શ્રદ્ધા મતલબ.. – શ્રદ્ધા ભટ્ટ 19


શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?

શ્રદ્ધા મતલબ…                                    

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું:
– સુન્દરમ

શ્રદ્ધા! જોડાક્ષરોથી બનેલો શબ્દ. જેમ ધર્મ એટલે આધ્યાત્મ એમ જ શ્રદ્ધા એટલે ઈશ્વર પરની – આવી સામાન્ય માન્યતા છે. શ્રદ્ધા એટલે શું? પહેલાં નામનો વિસ્તાર કરીએ. શ્રદ્ધા નામ આવ્યું શ્રત અને ધા આ બે શબ્દો પરથી. ‘શ્રત સત્યમ ધા ધારણે’ બીજા શબ્દોમાં કહું તો – સત્યને જે ધારણ કરે તે શ્રદ્ધા. श्रत सत्यं अस्मिन धीयते इत्यर्थे श्रध्दा. શ્રત એટલે સત્ય અને ધા એટલે ધારણ કરવું. બે અક્ષરના જોડાણથી બનેલો નાનો એવો શબ્દ પણ એનો અર્થ કેટલો ઊંડો અને સૂક્ષ્મ! શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?

ગીતાના સત્તરમા અધ્યાયનું નામ જ છે – શ્રદ્ધાત્રયવિભાગયોગ.

श्रध्दामयोडयं पुरुष: य:  – ગીતા, અધ્યાય સત્તર, શ્લોક – ૩

કહે છે – આ પુરુષ શ્રદ્ધામય છે! દરેક મનુષ્યની શ્રદ્ધા તેમની વૃત્તિઓ અનુસાર જ હોય છે. જેવી જેની શ્રદ્ધા તેવી તેની વૃત્તિ! ટૂંકમાં – જેવી શ્રદ્ધા તેવો પુરુષ. અહીં પુરુષને વિશાળ અર્થમાં લઈએ તો એમ કહી શકાય કે શ્રદ્ધા એ અવતાર છે! દરેક મનુષ્યમાં અવતરિત થતી સત્યની પ્રતીતિ એટલે જ શ્રદ્ધા! સત્યના આ અંતર સ્વરૂપને ઓળખવું એટલું સહેલું નથી. બાહ્ય જગતના અનુભવ માટે માનવ જ્ઞાનેન્દ્રિયોની મદદ લે છે. એના દ્વારા જ એ જગતને જુએ છે, સૂંઘે છે, સ્પર્શે છે, સાંભળે છે, આસ્વાદ કરે છે. આ થયું પ્રત્યક્ષ પ્રમાણ.  જ્ઞાનેન્દ્રિયો દ્વારા સમગ્ર અસ્તિત્વને સમજી શકાય નહિ. જ્ઞાનેન્દ્રિયોથી ન સમજી શકાય તેવી વાતોને  બુદ્ધિપૂર્વક વિચારીને સમજવામાં આવે છે. અનુમાન લગાવીને સ્વીકારવામાં આવેલી વાતને કહેવાય અનુમાન પ્રમાણ.

ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન મળે તે છે પ્રત્યક્ષ જ્ઞાન. બુદ્ધિપૂર્વક વિચારીને મેળવેલું જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન સીધી રીતે પ્રત્યક્ષ જ્ઞાન પર આધારિત છે કારણ જોયેલી કે સાંભળેલી વાત પર વિચાર કરીને જ નવા જ્ઞાનનો નિષ્કર્ષ નીકળી શકે! પ્રત્યક્ષ અને પરોક્ષ – આ બે સિવાય પણ જ્ઞાનનું એક ત્રીજું પાસું છે જે અપરોક્ષ જ્ઞાન તરીકે ઓળખાય છે. માનવની બુદ્ધિના સ્તરથી પણ આગળના સ્તર સુધી પહોંચીને મેળવેલું જ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. કશુંક જાણવું – આ ક્રિયાનો છેદ ઊડી જાય અને ફક્ત અનુભવ જ સર્વોપરી હોય એવી અવસ્થા એટલે અપરોક્ષ જ્ઞાનની સ્થિતિ.

માનવમન ઘણું અટપટું છે. સાવ જ સીધી રીતે અપરોક્ષ જ્ઞાનને ગ્રહણ કરી લે તો એ માનવ મન શેનું? જેને જાણતા જ નથી એને માનવું કેમ? અને જ્યાં સુધી માનીએ નહિ ત્યાં સુધી તેને પામવાની યાત્રાનો આરંભ કઈ રીતે થાય? તરતાં આવડે નહિ ત્યાં સુધી પાણીમાં પડાય કેમ? અને જ્યાં સુધી પાણીમાં પડાય નહિ ત્યાં સુધી તરતાં આવડે કેવી રીતે? કરવું શું? તરતાં શીખવું જ હોય તો તરતાં શીખ્યા પહેલાં જ પાણીમાં પડવું પડે અને પાણીમાં પડ્યા પછી જ તરતાં આવડે એ વાતનો સ્વીકાર કરવો પડે. પાણીમાં પડવું જરૂરી છે. જ્યાં સુધી તરતાં ન આવડે ત્યાં સુધી ઓછા પાણીમાં આત્મવિશ્વાસથી પડીએ છીએ. ધીમે ધીમે તરતાં આવડી ગયા પછી પાણીનું ઊંડાણ વધતાં ય તકલીફ પડતી નથી. બસ, આ જ રીતે પરમને પામ્યા પહેલાં તેને માનવું પડે અને માન્યા પછી જ અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે. જેની સાબિતી નથી છતાં તેમાં માનવું, તેનો સ્વીકાર કરવો, તે શ્રદ્ધા છે. અંતરાત્માને જેની પ્રતીતિ થાય છે, તેને જ્ઞાનેન્દ્રિયોથી જોઈ શકાય તેમ નથી અને બુદ્ધિથી સમજાવી શકાય તેમ નથી, છતાં આંતરિક ચેતના જેની સાક્ષી પૂરે છે. શ્રદ્ધા એ અંતરાત્માનો અવાજ છે જે કહે છે –  ‘Yes, I know that.’

શ્રદ્ધા મસ્તિષ્કમાંથી નહિ, હ્રદયમાંથી આવે છે. શ્રદ્ધાની દૃષ્ટિ અંતરમનની દૃષ્ટિ છે. જે દેખાય છે એ તો ખરું જ, પણ જે નથી દેખાતું, અપરોક્ષ છે એને એ પહેલાં જુએ છે. શ્રદ્ધા તર્ક કરતી નથી, પ્રમાણ માગતી નથી. તે માત્ર જુએ છે અને સ્વીકારે છે. શ્રદ્ધા એટલે તર્ક કરતાં ઉચ્ચતર ચેતનાનું સત્ય. ઊર્ધ્વચેતનાનું એક કિરણ સામાન્ય ચેતનામાં ઊતરી આવે અને સાધકને ઊર્ધ્વચેતનાના સત્યનો અણસાર આપે છે. આ સત્યની પ્રતીતિ એટલે શ્રદ્ધા. દીવો પ્રગટાવવા માટે દીવાના પ્રકાશમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. દીવામાં શ્રદ્ધા નહિ હોય, પણ પ્રકાશમાં શ્રદ્ધા હશે તો દીવો પ્રગટશે જ અને આ જ શ્રદ્ધા છેવટે યજ્ઞ સુધી દોરી જશે.

ફરી ગીતા પર જઈએ. કહ્યું છે – જેવી શ્રદ્ધા તેવો પુરુષ. પુરુષનો અર્થ સમજવો જરૂરી છે અહીં. પુરુષ એટલે પ્રત્યગ આત્મા એટલે કે દરેક વ્યક્તિની અંદર શ્વસતું ચૈતન્ય. શ્રદ્ધા એ આંતરિક બાબત છે એ પુરુષની આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે. અહીં આત્મશ્રદ્ધાની વાત કરી છે. શરૂઆત જાતથી જ થાય ને? પોતાની પ્રાથમિક અનુભૂતિની ઝલકમાં શ્રદ્ધા મૂકવી એટલે આંતર પ્રતીતિમાં શ્રદ્ધા રાખવી. અનુભૂતિની પ્રાપ્તિ પછી શંકાને સ્થાન ન રહે, પણ શરૂઆતમાં શંકા અને શ્રદ્ધા બંને માટે અવકાશ છે. આ વખતે જાત પ્રત્યે રાખેલી દ્રઢ શ્રદ્ધા ધીરે ધીરે શંકાને નિર્મૂળ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. શરૂઆત જાતથી કરવાની છે, પણ ત્યાં અટકી જઈએ તો આત્મશ્રદ્ધા આત્મશ્લાઘામાં ફેરવાઈ જતાં વાર ન લાગે!

श्रध्दे श्रध्दापयेह न: | ऋ. १०/१५१/५ 

ઉપરનું વાક્ય ઋગ્વેદના શ્રદ્ધા સૂક્તનું છે. જેના ઋષિ છે શ્રદ્ધા કામાયની, દેવતા છે શ્રદ્ધા અને છંદ છે અનુષ્ટુપ. શ્રદ્ધાને દેવીસ્વરૂપ ગણીને તેની સ્તુતિ કરતાં કહેવાયું છે – હે શ્રદ્ધા, તું અમને આ સંસારમાં શ્રદ્ધાવાન બનાવ. સૌથી પ્રાચીન એવા ગ્રંથ ઋગ્વેદમાં શ્રદ્ધાનો આટલો મહિમા શા માટે કર્યો છે?

श्रध्दया सत्यमाप्य्ते’ શ્રદ્ધા દ્વારા સત્યની પ્રાપ્તિ થાય છે. સત્ય મળશે એટલે જ્ઞાન મળશે. જ્ઞાનના પ્રકાશનું નાનું એવું કિરણ મહાપ્રકાશ સુધી પહોંચાડવા સક્ષમ છે. સંદર્ભગ્રંથો કહે છે શ્રદ્ધાના ત્રણ પ્રકાર છે – સાત્વિક, રાજસી અને તામસી. સદ્ગુણ, રજસ અને તમોગુણ – આ થયા માનવીના સ્વભાવગત ગુણો. જેવો જેનો સ્વભાવ એવી એની શ્રદ્ધા. સાત્વિક માણસ ઈશ્વરીય રૂપમાં શ્રદ્ધા ધરાવતો હોવાનો, રાજસી માણસ રાક્ષસી વૃત્તિમાં શ્રદ્ધા રાખે અને તામસી માણસ ભૂતપ્રેતમાં શ્રદ્ધા રાખે. (ભગવદ્ગીતા, અધ્યાય 17, શ્લોક – ૪). મારું માનવું છે, શ્રદ્ધા આ બધા જ પ્રકારો અને ભેદભાવથી પરે છે. શ્રદ્ધા એટલે માનવમાત્રનો આધાર. આધારમાં ભેદભાવ ન હોય, એના પ્રકારો ન હોય. એ છે – બસ આટલું જ જરૂરી છે. શ્રદ્ધાવાન હોવું – આ મહત્વનું છે. કોના પ્રત્યે શ્રદ્ધાવાન હોવું એ ગૌણ છે. શ્રદ્ધાનું સ્થાન દરેકના ચિત્તમાં છે, કોઈ સ્થૂળ મૂર્તિ કે સ્થળમાં નહિ.

~ અંજલિ ~

 શ્રદ્ધા એટલે હા કહેવાની શક્તિ અને શંકા એટલે ના કહેવાની અવળચંડાઈ.

સંદર્ભગ્રંથો – ભગવદ ગીતા, ઋગ્વેદ દર્શન

(‘શ્રત સત્યમ ધા ધારણે’ – સત્યને જે ધારણ કરે તે શ્રદ્ધા. )

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “શ્રદ્ધા મતલબ.. – શ્રદ્ધા ભટ્ટ

  • Hitesh Thakkar

    Reminded me – You can enter into room of Faith and Trust after crossing door of Logic…. Brilliant manifestation Shraddha ben God bless you.

  • Tulsidas Kargathra

    શ્રદ્ધાબેન, શ્રદ્ધા શબ્દના ઉપયોગમાં હંમેશા કંઈક બાબત સંદર્ભ ધરાવે છે. આ શબ્દ માત્ર બોલવા કે જાણવાથી વ્યક્તિ કે વ્યક્તિત્વ જાણમાં નથી આવતું. કોઈકને અનીતિ અને સામાજિક વ્યવહારે શ્રદ્ધા હોય અને તેને રુપ જીવી જાય. આવી શ્રદ્ધા ને શાસ્ત્ર મહત્વ નથી આપતું. જે શ્રદ્ધા ઉચ્ચ જીવન તરફ દોરે તે કરી શ્રદ્ધા. માટે તેમાં સત્વ, રજસ અને તમસ ભેદ આવશ્યક છે જે ભગવદ્ ગીતામાં યથાર્થ રીતે રજુ થયા છે. હરિ: ઓમ્ !

    • Shraddha Bhatt

      જી. આપના મંતવ્યનો આદર. શ્રદ્ધામાં ભેદ નથી હોતા, પ્રત્યેક માનવી પોતાના સ્વભાવગત ગુણધર્મ અનુસાર સાત્વિક, રાજસી કે તામસી શ્રદ્ધા અનુભવે છે.
      ધન્યવાદ.

  • Narendrasinh Rana

    શ્રદ્ધાની સફરે લઈ જનાર શ્રદ્ધાને અભિનંદન. સરસ લેખ. બહુ ગમ્યો.

  • જયેન્દ્ર ઠાકર

    શ્રદ્ધાએ શ્રદ્ધા માટે સરસ સમજણ આપી. શ્રદ્ધા ગુણાતિત છે એટલે સાત્વિક, રાજસી અને તામસી ગુણોથી પર છે. શ્રત અને ધા આ બે શબ્દોથી શ્રદ્ધાનું નિર્માણ થયું એટલે સત્યને જે ધારણ કરે તે શ્રદ્ધા, પણ શ્રદ્ધાનો જ્યારે અમલ થાય છે ત્યારે સત્યનું ભાન હોતું નથી. ફક્ત અપરોક્ષ ભ્રાંતિ હોય છે. શ્રદ્ધામાં પ્રેમ અને વિશ્વાસ એ બંન્નેનો સમેળ છે.

    • Shraddha Bhatt

      Thank you. હા. શ્રદ્ધાનો અમલ થાય ત્યારે સત્યનું ભાન ન હોય પણ એના અમલ માટે સત્ય હોવું જરૂરી.

  • Hiral Vyas

    ખૂબ જ સરસ. શ્ર્ધ્ધા વિશે સરસ સમજાવ્યું.

    ‘રેવા’ મૂવીમાં એક સરસ વાક્ય હતું કે ગમે તેમાં પણ શ્ર્ધ્ધા હોવી જોઈએ. શ્ર્ધ્ધા હોય તો જ કંઈક પ્રાપ્ત કરી શકાય.