લાગણીના વિસામે (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી 4


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ!
– શોભિત દેસાઈ

લાગણીના વિસામે

શબ્દોને હવે કાગળ પર અવતરવું ગમે છે, એને એનો આ મનગમતો ‘ભાવ’ મળી ગયો છે!

મારા ઘર તરફ જતો એ રસ્તો મેં આજે એક અલગ આંખોથી નિહાળ્યો. વૃક્ષમાંથી ચળાઈને આવતાં સૂરજના કિરણો આ રાહ ઉપર પડે છે અને એ મને વધુ સુંદર લાગે છે. એ રાહને, જ્યાંથી તું નીકળ્યો હતો મારા ઘર તરફ આવવા, એને મેં આંખોથી પીને હ્રદયથી જીવી લીધો. જે મારા અશ્રુઓનો સાક્ષી પણ છે અને તારા આગમનથી મહોરી ઉઠતા મારા હ્રદયનો સાક્ષી પણ..!

કોઈ આપણાથી નારાજ હોય તો એને મનાવવા માટે કંઈ રાત્રે વીસ ડિગ્રી ઠંડીમાં એના ઘરે જવા તો ન જ નીકળી પડીએ. પણ જો એ નારાજ વ્યક્તિ તમારો પ્રેમ હોય અને એ પણ નવો નવો! તો માઈનસ ડિગ્રીમાં પણ હસતાં હસતાં નીકળી શકો અને ઠંડી તમને સ્પર્શી પણ ન શકે એ શક્ય છે.

કાલે જયારે હું મારા ઘરની અગાસી પર હતી, અને નીચે તું ઉભો હતો, કાળા જેકેટ અને કાનપટ્ટીમાં સજ્જ. ઠંડીનો પ્રકોપ ચારેબાજુથી આપણને વીંટળાયેલો હતો. સમી સાંજનું અંધારું બંનેના ચહેરા ઉપર હતું, પરંતુ એકબીજાને જોવા માટે તો હ્રદયની આંખો જ કાફી હતી, તું બન્ને હાથે કાનની બુટ પકડીને ‘સોરી’ કહેતો ચુપચાપ ઉભો હતો, આસપાસ ઊભેલા લોકોની પરવા કર્યા વિના… ને તને જોતાં જ મારો બધો ગુસ્સો ઓગળી ગયો.

તેં પેલું નાટક જોયું છે? રોમિયો જુલીએટ, તેના એક સીનમાં રોમિયો તેની પ્રેમિકા જુલીએટને એના ઘર નીચે ઊભા રહીને પ્રપોઝ કરે છે. ત્યારે મને શેકસપિયરની આ પ્રેમકથા યાદ આવી ગઈ. તે કહ્યું કે હાં, તું મારી જુલીએટ અને હું તારો રોમિયો જ ને..! પણ આ સ્નેહની લાગણી માત્ર તારા પક્ષે છે, મારા પક્ષે આ ‘મળવું’ એ બીજું કંઈ પણ હોઈ શકે, પરંતુ આ ક્ષણે એ પ્રેમ નથી.

આ સંબંધને પ્રેમમાં બાંધી દેવા કરતાં, બેનામ જ રહેવા દઈએ? વચનો, શરતો, નામ અને લાગણીના લેબલથી તદ્દન મુક્ત.. કોઈક તો એવો સંબંધ રાખીએ, મર્યાદાથી બંધાયેલ ને છતાં આકાશ જેવો મુક્ત, શાંત નદી જેવો ને છતાં દરિયાની જેમ ઊછળતો, જ્યાં સંવેદનાઓ મહોરી શકે ને જીવનના અર્થ ખીલી શકે, જેની હુંફમાં સ્પર્શનો ભાર ન હોય, જેના સંગાથમાં વચનોનો બોજ ન હોય!  જીવનમાં કોઈક એક ચહેરો તો એવો રાખીએ, અરીસા જેવો, જેની આંખોમાં ખુદનું સાચ જોઈ શકીએ. તારી આંખોમાં હું ખુદને જોઉં છું ને મને હું નવી લાગવા માંડું છું!

– મીરા જોશી

Advertisement


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “લાગણીના વિસામે (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી