આલિંગન (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી 6


તે પૂછ્યો તો પ્રેમનો મર્મ, ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો, સરિતાએ તોડ્યા તટનાં બંધન!
– હરીન્દ્ર દવે

આલિંગન..

ડીસેમ્બરની ઠંડી ખુશનુમા સવારે વીતેલી સાંજના આપણા આલિંગનને મમળાવતી હું અગાસીની પાળી પર સૂર્યોદય નિહાળતાં બેઠી છું. આપણું આલિંગન, જેની હુંફમાં તને કોઈ એકાંત, અલગ પ્રદેશમાં પહોંચી ગયાની અનુભૂતિ થાય છે અને મને, દુનિયાના સહુથી સુરક્ષિત સ્થાને આવી ગયાનો અહેસાસ થાય છે. એ આલિંગન જેમાં પ્રેમનો એકરાર નથી, જેમાં આજીવન સાથે રહેવાના વાયદા નથી, એ આલિંગન જેમાં આવતીકાલે મળીશું કે નહિ મળીએ એની ખબર નથી.. બે હ્રદયોની છાતીની એ ભીંસમાં સ્વચ્છ નીર જેવી, નીરભ્ર આકાશ જેવી માત્ર કોઈક સુખની અનુભૂતિ છે.

આપણે મળીએ એ પૂલની બંને છેડે વહેતી નદી છે. પાળી પર અઢેલીને તું ઉભો હોય અને તારી છાતી પર માથું ઢાળીને, મારા બંને હાથને તારી કમર પર વીંટાળીને પૂલના ડાબી તરફના અંતને જોતી હું ઉભી હોઉં છું… આપણી આંખો બંધ થાય છે, અને એ બંધ આંખોમાં સમય થંભી જાય છે. આસ પાસ, આગળ પાછળ, વર્તમાન, ભવિષ્ય બધું જ અટકી જાય છે.. થરથરતો શિયાળો એ આલિંગનમાં ઓગળી જાય છે, ને બરફ જેવી કોઈક ક્ષણ હ્રદયમાં આવીને અટકી જાય છે! એવું આલિંગન જેમાં પ્રેમનું વચન નથી, સાત જન્મોનું બંધન નથી, ક્યાંક જવાની કે ક્યાંય પહોંચવાની શરત નથી, બસ શરીરના બંધનથી પરે એવી કોઈક અવર્ણનીય હુંફ છે. પૃથ્વી પર આપણા પચ્ચીસ વર્ષોના અસ્તિત્વને લાગેલો થાક જાણે એ અદ્ભુત ‘હગ’ની ક્ષણો ઓગાળી દે છે. હ્રદયને લાગેલા પીડાના ઉઝરડાઓને એ થોડી ક્ષણોનું આલિંગન રુજાવી દે છે. એ ક્ષણે પ્રેમવિહ્વળ નાયિકા જેવી સ્થિર નદી અને ઉપર ચાંદનીમય શાંત અધમણ આકાશમાં આપણે કશાય બંધન વિના એકરૂપ થઈ જઈએ છીએ.

ને પછી મારી આંખો ખૂલે છે.. શિયાળાની આથમી ગયેલી સાંજે સ્થિર નદીના પાણીમાં એક શણગારેલી ઈમારતનો રંગીન પ્રકાશ પડછાયો જોઉં છું. એ ઈમારત લગ્નબંધનમાં બંધાવા જઈ રહેલા કોઈક સ્ત્રી અને પુરુષના પ્રેમની મંજિલ છે. જેને તું ને હું જોઈ શકીએ છીએ, આપણા અસ્પષ્ટ ભવિષ્યથી ‘સભર’ આંખોથી, હાથમાં હાથ પરોવીને..! સાત જન્મોનો સંબંધ, અગ્નિની સાક્ષીથી ઉજવાતો બંધનનો ઉન્માદ..! કોઈકમાં ઓગળી જવું, કોઈનું થઈ જવું, પ્રેમમાં રિક્ત હ્રદય માટે કેટલું સહેલું હોય છેને..?! તારા આલિંગનની આઘોશમાં દૂર સુધી ફેલાયેલી આ નદીને નિહાળતાં માત્ર એટલી જ ઈચ્છા થાય છે.. ક્યાંક દૂર જવું છે, ખુબ દૂર… આ ઘોંઘાટ, આ સ્થળ, આ શણગાર, અને આ સમયની પણ પેલે પાર… લાગણીઓને રંગ, રૂપ, જાતી, જ્ઞાતિ, દેશ પ્રદેશના સીમાડામાં બાંધતી દંભી દુનિયાથી દૂર, જ્યાં હ્રદયમાં ચહેકતું પ્રેમ નામનું પંખી ઉડી શકે, એના મુક્ત આકાશે..!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “આલિંગન (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી