ઐહોલ, પત્તદક્લ, બાદામી : પુરાતન મંદિરોના વિશ્વમાં.. – સ્વાતિ મુકેશ શાહ 4


અમે બિજાપુરથી હમ્પી જવાના હતા ત્યાં જાણ્યું કે બિજાપુરથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ઐહોલ હતું જ્યાં હિન્દુ સ્થાપત્યના બેનમુન મંદિર આવેલ હતાંં. હું તમને આજે ઐહોલની મુલાકાત કરાવીશ જે સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે.

મિત્રો આજે હું તમને કર્ણાટકની વિશેષ જગ્યાઓએ લઇ જવા માંગું છું. અમારો કર્ણાટકનો પ્રવાસ બહુ રોમાંચક હતો એ પાછળનું મોટું કારણ અમે અમદાવાદથી અમારી પોતાની ગાડી લઈને નીકળ્યા હતા, એના કારણે અમારી મુસાફરી સરળ બની. અમે બિજાપુરથી હમ્પી જવાના હતા ત્યાં જાણ્યું કે રસ્તામાં બિજાપુરથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ઐહોલ આવતું હતું જ્યાં હિન્દુ સ્થાપત્યનો બેનમૂન મંદિર હતાંં. વળી અમારા પ્રવાસની દિશામાં જ હતાં. હવે આવું જોવા મળતું હોય તો કંઈ છોડાય! હું તમને આજે ઐહોલની મુલાકાત કરાવીશ જે સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે.

અમે બિજાપુરથી સવારે વહેલા ઐહોલ જવા નીકળ્યાં. રસ્તામાં માર્ગ દિશા દર્શાવતા નિશાન ઓછા હતા એટલે અમારે વારંવાર લોકોને પૂછીને આગળ વધવું પડતું હતું. મલયપ્રભા નદીને કાંઠે આવેલું આ ગામ દૂરથીજ ખૂબ સુંદર દેખાયું.

કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં આવેલા ઐહોલમાં દુર્ગા મંદિર અને બીજા મંદિરોના ઝુમખાં આવેલા છે. સૌથી પહેલા અમે દુર્ગા મંદિર જોવા પહોંચ્યા. દુર્ગા મંદિરની ભવ્યતા જોતાજ મનમાં કંઇક અનેરું જોયાનો આનંદ છવાઈ ગયો. દુર્ગા મંદિરના આકારથી માંડી અને એમાં કરેલી કોતરણી ખૂબ સુંદર છે. દુર્ગા મંદિર સ્થાપત્યક્લાનો ઉત્તમ નમુનો છે. અહિંયાની વિશેષતા તો એ હતી કે આ બધાં સ્થાપત્યો પીળા રેતિયા પથ્થર (સેન્ડસ્ટોન) માંથી બનાવેલા હતાં. પૌરાણિક મંદિરો કે બીજા અનેક સ્થાપત્યો જોયા પણ આવા પીળા રેતિયા પથ્થર જેમાં હળવી લાલાશ ભળેલી હોય તેવા રંગની પથ્થરની ઈમારતો આખા વિસ્તારને અનોખી ઓળખ આપતી હતી.

ઇતિહાસની વાત કરીએ તો ચાલુક્ય વંશ દરમ્યાન આ સ્થાપત્યોની બાંધણી થઇ હતી. નજીકમાં આવેલ હુશીમાલીના મંદિરમાં શેષનાગ ઉપર સુતેલા વિષ્ણુની પ્રતિમા ખુબ મનોરમ્ય છે. સુતેલા ભગવાન વિષ્ણુની પ્રતિમા જોતાં આંખોને ટાઢક વળી પણ સાથે એની ઉપર થયેલ નકશીકામ જોઈ દિલ ખુશ થઇ ગયું.

આ વિસ્તારમાં અંદાજીત એકસો હિન્દુ મંદિર, થોડા જૈન અને બુદ્ધ મંદિરો છે. હિન્દુ મંદિરો શંકર, વિષ્ણુ, દુર્ગા જેવા ઘણા ભગવાનોને અર્પણ છે. મહાવીર સ્વામી, પાર્શ્વનાથ, નેમિનાથ અને બીજા ઘણાં તીર્થંકરના મંદિર જોવા મળ્યા. દરેક મંદિરની કોતરણીમાં વિવિધતા જોવા મળી. કેટલાક ખંડિત હાલતમાં પણ છે. એક મંદિર મુસ્લિમ કુંવર લાડખાન દ્વારા સભામંડપ અને લગ્ન મંડપમાં ફેરવી કાઢેલું હતું. તેની કારીગરી જોતાં હિન્દુ કારીગરોએ બનાવેલું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

નજીકમાં નાની બુદ્ધ મોનેસ્ટ્રી જોતાં કેટલાય વિચાર મગજમાં સાથે ભમી ગયા. આટલાં બધાં ધર્મના પ્રતિકો એકજ વિસ્તારમાં ત્યાંના ઇતિહાસની ઝાંખી કરાવતા હતા. ઐહોલના ગાઈડ ભાઈએ વર્ણન દ્વારા પથ્થરમાં પ્રાણ લાવી દીધાની અનુભૂતિ થઇ. આંખમાં ભરીએ એટલું ઓછું હતું. કેમેરામાં કંડારવાની ખૂબ મજા આવી. કોતરણીકામ જોતાં એટલા અભિભૂત થઇ ગયા કે કોઈની સાથે વાત કરવાનું મન નહોતું થતું. હું તો ચુપચાપ બધું માણવામાં મસ્ત હતી.

ત્યાં નજીકમાં આવેલી વાવની કોતરણી દુર્લભ હતી. આગળ વધતા મેગુટી મંદિરમાં શિલાલેખ જોવા મળ્યા જેની ઉપર ચાલુક્ય વંશના રાજાના ગુણ ગાતી કવિતાઓ લખવામાં આવી હતી જે ચાલુક્ય વંશની જાહોજલાલીની ઝાંખી કરાવે છે. ઐહોલ ના લોકો પણ આ શિલાલેખને ત્યાંનું ગૌરવ માને છે.

અહિંંના સ્થાપત્યોમાં દ્રવિડ અને આર્ય બંને શૈલી એટલે કે વેસર શૈલીના પ્રારંભિક પ્રયોગોવાળા સ્મારક જોઈ અમે ઐહોલથી દસ કિલોમીટર દુર આવેલા સ્થાપત્યકળાના વિશ્વવિદ્યાલય ગણાતા એવા પત્તદક્લ ગામે આવ્યા. પત્તદક્લ ઉત્તર કર્ણાટકમાં બાગલકોટ જીલ્લાની મલયપ્રભા નદી પર વસેલું ગામ છે. પત્તદક્લમાં ચાલુક્ય સામ્રાજ્ય દરમ્યાન રાજ્યાભિષેક વિધિ વગેરે પ્રસંગોની ઉજવણી થતી હતી. દસ મંદિરના આ સમુહમાં પ્રવેશતા જ આઠમી શતાબ્દીના મંદિર જેવાકે જામબુલિંગ, કાડા સિધ્ધેશ્વર અને ગાલાંગનાથના સુંદર શિખર જોવા મળે છે.

સૌથી મોટા મંદિર વિરુપકશાનો વિશાળ દરવાજો અને તેના ઉપરનું કોતરણીકામ જોતાં મારી તો નજર જ થીજી ગઈ. બે ઘડી તો આગળ જોઉં પહેલા કે પાછળ જોઉં એમ થયું. મંદિર સામેના મંડપમાં વિશાળ નંદી સ્થાપિત છે. બાજુમાં આવેલું મલ્લિકાર્જુન મંદિર વિરુપકશા મંદિરની નાની પ્રતિકૃતિ સમાન છે. તેની બાજુમાં આવેલ પાપનાથ મંદિર પણ સ્થાપત્યકલાનો ઉમદા નમુનો છે. સોળ સ્તંભના આધારે કરેલી છત પર ખુબ જ બારીકાઈથી કરેલી કોતરણીવાળો મુખ્ય મંડપ જોતાં હું અચંબિત થઇ ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે હજુ ઘણું જોવાનું બાકી હતું એટલે બહુ સમય આપી ન શકવાને કારણે થોડો અફસોસ થયો.

રાજા વિજ્યાદિત્યની બે રાણીએ બનાવેલ સંગમેશ્વરનું મંદિર આ આખા મંદિર સંકુલમાં સૌથી પુરાણું (૬૯૬ – ૭૩૩ A.D) જોવા મળે છે. પત્તદક્લમાં આવેલ આખા મંદિર સંકુલને પુરાતત્વ વિભાગે સુંદર ઓપ આપ્યો છે. ચારે બાજુ સુંદર મજાની હરિયાળી, મંદિરની ફરતે પગદંડી અને લીલા ઘાસનું બિછાનું આ રેતિયા પથ્થરમાંથી બનેલા મંદિરોને ભવ્ય બનાવે છે.

આ ભવ્યતાને કેમેરામાં કંડારી, આંખ દ્વારા હ્રદયમાં સ્થાપિત કરી અમે લગભગ બત્રીસ કિલોમીટર આગળ આવેલા બાદામી ગામ જવા નીકળ્યા. બધું જોતાં અમને સાંજ પડી ગઈ હતી. હવે બદામી પહીંચી અમારે આરામ હતો.

કલાકમાં બાદામીની કર્ણાટક ટુરીઝમ કોર્પોરેશનની આવેલી હોટલ મોર્ય ચાલુક્ય પહોંચ્યા. પહોંચતાની સાથે બીજા દિવસ માટે સરકાર માન્ય માર્ગદર્શક (ગાઈડ) સાથે નક્કી કરી અમે આરામ કર્યો. 

બાદામી બાગલકોટ જિલ્લાનું તાલુકા મથક છે. વર્ષો પૂર્વે આ ઐતિહાસિક નગરનું નામ વાતાપી હતું. ઈ.સ.૫૪૦ થી ૭૫૭ના સમયમાં એ ચાલુક્ય વંશની રાજધાની હતી. જે પાછળથી આઠમી સદીમાં પત્તદ્કલ લઇ જવામાં આવી હતી. આ નગર ખાતેનાં મંદિર તેમજ ગુફાઓ તેની પાષાણ શિલ્પકલા માટે પ્રસિધ્ધ છે.

સવારના સાડાસાત વાગે અમારા ગાઈડ ચન્દ્રું સાથે ફોટોગ્રાફી સારી થઇ શકે તે પ્રમાણે જગ્યાઓ જોવાનું નક્કી કરી આગળ વધ્યાં. ત્રણ બાજુ બદામના રંગના પહાડ અને વચ્ચે અગત્સ્યતીર્થ તળાવ. તળાવને કાંઠે ભૂતનાથ મંદિર… કઈ બાજુ નજર કરવી અને કઈ બાજુ જવું તે મૂંઝવણ થઇ. મંદિર બાજુ મોં કરી ઉભા રહીએ તો જમણીબાજુ પહાડમાં ગુફાઓ દેખાય અને ડાબે પહાડ પર કિલ્લો અને મંદિર દેખાય. પહાડના પડછાયાને કારણે તળાવનો રંગ અનેરો લીલો લાગતો હતો. હું તો દ્રશ્ય જોતાં ખુશ થઇ ગઈ. અહિયાં આવતા પહેલા એમ થતું હતું કે ઠીક છે રસ્તામાં આવે છે તો બાદામી પણ જોઈ લઈએ. પરંતુ જોવાની શરૂઆત કરતા જો ન જોવા રોકાયા હોત તો કેટલું ગુમાવ્યું હોત તેની કલ્પના માત્રથી નિરાશા થઇ અને રોકવાના અમારા નિર્ણય પર ગર્વ થયો.

તડકો વધીજાય તો પહાડ ઉપર ચઢી કિલ્લો જોવાનું આકરું પડત, માટે અમે પહેલા કિલ્લા પર જવાનું નક્કી કર્યું. બે બાજુ વિશાળ પથ્થરોના પહાડ અને વચ્ચે ચઢાણ વાળો રસ્તો. વચ્ચેવચ્ચે નાની નાની કેડીઓ પણ ખરી. હાંફતા હાંફતા ઉપર ચઢતાં થાક લાગ્યો. હું તો મનમાં ગુસ્સે પણ થઇ કે આટલો કિલ્લો જોવા આટલું ઉપર ચઢવાનું! વચ્ચેવચ્ચે સુંદર કમાનવાળા ઊંચા દરવાજા આવતા. ટોચ ઉપર પહોંચ્યા અને ત્યાંથી જે દ્રશ્ય જોયું કે બધો થાક ઉતરી ગયો.

ટોચ ઉપરથી નીચે જોતાં એક બાજુ બાદામી ગામ વસેલું દેખાતું હતું અને બીજી બાજુ અગત્સ્ય તીર્થ તળાવ, ભૂતનાથમંદિર, માંલેગીતી મંદિર તથા સામેની પહાડી પર આવેલી ગુફાઓ નું દ્રશ્ય અનેરું લાગતું હતું. આ નઝારો જોઈ આગળ વધ્યાં. બાજુના પહાડ ઉપર પહોંચતા ઘણો થાક લાગ્યો પણ કિલ્લાને જોવાનો મોહ ઘણો હતો. ઉપર જઈ રાજાએ બાંધેલ કિલ્લાની તુટલી દિવાલો જોઈ રેતિયા પથ્થરમાંથી બનેલ પૌરાણિક મંદિર જોઈ પાછા નીચે આવ્યા. ત્યાંથી અમે પુરાતત્વનું સંગ્રહાલય જોવા ગયા. નાનું પણ ખૂબ કાળજીપૂર્વક બનાવેલું આ સંગ્રહાલયમાં નુકશાન પામેલા શિલ્પ વગેરે જોતાં મનને એક ઠેસ વાગી. આપણી ઐતિહાસિક મુડી સમાન શિલ્પ વગેરે જોઈ ભારે હૈયે બહાર આવ્યા.

પછી ભૂતનાથ મંદિર જોવા ગયા. ત્યાં અઢાર હાથવાળા શિવની મૂર્તિ જોઈ મન તૃપ્ત થયું. બાજુમાં આવેલા મેલગાતી મંદિરો જોયા. અમારા ગાઈડના કહેવા પ્રમાણે અગત્સ્યતીર્થ તળાવને કાંઠે આવેલા આ ક્ષેત્રમાં ઘણાબધા હિન્દી ચલચિત્રોના શુટીંગ થયા છે. હવે તડકો પણ માથે આવ્યો હતો અને જોવાનું ઘણું હતું એટલે હું જરા ઊંચીનીચી થવા લાગી. મારા હાવભાવ પરથી અમારા ગાઈડ મારી હાલત સમજી ગયા હોય તેમ બોલ્યા કે હવે આપણે ખાલી ગુફાઓ જોવાની બાકી છે અને ત્યાં ગરમી નહીં લાગે.

લગભગ બસો પગથિયા ચઢી ઉપર ગયા. રેતિયા પથ્થરમાં લાલાશ ભળી હોય તેવા પહાડમાં મુખ્ય ચાર ગુફાઓ જોવા મળે છે. કોતરણીવાળા થાંભલા અને મૂર્તિઓ ભવ્ય લાગતી હતી. આ ચાર ગુફાઓમાં ત્રણ ગુફા હિન્દુ મંદિરની છે જયારે ચોથી ગુફા જૈન મૂર્તિઓ વાળી છે. આમ તો બધી ગુફા વિશાળ લાગી પરંતુ ત્રીજી ગુફા સૌથી મોટી છે જે ભગવાન વિષ્ણુને અર્પણ કરેલી છે.

પહેલી ગુફામાં પ્રવેશતા અઢાર હાથ વાળા નટરાજની મૂર્તિ પર નજર ખોડાઈ. નટરાજની આ એકજ મૂર્તિમાં એક્યાશી નૃત્યના પ્રકારો જોવા મળ્યાં. હું થોડી થાકી હતી પણ આવું વિશિષ્ટ ફરી જોવા નહોતું મળવાનું એટલે ધીમી ગતિએ પણ આગળ વધ્યા. એક પછી એક ગુફાને શાંતિથી જોતાં ઉપર ચઢતાં ગયા. છેલ્લી ચોથી ગુફા મહાવીર ગુફા તરીકે જાણીતી છે. મહાવીરસ્વામીની સુંદર મૂર્તિ પથ્થરમાં કંડારેલી હતી.

દરેક ગુફામાં મુખ્ય મંડપ, સભા મંડપ, અને ગર્ભ મંડપ જોવા મળ્યા. મુખ્ય મંડપમાં સૌથી વધારે કોતરણીકામ, સજાવટ હોય. સભા મંડપમાં એનાથી થોડી ઓછી સજાવટ અને ગર્ભ મંડપમાં જરાપણ સજાવટ કે કોતરણી ના હોય. અહીં સજાવટ એટલે ભીંત ચિત્ર કરેલા. અમુક ભીંત ચિત્ર તો ખુબ સરસ હતાં. ગાઈડ એની ઉપર પ્રકાશ નાંખી બતાવે ત્યારે સ્ત્રીના ગળામાં સાચા મોતીની માળા હોય તેવું આપણને લાગે.

અમારી પાસે એકજ દિવસ હતો એટલે અંધારું થાય ત્યાં સુધી બાદામીના સૌન્દર્યને મનભરીને માણ્યું. બીજે દિવસે તો અમે આગળ વધવાના હતા. અમારા ગાઈડ ચન્દ્રું એ પથ્થરમાં જાન નાંખી વાત કરી તે જાણે સોનામાં સુગંધ ભળી એવું લાગ્યું. આ સફરમાં બહુજ અપરિચિત રોમાંચ હતો. આવી જગ્યાઓ જોવા મળશે તેની કલ્પના પણ નહોતી કરી. અગાઉથી જગ્યાઓ વિષે વિશેષ વાંચ્યું પણ નહોતું તે અમારા પ્રવાસની ખાસિયત હતી. ચાલો આવતા વખતે બીજી કોઈક નવી સફર કરાવીશ.

– સ્વાતિ શાહ; ફોટો કર્ટસી – મુકેશ શાહ

સ્વાતિ મુકેશ શાહના અક્ષરનાદ પરનો આ સ્તંભ ‘સફરનામું’ અનેકવિધ અદ્રુત વિસ્તારોના પ્રવાસ વિશેની શૃંખલા છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ઐહોલ, પત્તદક્લ, બાદામી : પુરાતન મંદિરોના વિશ્વમાં.. – સ્વાતિ મુકેશ શાહ

 • pravin1947

  બહુ જ સરસ લેખ, જાણવાની મજા આવી. અમારે પણ કર્ણાટકમાં હમ્પી, ગોળગુંબજ તથા અન્ય મંદિરો જોવા ક્યારેક જવું છે. આપની આ માહિતી ટૂંકમાં નોંધી લીધી.

 • Trupti Parekh

  ખરેખર નામ ના સાંભળયા હોય તેવા ઐતિહાસિક સ્થળો વિશે જાણવા મળ્યું
  ખૂબ રસપ્રદ લેખ અને સુંદર ફોટા

 • Archita Pandya

  વાહ સરસ લેખ, વર્ણન. સુંદર સ્થળની શબ્દદેહે મુલાકાત કરાવી.