સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી 11


સ્વાતિ અને સોહમે રજાના દિવસે શોપિંગ કરવા જવાનું નક્કી કરેલું. જેને લઈ સ્વાતિ ખૂબ ખુશ હતી.  પણ છેલ્લી ઘડીએ જ્યારે સોહમે કહ્યું, “સોરી ડિયર, આજે શોપિંગમાં નહીં જઈ શકીએ. મારો બિલકુલ મૂડ નથી”.. સ્વાતિને સમજાયું નહીં કે અચાનક શું બની ગયું?

સ્વાતિની ખુશી એકાએક ગાયબ થઈ ગઈ અને દુઃખી મને એ બેડરૂમમાં જઇને સૂઈ ગઈ. સોહમ મોબાઈલમાં તેની ફેવરિટ તીન પત્તી ગેમમાં મશગુલ બની ગયો. તે ગેમ રમતી વખતે ખૂબ ખુશ દેખાતો હતો. આવું શા માટે બન્યું કે જેમાં બંનેની  દુઃખ અને સુખની લાગણીની એકબીજામાં અદલાબદલી થઈ ગઈ. ખુશખુશાલ સ્વાતિ દુઃખી થઈ ગઈ અને દુઃખી સોહમ ખુશખુશાલ થઈ ગયો. આ બનાવ પાછળ કારણભૂત છે, બ્રેઇન કેમિકલ.

આમ તો આવા જ અથવા આના જેવા જ બનાવો આપણી રોજબરોજની જિંદગીમાં અને આપણી આસપાસના લોકોમાં સામાન્ય રીતે બનતાં જ હોય છે. જેમાંથી કેટલાક સહજતાથી ભૂલાઈ જ્તાં હોય છે અને અમુક જીવનભરની છાપ છોડી જતાં હોય છે… જેમ કે તાજેતરમાં બોલિવડના એકટર સુશાંતસિંહ રાજપૂતે સ્યુસાઇડ કરી લોકોને અચંબામાં મૂકી દીધા.

આપણને એમ થાય કે સુશાંત સિંહ જેવા ટેલેન્ટેડ અને પ્રોમીસિંગ એક્ટર, જે પોતાની ફિલ્મ દ્વારા  લોકોને મેસેજ આપે છે કે સ્યુસાઇડ જીવન કી સમસ્યાઓં કા હલ નહીં હૈ. – તો એવી કઈ સમસ્યા તેના જીવનમાં આવી હશે કે તેમને આત્મહત્યા કરવી પડી? પરંતુ તેમ છતાં આવા પ્રકારની ગળે ન ઊતરે અને ન સમજાય તેવી ઘટનાઓ આપણી આસપાસ બનતી જ રહે છે એ પણ એક અનિવાર્ય સત્ય છે .

કુદરતે આપણા મગજની રચના દેખાવમાં જેવી અજબગજબની કરી છે, તેવી જ તેની કાર્યશીલતા પણ કલ્પનાતીત છે. આપણા રોજબરોજના જીવનમાં આપણે હેપી હોર્મોન્સ, મૂડ એલિવેટર્સ, હોર્મોનલ ઈમ્બેલેન્સ જેવા શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા હોય છે. પણ હકીકતે આપણામાંથી મોટાભાગના લોકો જાણતાં નથી કે

અકારણ ગુસ્સો, તણાવ, મૂડ સ્વિંગ કોઈ ચોક્કસ કારણ વગર શરીરમાં થતા દુખાવા એ  બ્રેઇન કેમિકલ્સના ઇમ્બેલેન્સ નું કારણ હોઈ શકે છે.

તો ચાલો, આજે બ્રેઇન કેમિકલ્સની કમાલ વિશે જાણીએ.

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન તરીકે ઓળખાતા ન્યુરો ટ્રાન્સમીટર્સ અથવા સાત કેમિકલ્સને એકદમ વિગતવાર સમજવામાં આવે તો મનુષ્ય અને પ્રાણીઓના વર્તન તથા તેનામાં થતાં ફેરફારને ખૂબ સરળતાથી સમજી શકાય છે.

માનવ મગજમાં લગભગ ૭૬ બિલિયન ન્યુરોન્સ આવેલા છે, જી હા, ૭૬ અબજ. આ ન્યૂરોન્સ બ્રેઇન માં આવેલ સાત ન્યુરો ટ્રાન્સમીટર્સથી સંદેશાની આપ-લે કરે છે.

આ સાત ન્યુરો ટ્રાન્સમીટર્સ પૈકી રસપ્રદ એવા ડોપામીનને સમજીએ.

(૧) ડોપામીન શું છે?

ડોપામીન એ બ્રેઇનનું એવું  કેમિકલ છે જે ન્યુરો ટ્રાન્સમિટરની જેમ બ્રેઇનને મેસેજ આપવાનું કામ કરે છે.

ડોપામીન બ્રેઇનમાં બનવાની આખી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો, પ્રથમ ટાયરોસીન નામના એમિનો એસિડમાંથી ડોપા નામનું તત્વ બને છે. અને ત્યાર બાદ તેમાંથી ડોપમાઇન હોર્મોન્સ બને છે

(૨) ડોપામીનનો સ્રાવ મગજના કયા ભાગમાંથી થાય છે?

મગજના વેન્ટ્રીકલ ટેગમેન્ટલ એરિયા અને હાયપોથેલેમસ ગ્લેન્ડસમાંથી ડોપામીન નામના ન્યુરોહોર્મોન્સનો સ્રાવ થાય છે.

૧૯૧૦માં પ્રથમ વાર જ્યોર્જ બર્ગર અને જેમ્સ ઇવેન્સે લેબોરેટરીમાં તેને સિન્થેસાઈઝડ કરેલું.

ડોપામીનનો સ્રાવ મનુષ્યો સિવાય પ્રાણીઓમાં પણ થાય છે. 2000 માં ફિઝિઓલોજી અને મેડીસીનમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર એર્વિડ કાર્લસનના આવિષ્કાર મુજબ ડોપામીન એ માત્ર નોરપીનોફ્રીન અને એપીનોફ્રીનનું પ્રાથમિક બંધારણ નથી, પરંતુ ન્યુરોટ્રાન્સમીટર છે, જે મગજના સંકેતોને શરીર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

(૩) ડોપામીન નો સ્રાવ ક્યારે થાય છે ?

જ્યારે કોઈપણ વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરે, જેના પરિણામસ્વરૂપ તેને ખુશી મળે, તેવી પ્રવૃત્તિથી બ્રેઇનમાં ડોપામીન રિલીઝ થાય છે.

જેમ કે કોઈ ગિફ્ટ આપે, સરપ્રાઈઝ પાર્ટી આપે, ખુશખબર, ફૂડ, ગમતું મ્યુઝિક, સેલેરી, બોનસ, વ. કોઈ આનંદદાયક ઘટના બનવાની રાહ જોતા હોઈએ, આશા હોય ત્યારે ડોપામીનનો સ્રાવ થાય છે.

(૪) ડોપામીનનું કાર્ય

ડોપામીનથી મનુષ્યની માનસિક, શારીરિક સ્થિતિ પર ખૂબ મોટી અસર થાય છે. મેમરી, મુવમેન્ટ, મોટિવેશન,

રિવોર્ડ, વ. પ્રકારની પ્લેઝરથી મળતી ફીલિંગ્સ માટે જવાબદાર એ પ્લેઝર ન્યુરોટ્રાન્સમીટરથી પણ ઓળખાય છે. મગજના બહુ ઓછા સેલ ડોપામીન  બનાવે છે. જયારે આપણી સાથે કઈક સારું બને ત્યારે બ્રેઇનના અમુક સેલ્સ એક્ટિવ થઈને ડોપામીન બનાવે છે.

(૫) ડોપામીનના ઇમ્બેલેન્સ ની અસરો

સામાન્યરીતે ડોપામીન રિવોર્ડ કેમિકલ છે.

મગજમાં ડોપામીનનો સ્રાવ જ્યારે યોગ્ય પ્રમાણમાં થાય ત્યારે રોજબરોજની જિંદગીમાં ઉત્સાહ, સાહસ, આનંદ, ચુસ્તી-સ્ફૂર્તિ જળવાઇ રહે છે.  પરંતુ, જ્યારે ડોપામીનના લેવલમાં વધારો કે ઘટાડો થાય ત્યારે અનેક પ્રકારની નાની મોટી સમસ્યા સર્જાય છે.

હાઈ ડોપામીન લેવલ :

અગાઉ આપણે જોઉં તેમ ડોપામીન એ રિવોર્ડ ફંક્શનલ કેમિકલ છે પરિણામે જે પ્રવૃત્તિથી  વ્યક્તિના મગજમાં ડોપામીનનો સ્રાવ વધુ થાય તેવી પ્રવૃત્તિ વારંવાર કરવા પ્રેરાય છે. પરિણામે વ્યક્તિને તે પ્રવૃત્તિનું વ્યસન થઈ જાય છે .

સ્મોકિંગ, જુગાર, દારૂ, હાઇપર સેક્સુઆલિટી, ગુનાખોરી, વગેરે જેવા દૂષણોના રવાડે ચડી જાય છે. આપણે જેને બકવાસ અથવા લવારો કહીએ છીએ તેના પર અમુક લોકો અચાનક ચઢી જતાં હોય છે, તેનું કારણ પણ હાઈ ડોપામીન લેવલ છે.વગર વિચાર્યું સાહસ (રિસ્કી બીહેવીયર) પણ આ જ કારણે જોવા મળે છે. આખું વિશ્વ જેનાથી પરિચિત છે તે બ્લ્યુ વ્હેલ ગેઇમ એ ઈન્ટરનેટ એડીક્શનને કારણે ડોપામીનના વધુ પડતા સ્રાવને કારણે મળતાં આનંદનું એક્સ્ટ્રીમ ઉદાહરણ છે, જેમાં લોકો આત્મહત્યા કરવાનું સ્ટેપ પણ સ્વેચ્છાએ સ્વીકારી લેતાં હતાં. જે રમત પર હવે તો પ્રતિબંધ મુકાઈ ગયો છે.

ડોપામીનના વધુ પડતા સ્રાવના કારણે વ્યક્તિ ઉન્માદની સ્થિતિમાં પહોંચી જાય છે. જેના પરિણામે, કોઈ એક વાતનું વળગણ, ભ્રમ અને ગાંડપણ આવી શકે છે. તે સિવાય, અકારણ ગુસ્સો, વજનમાં વધારો કે ઘટાડો થાય છે, અનિદ્રા, સતત ઉબકા આવવા જેવી તકલીફો થાય છે.

ડોપામીન ઘટવાને કારણે કબજિયાત અને પાર્કિન્સન્સ જેવા રોગ ઉપરાંત ડોપામીન ઘટવાના કારણે વ્યક્તિનું કોઈ કામમાં મન નથી લાગતું, નિર્ણય શક્તિ ઘટી જાય છે, અમુક વ્યક્તિઓ અચાનક મૌન બની જતી હોય છે, જાતીય જીવનમાં ઉદાસીનતા આવે છે.  સાહસની વૃત્તિ ઘટી જાય છે, જીવન નકામું લાગવા માંડે છે,  પરિણામે વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે આપઘાતના વિચારો આવે છે.

(૬) ડોપામીન ઇમ્બેલેન્સના કારણો

એક રસપ્રદ સંશોધનના તારણ મુજબ મેદસ્વિતા અને અમુક ચોક્કસ પ્રકારના રંગસૂત્રો ધરાવતી વ્યક્તિમાં ડોપામીનના લેવલમાં ગરબડ સર્જાય છે.

તદુપરાંત આહારમાં પ્રોટીનની ઉણપ, સંતૃપ્ત ચરબીયુક્ત આહારની કમી, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, વધતી ઉંમર, વગેરે કારણો મુખ્ય ભાગ ભજવે છે.

(૭) ડોપામીનના કુદરતી સ્રોત

(A) ટાયરોસીનનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓ જેમ કે બદામ, કેળાં, બીન્સ, ઈંડાં, માછલી, ચિકન, વગેરે ખાવાથી ડોપામીનનો સ્રાવ વધે છે.

(B) નિયમિત કસરત કરવાથી મગજના નવા કોષોનું સતત નિર્માણ થતું રહે છે, જેને કારણે ડોપામીન સ્રાવ થાય છે.

(C) અનેક સંશોધનોથી સાબિત થયું છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી ડોપામીનનો સ્રાવ થાય છે. જેનાથી મગજનું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધે છે અને ડોપામીનનો સ્રાવ થાય છે

(D) મસાજથી  ડોપામીનનું પ્રમાણ લગભગ 30% વધે છે. જેને કારણે સ્ટ્રેસમાંથી મુક્તિ મળે છે અને બ્રેઇનમાં કોર્ટીઝોલ નામક સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. જેને કારણે ડોપામીનનો સ્રાવ વધે છે.

(E) પૂરતાં પ્રમાણમાં ઊંઘ લેવાથી મગજના કોષોનું રિપેરીંગ થાય છે.

પરિણામે ડોપામીનનો સ્રાવ વધે છે.

(F) ચોક્કસ પ્રકારનું સંગીત સાંભળવાને કારણે આનંદની લાગણી થાય છે, સ્ટ્રેસ ઘટે છે, મૂડ સુધરે છે. એનું મુખ્ય કારણ ડોપામીન સ્રાવ જ છે.

(G) પૂરતા સૂર્યપ્રકાશમાં રહેવાથી ડોપામીનનો સ્રાવ વધે છે

આપણાં દેશનીશ્રેષ્ઠ પરંપરા મુજબ સ્વજનો, મિત્રો, ગમતી વ્યક્તિઓ સાથેના વાતાવરણમાં રહેવાથી મનના ભાવો, મુશ્કેલીઓ શેર કરવાથી, જે વર્તનને કારણે ડોપામીનનું પ્રમાણ વઘઘટ થાય છે, તે કારણોનો અભ્યાસ કરી અને પ્રયત્નપૂર્વક જો એ વર્તનને કોઈની મદદથી કે મદદ વગર ટાળવામાં આવે તો પણ  ઘણા પ્રશ્નોનું નિરાકરણ કોઈ સારવાર વગર આવી જાય છે.

બસ બધાં ખુશ રહીએ, તંદુરસ્ત રહીએ.

– અમી દલાલ દોશી


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી

  • મહેંન્દ્દસિંહ અજીતસિંહજી રાણા

    દરેક ઉમરની વ્યક્તિ ને આ બાબત જાણકારી હોય તો સમાજ ના ધણાબધા પ્રશ્નોનુ નીરાકરણ થઈ જાય ખાસ કરીને સમજદાર ભણેલગણેલ વ્યક્તિ ઓ પણ ભુવાના રવાડે ચડે તે અટકી જાય બહુજ સુંદર અને અતી જરૂરી માહીતી પુરી પાડવા બદલ ખુબ ખુબ આભાર.બાકીના છ ની જાણકારી મેળવવા આતુરતા સહ

    • Bharat Gajipara

      ખુબ સરસ લેખ છે જીવનમાં ઘણી માનસિક સમસ્યાઓ નો આલેખ માં મુકેલ છે આ માટે ખૂબ ધન્યવાદ અભિનંદન .. નવા લેખના રાહમાં
      ભરતભાઈ ગાજીપરા સંસ્થાપક સર્વોદય સ્કૂલ રાજકોટ

  • gopal khetani

    માહિતી સભર લેખ. હાલની કોવિડ પરિસ્થિતિમાં આ માહિતી ઉપયોગી છે. ખૂબ સરસ છણાવટ.

  • Harsukh Raivadera

    આપનો આ લેખ વાંચીને મારામાં ડોપામીનનો સ્ત્રાવ વધી ગયો હોય એવું લાગે છે !સુંદર લેખ

  • Mehul

    ખૂબ ઉપયોગી. કેમિકલ લોચા વિશે સાંભળ્યું હતું પણ ડોપામીન તત્વ વિશે જાણ્યું. આજના તણાવપૂર્ણ જીવનમાં આ ડોપામીન તત્વને જાળવી રાખવા ના ઉપાયો અને તેની વિસ્તૃત સમજણ બદલ આભાર…