મોહબ્બત હૈ યે, જી હઝૂરી નહીં! – આરઝૂ ભૂરાણી 6


એક વખત એક પતિપત્ની વચ્ચે કોઈ નાની વાતમાં બોલાચાલી થઈ ગઈ. થોડી વાર સુધી દલીલો કર્યાં પછી પતિએ સોરી કહ્યું અને પત્નીને ભેટી પડ્યો. પેલી બિલકુલ સ્તબ્ધ! આવું સળંગ બે ત્રણ વાર થયુ. પત્નીએ એક દિવસ તેને પાસે બેસાડીને પૂછ્યું, “તું કેમ દર વખતે આવું કરે છે? મારે તને કાંઈક કહેવું હોય, ઝઘડવું હોય…

“પ્રેમ એટલે કે
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો…”
– મુકુલ ચોકસી

કેટલું મસ્ત વર્ણન છે ને પ્રેમનું! પ્રેમ વાસ્તવિકતા પણ છે અને ક્ષિતિજને સમાંતર ચાલતી સ્વપ્નોની દુનિયા પણ! જ્યાં હકીકત કે રિયાલિટી સાથે હાથ પણ મિલાવવા પડે અને મુક્ત મને કોઈનાં ખ્યાલોમાં વિહરી પણ શકાય. બધું જ થાય પ્રેમમાં! પણ કયો પ્રેમ? પ્રેમ તો કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે! પેરેન્સ્ટ્સ સાથે, મિત્રો સાથે, પાડોશી સાથે, બાળક સાથે, પેટ (આપણી ફાંદ નહીં, ઘરમાં પાળેલું ડોગી કે કેટ કે બીજું કોઈ પણ જીવ, એની સાથે!), જગ્યા સાથે, પળ સાથે, સમય સાથે, સ્થિતિ સાથે ને બહુ લાબું… લચક લિસ્ટ બનશે. (રહેવા દઈએ તો, નહીં?)

દરેક સંબંધ બહુ જ ખાસ હોય છે. દરેક સંબંધની લાગણી, અનુભૂતિ અને ખુશી એક મર્યાદા સાથે આવે છે. આપણે દરેક જગ્યાએ દરેક વાત ન કરી શકીએ, મન પડે એમ ન કરી શકીએ. કેમ? કેમ કે દરેક સંબંધનો એક લિબાસ છે. ગમે તેની સાથે મન ફાવે તેમ બોલી, વર્તી કે રહી ન શકાય. ને એ મર્યાદાને માન આપીએ તો જ એ સંબંધ ટકે. કમિંગ ટુ ધ પોઇન્ટ, એક સંબંધ સિવાય આપણે બધી જ જગ્યાએ રેસ્ટ્રીક્ટેડ રહીએ છીએ! આપણે જેવા છીએ એવાં, આપણી ચોઇસ, ઈચ્છા, અનિચ્છા, ગમા-અણગમા એ બધું જ આપણે દરેક વ્યક્તિને નથી કહી શકતા! પણ કોઈ એક વ્યક્તિ એવી હોય છે કે જેને બ..ધી જ ખબર હોય છે! જેની સાથે અરીસા સામે ઊભા રહીને નાટક કરી શકાય, હાથ પકડીને ચાલી શકાય, ખોળામાં માથું મૂકી રડી શકાય, દરિયા કિનારે હાથ પકડીને પગલાં પાડતાં ચાલી શકાય ને એ પગલાંને ફરી ગણી શકાય, જેની પર ગુસ્સો કરી શકાય, “ઘરે આવતાં મોડું શેનું થઈ જાય છે રોજ?” એમ કહીને ચીસો પાડી શકાય, “આજે શું થયું ખબર છે?” એમ કહીને અડધી કલાક સુધી વણથંભ્યુ બોલી શકાય, રસ્તા પર જતાં કોઈને જોઈને કોમેન્ટ પાસ કરી શકાય, કૉમેડી પિક્ચર જોતી વખતે પોપકોર્ન એને પકડાવીને પેટ પકડીને હસી શકાય ને અડધી રાત્રે ઉઠાડીને કચકચાવીને ભેટીને એવું કહી શકાય કે જે થાય એ, આપણે જોડે જ છીએ! ટૂંકમાં, જેટલાં પોતાની જાત સાથે ઓનેસ્ટ છીએ એટલાં જ એ વ્યક્તિની સાથે હોઈ શકીએ કે રહી શકીએ એવી વ્યક્તિ! કોણ હોય છે આ વ્યક્તિ?

silhouette photography of man and woman
Photo by Mateus Souza on Pexels.com

“પેલીએ તો સાવ આવો છોકરો પસંદ કર્યો”

“કેવી મસ્ત જોડી છે નહીં? ઉપરવાળા એ પહેલેથી નક્કી જ કરી રાખ્યું હશે.”

“કજોડું છે સાવ. નથી દેખાવમાં કાંઈ મેચ થતું કે નથી બેંક બેલેંસ મેચ થતું.”

એવી વ્યક્તિ કે જેમનાં માટે આ બધાં જ વાક્યો ( કે ટોન્ટ્સ) બિલકુલ ગૌણ હોય છે. એને તમારી ખુશી, સ્માઈલ કે હસ્તી સિવાય બીજા કોઈથી ફેર નથી પડતો. જેની સાથે તમને પહેલી આંખનો પ્રેમ થઈ જાય! એને જોતાંવેંત જ આપણી આસપાસ ફૂલોની વર્ષા થવાં લાગે, વાતાવરણ મઘમઘવા લાગે ને રોમેન્ટિક ગીતો વાગવા લાગે. એવું થાય? કદાચ થતું હશે કોઈક લોકો માટે! પણ આ બધું થાય કે ન થાય એ ચાલશે. પણ જો એને જોઈને તમારી આંખોને ટાઢક વળતી હોય, હૃદય ધબકારો ચૂકી જતું હોય, તમારાં અસ્તિત્વને હાંશકારો થતો હોય તો સમજજો કે એ એજ વ્યક્તિ છે જે તમારું જીવનસાથી છે! શું આપણે ક્યારેય વિચાર્યું કે જીવનસાથી, હમસફર, પાર્ટનર કે એ બધાં શબ્દો આપણે કેમ વાપરીએ છીએ? કેમ કે આ એવો સંબંધ છે જે આપણાં છેલ્લાં શ્વાસ સુધી રહેવાનો છે.

આપણને સૌને પોતીકાપણું, માલિકીભાવ દર્શાવવો ખૂબ ગમતો હોય છે. એવી કોઈ વ્યક્તિ કે જેનાં વિશે કહી શકાય કે આ ફક્ત મારી છે! એ એક શાતા હેઠળ જીવન પસાર થઈ કરી શકાય. ને એ શબ્દો કહેતી વખતે દરેક રોમમાં જે રોમાંચ પ્રસરી જાય એનું વર્ણન શબ્દોનું મ્હોંતાજ નથી હોતું ક્યારેય! એ તો બસ અનુભવી શકાય!

એરેન્જડ, લવ કે લિવ-ઇન, કોઈ પણ નામ હોય, એવી હૂંફ કે જે ચાર દીવાલ વાળા મકાનને સીંચીને ઘર બનાવે એ છે સાચો પ્રેમ! એ સંબંધ કોઈ જ સ્વાર્થનો નથી. વિશ્વાસનો, નિઃસ્વાર્થ લાગણીઓ ને સ્વીકારનો છે! આપણે એવું માની લઈએ છીએ કે લગ્ન થાય એટલે બન્ને પક્ષે થોડું બદલવું પડે, જતું કરવું પડે, ચલાવતાં શીખવું પડે. હા! આ બધું જ સાચું. બદલાવું પડે. પણ આજુબાજુની સ્થિતીઓ, નવા લોકો સાથે એડજસ્ટ થવા માટે બદલવું પડે. પણ જો તમારી શ્વાસ લેવાની રીતને પણ બદલવી પડે, તમને ગમતી મોટાભાગની વસ્તુઓ છોડવી પડે, સ્વમાનને વારેવારે ઠેસ પહોંચતી હોય તો બિવેર! ચેતી જજો! એ પ્રેમ નથી. એક ઉદાહરણ લઈએ. વિચારો કે તમે એક ખૂબ સુંદર પુષ્પને જોઈ રહ્યા છો. અચાનક વિચાર આવ્યો કે આ મારી ગમતીલી વ્યક્તિને આપું તો? ને એવું વિચારી તમે એક પુષ્પને ચૂંટી લો છો. ફરી વિચાર આવ્યો કે હજુ બે લઈ લઉં, એને ગમશે. લઈને હજુ નિકળ્યા ત્યાં થયું લાવને આખો છોડ જ લઈ જાઉં. ખુશીથી પાગલ થઈ જશે એ.. આ ત્રણેય ઘટનાઓમાં તફાવત છે. થોડું બદલાવું કે જતું કરવું એ પ્રેમ માટે કરેલો ત્યાગ છે ને એ કરવો જોઈએ. જો લોહી નીકળે તો ચામડીનું મહત્વ સમજાય. જો ફ્રેકચર થાય તો ખબર પડે કે એક હાથ વિના એકવીસ દિવસ કેમ જાય છે!

પ્રેમને સાબિત કરવા કોઈ સોફેસ્ટિકેશનનાં વાઘા નથી પહેરવાં પડતાં. તમને ગરોળીથી બિલકુલ ડર લાગતો હોય, હંમેશ એ નામથી દૂર ભાગતાં હોવ ને કોઈ તમને ‘ગરોળી’ જ કહે ત્યારે જો અંદર અંતર થોડું મલકાય તો પછી કોઈ બીજા પૃફની જરૂર ન પડે.

એક વખત એક પતિપત્ની વચ્ચે કોઈ નાની વાતમાં બોલાચાલી થઈ ગઈ. થોડી વાર સુધી દલીલો કર્યાં પછી પતિએ સોરી કહ્યુંને પત્નીને ભેટી પડ્યો. પેલી બિલકુલ સ્તબ્ધ! આવું સળંગ બે ત્રણ વાર થયુ. પત્નીએ એક દિવસ તેને પાસે બેસાડીને પૂછ્યું, “તું કેમ દર વખતે આવું કરે છે? મારે તને કાંઈક કહેવું હોય, ઝઘડવું હોય, લડવું હોય પણ તું આમ કરે એટલે ગુસ્સો શાંત થઈ જાય! શું મજા આવે છે તને?” પતિએ કહ્યું કે શું ફેર પડે તું સાચી છે કે હું? જો આવી રીતે લડતાં રહીશું તો બુઢ્ઢા થતાં પહેલાં બુઠ્ઠા થઈ જઈશું. તારી સાથે જીવવું એ મહત્વનું છે, તારી સામે સાચું હોવું એ નહીં!
કદાચ આ પ્રેમ છે. જ્યાં દરેક વખતે , દરેક વાતમાં હા જ નહીં હોય. જી હઝૂરી નથી એ કે જ્યાં જે કહીએ એનો જવાબ આપણને ગમતો જ મળે. પણ થોડો વ્હાલથી સીંચીને આપણે એ બાગને મહેકતો રાખી શકીએ. બે વ્યક્તિઓ જો સમાન હોય તો એક બિંદુ પર છેદી જશે. એ રેખાઓ ત્યાં સમાપ્ત થઈ જશે. પણ જો બન્ને સમાંતર ચાલશે, તો ક્ષિતિજ સુધી ચાલી શકાશે. જો એકનો જમણો હાથ હશે તો બીજાનો ડાબો જ હાથ હોવાનો. બે જમણાં હાથ પકડીને આપણે નહીં ચાલી શકીએ. તો એ વાત ને જેટલું જલ્દી બને એટલું જલ્દી સ્વીકારીએ. કઈ ક્ષણે કોની દોરી ખેંચાઈ જશે એ હજુ રહસ્ય જ છે!

હજુ બે દિવસ પહેલાની વાત છે. હું હોસ્પિટલમાં બેઠેલી. બધું જ સામાન્ય રીતે ચાલતું હતું. એમાં થોડી વાર પછી એક વૃદ્ધ આંટીનો વારો આવ્યો. બાજુમાં બેઠેલાં અંકલે કેટલાં વ્હાલથી એમનો હાથ પકડીને એમને ઊભા કર્યા, આંટીનાં હાથમાંથી બેગ લઈને એમની સાથે વાત કરતાં કરતાં એમને કન્સલ્ટેશન રૂમમાં લઈ ગયાં. એમને શું હતું કે ડૉકટરે શું કહ્યું હશે એ ગૌણ છે! આ ઉંમરે આટલી હૂંફ હોવી એ મહત્વની વાત છે. જ્યારે આપણે સાવ બોખા થઈ જઈશું ત્યારે પણ જો કોઈની સામે વિના સંકોચે હસી શકાશે તો એ આપણું જીવનસાથી હશે. જ્યારે બધાં જ સાથ છોડી દેશે, ડૉક્ટર પાસે દરરોજ જવું પડશે, વારેવારે ડાઈપર ને દવા યાદ કરવી પડશે ત્યારે જીવનસાથીનું મહત્વ સમજાશે આપણને કદાચ. પણ એટલી રાહ જ કેમ જોવી છે? ઊંમર, દેખાવ, આર્થિક ક્ષમતા એ બધાં સાથે પ્રેમને શું લેવાદેવા? બુઢ્ઢા થયાં પછી શું બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ શોધવા જઈશું? મળશે? તો જે હૂંફ અત્યારે છે, આ ક્ષણે છે એને જ ગુલ્લકમાં ભરી દઈએ ને?આપણાંં શ્રી સુરેશ દલાલ ખૂબ સરસ વાત મૂૂૂૂકે છે :

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે! … કમાલ કરે છે.

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.… કમાલ કરે છે
.

પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંના છાપરે ને ડોશીને હોય છે રસોડાંનો સાથ
આઠ દસ દિવસ પણ છુટ્ટાં પડે તો બંને જણ ફોન પર બરાડ કરે છે… કમાલ કરે છે

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.… કમાલ કરે છે.


ડોસી તો સાંજે મંદિરમાં જાય અને ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદાં પણ અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ તો પ્હાડ જેવા કાળને કંગાલ કરે છે … કમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.… કમાલ કરે છે

જો તમારી પાસે કોઈ એક વ્યક્તિ એવી હોય કે જેને કશુંક કહેવું હોય કેટલાંય વખતથી અને તમે ન કહી શકતાં હોવ, તો કહી દો આજે જ.. સાંજે ઘરે આવીને જેને જોયા વિના કોફીનો ઘૂંટ ગળે ન ઉતરતો હોય કે જેની સાથે ટીવી રિમોટ માટે ઝગડ્યા સિવાય ટીવી જોવું ન ગમતું હોય તો એને ટાઈટ હગ કરીને કહી દો કે આઈ લવ યુ! હું તને પ્રેમ કરું છું! એક એવી સરપ્રાઈઝ, એક એવી ગિફ્ટ કે જે બહુ દિવસોથી આપવી હતી એ આજે જ આપી દો.. ને આ બધું જ કોઈ પણ રિટર્ન ગિફ્ટની અપેક્ષા વગર! ગમતી વ્યક્તિને ભેટીને તેનો મજબૂત કે ધ્રૂજતો હાથ પકડીને, બસ પાંચ મિનિટ એની આંખોમાં જોઈ કહેજો! જીંદગી જીવવાનો અર્થ એની જાતે જ સમજાઈ જશે.

— આરઝૂ ભૂરાણી

આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મોહબ્બત હૈ યે, જી હઝૂરી નહીં! – આરઝૂ ભૂરાણી