૨૦૨૧ : જાને ક્યા હોગા આગે? – આરઝૂ ભૂરાણી 10


તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જિંદગીને આપણી પરીક્ષા લેવામાં, આપણને, આપણી શક્તિઓને, પરિસ્થિતિ સામે ઝઝૂમવાની આપણી તાકાતને ચકાસવામાં કંઈક અનેરો આનંદ આવતો હશે. ૨૦૨૦ આપણાં સૌ માટે એવું વર્ષ રહ્યું છે કે જેમાં દરેક વ્યક્તિ માટે બહુ બધું અણધાર્યું ને અણગમતું બન્યું છે.

કેટલાં બધાં લોકોએ સ્વજનો ગુમાવ્યાં, નોકરીઓ ગુમાવી, ધંધામાં મોટાં મોટાં નુક્સાનો થયાં, મને-કમને એકસાથે રહેવું પડયું, એક ઘરમાં ન રહેવા છતાં અમુક લોકો એકબીજાની સમીપે આવ્યાં અને અમુક લોકો એક છત નીચે રહેવા છતાં જોજનો દૂર જતાં રહ્યાં! બીમારી, હતાશા, તકલીફો, ડિપ્રેશન, અદ્રશ્ય સજીવની પ્રચંડ તાકાત, મૃત્યુ, પૈસો, સંબંધોનું મહત્વ, હુંફનો અર્થ, કોઈ આપણી પાસે છે એ લાગણીની ભીનાશ – એ બધું જ આપણે આ વર્ષમાં અનુભવ્યું છે. આપણી લાગણીઓનાં ગુલ્લકને થોડું વધુ સમૃદ્ધ બનાવ્યું છે આ કપરાં સમયે.

કદી નહિ ધારેલાં વ્યક્તિઓ એ કરેલી આપણી મદદ અને જેનાં પર આંખો મીંચીને વિશ્વાસ કરેલો હોય એવી વ્યક્તિઓએ આપેલાં દગા એ આપણને હવે વધુ સાવચેત બનાવ્યાં છે. ફક્ત કોરોના નામનો એક વાઇરસ આવ્યો ને આપણે સૌએ પહેરેલાં દંભ, દેખાડા, માણસાઈનાં બધાં જ સુંદર અને ચમકતાં સુંદર વાઘાઓને તેણે ચીંથરેહાલ ફાડીને સચ્ચાઈને સામે લાવી દીધી છે.

આપણે સૌ ઘણુંબધું પ્રેડિકટ કરતાં હોઈએ છીએ, ધારી લેતાં હોઈએ છીએ. આ સ્થિતિ આમ છે તો હવે આગળ આવું થશે, ને હું આમ વર્તીશ. આ સ્થિતિને કાબુમાં કરવી તો મારા માટે રમત વાત છે! પૈસાથી શું ન ખરીદી શકાય? સત્તા ને સંપત્તિ હોય એટલે બધું જ થઈ જ જાય- આ બધાં વાક્યો પરનો આપણો ભરોસો હવે ડગમગી રહ્યો છે. જીવનની, વ્યક્તિની, વિશ્વાસની, સંબંધની ક્ષણભંગુરતા હવે આપણે સૌ સમજ્યા છીએ. બહુ ગુમાવ્યું છે 2020માં આપણે સૌએ, પણ દરેક કપરો સમય નવી શરૂઆતની એંધાણી લઈને આવે છે.

ઘોર અંધારું હોય તો સમજવું કે,
હવે સૂરજ ઊગવાનો સમય વધુ નજીક છે!

આપણાંમાંથી કોઈ એક વ્યક્તિ પણ એવી નહીં હોય કે જેને એવું લાગ્યું હોય કે આ વર્ષ ખૂબ સારું રહ્યું કે હવે ફરી આવું વર્ષ મારી જિંદગીમાં આવવું જોઈએ! કારણ? આપણે માણસ છીએ! આપણને સતત એક એવાં ભ્રમમાં રહેવું છે કે જ્યાં આપણે એવું માની શકીએ કે ‘એવું તો કંઈ જ નથી, જેને હું પ્રેડિકટ ન કરી શકું! દરેક સ્થિતિને કાબુમાં કેમ લેવી એ મને આવડે જ છે!’ અને એવી કોઈ પણ વાત કે વ્યવસ્થા આપણાં આ ભ્રમને તોડે એટલે એ અણગમતું બની જાય. કુદરતે આપણને આપણું અસ્તિત્વ ને આપણી શક્તિઓની મર્યાદા કે લિમિટ બતાવી દીધી છે ને આપણે એને પચાવી નથી શકતા એટલે આ વર્ષ નકામું ને બેકાર લાગે છે. બેશક, જે થયું એ આપણાં માટે આઘાતજનક જ છે પણ આ વર્ષ બધાં માટે કંઈક તો સારું લઈને આવ્યું જ હશે ને?

આપણે જોઈએ છીએ કે બહુ બધાં લોકો હવે મનોચિકિત્સક પાસે જઈ રહ્યાં છે. કારણ પૂછીએ તો? ડિપ્રેશન! આ સમયે આપણી ઘીરજે, લોકો પરનાં વિશ્વાસે, સ્વજનોએ, આર્થિક સ્થિતિએ આપણને જવાબ દઈ દીધાં છે ને એ પચાવવાનું આપણું જોમ નથી રહ્યું હવે. જીવન જીવવા કરતાં હવે મૃત્યુ સહેલું લાગે છે કેમ કે ત્યાં કોઈ દેખાડા નથી કરવાનાં! જે છે એ છે જ અને એ જ સત્ય છે એટલે એ સહેલું લાગે છે. માણસાઈ જે આપણાં બાપદાદાનાં સમયે દરેક ઘરે પહેરાતું ઘરેણું હતું એ હવે ભાગ્યે જ જોવા મળે છે! આ વર્ષ તો આવવાનું હતું તો આવ્યું ને તકલીફો પણ લાવ્યું. પણ એનો અર્થ એવો તો ક્યારેય નથી કે આપણે ફરી કશું સારું નહીં જોઈએ! આવી તો કેટલીયે તકલીફો વિશ્વમાં કેટલીયે વાર આવીને જતી પણ રહી. આપણી પરીક્ષા કરવી એ કુદરતનું કામ છે, તો એ પરીક્ષા સાચાં દિલથી આપીને એને પાર કરવી એ આપણી ફરજ છે! એમાંથી તો ન જ ચૂકાય! આપણી માં એ ખાધેલી સવાશેર સૂંઠનું શું થશે તો?

એક વાર એક સંત હતાં. દરિયાકિનારે ફરી રહ્યાં હતાં. એવામાં એમનું ધ્યાન ગયું કે એક વીંછી દરિયામાં ડૂબી રહ્યો છે. એ તરત દોડતાં ગયાં ને એ વીંછીને બહાર કાઢ્યો. પણ જેવો બહાર કાઢ્યો એ વીંછીએ સંતને ડંખ માર્યો. સંતનાં હાથમાંથી એ ફરી દરિયામાં પડ્યો ને ડૂબવા લાગ્યો. સંતે એને ફરી બહાર કાઢ્યો. આવું ઘણી વાર થયું. ઘણી વારથી સંતને જોઈ રહેલી એક વ્યક્તિ એ કહ્યું કે ” તમને શું છે મુનીજી? છોને ડૂબી મરે! એક તો એને બચાવવાની મહેનત કરો ને તોય ડંખ ખાવાનાં, એનાં કરતાં એ પળોજણ જ મુકો ને!” સંતે ખૂબ સરસ જવાબ આપ્યો. ” ડંખ મારવો એનો સ્વભાવ છે ને એને બચાવવો એ મારો! જો એ પ્રાણી થઈને એનો સ્વભાવ નથી છોડતો તો હું મનુષ્ય થઈને મારો સ્વભાવ કઈ રીતે છોડી શકું?” 

છે ને માર્મિક વાત? ગયાં વર્ષે હસતાંરમતાં કેટલાંય બગીચાઓ ને ઉજ્જડ કરી દીધાં છે. એ બાગને ફરી મધમઘતા કરવાં એ આપણી ફરજ છે જ. આપણી અંદર જોઈએ! કંઈક એવું શોધીએ જે આપણને અમીર બનાવે છે. એવું કે જે આપણી પાસે અખૂટ હોય, એને વહેંચીએ! સમય આવી ગયો છે આપણાં લાગણીનાં ગુલ્લકને ખોલવાનો ને એમાંથી આપણી કિંમતી સોગદોને વહેંચવાનો. 2020માં આપણે એવું તો કેટલુંય કર્યું હશે જે આપણને પોતાને નહીં ગમ્યું હોય. એને બાજુ પર મૂકીને એક નવી શરૂઆત કરીએ! ઘણું બધું છે કરવાં માટે, પણ કમસેકમ આ 4 વાતો તો કરીએ જ એવો નિયમ બનાવીએ.

૧) પોતાની જાતને સત્ય, અર્ધસત્ય અને અસત્યમાંથી મુક્ત કરીએ. 

ડગલેને પગલે ઘણાંને એવી આદત હોય કે ખોટું બોલી દે. કોઈનો કોલ આવ્યો ને ફોન લઈને બેઠાં હોઈએ તો કહી દઈએ કે બીઝી છીએ, કોઈને મદદની જરૂર પડે ત્યારે ત્યાં જવાનું ટાળી દઈએ! આ બધું આ 2021થી તો બંધ જ કરી દઈએ. જે સત્ય છે એને સ્વીકારીએ. ઘણી વાર એવું ખોટું બોલતી કે હું તો બિલકુલ સત્ય કહું છું એ વખતે આપણે પણ જાણતાં હોઈએ છીએ કે જે કહેવાઈ રહ્યું છે એ નર્યું જૂઠ છે! આપણી પોતીકી કે પ્રોફેશનલ એક પણ જિંદગીમાં સત્ય સિવાયની બધી જ વાતો નકામી છે એ આપણે જાણીએ જ છીએ તો અર્ધસત્ય કે અસત્ય બોલવાની આદત તો મૂકવી જ રહી. ઘણી વાર અસત્ય સાંભળનારને નથી ખબર હોતી કે સત્ય શું છે, પણ અસત્ય બોલનાર ને ચોક્કસપણે ખબર હોય છે કે સત્ય શું છે!

૨) આપણાં શબ્દો પર ધ્યાન આપીએ..! માઈન્ડિગ અવર ઓન વર્ડ્સ!

કેટલીય વાર આપણને શું બોલવું ને ક્યાં બોલવું એની સભાનતા નથી હોતી ને કદાચ હોય પણ છે તો પણ આપણે એવું કરીએ છીએ. એક વાર એક ભાઈએ એનાં ઓફીસનાં મિત્રોને એનાં ઘરે પાર્ટી કરવાં બોલાવ્યાં. બધાં જ મોજમસ્તી કરી રહ્યાં હતાં એટલી વારમાં એનો યુવાન દીકરો ઘરે આવ્યો. ભાઈનાં કોઈ એક મિત્રએ એ બાળકને પૂછ્યું કે તારું યુનિટ ટેસ્ટનું શું રિઝલ્ટ આવ્યું? મારાં બાળકને તો 97% આવ્યાં. પેલાં બાળકે ડરતાં ડરતાં જવાબ આપ્યો કે 79%. ખલાસ! પેલાં ભાઈનું મગજ ગયું. એમને એટલી જ વાત ખરાબ લાગી ગઈ કે મારાં દીકરાને આટલાં જ ટકા ને પેલાનાં બાળકને કેટલું સારું રિઝલ્ટ મળ્યું. બધાં સામે બિચારાને હડધૂત કરી દીધો ને ગુસ્સામાં પેલાં બાળકે બાલ્કનીમાંથી કૂદકો મારીને જીવન ટૂંકાવી દીધું! રાઈ જેટલી વાતનો પહાડ કરી મૂક્યો શબ્દોનાં પ્રભાવે! આપણાં સંબંધોમાં, લોકો સાથેનાં વ્યવહારમાં ખાસ ધ્યાન રાખીએ કે આપણી વાત કોઈને ખોતરી ન ખાય. પેલી દીવાલ અને ખીલ્લી વાળી વાત આપણે સૌ જાણીએ છીએ. એટલું તો ધ્યાન રાખીએ જ કે કોઈના હૃદયની દીવાલમાં આપણે ન ખૂંચીએ. 

૩) નાની નાની વાતોનું મહત્વ સમજીએ! એને વધાવીએ.

કહેવાય છે કે જો આપણે દિવસો સુધી સતત છોડ સાથે વાતો કરીએ તો એ ખૂબ સારી રીતે વિકાસ પામે છે. આપણે જોઈએ છીએ કે આપણાં ઘરે રહેલાં ગલૂડિયા, બિલાડી કે પછી ભયાનક કહેવાતાં સિંહ ને વાઘ કે મગરને ટ્રેન કરવાં હોય તો એમને નાની નાની વાતોમાં એપ્રિશીએટ કરવામાં આવે છે. જો અબોલ પ્રાણીઓ અને વનસ્પતિઓ પણ આ ભાષા સમજતી હોય તો મનુષ્યની તો શું વાત જ કરવી! એક વાર એક સમૃદ્ધ ઘરમાં ઘરડાં દાદા-દાદીને નવો ફોન અપાવવામાં આવ્યો. બંનેએ થોડાં દિવસ શીખવાની કોશિશ કરી. પોતાનાં બાળકોને પૂછે પણ ફરી ભૂલી જાય. પછી તો ધીરે ધીરે બધાં તેમની સાથે ઓછું ને તોછડું બોલતાં થઈ ગયાં. બધાને એક જ બીક લાગે કે જો વાત કરવાની કોશિષ કરીશું તો ફરી કંઈક શીખવાડવું પડશે. આ આખી ઘટના ઘરનાં સૌથી નાનાં પૌત્રને ખૂંચી. એને બીડું ઝડપ્યું કે હું શીખવાડીશ. એક નાનકડું ફંક્શન આવડે એટલે એ બાળક એમને ચોકલેટની ટ્રીટ (ભેટ) આપે. ને પેલાં બન્ને ખડખડાટ હસી પડે. આમ 15 20 દિવસમાં એ બાળકે દાદા-દાદી બન્નેને કામચલાઉ ફોન વાપરતાં તો શીખવી જ દીધું. છે ને મજાની વાત?

૪) બી ઓપ્ટિમીસ્ટિક! ભવિષ્ય માટે આશાવાદી બનીએ. 

૨૦૨૦ ભલે ને આપણાં સૌ માટે ખરાબ ગયું હોય પણ કશુંક તો 2021માં સારું થશે જ. દરેક કપરો સમય આપણને તોડવા કે હતાશ કરવાં નથી આવતો. ટોચ પર જવા માટે સીડી ચઢવી પડે. એ માટેનાં પગથિયાં તો બનાવવા પડે ને? જો રોગ આવ્યો છે તો એની વેકસીન પણ આવશે જ. જો આજે તકલિફ છે તો કાલે એનો ઉકેલ પણ મળશે જ. પણ હા, શોધવો આપણે પડશે! દરેક સ્થિતિ, સમય કે વ્યક્તિને આપણાં લાગણીનાં ગુલ્લકને ખોલીને, સાચાં મનથી ગળે લગાડીએ! ચોક્કસપણે આપણે આપણાં સૌ માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીશું. સમયથી કે સ્થિતિથી ભાગવાનો અર્થ જ નથી. સાચાં મિત્ર બનીએ ને બનાવીએ, સંબંધોને હજુ વધારે હુંફથી સિંચીએ. જ્યારે બહુ લાગી આવે કે તકલીફ પડે ને ત્યારે કવિ મકરંદ દવે એ લખેલી આ પંક્તિઓ ચોક્કસ વાંચી લેવી.

boy carrying a child

ઉપરવાળી બેંન્ક બેઠી છે
આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો,
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ.
– મકરંદ દવે

હેપી ન્યૂ યર ૨૦૨૧ આપણને સૌને!!

– આરઝૂ ભૂરાણી.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “૨૦૨૧ : જાને ક્યા હોગા આગે? – આરઝૂ ભૂરાણી