાગ્યો. વડીલોનેય સજળ નેત્રે ગળે વળગી પડ્યો જાણે વિદાય માલાની નહીં, તેની પોતાની થવાની હોય. ભૂખ્યા તરસ્યા રાજુનું પેટ અંદર દબાતું રહ્યું તેમાંને તેમાં પાછળથી ચિરાયેલી ચોરણીનું નાડુંય ઢીલું થઈ ગયું.
બધાં મહેમાનો જમે પછી પ્લેટો ઉપાડનારાઓને કડક સૂચના અપાયેલી કે, ‘એંઠી પ્લેટો ફટાફટ ઉપાડી લેવી.’ તેમાં એ લોકો જમનાર પાછળ એવા ટાંપીને ઊભા રહી ગયેલા કે હજુ જમનારની ડોક આમ ફરે તેવામાં તો પ્લેટ ઉપડી જાય. પેલો જમનાર બઘવાઈ જતો કે એની પ્લેટ ગઈ ક્યાં? કાઉન્ટર પર લાંબી લાઇન જોઈને આગળનો કોર્સ કેન્સલ થઈ જતો. એ જોઈ ટેબલ પર બીજા જમનાર બીજે હાથે પ્લેટ એવી સજ્જડ પકડી રાખવા લાગ્યા જાણે રૉલરકૉસ્ટરમાં સળીયો પકડીને બેઠેલ રાઈડર. વચ્ચે વચ્ચે પાછા બેચાર વાર પાછળથી ડોકિયું કરતા પેલા ઉપાડનારા નમ્રતાપૂર્વક પૂછ્યા કરતા, “સર, જમી લીધું? લઈ લઉં?” એમાંય વળી બેસવાની જગ્યા શોધતા ચારેક જણા તો પૂછી જતા, ”ખુરશી ક્યારે ખાલી થશે?” અને જેવો એકાદ જણ ડિસર્ટ લેવા ઊભો થાય ત્યારે તેની ધર્મપત્નીએ મ્યુઝિકલ ચેરની માફક એક હાથે પોતાની પ્લેટ પકડી રાખી પેલી ખાલી ખુરશી પર પોતાનો બીજો પંજો જમાવી રાખવો પડે.
રાજુના બાપા વરપક્ષે જાનમાં આવ્યા હોવાથી વટમાં હતા. એક ગુલાબી સાફાવાળા વેઇટરને તેમણે બેઠાબેઠા હાક મારી, “એય, આઈસક્રીમ લાવ.”
વેઇટર જેવો સાફો પહેરેલા માલાના ફુઆ ચમક્યા. “બદતમીજ, નાલાયક, મને સું સમજસ? હું તને વેઇટર દેખાઉં છું બબૂચક?” તેમનો મોટો અવાજ સાંભળી શરણાઈ વગાડનારના હાથ એવા ધ્રૂજ્યા કે શહેનાઈમાંથી અચાનક પીપૂડા જેવા સૂર નીકળવા માંડ્યા.
બધાએ પહેરેલા એકસરખા ગુલાબી સાફાનો વાંક હતો. ફુઆજીને અડી ગઈ. તેઓ ગુસ્સામાં એલફેલ બોલવા માંડ્યા. આ તરફ રાજુના બાપાને માફી માંગવામાં નાનપ લાગી. છેવટે તો વરના બાપા. વટનો સવાલ હતો. ફુઆજી રિસાયા અને મોઢું ચડાવી મંડપ બહાર નીકળી ગયા.
“સું સમજે છે. લગનમાં બોલાવીને અપમાન કરે છે? હાલ રમા, હું આંયાં એક મીનીટે નૈ રઊં. હમણાને હમણા રાજકોટ વયાં જાંઈ. તારા ભાઈને ન્યાં મને આવાનું નો કે’તી. મેં તો પેલ્લેથી કીધેલું કે મારે વાં તારા ભાઈને ન્યાં નથ ગુડાવું. તું નો માઈની. હાલ્ય હવે. આંયા એક મીનીટેય ઊભાં નથ રેવું.” ફુઆ ગરજ્યા તે સાંભળી ફૈબાના હાથમાંથી પ્લેટ છટકી ગઈ. દૂધપાક કઢીને જઈને મળ્યો. શાક જમીન પર રેલાયું અને દાળ ફૈબા ઉપરાંત બીજી બે સન્નારીઓની સાડીને પખાળી આગળ વધી. કાગારોળ મચી ગઈ. કન્યાવિદાયની વિધિ પડતી મૂકી સૌ એ તરફ ફંટાયા.
“હાલ રાજુ, આપણે આવા ઘરની દીકરી ન ખપે. કોઈ જાતના સંસ્કાર નથી.” આ તરફ રાજુના બાપાએ રાજુનો જમણો હાથ ખેંચ્યો.
“જમાઈરાજ, મેં મારી સેફ્ટીપીન સુધ્ધાં કાઢી આપી.” જોરાતી સાસુએ રાજુનો ડાબો હાથ ખેંચ્યો.
બાથરૂમ જાઊં જાઊં કરતા રાજુની ચોરણી ઢીલી પડી ગયેલી. માંડ એક હાથે ઝાલીને કમરે ટકાવી રાખેલી ચોરણી ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ છટકી. રાજુએ અણવરને સાદ દીધો, “અલ્યા પકડ.”
નાસમજ અણવરે સમજીને માલાનો હાથ પકડી લીધો. આમેય માલાએ વરમાળા તેના ગળામાં જ તો પહેરાવેલી! માલાને આવા દૂબળાપાતળા રાજેન્દ્રકુમાર કરતાં ઊંચા પડછંદ દેખાવડા અણવર સાથે ભાગી જવાનું વધુ હિતકારક લાગ્યું. જીવનભરનો સવાલ હતો. તે તેનો હાથ ખેંચી દોડવા માંડી. રાજુની માંડ ટકી રહેલી ઢીલીઢસ ચોરણી ઢીંચણ સુધી નીચે ઊતરી પડી. બંને હાથ છોડાવી રાજુ ચોરણી પકડી બાથરૂમ તરફ ભાગ્યો.
સિસ્ટમવાળાએ બૅકગ્રાઉન્ડમાં “મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમના કા…. સંગમ હોગા કે નહીં… ” વગાડવા માંડ્યું. ધાંધલધમાલ અને ઘોંઘાટ વચ્ચે ફોટોગ્રાફર અને મયુરીનું મધુર મિલન થઈ ગયું એ નક્કી. બાકી બીજા બધાનું શું થયું એ સેફ્ટીપીનને તાકતો બાથરૂમમાં પુરાયેલો રાજુ અરે સોરી, એ તો રામ જાણે.
“હાય હાય અમારી બેવ દીકરીઓ નાસી ગઈ.” માલા-મયુરીની મમ્મીએ પોક મૂકી.
“સારું થયું.” બોલી ફુઆજીએ સાફો એક તરફ ફગાવ્યો અને રાજેન્દ્રકુમારના બાપા સામે બે હાથ કમર પર મૂકી રોફથી તેમની હાંસી ઉડાવતા ઊભા રહ્યા, “હવે તમેય ભાગો.”
“હેં?” તેઓ આગળ કંઈ જ બોલી ન શક્યા.
“જાના થા જાપાન પહોંચ ગયે ચીન…” મ્યુઝિક સિસ્ટમ ઘોંઘાટમાં વધારો કરતું રહ્યું.
– સુષમા શેઠ.
સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
બહુ જ મઝા આવી.. સેફટીપીન અને ચૉયણો….
હસતા રહો. તમને હળવાશના સમ.
You are really an all rounder..
You can write all types of stories..
This one was really funny..
Enjoyed a lot
Thanx dear
ખડખડાટ હસાવતી કટાક્ષ,રમૂજની છોળ ઉડાવતી કથા
આભાર. હસતા રહો.
સુષ્માજી ઉત્તમ લેખક છે, જ્યારે પણ હું તેની વાર્તાઓ વાંચું છું ત્યારે મને લાગ્યું કે તે ફક્ત જીવંત છે ……. અને આ એક વાર્તા છે, જે ફક્ત વાચકોનો મૂડ બદલીને તેમને હસાવતી બનાવે છે.
આભાર.
JANA THA JAPAN PAHOCH GAYE CHIN. PADHNA TA STORY PAD LIA COMEDY. SUPER HIT COMEDY.. REMEMBER VINOD BHATT.-TARAK MEHTA -RATILAL BORISAGAR
Highly humorous,usage of incidents and narratives are excellent.Congratulatios hopping to have more of such write ups.
Thank you for your compliments
મોજ મોજ…
Lotpalot..
ગજબ વર્ણન
ખૂબ ખૂબ અભિનંદન
હાસ્ય સામ્રાગની નું બિરુદ નાનું પડે.. સુષ્માજી તમારી વાર્તાઓ જમાવટ લઈ રહી છે..ખરેખર બહુ જ મસ્ત..!
ખૂબ ખૂબ આભાર. હસતા રહો. રમૂજ માણતા રહો અને વાર્તા વહેંચતા રહો.
મસ્ત લખ્યું છે… મઝા પડી.
આભાર.
વાહ મઝા પડી ગઈ
Excellent
Good intelligent comedy
Thanx for the compliments
વાંચવાની એવી મજા પડી જાણે કોમેડી સિરિયલ જોતાં હોય! સરસ હથોટી છે હાસ્યમાં તમારી!
U are really an all-rounder. U can write all type stories.this was really very funny. Enjoyed a lot
good humor
આભાર. Laugh and enjoy