મને આકાશ કેમ બોલાવે છે? (યે શામ મસ્તાની) – હર્ષદ દવે 4


ભાષાની કમાલ જુઓ! હિન્દી ભાષામાં સ્વરબદ્ધ થયેલું આ ગીત બંગાળી ભાષામાં, અલગ શબ્દોમાં, છતાં એ જ સૂરમાં સ્વરબદ્ધ થયેલું છે. સૂર અને સ્વરનો કેવો અદભુત સમન્વય! આવા ગીતોને બંગાળીમાં ‘આધુનિક ગાન’ કહે છે!

અહીં એવી વાત કહેવાનો ઉપક્રમ છે કે જેને વિષે મોટાભાગના લોકોને માહિતી હશે. પણ તેની સાથે એવું પણ કાંઈક કહેવું છે કે જેને વિષે ગુજરાતી લોકોને બહુ જાણકારી નહીં હોય! આ વાત મનોરંજક બની રહેશે એવી આશા છે. તેમાં તમને મજા પડશે. કારણ કે મસ્ત મજાની સાંજ હોય અને તેમાં આપણે મદહોશ થઇ ગયા હોઈએ તો શું થાય? શું ત્યારે કોઈક આપણી પાસે હોય એવી ઈચ્છા ન થાય?

ત્યારે કોઈનું લજ્જાયુક્ત સ્મિત જોઇને બોલતી જ બંધ થઇ જાય. અને એ ખામોશ નજરમાં કયો સંદેશ વંચાય? એ ખામોશીમાં યાદ કરો… શક્તિ સામંતની ફિલ્મ ‘કટી પતંગ’ (૧૯૭૧). એ નામ સાંભળીતાં જ આપણી નજર સામે રાજેશ ખન્ના અને આશા પારેખ તરવરવા લાગે. તેના એક ગીતની શરૂઆતમાં જ લીલીછમ ધરતી પર એ ગીત ગાતાં ગાતાં રાજેશ ખન્ના પોતાના પ્રેમની કેવી હરીભરી અભિવ્યક્તિ દર્શાવે છે. અને… વાદળછાયી એ ઢળતી સાંજનું ઘેલું આકાશ આશા પારેખના મનની ભીતરની પરવશ પરિસ્થિતિ દર્શાવે છે. તેની શ્વેત સાડીમાં ભલે તે મોહક લાગતી હોય પરંતુ એ પરિધાન વૈધવ્ય સૂચક છે. શું એવું નથી લાગતું કે તેણે હસીને વીતેલી વિષમ પરિસ્થિતિનું વિષપાન કર્યું હોય! આ વિસંગત જણાતી પરિસ્થિતિની અભિવ્યક્તિ આ દૃશ્યમાં કેટલી દિલકશ અને સુસંગત છે!  સાંભળો…

યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે
મુજે ડોર કોઈ ખીંચે, તેરી ઓર લિયે જાયે

દૂર રહતી હૈ તૂ, મેરે પાસ આતી નહીં
હોઠોં પે તેરે, કભી પ્યાસ આતી નહીં
ઐસા લાગે, જૈસે કે તૂ, હંસકે જહર કોઈ પિયે જાયે… યે શામ મસ્તાની…

બાત જબ મેં કરું, મુજે રોક દેતી હૈ ક્યોં
તેરી મીઠી નજર, મુજે ટોક દેતી હૈ ક્યોં
તેરી હયા, તેરી શરમ, તેરી કસમ મેરે હોઠ સિયે જાયે… યે શામ મસ્તાની

એક રૂઠી હુઈ, તકદીર જૈસે કોઈ
ખામોશ ઐસે હૈ તૂ, તસવીર જૈસે કોઈ
તેરી નજર, બનકે જુબાં, લેકિન તેરે પૈગામ દિયે જાયે…

યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે
મુજે ડોર કોઈ ખીંચે, તેરી ઓર લિયે જાયે… યે શામ મસ્તાની…

રાહુલ દેવ બર્મનના સંગીતનો નશો અને કિશોરકુમારના યુવા કંઠનો કેફ દર્શાવતો સંમોહિત કરતો અવાજ. જેણે કટી પતંગ ફિલ્મ ન જોઈ હોય તેને પણ નશામાં ડૂબાડી દે તેવું આ ગીત તમે અવશ્ય સાંભળ્યું હશે. પણ… વાતમાં ટ્વીસ્ટ હવે આવે છે!

ભાષાની કમાલ જુઓ! હિન્દી ભાષામાં સ્વરબદ્ધ થયેલું આ ગીત બંગાળી ભાષામાં, અલગ શબ્દોમાં, છતાં એ જ સૂરમાં સ્વરબદ્ધ થયેલું છે. સૂર અને સ્વરનો કેવો અદભુત સમન્વય! આવા ગીતોને બંગાળીમાં ‘આધુનિક ગાન’ કહે છે!

ગીતનો એ જ લય, પણ ભાષા અલગ હોય ત્યારે શબ્દો તો અલગ જ હોય ને! આ ગીત કિશોરદાએ જ બંગાળી ભાષામાં ગાયું છે! જો વાદ્યમાં કોઈ આ બંગાળી ગીત વગાડે તો સહુ એમ જ કહેશે કે આ તો ‘કટી પતંગ’ નું  ‘યે શામ મસ્તાની…’ ગીત વાગે છે! તમને થશે કે એવું કાંઈ બને? એ જ તો સંગીતકાર, ગાયક અને કવિની કમાલ  છે! જુઓ એ ગીતના શબ્દો છે…’આકાશ કેનો ડાકે…’  

આકાશ કેનો ડાકે મોન છૂટે ચાઈ
મોયૂરપંખી મેઘ ઓય જાય ભેસે જાય
આકાશ કેનો ડાકે મોન છૂટે ચાઈ
મોયૂરપંખી મેઘ ઓય જાય ભેસે જાય

દૂર થેકે દૂર આરો બોહુદૂરે 
પોથ થેકે પોથ ચોલિ ઘૂરે ઘૂરે 
ભાંગા એ મોન નિયે આમિ એકા એકા ચોલેછિ કોથાય.. આકાશ કેનો ડાકે

નીલ ભાંગા નીલ સુદૂર કિનારે
રોદેર કારુકાજ મેઘેર મિનારે
આમિ જે કાર કે આમાર સે કથા કિ બોલબે આમાય..

આકાશ કેનો ડાકે મોન છૂટે ચાઈ
મોયૂરપંખી મેઘ ઓય જાય ભેસે જાય

આ ગીત સાંભળો તો એમાં કાંઈક જુદો જ ભાવ છે. આપણને બંગાળી ભાષા ન આવડતી હોય તો પણ આ ગીતનો ભાવ આપણે સમજી શકીએ છીએ : ‘મને આકાશ કેમ બોલાવે છે? મારું મન ત્યાં જવા ઈચ્છે છે. આ મયૂરનો કેકારવ સાંભળી વાદળ આવી આવીને અદૃશ્ય કેમ થઇ જાય છે? મારું આ ભગ્ન હૃદય  લઈને હું દૂર દૂર સાવ એકલો ક્યાં જઈ રહ્યો છું? અને હું કયા રસ્તે ચાલ્યો જાઉં છું? આ રસ્તો મને કિનારાથી દૂર પેલી ક્ષિતિજ પાસે લઇ જઈને શું કહેવા માગે છે? મને આકાશ કેમ બોલાવે છે?’

‘યે શામ મસ્તાની…’ ગીતમાં પ્રેમની ભાવસભર અભિવ્યક્તિ છે. કોઈનો પ્રેમ પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના છે. દરેક યુવકના હૃદયની પ્રેમની ભાવના અહીં પ્રવાહિત થાય છે. તો બીજી રચના રાહીને આધ્યાત્મિક દિશા તરફ જવાનો સંકેત કરે છે. જાણે કોઈ અનાહત નાદ અવશપણે તેને પોતાની પાસે બોલાવે છે. ક્યાં જવાનું છે? શા માટે જવાનું છે? એવા પ્રશ્નો મનમાં જાગે તે પહેલાં જ અવશ ચરણ દૃશ્ય-અદૃશ્ય વાદળ પાછળ ચાલવા લાગે છે… એ કોણ જાણે ક્યાં જઈને અટકશે તેની કોઈને ખબર નથી, શું તમને ખબર છે?

— હર્ષદ દવે, વડોદરા

hdjkdave@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મને આકાશ કેમ બોલાવે છે? (યે શામ મસ્તાની) – હર્ષદ દવે