લી. તારા વગર સૂકોભટ થઈ ગયેલો સંબંધ – રાજુલ ભાનુશાલી 22


ઘૂઘરીમાંથી ખણક છુટ્ટી પડી શકતી નથી, મધ અને મીઠાશને વિખૂટાં પાડી શકાતાં નથી. કોઈ વસ્તુમાંથી એની છાયાને દૂર કરી શકાય ખરી? તું મારી છાયા છે. મારી મીઠાશ છે. મારી ખણક છે. આપણે જુદા ન પડી શકીએ. આપણને જુદા ન પાડી શકાય.

(સ્તંભ ‘સિંજારવ’ અંતર્ગત પાંચમો મણકો)

પ્રિય હુંફ,

કેટલો સીધો સાદો હતો હું તારા આવવા પહેલાં! સાવ ખપ પુરતો. મારા કામથી કામ રાખતો. ન સુખ, ન દુઃખ, ન ગમો અને ન અણગમો. કોઈ ભાવના નહોતી. સમય અને હું સમાંતરે વહ્યા જતાં હતાં. ન એને ક્યાંય પહોંચવાની ઉતાવળ હતી કે  ન મને. હું જાણે કે સમયની રેતશીશીમાં એકચિત્તે સરકતી રહેતી રેતી જેવો હતો, જેને પવનની એક આછી લહેરખીની પણ ન તો આસક્તિ હતી કે ન તો ડર. એ ઈચ્છે તોય મારું કશું ક્યાં બગાડી શકવાની હતી? હું સુરક્ષિત હતો, મારા પારદર્શક કોચલાની અંદર. એ રેતશીશીનું બંધિયારપણું મને માફક આવી ગયું હતું, હું જરાય ગૂંગળામણ અનુભવતો નહીં.

અને..

એક દિવસ મોસમના પહેલા વરસાદની જેમ અચાનક તું વરસી પડી. માટીના ઢેંફા પર જળનું એક બિંદુ પડ્યું અને સુગંધને નવું સરનામું મળ્યું. જરાક અમથી ઝરમર આવે ને પર્ણોમાં છુપાયેલી લિલાશ કોક પરીની માફક આળસ મરડીને બેઠી થઈ જાય એમ લાગણીઓ મારી અંદર બેઠી થઈ ગઈ.  તારા તરંગો અને મારા સ્પંદનો એકરસ થયા. તું મને ગમવા લાગી. ધીમે ધીમે તેં મારી અંદર છેક સુધી પગપેસારો કર્યો અને હું પૂરેપૂરો લીલોછમ થઈ ગયો.

તારા આવ્યા પછી મારી અંદર થીજી ગયેલી સંવેદનાઓ ધોધમાર વહી નીકળી. આજ સુધી મને  જાણ જ નહોતી કે મારી અંદર એક ઝરણું છે અને…અને…એ ખળખળ વહે છે! તારા આવ્યા પછી મને એ ઝરણાંનું કલનિનાદ કરતું મધુર સંગીત સાંભળાયું. ટેરવેથી જ્યારે તું વરસતી ત્યારે રેતીમાં લખાયેલું નામ જીવંત થઈ જતું. અંકોડા ભેરવેલી હથેળીઓ ઉષ્માથી છલકાઈ જતી અને મૌન બોલકું થઈ જતું. ચોમાસું તો તું નહોતી ત્યારે પણ દર વર્ષે આવતું, પણ તારા સહવાસ પછી હું તરબોળ થતાં શીખ્યો, સપનાં જોતાં શીખ્યો, ઈચ્છાઓ સેવતાં શીખ્યો. હવે વર્ષાનો દરેક છાંટો મારા  રુંવાડાને સ્પર્શતો થયો. એનું વરસવું અને મારું તરસવું એકબીજાના પર્યાય બની ગયાં.  એ તરસમાં પણ પારાવાર તૃપ્તિ હતી. કારણ હતું તારું હોવાપણું. એ વિસ્મયજનક સમય હતો. ઘટનાવિહીન. આખો આખો દિવસ એમ જ  નીકળી જતો. કશું જ  બનતું નહીં ને તોય સમય એક બિંદુ પર આવીને આપણી હયાતિનો ઉત્સવ બની જતો. હોવાપણાનું સુખ શું હોય એ ત્યારે જ  સમજાયું હતું. 

પણ ન જાણે શા કારણસર ધીમે ધીમે તું તારી માયા સંકેલવા લાગી. એક દિવસ સ્પર્શમાંથી તે સમુળગી વિદાય લઈ લીધી. તારા ચાલી ગયા બાદ એ અવાવરું પડેલા સ્પર્શમાં એવા એવા પ્રશ્નો રોપાયાં કે ધીમે ધીમે ત્યાં અંધાધૂંધ ઝાડી ઉગતી ગઈ ને એ ઝાડીમાં હું ઘેરાઈ ગયો. કાંટાઓએ મારી ચોતરફ ભરડો લીધો. ક્યાંક ઉઝરડા પડ્યા ને ક્યાંક ટશરો પણ ફૂટી. મને ખબર છે, કાંટાઓની વચ્ચે પાંગરવું  તારી તાસીરમાં નથી. એટલે સ્પર્શમાં તું ફરી જીવંત થઈશ એવી શક્યતા નહીંવત્ છે. પણ હું તારી રાહ જોઈશ, સદૈવ. કદાચ ક્યારેક કોઈ વાદળ ભુલું પડી જાય અને એ બહાને તું મારા પર ફરી વરસી પડે!

પહેલાં હું તને પત્ર લખતો ત્યારે પત્રમાંથી સક્ષાત કવિતા છલકાતી, આજે ઉદાસી છલકાય છે. તું નથી તો દિવસો સાવ ખાલીખમ લાગે છે. દૂરથી આકાશ મને બોલાવે છે, હું ત્યાં જઉં છું પણ એમાં વસતાં પંખીઓનો કલરવ મને સંભળાતો નથી. ધબકારા એમજ લયબદ્ધ ચાલે છે પરંતુ ધબક લુપ્ત થઈ ગઈ છે. ક્યારેક એ લયબદ્ધતામાં તિરાડ પડે છે અને એકાદ ધબકારો જીવન ચૂકી જાય છે. મારા ભાગના વાદળોનો રંગ ફિક્કો પડી ગયો છે. મારા ભાગનો વરસાદ ભૂલો પડી ગયો છે. તારા ગયા પછી બધું જ બદલાઈ ગયું છે. હાંસિયામાં ધકેલાઈ ગયું છે. તારા નામે કોઈક મને બોલાવે છે ત્યારે થોડીકવાર માટે ‘હું’ ‘તું’ બની જઉં છું અને ક્ષણભર માટે ફરી જીવી લઉં છું. પણ તું ક્યાં છે? તું નથી. ને હવે હું પણ નથી.

પણ એક વાત કહું? તું હજુય ક્યારેક, કોઈક, એકાદી ક્ષણમાં આબાદ ઝડપાઈ જાય છે,  ને ત્યારે એ જીવંત થઈ ઉઠેલી ક્ષણ બીજી ક્ષણોને ચોંટી પડવા રીતસર દોટ મુકે છે. તારા હોવાપણાની એ સુગંધને મેં મારી હથેળીની રેખાઓમાં કેદ કરી લીધી છે. હવે જ્યારે જ્યારે પવન મારી હથેળીને અડકે છે, તું મહેકી ઉઠે છે. બે હથેળીઓ વચ્ચે તું કેટલી જીવંત હતી. એ હથેળીઓમાં જ્યારે ટેરવાં ફરતાં ત્યારે શીતળતા એ રસ્તે થઈને સીધી હ્રદય સુધી પહોંચી જતી અને ક્યારેક આંખની કોરથી તો ક્યારેક હોઠની કિનારીથી છલકાઈ જતી. સાચું કહેજે, હવે એક જ હથેળીના વ્યાપમાં એકલાં એકલાં અરવડતાં તું થાકી નથી જતી?

હમણાં થોડાક દિવસ પહેલા એક ઘરની વ્રુદ્ધ થઈ ગયેલી દીવાલે, એકલવાઈ ખીલીને આધારે લટકી રહેલી ફ્રેમમાં મેં તને ઘબકતી જોઈ છે. શ્વાસ પૂરા થઈ ગયાં પછી, સંપર્ક તૂટી ગયા પછી પણ હું ક્યાંક એ રીતે ટકી ગયો છું.

સફેદ રંગમાં માત્ર એકાદ બે ટીપાં કાળા રંગના પડી જાય તો એ રાખોડી બની જાય, પરંતુ કાળા રંગને જો રાખોડી કરવું હોય તો એમાં બહુ બધો સફેદ રંગ ભેળવવો પડતો હોય છે. તારી આ ઓછી થતી જતી માત્રા મારી જીવંતતાને ભરખી જાય છે. હું તને જ ઝંખુ છું. સતત. ક્યારેક તારા હોવાપણાને ચકાસવો હોયને તો આ આઠ ફકરાં લખતાં આંસુંના જે આઠ આવરણો રચાયાં છે એને ઉકેલીને મારી આંખોના કોઈક ખુણે ડોકિયું કરી લેજે.

આજે ફરી વાદળો ઘેરાયા છે પણ પવને અબોલા લઈ લીધા છે. એ તારી અનુમતિ વગર હવે મારી હથેળી સુધી આવવા રાજી નથી. આંખોની કિનારીથી આંસુનું નવમું ટીપું પણ ટપકી પડ્યું છે. પરંતુ એટલું જાણી લે કે ઘૂઘરીમાંથી  ખણક  છુટ્ટી પડી શકતી નથી,  મધ અને મીઠાશને વિખૂટાં પાડી શકાતાં નથી. કોઈ વસ્તુમાંથી એની છાયાને દૂર  કરી શકાય ખરી? તું મારી છાયા છે. મારી મીઠાશ છે. મારી ખણક છે. આપણે જુદા ન પડી શકીએ. આપણને જુદા ન પાડી શકાય. દરિયાનું પ્રત્યેક મોજું એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતું હોય છે. પણ પ્રત્યેક મોજાંને ઉત્સાહ હોય છે, કિનારા સાથે અથડાઈને ફરીથી દરિયામાં સમાઈ જવાનો ઉત્સાહ! દરિયો અને  મોજાં એકબીજાનાં અભિન્ન અંગ છે.

હું સંબંધ છું. સાચું લગાડવું, ખોટું લગાડવું, રિસાઈ જવું, રડવું, હસવું, ભીંજાવું અને ભીંજવવું મારી પ્રકૃતિ છે. લાગણી સીંચેલો સંબંધ ઘડીક અટકી શકે પણ જડમૂળથી ઉખડી શકે નહિં. હુંફે ગુંથેલા તાણાવાણા ગમે એ પરિસ્થિતિમાં અકબંધ સાચવવા એ મારી આવડત છે અને હું મારી એ આવડત પર મુસ્તાક છું. માઈલોના માઈલો આપણે સાથે પ્રવાસ કર્યો છે. એ રસ્તે અંકિત થયેલી તારી નાજુક પગલીઓની છાપ મેં જતનથી જાળવી રાખી છે. ક્યારેક જો તને પાછા ફરવાની ઈચ્છા થાયને તો નિસંકોચ એ જ રસ્તે થઈને પરત ચાલી આવજે. તને નવી કેડી કંડારવાની પણ જરુર નહીં પડે.

લિ. તારા વગર સૂકોભટ થઈ ગયેલો સંબંધ.

– રાજુલ ભાનુશાલી

રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “લી. તારા વગર સૂકોભટ થઈ ગયેલો સંબંધ – રાજુલ ભાનુશાલી