Nomadland: એકલતાનું ગીત – નરેન્દ્રસિંહ રાણા 6


બૅન્ક એકાઉન્ટને બદલે સ્મૃતિઓના એકાઉન્ટને સમૃદ્ધ કરવામાં માનતા લોકો માટે આ ફિલ્મ છે. સંવેદનાઓને ફિલ્મી પડદે જીવંત જોવામાં માનતા લોકોને આ ફિલ્મ ચોક્ક્સ ગમશે. 

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મૌન મૂકી
તારા મનનું ગાણું  એકલો ગાને રે
તારી જો હાક સુણી
કોઈ  ના આવે  તો
એકલો   જાને   રે.
– રવિન્દ્રનાથ ટાગોર. અનુવાદ: મહાદેવભાઈ દેસાઈ.

રવિન્દ્રનાથ ટાગોરના આ પ્રખ્યાત ગીતની એકલતાનું મહત્વ દર્શાવતી આ અમુક પંક્તિઓ છે. જીવનનિર્વાહ માટે માણસની જરૂરિયાતો બહુ ઓછી છે. બે ટંકનું જમવાનું, થોડા કપડાં અને થોડી જરૂરિયાતની ચીજો મળી રહે તો ભયોભયો. આદિકાળમાં માણસ આ રીતે જ જીવતો. ધીરેધીરે ચીજોની ચાહ અને વધુ ને વધુ ભેગું કરવાની ઇચ્છાએ એને ઉપભોક્તાવાદ તરફ ધકેલ્યો. માણસની ઇચ્છાઓના સીમાડા વિસ્તરતા ગયા અને એની પૂર્તિ માટેની અનંત દોડ શરૂ થઈ.

આ દોડની કિંમત પણ એણે ચૂકવી. કઈ રીતે? પોતે જ આ દોડનો ગુલામ બન્યો. બધું જ ભેગું કરતા રહેવું એ જાણે એના જીવનનું ધ્યેય બની ગયું. ભગવાને આપેલા આ સરસ ઘરને ભૂલીને માનવી પોતે બનાવેલી તકલાદી ચીજોને વધુ મહત્વ આપતો થઈ ગયો. સવારની મસ્ત હવાને માણવાને બદલે છત પર લાગેલા પંખાની હવા એના માટે કીમતી થઈ પડી. પક્ષીઓના કલરવને બદલે મશીનોનો ધમધમાટ એને વધું ગમવા લાગ્યો. કુદરત તરફની ગતિ, કુદરતને જ ખતમ કરવા સુધી લંબાઈ. કુદરતે પણ એને છોડી દીધો. બહુમાળી ઇમારતો એટલી ઊંચી થતી ગઈ કે એમની પાછળ ક્ષિતિજ પર ઢળતા સૂરજનું સૌંદર્ય ઢંકાઈ ગયું. સુખ મેળવવાની અંતહીન દોડ એને એવી ગમી કે એમાં જ રચ્યોપચ્યો રહેવા લાગ્યો. જીવવું એટલે માત્ર ભેગું કર્યા કરવું- આ જીવનમંત્ર અત્યારના માનવીનો છે. 

આ સુખસાહેબી મેળવવા પાછળની અંતહીન દોડ અને હરીફાઈના કારણે સામાન્ય માનવીને ક્યારેક બે છેડા ભેગા કરવા જેટલું મળવું પણ મુશ્કેલ બને છે. આ કારણે આર્થિક સદ્ધરતા મેળવવાને બદલે અમુક લોકો જીવનના બંધનોનો ત્યાગ કરીને ‘રખડતા રામ’ બની જાય છે. આ ટ્રેન્ડ ધીરેધીરે પશ્ચિમમાં વધતો જાય છે. મિલકતો અને સુખસુવિધાઓ વધારતા સાધનો વસાવવાને બદલે જરૂરિયાત પૂરતું કમાઈને આ સુંદર ધરતી પર વિચરતા રહેવાનું જીવન તેઓએ સ્વીકારી લીધું છે. આવા ખાનાબદોશ લોકો માટે અંગ્રેજીમાં એક શબ્દ છે- Nomads. 

અમેરિકામાં આર્થિક મંદીની મારના કારણે વૅન અને ટ્રેલર જેવા વાહનોમાં રહેતા લોકોની સંખ્યા વધી છે. આ લોકોને તમે આપણા વણજારાઓ સાથે સરખાવી શકો. છૂટક નોકરીઓ કરીને જરૂરિયાત પૂરતું કમાઈને મનગમતી જગ્યાએ ફર્યા કરવું એ આવા લોકોનું જીવન છે. આવા અલગારી લોકોની વાત કહેતી ફિલ્મ એટલે- Nomadland.

ફર્ન એક નૉમેડ છે. નાનકડી વૅનમાં એકથી બીજી જગ્યાએ ફરતી રહે છે. પાર્કિંગ અને વીજળી મળી રહે તેવી જગ્યાએ રોકાઈને નોકરી દ્વારા જરૂરિયાત પૂરતા પૈસા ભેગા કરતી રહે છે. વધુ પૈસાની જરૂર પડે તો ક્રિસમસ પર ઍમેઝોનમાં હંગામી ધોરણે નોકરી કરીને જરૂરિયાત પૂરતું ભેગું કરી લે છે. એના જીવનના બે પાસાં છે. એક તરફ આવી જિંદગીની અસંખ્ય હાડમારીઓ છે. જેમાં દૈનિક ક્રિયાઓ ખુલ્લામાં કરવાથી લઈને સ્વછતા જાળવી ન શકવા જેવા પ્રશ્નો છે. ઠંડી, તડકો અને રસ્તાની હાડમારીઓ સતત જીવનને મુશ્કેલીઓથી ભરેલું બનાવતી રહે છે. બીજી બાજુ સ્વતંત્રતા છે. જવાબદારીઓ નથી. મનની મોજ પ્રમાણે જીવાતું જીવન છે. ઘાણીના બળદ જેવી બીબાઢાળ હોવાને બદલે જિંદગી રોમાંચક પ્રવાસ જેવી છે.

નિર્દેશક ચોલે ઝાઓ (Chole Zao)એ ફિલ્મના મધ્યાન્તર સુધી ફર્નને પડતી મુશ્કેલીઓ દર્શાવી છે અને એ પછી એની અલગારી રખડપટ્ટીના કારણે મળતી શાંતિ દર્શાવી છે. આ કારણે ફિલ્મના અંતે દર્શકને બન્ને પલડાં સરખાં હોય એમ લાગે. 

નાયિકા ફર્નને પણ પહેલાં પરિવાર અને ઘર હતાં. એ જીપ્સમની એક મોટી ફૅક્ટરીની આસપાસ બનેલા નાનકડા શહેરમાં પતિ સાથે રહેતી હતી. ફેક્ટરી બંધ થવાને કારણે એ શહેરનું નામોનિશાન ન રહ્યું. ટૂંકી માંદગી બાદ પતિ પણ ન રહ્યો અને ફર્ન બધું જ છોડીને ચાલી નીકળી. 

ફર્ન તરીકે ફ્રાન્સિસ મૅકડૉરમટ સતત મૂળથી ઉખડેલી લાગે છે. એના ચહેરા પર સતત એક અજંપો છે. એને આ જીવનની આદત પડી ગઈ છે એવું દર્શાવતા અનેક દ્રશ્યો છે. શરૂઆતમાં જ તેને બિનજરૂરી સામાન એક ગોડાઉનમાં મૂકતી બતાવી છે. રસ્તામાં મળતા કૂતરાને પણ સાથે નથી લેતી. ટાયરના પંચરથી લઈને દૈનિક ક્રિયાઓ માટે કઈ ડોલનો ઉપયોગ કરવો જેવી વાતો શીખતી રહે છે. એના જેવા લોકો સાથે એને રહેવું ગમે છે પણ ક્યાંય કોઈ જાતનો સંબંધ ન બાંધવા જેટલી તકેદારી હવે એના સ્વભાવમાં વણાઈ ગઈ છે. એ હૃદયના કમાડ બંધ કરીને બેઠી છે. એકલવાયા રહેવું એને એટલી હદે ગમે છે કે ક્યાંય પણ એ ટકતી નથી. ટોળાંઓથી સતત દૂર ભગતી રહે છે. કદાચ આ એની પતિની યાદોથી દૂર ભાગવાની રીત છે. કયારેય ભૂતકાળની યાદો ઘેરી ન વળે એટલે યાદ અપાવે એવી ચીજો એક બૉક્સમાં બંધ રાખે છે.

ફિલ્મના મોટાભાગના પાત્રો સાચા નૉમેડસ છે. ડૉક્યુમેન્ટરી અને ફિલ્મ વચ્ચેની સીમાઓ આ ફિલ્મ તોડતી હોય એમ સામાન્ય દર્શક અનુભવે. આવું જીવન જીવતાં લોકો અને કલાકારોના આ મિશ્રણને કારણે ફિલ્મ એક અલગ અનુભવ કરાવે છે. ફિલ્મ એકદમ ધીમી ગતિએ ચાલે છે. ઘટનાઓ સાવ પાતળી છે. નિર્દેશકે કિંમતી પળો પડદા પર જીવંત કરવા પર વધુ ધ્યાન આપ્યું છે. કલાકારોના ચહેરા પરના ભાવો કૅમેરા વડે ઝીલ્યા છે. ક્લોઝ-અપ્સને કારણે દર્શકોને એમની સાથે રહેતા હોવાનો અનુભવ થાય. ફિલ્મમાં ફર્નને સંબંધ બાંધવા જેવા લોકો પણ મળે છે. એમની સાથે એ જીવનના અનુભવો વહેંચતી રહે છે. ઘર-પરિવારની હૂંફ માટે એ તરસતી નથી. એ મળ્યા પછી પણ ફરી પેલી એકલતાની ચાહ એને રસ્તા પર લઈ આવે છે. એના જેવા લોકોને એ માનની નજરે જુએ છે અને એને ચાહનારાઓને એની આ ટેવો સમજાતી નથી. લોકો સતત એના જીવનને જજ કરતા રહે છે પણ ફર્નને એની પડી નથી. ફિલ્મ જોઈને ‘In to the wild’ અને ‘Fight club’ જેવી ફિલ્મો યાદ આવી જાય. 

ફિલ્મ ફર્ન બનતી અભિનેત્રી ફ્રાન્સિસ મૅકડૉરમટની છે. આખી ફિલ્મ એણે ખભા પર ઊંચકી છે. એનો અભિનય આ ફિલ્મમાં અલગ કક્ષાએ પહોંચ્યો છે. જૂની સ્મૃતિઓની પીડા, સામાજિક વ્યવસ્થાનો અસ્વીકાર અને કોઈને નજીક નહિ આવવા દેવાની જિદ્દ – આ બધું જ એ ચહેરા અને બૉડી લૅન્ગવેજથી દર્શાવતી રહે છે. ફ્રાન્સિસ આ વખતનો ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો ઑસ્કર જીતવાની પ્રબળ દાવેદાર છે અને ફિલ્મ ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ઑસ્કર જીતે એવી શક્યતા વધુ છે. 

ફિલ્મનો હેતુ આપણી જીવન જીવવાની પદ્ધતિઓ વિશે પ્રશ્નો ઉઠાવવાનો છે. આજીવન બીજાની અને આપણી ઇચ્છાપૂર્તિ કરતાં રહેવું એ જ જીવન છે? શું આપણે સમાજે બનાવેલા બીબાઢાળ જીવનને જ જીવ્યા કરવાનું? ધરતીના ખોળે જીવવાની મજા માણવા જેટલી સીધી વાત માણસને સમજાતી કેમ નથી? ફિલ્મનો બીજો રાગ દુઃખ અને વેદનાને સતત દાબી રાખવાના કારણે થતા નુકસાનનો છે. ગુમાવેલા પાછા ન આવે- એ વાત ન સમજાય અને એમની સ્મૃતિઓ સતત પજવે તો માણસ મૂળમાંથી બદલાય. સમયનો મલમ હૃદયની વેદનાને ઘટાડે પણ તેના કારણે માણસમાં આવેલું પરિવર્તન કાયમી રહે. ફિલ્મનો અંત આ વાત સૂચવે છે. 

ફિલ્મ જૅસિકા બર્ડર (Jessica Burder)ના આ જ નામના પુસ્તક પર આધારિત છે. પુસ્તક નવલકથા નથી પણ નોન-ફિકશન છે. ફિલ્મ હાલ તો કોઈ OTT પ્લૅટફોર્મ પર નથી. ભારતમાં હજુ રિલીઝ પણ નથી થઈ. ફિલ્મ જોવા માટે પાયરેટેડ ફિલ્મોની સાઇટ્સ ખૂંદવી પડશે. 

બૅન્ક એકાઉન્ટને બદલે સ્મૃતિઓના એકાઉન્ટને સમૃદ્ધ કરવામાં માનતા લોકો માટે આ ફિલ્મ છે. સંવેદનાઓને ફિલ્મી પડદે જીવંત જોવામાં માનતા લોકોને આ ફિલ્મ ચોક્ક્સ ગમશે. 

છેલ્લી રિલ –

‘I’m not homeless. I’m just houseless.’
‘હું ઘર વગરની નથી. હું માત્ર મકાન વગરની છું.’
આ ફિલ્મનો એક સંવાદ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “Nomadland: એકલતાનું ગીત – નરેન્દ્રસિંહ રાણા