આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪) 1


વૈશાલી અને ગણપતિ

વર્ષકાર અને સેનાપતિ રસાલા સાથે ગણપતિના ઘર પાસે આવ્યા. તેઓ બંને અંદર ગયા. વર્ષકાર ગણપતિ સમક્ષ શું કેફિયત આપવી તે વિષે વિચારી રહ્યો હતો. તેને થયું કે ગણપતિને મગધનો અમાત્ય બનાવવો જોઈએ. તેણે મારી સાથે ખૂબ સારી મિત્રતા નિભાવી છે. તેના ઋણનો બદલો ચુકાવવાની આ જ ઉત્તમ તક છે.

તેણે બિંબિસારને કહ્યું, ‘મહારાજ, આ ગણપતિ બહુ જ કાબેલ, કુશળ અને કામનો માણસ છે, તે મારો મિત્ર પણ છે. મને તેના પર પૂરો ભરોસો છે. એટલે જ મેં તેમના ઘરના લોકોને જીવિત રહેવા દેવા કહ્યું હતું. મને એ વાત યોગ્ય લાગે છે કે આપણે તેની મિત્રતાનો બદલો તેને મગધનો અમાત્ય બનાવીને ચૂકવી શકીએ, તે ઉચિત છે.’

બિંબિસારે કહ્યું, ‘વર્ષકાર તમારી મગધ પ્રત્યેની લાગણી હું સમજી શકું છું, તમે મહાઅમાત્ય છો, તમારો નિર્ણય યથાર્થ જ હોય! ભલે, તમે ગણપતિને  અમાત્ય બનાવી શકો છો.’

આ સાંભળી વર્ષકાર ખુશ થયો. પરંતુ તેની એ ખુશી ક્ષણજીવી નીવડી! કારણ કે વર્ષકાર અને સેનાપતિ જેવા ગણપતિના ઘરમાં પ્રવેશ્યા કે તેમને ગણપતિ અને તેના બધા જ કુટુંબીજનોને મૃત અવસ્થામાં પડેલા જોયાં. તે આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી. ગણપતિનાં દેહ પાસે જ એક પત્ર મળ્યો, તેમાં લખ્યું હતું:

‘મગધના મહાઅમાત્ય વર્ષકાર તું જીતી ગયો. વૈશાલી પરાસ્ત થઇ ગયું. તારા છળકપટ, પ્રપંચ, તારી બુદ્ધિ, તારી કુટનીતિ, તારી દૂરંદેશી તથા તારી દેશભક્તિ અને રાજા પ્રત્યેની સ્વામિભક્તિને મારા વંદન!

મને અપાર દુખ છે કે હું તને ઓળખી ન શક્યો, હું તને જાણી ન શક્યો. મેં મિત્ર સ્વરૂપે આવેલા મારા દુશ્મનને મારો દિલોજાન દોસ્ત બનાવ્યો. મને એ વાતનું પણ અત્યંત દુખ છે કે હું તારા કાવતરાને સમજી ન શક્યો, તને વૈશાલીની ગુપ્ત વાતો પણ કહેતો રહ્યો, તારા દોરીસંચાર મુજબ હું દોરાતો રહ્યો. ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’, મારી મતિ મારી ગઈ હતી. તેં વૈશાલીને દારુ, ગણિકા અને જુગારને રવાડે ચડાવી વગર યુદ્ધે તેનું પતન કર્યું તે તારા માટે ગૌરવની વાત છે પરંતુ મારા માટે એ હૃદય વિદારક ઘટના છે. અને વૈશાલીની આવી પરિસ્થિતિ માટે હું મને જ સંપૂર્ણપણે જવાબદાર સમજું છું. જેમ તું મગધને ચાહે છે તેમ હું પણ વૈશાલીને ચાહું છું. વૈશાલીમાં મારા પ્રાણ વસેલા છે. અફસોસ… જગતની પહેલી લોકશાહી, વિશ્વનું પ્રથમ ગણતંત્ર, દુનિયાનું પહેલું જનતંત્ર અને મહાન લિચ્છવીઓનું ઘોર પતન…હું કઈ રીતે જોઈ શકું… તેં આ શૂરવીર લિચ્છવી પ્રજાનો જે રીતે અંત આણ્યો તેનું મને અત્યંત દુખ છે. હું જાણું છું, એક બ્રાહ્મણની કુટનીતિ કોઈ સમજી શકતું નથી એ વાતની આજે ફરી એકવાર તેં પ્રતીતિ કરાવી. તમે બ્રહ્માંડનાં સ્વામી છો.

તેં દરવાજે જે બે ચોકીયાતોની હત્યા કરી હતી તેમાંથી મરણતોલ ઘાયલ થયેલા ચોકિયાતે મને તારો અસલ પરિચય આપ્યો ત્યારે જ હું દુશ્મન-દોસ્તની અસલિયત જાણી શક્યો… મારી મતિ ભ્રષ્ટ થઇ હતી એટલે જ મેં તને આમંત્રણ આપ્યું હતું…પરંતુ ‘જબ ચીડીયા ચુગ ગઈ ખેત ફિર પછતાએ ક્યા હોત?’ 

હું મારા પરિવાર સાથે જઈ રહ્યો છું, એક વિનંતી છે, મારી જેમ આમ્રપાલીને પણ વૈશાલી પ્રત્યે સાચી લાગણી છે…તેણે વૈશાલી માટે પોતાનો ભોગ આપ્યો છે, અને આપી રહી છે, તેને મારતો નહીં… અલવિદા…                                                                  

ગણપતિ.’

(ક્રમશ:)

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)