કલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા 10


દરેક માણસનું જીવન એક નવલકથા સમાન હોય છે… અવનવા સારા નરસા અનુભવો, પ્રસંગો અને યાદગીરીથી ભરપૂર હોય છે. તમારુ જીવન પણ આવા અનેક પ્રસંગોથી ભરપૂર હશે જ. કલકત્તા શહેર મારા બાળપણ, મારી યુવાવસ્થા અને હાલ મારી વૃદ્ધાવસ્થામાં થયેલા પદાર્પણ સુધીનું સાક્ષી છે…

નાનપણની, સમજુ થયા બાદની આવતી યાદગીરીઓમાં સૌ પ્રથમ સ્થાન ધરાવે છે, ૧૮ અરમાનીઅન સ્ટ્રીટનું અમે રહેતાં હતાં એ મકાન!! હજુંં અડીખમ ઉભું છે એ! આ મકાનમાં જ મારો જન્મ થયો હતો. જયારે હું લગભગ સત્તરનો થયો ત્યારે પરિવાર મોટો થવાથી અને આ જગ્યા નાની પડવાથી અમારે બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું. અને મારા સૌથી મોટા ભાઈ શ્રી ચીમનલાલ ઠાકોરદાસ રાયવડેરા તેમના પરિવાર સાથે એ મકાનમાં રહેવા લાગ્યા. મારા સત્તર વર્ષોનો ત્યાંનો વસવાટ એટલે સારા નરસા અનેક અનુભવો નું એક ઉદગમસ્થાન…

મારુ બાળપણ અભાવો અને નાની મોટી અનેક ખુશીઓની વચ્ચે વીત્યું હતું. અમુક પ્રસંગો તો આજ સુધી સ્મૃતિમાં કંડારાયેલા છે.

માણસ જો બધું જ લખે તો જૂના ભુલાઈ ગયેલા, રૂઝાઈ ગયેલા ઘા ફરી તાજા થાય અને તેની ખરાબ અસર વર્તમાનમાં પણ પડે ! એટલે જરૂર પૂરતું જ લખીશ. મારા પિતાનું નામ ઠાકોરદાસ ભગવાનજી રાયવડેરા.. જેટલું નામમાં વજન છે એનાથી પણ વધારે વજન એમના વ્યક્તિત્વમાં, અને એમના કાર્યમાં હતું. સૌ તેમની સલાહ લેતા. ઈમાનદારીને હિસાબે પૈસો તો નહીં પણ નામ અને ઈજ્જત બનેની કમાણી જરૂર કરી હતી!! તેમની કારકિર્દીની શરૂઆત કલકત્તાની તમાકુ પત્તાની બજારમાં થઈ હતી. આર્મનિયન સ્ટ્રીટ, રૂપચંદ રોય સ્ટ્રીટ અને તારાચંદ દત્ત સ્ટ્રીટ આ ત્રણેય ને મળીને લગભગ દોઢસો બસ્સો તમાકુ અને બીડીપત્તાની દુકાનો, પેઢીઓ ત્યાં હતી.

આ બજારની જાહોજલી હતી એ જમાનામાં. ત્યાંની દિવાળી જોવા લોકો ખાસ આવતા. આખી રાત લોકો ફટાકડા ફોડતા. ખાવા પીવાની અવનવી વાનગીઓ સૌ ખવડાવતા!! સાથે મળતો આઇસક્રીમ, રોઝ સિરપ, મલાઈદાર લસ્સી!! હુંબેશ કમાણી હતી એ સૌને! મુંબઇનો મોહનલાલ મિઠાઈવાલાનો આઇસ હલવો સૌ મોકલતા. મઝા આવતી;.ખૂબ સરળ અને સરસ હતા એ દિવસો!! દિવાળીના આ દિવસોની અમે રાહ જોતા. નવા વર્ષને દિવસે સૌને પગે લાગવા જવાનું. સૌ હાથમાં પૈસા આપતા. બે રૂપિયાની નોટથી જાણે સ્વર્ગ મળી જવાની ખુશી આનંદ મળતો.

મારા પિતા એ વખતે પત્તાની એક નામી પેઢી ઓસમાન વીરા એન્ડ કું માં નોકરી કરતા હતા. મેનેજર હતા અને ત્યારે કમાણીમાં થોડો હિસ્સો આપવાની મૌખિક કબૂલાત પણ માલિક દ્વારા થયેલી, જે તેમણે પાળી નહી અને જબાનથી ફરી ગયા. આ વર્ષોની વાતો હજુ પણ મને યાદ છે!

સામેની દુકાનમાં રહેતા એક ગણપતબાબુ નામના તમાકુના વેપારી મારા પિતાશ્રીના ખાસ મિત્ર. હર અઠવાડિયે અંગ્રેજી ફિલ્મ સાથે જોતા. એ વખતે કોલકાતામાં મેટ્રો, ઇલાઈટ અને બીજા બે ત્રણ થિયેટરમાં જ અંગ્રેજી ફિલ્મનું પ્રસારણ થતું.. ખૂબ સરસ અને સરળ હતા એ દિવસો!

સોપારી પટ્ટીમાં ગુજરાતીઓની માત્ર બે જ દુકાન. એક અમારા પરિવારની શ્રીકાંત સ્ટોર્સ અને બીજી કાલી ગોડાઉનની નીચે આવેલી શ્રી સૌરાષ્ટ્ર સ્ટોર્સ. સૌરાષ્ટ્ર સ્ટોર્સ અમારા પહેલાની જૂની દુકાન; અમે લગભગ ૧૯૬૦ની આસપાસ સોપારીનું કામ શરૂ કર્યું ૧૮ આરમનીયન સ્ટ્રીટમાં સોપારીનું ઉત્પાદન થતું. અમારા આવ્યા પહેલા માત્ર કાચી, સેકેલી, ચીકણી (રાજસ્થાનમાં પેદા થતી) અને માત્ર બેથી ત્રણ જાતની મીઠી સોપારી બનતી. મારા મોટાભાઈ સ્વર્ગીય અનંતભાઈની બુદ્ધિ અને કારીગરીને કારણે લગભગ પંદરથી વીસ જાતની મીઠી સોપારી ક્રમશ બજારમાં મૂકી શક્યા. ગુલાબ, ખસ, નરમ સોપારી વગેરે અનેક નવા પ્રકાર અને સ્વાદની સોપારીનું ઉત્પાદન શરૂ થયું. આરમનીયનના અમારા માળમાં કુલ છ પરિવાર (બધા જ લોહાણા) રહેતા. અમારી એક બાજુમાં કચ્છી લોહાણા શ્રી કાનજી ભાઈ કારિયા રહેતા. તેમનું બીડીપત્તા નું કામ હતું. તેમની આર્થિક પરિસ્થિતિ અત્યંત સારી હતી. એ જમાનામાં એમની પોતાની કાર હતી. મારા માતુશ્રી અને લલિતા કાકી (કાનજીકાકાના પત્ની) ના સારા બહેનપણા હોવાને કારણે અવારનવાર કારમાં બેસવા મળતું. એ વખતે મારી ઉંમર માત્ર દસ બાર વર્ષની હોવાથી આ બધું ખૂબ ગમતું. અમારી બીજી બાજુ બીજા ચાર પરિવાર રહેતા. શ્રી તુલસીભાઈ, એમની બાજુમાં શ્રી કાશીમાસી, (શ્રી મુકેશભાઈ ઠક્કર – હાલ જેમની અભિયાનમાં કોલમ આવે છે તેમના કાશીમાસી નાનીમા) કાશીબેનને એક દીકરો શ્રી પ્રમોદ કોઠારી અને બે પુત્રીઓ. વિરમણીબેન (મુકેશભાઈના માતુશ્રી) અને બીજા શાંતિબેન. પ્રમોદભાઈ અને શાંતિબેન હાલ મુંબઈમાં છે….

કાશીમાસીની બાજુમાં શ્રી હરિભાઈ ગણાત્રાનો પરિવાર રહેતો. તેઓ પાંચ ભાઈઓ હતા. એમાંથી શ્રી સુરેશભાઈ ગણાત્રા હાલ શ્રી ગુજરાત સમાજ કોલકાતામાં કાર્યરત છે. શ્રી હરિભાઈ અવસાન પામ્યાની જાણકારી છે. બાકીના ભાઈઓ વિશે જાણ નથી. બાજુમાં શ્રી નરભેરામભાઈ કોઠારીનો પરિવાર. એમના સૌથી મોટા પુત્ર એટલે કે શ્રી જયકિશોર કોઠારી લોહાણા મહાજન, અને શ્રી રઘુવંશી કલચરલ કલબ કોલકાતા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. તેઓ છ ભાઈઓ. તેઓનો પરિવાર હજુ હમણાં સુધી આ ૧૮, અર્મેનિઅનમાં વસવાટ કરતો હતો. આ બધા પરિવાર આ મકાનમાં ૧૯૫૦ પહેલાથી અહીં રહેતા હતા. હવે આ મકાન બડાબઝારના બીજા મકાનોની જેમ વેપારીઓની ઓફિસો કે ગોડાઉન મથક બની ગયું છે.. જૂની દીવાલોમાં માત્ર જૂની યાદો સચવાયેલી રહી ગઈ છે. થોડા વર્ષોમાં એ દિવાલોની સાથે સાથે એ જૂની યાદો પણ ખતમ થઈ જશે! ત્યાંના ચોકમાં ક્રિકેટ રમતા રમતા અમારી “How’s that” ની અપીલ સાંભળીને નિર્ણય આપવાવાળું પણ ત્યારે કોઈ કદાચ બચ્યું નહીં હોય…

ઘર એટલે માત્ર ચાર દીવાલ નહી પણ ઘર એટલે એક એવી જ્ગ્યા કે જેમાં વસતા લોકો એક સાથે પ્રેમના બંધનમાં પરોવાઈને રહેતા હોય. ઘર કોને કહેવાય તેનો પહેલો અનુભવ મને અર્મેનિઅન સ્ટ્રીટના રહેઠાણ દરિમયાન થયો. મારા બાળપણથી લઈને કિશોરાવસ્થા સુધી મારા લગભગ પંદર વર્ષ અહીં વીત્યા. ઘણું શીખ્યો. સાત ભાઈઓમાં સૌથી નાનો હું, મારા અને મારાથી મોટા અનંતભાઈની વચ્ચે પણ લગભગ નવ વર્ષનો તફાવત હતો. સૌથી મોટા ચીમનભાઈને છોડીને બાકીના પાંચે ભાઈઓ વચ્ચે માત્ર બે ત્રણ વર્ષનો જ ફરક હોવાથી તેઓ એક બીજાને તુંકારે જ બોલાવતા. અલગ અલગ ઉપનામથી જ તેઓ એક બીજાને બોલાવતા! જેમકે બાડો , શેદળો..

પૂ. ચીમનભાઈ છોડીને કોઈના લગ્ન થયા નહોતા, મસ્તીથી બધા ધમાલ કરતા. અમારા મકાનના ચોકમાં રબર બોલથી ક્રિકેટમેચ રમાતી. અમારા પરિવારમાં બધાને ક્રિકેટ જોવાનો અને રમવાનો શોખ હતો . જે આજ સુધી બધામાં કોઈને કોઈ રીતે કાયમ રહ્યો છે. મારા મોટાભાઈ કાંતિભાઈએ (તેઓ રાયવડેરા ની જગ્યાએ હંમેશા ઠક્કર વાપરતા) બહુ જ નાની ઉમરથી કલકત્તાની ક્લબ ક્રિકેટમાં નામ કાઢ્યું. મોહમદન સ્પોર્ટિંગ ક્લબ તરફથી તેઓ ઘણા વર્ષો સુધી લેફ્ટ આર્મ સ્પિનર તરીકે રમ્યા અને નામ દીપાવ્યું. કલબમાં તેમનું ખૂબ નામ હતું! એ વખતે સતત ઘણાંં વર્ષો સુધી એ ટાઈટલ તેમના ક્લબને હસ્તક રહ્યું હતું. કાંતિભાઈનું નામ ધ સ્ટેટ્સમેન અને અમૃતબઝાર પત્રિકામાં શનિ રવિવારે રમતગમતના પાને ચમકતું રહ્યુ. ફોટોગ્રાફી, ક્રિકેટ અને સડસડાટ અંગ્રેજી બોલવાની આદત, રમતને લીધે થયેલું ખડતલ શરીર અને ઉંચાઈની સાથે ગોરો રંગ, રાસગરબાનો શોખ, આ બધાને કારણે તેમની ફીમેલ ફૉલોઇંગ ઘણી હતી. ગુજરાતી સમાજમાં તેઓ છવાયેલા હતા. ફોટોગ્રાફર તરીકે લગ્નોમાં તેઓ કામ કરતા. કોલકાતાના ગુજરાતી સમાજમાં એવા ઘણા લોકો આજ પણ હયાત હશે જેમના લગ્નની ફોટોગ્રાફી કાંતિભાઈએ કરી હશે… આ થઈ મારા એક ભાઈની વાત.

સયુંકત પરિવારમાં રહેવાનો મોટો એક લાભ એ છે કે આપણામાં અમુક સભ્યો એક મોટી અસર મૂકી જાય છે. અને તેમની યાદ હંમેશ માટે રહી જાય છે. તેમની અસર આપણામાં રહી જાય છે. માઁ- બાપ સિવાયની આ વ્યક્તિઓ કોઈ પણ હોઈ શકે છે. મારા માટે મા અને પિતા છોડીને મારા વ્યક્તિત્વમાં છાપ મૂકી જનાર ત્રણ જણ હતા. મારા ફઈબા લક્ષ્મીબેન, મારા જ્યેષ્ઠ બંધુઓ શ્રી જયંતીલાલ રાયવડેરા અને શ્રી અનંતરાય રાયવડેરા. આ ત્રણે જણે પોતાની સારાઈ અને પરિવાર પ્રત્યેની લાગણીશીલતાને હંમેશ પ્રથમ સ્થાન આપ્યું હતું. તેઓ પરિવાર માટે હંમેશ કાર્યરત રહેતા. આ ત્રણે જણનો હું હંમેશ માટે ઋણી રહીશ. અમારા ભાઈઓમાં મતભેદ હોવા છતાં કદી મનભેદ થયો નહોતો અને સૌની એકબીજા પ્રત્યેની લાગણી છેલ્લે સુધી કાયમ રહી હતી. સાત ભાઈઓ, સાતેના મત જુદા અને સાતેની અલગ અલગ વિશેષતા હોવા છતાં એક માળામાં કોઈ દિવસ પરોવાઈ શક્યા નહી! અને આ ન બંધાવાનું કારણ હતું કોઈ નિયંત્રણનો અભાવ… મારા સાળાઓ હંમેશ અમને સત્તે પે સત્તા જ કહેતા; હમ ઉમર હોવાને કારણે અને પિતાશ્રીની નાદુરસ્ત તબિયતને કારણે કોઇનો કોઈ ઉપર કાબુ નહોતો. જો અમે દરેક રાયવડેરા મતભેદ છોડીને સાથે રહ્યા હોત તો રાયવડેરાનો દરેક ક્ષેત્રે આજે એક અલગ જ ડંકો વાગતો હોત…

ખેર, જેવી પ્રભુની ઈચ્છા..

— હરસુખ રાયવડેરા


10 thoughts on “કલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા

 • ARVIND PATEL

  બહુ જ સુંદર બાળપણની મધુર યાદી. વાંચીને ઘણો જ આનંદ થયો.

 • Aarti Antrolia

  કલકતાનો લેખ વાંચીને પિયરને પાદરેથી આવ્યું પારેવડુ જેવી લાગણી થઈ.

  • Harsukh Raivadera

   સાચી વાત છે. જ્યાં બાળપણ વીત્યું હોય તે શાને ભુલાય ?
   પોતાની ધરતીની સોડમ આવતા જ તન અને મન નાચી ઉઠે છે.
   આપને આ લેખ ગમ્યો તે વાંચીને ખુશી થઈ. આભાર

 • gopal khetani

  નાની ઉમરે પણ થોડું ઘણું હું જે જોઈ શક્યો અને અનુભવી શક્યો છું તો એટલું કહીશ (આ ફક્ત મારો મત છે, કોઈએ દિલ પર ન લેવું) આપણા લોહાણામાં એક થવાની શક્તિનો પહેલાં પણ અભાવ હતો અને હજુ પણ છે. જતું ન કરી શક્વાની ભાવના બહુ ઉંડે સુધી છે. પણ તમારા સંસ્મરણો વાચવાની મજા પડી. મારા દાદા અને નાનાના પરિવારને કરાચી છોડવું પડેલું અને પછી સ્થાયી થયા એ બધી વાતો થાય ત્યારે એ બધી વાતો એકદમ ફિલ્મ જેવી રોમાંચક લાગે. કદાચ સંઘર્ષ, વિલાસ, સુખ સાહ્યબી, જુગાર વૃત્તી, સાહસ અને ફરી સંઘર્ષ એ લોહાણાના લોહી અને નસીબમાં લખાયેલો છે…છેક શ્રી રામચંદ્રથી અત્યાર સુધી.

  • Harsukh Raivadera

   આપણું સૌનું જીવન અવનવા પ્રસંગો અને અનુભવોથી ભરેલું છે…. તમને ગમ્યું એ જાણીને આનંદ થયો.

 • Prabhulal Hirjibhai Bharadia

  શ્રી હરસુખ રાયવડેરા જી ની તેમના નાનપણ ની મધુરવાતો વાંચવાની મજા પડી, જૂની સ્મૃતિઓને દરેક લોકો પોતાની વીતી ઉમરમાં વાગોળતા હોય છે અને આનંદ લેતા હોય છે.તેને યાદ કરવાનું કોને ના ગમે? આ ‘પડથાર’ માં રજુ થતી બધીજ કૃતિઓમાં જે સાહિત્યિક સુવાસ (સુન્ઘવાને) મળે છે તે અનન્ય છે.
  તંત્રીશ્રી ની આ ‘ઇ-પત્ર’ને સંકલન કરવાની પદ્ધતિ ખુબજ ‘કાબિલે દાદ’ છે. તેથીજ ‘પડથારના વાંચકોને સરસ કૃતિઓનો વાંચવાનો લાભ મળે છે.
  શ્રી હરસુખ રાયવડેરા જી ને વધામણી કે તમે તમારા બચપણના દિવસોની યાદ અપાવી બીજા વાંચનારાઓને પણ પોતાનું નાનપણ યાદ આવી જાય.
  —પ્રભુલાલ ભારદિઆ,ક્રોયડન,લંડન.

  • Harsukh Raivadera

   આ ” મધુર યાદ’ વાંચવી ગમી તે ગમ્યું. ખૂબ આભાર.
   અક્ષરનાદમાં અમારી રચના પ્રગટ થઈને આપ સૌ પાસે પહોંચે
   છે અમારા માટે પણ ગર્વની વાત છે… આભાર