શું કહ્યું? બાળપણ અને આધ્યાત્મિકતા? – ભારતીબેન ગોહિલ 11


(‘અલ્લક દલ્લક’ સ્તંભ અંતર્ગત ત્રીજો મણકો)

બાળકોને બહાર ખૂબ ઘુમાવ્યાં. ભીતરનો પ્રવાસ કરાવ્યો કદી? પ્રયોગ કરવા જેવો.. મનની આંખે ને કલ્પનાની પાંખે! શરૂઆતમાં આંગળી પકડી તેને દોરજો. પછી ધીમે ધીમે મુક્ત રીતે વિહરવા ને નિજાનંદ માણવા દેજો. જોજો. સમગ્ર બ્રહ્માંડ આ નાનકડા પ્રવાસીઓને આવકારવા કેવું તત્પર હશે!

“શું કહ્યું? બાળપણ અને આધ્યાત્મિકતા?”

“હા.. ભૈ.. હા..”

કવિ રમેશ પારેખે બહુ સુંદર વાત કરી છે.

વહેશે તે દરિયાને મળશે,
અટકે તે પથ્થર થઈ જશે,
બાળક એવું બીજ જેમાંથી
કોઈ ઊગી ઈશ્વર થઈ જશે!

અહીં બાળકનું વહેવું, અટકવું અને ઊગી નીકળવું એવી ત્રણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પૃથ્વી પર અવતરતો દરેક બાળક પોતાની સાથે એક શક્તિપુંજ લઈને જન્મે છે. આ શક્તિપુંજનો ક્યાં, કઈ રીતે અને કેટલો વિકાસ થઈ શકે તે તેને મળતા વાતાવરણ પર નિર્ભર હોય છે. આ વાતાવરણને અસર કરતાં ઘણાં જ પરિબળો હોય છે. તેમાંનું એક પરિબળ એટલે ‘બાળકેળવણી’

બાળકેળવણી બાળકમાં રહેલી મૌલિકતા શોધી તેના વિકાસ માટેની તમામ તકો પૂરી પાડે છે. તે બાળકની ચેતનાને પ્રજ્વલિત કરે છે. તેના વિચારોની ક્ષિતિજોનો વિકાસ કરે છે. અને મુખ્ય તો જીવન જીવવાની કલા શીખવે છે. ઉત્તમ રીતે કેળવાયેલા બાળકનું ધીમે ધીમે એક પૂર્ણ માનવશક્તિમાં રૂપાંતર થાય છે. આગળ જતા આ માનવશક્તિ સમાજ માટે એક વરદાન બની રહે છે.

બાળકેળવણીનો મતલબ ઔપચારિક શિક્ષણ એવો જરાપણ નથી. કેળવણીની શરૂઆત તો બાળકના પૃથ્વી પરના અવતરણની સાથે જ પરિવારના માધ્યમથી થવા લાગે છે. ત્યારબાદ વિદ્યાલય, સમાજ, ટેકનોલોજી, સાહિત્ય વગેરે માધ્યમ દ્વારા આ યાત્રા સતત આગળ વધતી રહે છે. તેમાં વિવિધ પ્રકારનાં મૂલ્યો, સંસ્કાર, ધર્મ વગેરે પણ પોતાની ભૂમિકા ભજવે છે.

ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ મૂલ્યો એટલે શું? આ મૂલ્યો વિશે માત્ર થોડા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે “મૂલ્યો એટલે માનવીનો ઉત્તમ વ્યવહાર.” તેમાં વ્યક્તિગત, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, નૈતિક, આધ્યાત્મિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એમ તમામ પ્રકારનાં મૂલ્યોનો સમાવેશ થાય છે.

આજે વાત કરવી છે અધ્યાત્મ અને આધ્યાત્મિક મૂલ્યોની. વાંચીને આશ્ચર્ય થયું ને? તમને પ્રશ્ન પણ થયો હશે કે “અરે! બાળકો હજુ તો ઊગીને ઊભાં થયાં નથી ત્યાં અધ્યાત્મની વાતો?”

આપણને ખબર છે.. નાનકડા છોડને વ્યવસ્થિત ઉછેરવો હોય તો જરૂરી પ્રકાશ, પાણી, ખાતર અને અન્ય માવજત શરૂઆતથી જ કરવી પડે છે. ત્યારે ધીમે ધીમે એ છોડ પ્રગતિ કરે છે. તેનામાં થતી વૃદ્ધિ, પકડાતી લીલાશ, કોમળતા એ સીધી નજરે દેખાતું નથી પણ સમય જતાં છોડમાં આવતું પરિવર્તન દેખાઈ આવે છે. એમ જ આધ્યાત્મિક મૂલ્યો ધીમે ધીમે બાલ્યાવસ્થાથી શરૂ થઈ પુખ્ત વ્યક્તિમાં આંતરચેતના રૂપે વિકસે છે.

કોણ જાણે કેમ પણ આપણે અધ્યાત્મ અને ધર્મને ઉંમર સાથે જોડી દીધું અને એને સ્થાન પણ ક્યાં મળ્યું? છે…ક ચોથા આશ્રમમાં! ખરેખર તો આ બંનેને જીવનવ્યવહાર સાથે સંબંધ છે. આપણા શ્વાસની સાથે જ એ વ્યવહાર પણ શરૂ થઈ જાય છે!

ઉંમર સાથે જેને લેવાદેવા નથી એવું અધ્યાત્મ આખરે છે શું? આ રહ્યો જવાબ!

અધ્યાત્મ એટલે આત્મિક વિકાસ
અધ્યાત્મ એટલે ઈશશ્રદ્ધા.
અધ્યાત્મ એટલે પ્રકૃતિધર્મ.
અધ્યાત્મ એટલે માનવીય વ્યવહાર.
અધ્યાત્મ એટલે ચેતનાજાગૃતિ.
અધ્યાત્મ એટલે ઊર્જાસંચય.
આ યાદી ઘણી જ લાંબી થઈ શકે.

જોકે એવું પણ નથી કે આપણે આ દિશામાં કશો પ્રયત્ન જ નથી કરતાં. કરીએ છીએ પણ કદાચ સભાનતાપૂર્વક થવો જોઈએ તે નથી થતો.

બાળકોને આપણે રોજિંદી પૂજામાં સામેલ કરીએ છીએ. આપણા ધાર્મિક ગ્રંથોનો પરિચય આપીએ છીએ. તેના દ્વારા શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, સંયમ, એકાગ્રતા જેવાં મૂલ્યોનું સિંચન કરવા પ્રયત્ન કરીએ છીએ. આપણી શાળાઓમાં પણ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ થતી હોય છે. વિવિધ પ્રકારની સ્તુતિઓ પણ બોલાતી હોય છે.. અધ્યાત્મ ક્ષેત્રે શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત કરનાર મહાપુરુષોનો પરિચય કરાવીએ છીએ, રોજબરોજના શૈક્ષણિક કાર્યમાં યોગને સ્થાન અપાય છે, ઉત્તમ પુસ્તકો વાંચવાની પ્રેરણા અપાય છે.

વેશભૂષા જેવી પ્રવૃત્તિ દ્વારા, વિશિષ્ટ દિનની ઉજવણી દ્વારા, બાળકોને પ્રવાસ પર્યટન દ્વારા શાળા અને પરિવારજનો બાળકોને એ સમજ આપવા પ્રયત્ન કરતાં હોય છે.

ભલે એ ઉંમરે કદાચ એને પૂર્ણ અર્થ ન સમજાય,  પણ એ દિશામાં બાળકનું મન જાગૃત થાય એ પણ મોટી વાત છે! બાળકનું શરીર સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહે.. રોગવિહિન રહે તેના રક્ષણ માટે રસીકરણની શરૂઆત જન્મતાની સાથે જ કરી દઈએ છીએ તો રસીકરણની જેમ જ સંસ્કારકરણ પણ કરવું પડશે ને!

એ તો સ્વાભાવિક બાબત છે કે આ પ્રકારનાં મૂલ્યો ભણાવી કે શીખવી શકાતાં નથી. બાળકો વડીલો પાસેથી કે અન્ય જગ્યાએથી તેને આત્મસાત કરે છે.

આ જુઓ.. પછી કહેજો.

~ તમે સપરિવાર દિવસમાં એક વખત પૂજા-પાઠ કરો છો?
~ તમે પોતે યોગ કરો છો અને બાળકોને કરવા માટે પ્રેરણા આપો છો?
~ કુદરતી આપત્તિ વખતે સમૂહ પ્રાર્થના કરો છો?
~ અસરગ્રસ્તોને કંઈ મદદ કરો છો?
~ બહાર લઈ જઈ બાળકોને કુદરતનાં તત્ત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, વાદળ, વરસાદ, સમુદ્ર, બગીચા વગેરે દ્વારા ઈશ્વરના આ અદ્ભુત સર્જનનો પરિચય કરાવો છો?
~ તમે તમારા ધર્મ વિશે, ધાર્મિક ગ્રંથ વિશે, ધર્મનાં પ્રતીકો વિશે કે ધાર્મિક સ્થળોની વિશેષતા વિશે બાળકોને તેમની ભાષામાં સમજાવો છો?
~ બાળક ક્યારેક નિષ્ફળ જાય ત્યારે તેનો આત્મવિશ્વાસ ડગે નહીં તે માટે “અમે તારી સાથે છીએ.. ચિંતા ન કરતો.” જેવું આશ્વાસન આપી મનોબળ ટકાવવા પ્રયત્ન કરો છો?

ઉપરોક્ત બાબતોમાં તમારો ઉત્તર જો “હા” હોય તો તમે તમારાં બાળકને આધ્યાત્મિક બનાવવાની દિશામાં અને આત્મિક વૈભવની સમૃદ્ધિ વધારવાની દિશામાં છો એ સાબિત થાય છે.

સામાન્ય રીતે પ્રકૃતિમાં દ્વિસ્તરીય વ્યવસ્થા જોવા મળે છે. એક એવું જે નરી આંખે જોઈ શકાય. એટલે કે સ્થૂળ સ્વરૂપે હોય. બીજું એવું કે નરી આંખે જોઈ શકાતું નથી પરંતુ કેટલાંક ગુણો વડે તેનો અનુભવ થઈ શકે છે.

વૃક્ષો દેખાય છે.. તેના ગુણો અનુભવાય છે.
મૂર્તિઓના દર્શન થાય છે.. શ્રદ્ધા અનુભવાય છે.
ભોજન આંખોથી જોવાય છે.. સ્વાદ અનુભવાય છે.
ફૂલો નિહાળી શકાય છે..સુગંધ અનુભવાય છે.

સાચે જ આ અનુભૂતિવિશ્વ એક અનોખું વિશ્વ છે. આંતરચક્ષુઓ વડે જોઈ શકાય છે. જરૂર પડે છે એ ચક્ષુઓ ખોલવાની. આપણી જો ખુલશે તો આપણે આપણા બાળકોની ખોલી શકીશું. અને એટલે જ આધ્યાત્મિકતાની જીવનમાં આવશ્યકતા છે. પૂ. ગાંધીજીએ કહેલું, “આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર ઘડવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્માનું જ્ઞાન મેળવવું. આ જ્ઞાન મેળવવામાં બાળકોને ઘણી જ મદદ જોઈએ.” સાચે જ બાળકોને આ પ્રકારની મદદ કરી તેનાં ઘડતરમાં આપણે સહભાગી થવું જોઈએ.

————————————

કેવી ભાવભરી બાળપ્રાર્થના!

જેજે મારા જેજે બાપાને, જેજે મારા જાજા,
નાઈ નાઈ કરજો જેજે બાપા, ભૂ ભરી લાવું તાજાં.
કરું કપાળે ચંદન ટીલું,  ફૂલ ચઢાવું જાજા,
ખાઓ કેળાં, કેરી, ચીકુ, દૂધડાં પીવો તાજાં.
તમે ભલે મોટા જગરાયા, હું પણ બાળારાજા,
જળાંહળાં થાય આરતી-દીવા, ટન ટન ટંકોરી વાજા,
કરજો સૌનું ભલું ભલું ભઈ સહુને રાખજો સાજા.
(ડૉ. રક્ષાબેન દવે)

– ભારતીબેન ગોહિલ

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “શું કહ્યું? બાળપણ અને આધ્યાત્મિકતા? – ભારતીબેન ગોહિલ

 • Hitesh Thakakr

  In Picture Hitchki – Rani mukherjee ‘s answer to the professor about quality of education – There are no bad students but there are bad teachers. Thanks Bharti ben for teaching elders like me how to be good parent so that, I can help in journey of children’s around me in their journey for manifestation.

 • DHIRAJLAL GULABBHAI PARMAR

  આધ્યાત્મિકતા વિકાસ માટે નાનપણથી જ સંસ્કાર સિંચન ખૂબ જ જરૂરી છે.મૂલ્ય વિશેની વ્યાખ્યા સ્પષ્ટરૂપે રજૂ કરી.
  વાંચીને આનંદ થયો.

 • પરભુભાઈ મિસ્ત્રી

  ખુબ સરસ વાતો લખી, ભારતીબેન. હાર્દિક અભિનંદન.આવું સરસ લખતા રહેજો. અપેક્ષા રાખું કે આપાયાની વાતનો પ્રસાર થાય અને માબાપ જવાબદાર નાગરિકોનું ઘડતર કરે. જે જીવ આપણે ત્યા બાળક થઈને જન્મ્યો છે તે ભગવાનનું રૂપ છે અને તેનામાં અપાર શક્તિ પડેલી છે. આપણે વડીલો એ શક્તિને પિછાણીએ અને તેને વિકસવા માટે માર્ગ ખુલ્લો કરી આપીએ ભગવાને સોંપેલી આ જવાબદારી છે અને જીવને શિવમાં રૂપાંતર કરવો એ સાધના છે. મા બાપ બનવું રમત વાત નથી; મોટી જવાબદારી છે.

 • Puloma & Dushyant Dalal

  ભારતીબેન ગોહિલે બહુજ પાયાની વાત કરી છે. જરૂર વાંચજો.