આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)


બ્રાહ્મણ મહાઅમાત્ય વર્ષકાર

મગધના મહાઅમાત્ય વર્ષકારે મગધનરેશને કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરશો તો વૈશાલી તમારા ચરણે ધરીશ.’ ત્યારબાદ તેમણે જડબેસલાક યોજના બનાવી અને બિંબિસારે વર્ષકારની યોજના પ્રમાણે વૈશાલીને ગુપ્તપણે સાવ હતું ન હતું કરી નાખ્યું. અને વર્ષકારનો સંદેશો મળતાં તે લાવલશ્કર સાથે વૈશાલીને મગધમાં ભેળવવા માટે અવિલંબ ચાલ્યો આવ્યો હતો.

તેને હજુય વર્ષકારની એ વાત પર વિશ્વાસ નહોતો કે ‘તમે લશ્કર લઈને નહીં આવો તો પણ હું વૈશાલી તમારે ચરણે ધરીશ!’ ભૂતકાળમાં તેને પરાજયનો સ્વાદ ઘણીવાર ચખાડનાર વૈશાલી જ હતું, એટલે તે આવી વાત કેવી રીતે માની શકે? આ વખતે તેણે મનસૂબો કર્યો હતો કે ગમે તે ભોગે વૈશાલીને પરાસ્ત કરવું અને એવી રીતે કરવું કે તે ભવિષ્યમાં તેની સામે ક્યારેય માથું ઊંચકવાની હિંમત જ ન કરી શકે. તેથી તેણે પાયદળ, હયદળ, ગજદળ સાથે, અસ્ત્ર-શસ્ત્ર સહિત પૂરેપૂરી તૈયારી સાથે આવ્યો હતો. તેણે બરાબર વૈશાલીની બહાર જ છાવણી નાખી હતી. ગુપ્તચરો મારફત અને વર્ષકાર પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીને વૈશાલીને સામનો કરવાની તક જ ન મળે તે રીતે ભયંકર હુમલો કરવાની તેની મુરાદ હતી. 

***

વર્ષકારે ચહેરા પર ચિંતાના ભાવો લાવી રાક્ષસને કહ્યું, ‘જી અમાત્યજી, હું મારાથી બનતી કોશિશ કરું છું પરંતુ તમે બને તેટલી ઝડપથી આવજો.’

રાક્ષસનો ઘોડો દેખાતો બંધ થયો ત્યાં સુધી તે એ દિશામાં જોઈ રહ્યો. પછી તેના ચહેરા પરના ભાવો બદલાયા. તેણે દરવાજા પરના બે ચોકિયાતોને ઉદ્દેશીને સત્તાવાહી અવાજે કહ્યું, ‘દરવાજા ખોલી નાખો.’ બંનેએ નવાઈ પામીને એકબીજા સામે જોયું, વર્ષકારે ગર્જના કરી, ‘દરવાજા ખોલો’. અને બંને જણાએ ભયભીત થઈને વૈશાલીનો વિશાલ અને તોતિંગ દરવાજા ખોલ્યા અને સામેનું દૃશ્ય જોઈ તેઓ એકદમ ગભરાઈ ગયા અને વર્ષકારને અચંબિત થઇ કાંઈ કહેવા દોડ્યા… પણ વર્ષકાર તેમની સાવ નજીક આવી ગયો…તેઓ કાંઈ કહે કે સમજે તે પહેલાં ખચ્ચ ખચ્ચ અવાજ સાથે વીંઝાયેલી તલવારે બંને ચોકીયાતોના ઢીમ ઢાળી દીધાં! વૈશાલીના  દરવાજા આટલી આસાનીથી ખૂલેલા જોઈ સેનાપતિને મગધનાં નસીબના દરવાજા ખૂલી ગયા હોય તેમ લાગ્યું! પણ દરવાજા ખૂલ્યા પછીનું દૃશ્ય તેને સમજાયું નહીં..


મગધ સેનાપતિ પોતાના સૈન્યને કોઈપણ આદેશ આપે તે પહલાં તેણે હાથના સંકેતથી સૈન્યને અટકી જવા કહ્યું. અને વિશાળ સૈન્યની સામે આવીને વર્ષકારે અજબ અટ્ટહાસ્ય કર્યું અને ગગનભેદી ગર્જના કરતાં કહ્યું, ‘મેં એકલાએ, આ બ્રાહ્મણ વર્ષકારે, મગધના મહાઅમાત્યે, માત્ર પોતાની  કુટનીતિ અને કુશાગ્ર બુદ્ધિબળથી મગધસેનાનાં એકપણ મનુષ્યનો સંહાર કર્યા વગર, બિલકુલ રક્તપાત કર્યા વગર મહાન લિચ્છવીઓનાં સામ્રાજ્ય ઉપર વિજય મેળવ્યો છે. આ વિજય હું મગધને અર્પણ કરતાં કૃતકૃત્યતા અનુભવું છું.’

મગધના સેનાપતિએ આગળ આવીને આ વિજયી મહાઅમાત્યને નીચેવળીને પ્રણામ કર્યા અને કહ્યું, ‘જી, મહાઅમાત્યજી આપે વૈશાલીને જીતી લીધું, મગધ આપનું આભારી છે અને આ કૃત્ય બદલ મગધ સદૈવ આપનું ઋણી રહેશે.’

વર્ષકારે સેનાપતિને સૂચના આપી: ‘જાઓ વૈશાલીમાં જાઓ, કોઈ તમને રોકી શકશે નહીં. શેષ કાર્ય તમે પૂર્ણ કરો. લિચ્છવીઓ વૈશાલીને લાયક નથી. હવે વૈશાલી મગધની છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે સંથાગારની પાસેના આવાસમાં રહેતાં ગણપતિ અને માયા મહેલમાં રહેતી આમ્રપાલીને કાંઈ પણ ન થવું જોઈએ. તેઓ જીવિત રહેવા જોઈએ. જાઓ વૈશાલીનો સર્વનાશ કરો, વૈશાલીને નામશેષ કરી નાખો. લિચ્છવીઓના  અસ્તિત્વને અને અભિમાનને તથા તાકાતને ખતમ કરી નાખો. સર્વત્ર મગધનરેશની આણ ફરકાવો. મગધ સમ્રાટની જય હો! મગધ સેનાપતિ હવે હું મગધનરેશને મળીશ.’ 

વર્ષકાર મગધનરેશની છાવણીએ આવી ઊભો રહ્યો. બિંબિસાર તેનું અભિવાદન કરવા છાવણીની બહાર આવ્યા અને તેમણે વર્ષકાર સામે જોયું અને પ્રસન્ન વદને કહ્યું, ‘વર્ષકાર! આખરે તમે ધાર્યું કર્યું ખરું!’

અને મહામુત્સદી વર્ષકારની છાતી ગજ ગજ ફૂલવા લાગી.

મગધ નરેશે આ ભૂદેવના ચરણસ્પર્શ કર્યા અને તેઓ વર્ષકારને ભેટી પડ્યા પછી કહ્યું, ‘ત્યારે મને એ બરાબર નહોતું લાગતું પરંતુ તમે સાચા હતા તમારી એ વાત મને આજે પણ યાદ છે ‘કોઈપણ રાજ્યને પરાસ્ત કરવા માટે આપણે યુદ્ધ કરવું જરૂરી નથી. તમારી ચાલમાં પહેલાં કાશી અને કોશલ ખતમ થયા અને આજે વૈશાલીનો સર્વનાશ!’ ઘણા વખતે બંને એકાંતમાં મળ્યા. મગધનરેશને એ દિવસ યાદ આવી ગયો, ‘તે દિવસે હું  કેવો ગુસ્સે થયો અને તમને દેશનિકાલ કર્યા…!’ વર્ષકારે કહ્યું, ‘મહારાજ, ઘડીભર તો મનેય થઇ ગયું હતું કે શું તમારા મનમાં મારા વિષે આવી છાપ છે?’ પણ પછી મેં જોયું કે તમારો હાથ તલવારની મૂઠ પર નહીં પણ તમારી મૂછો પર હતો અને હું સમજી ગયો હતો.’

ઘણા વર્ષ પછી બંને મળ્યા હતા. તેમણે ક્યાંય સુધી વાતો કરી. ખૂબ હસ્યા. 

સંધ્યા પહેલા મગધ સેનાપતિએ આવીને માહિતી આપી કે વૈશાલી પરાસ્ત થઇ ગયું છે. ભાગ્યે જ કોઈ જીવિત હશે. કદાચ કોઈ જીવિત હશે તો તે મારવાને વાંકે જ. હે મહાઅમાત્યજી! આપની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. ગણપતિને અને તેમનાં કુટુંબને તથા માયા મહેલની તમામ વ્યક્તિઓને જીવિત રાખવામાં આવી છે. દૂરથી જોયું તો શેષ વૈશાલી સોનાની લંકાની જેમ ભડભડ બળી રહી હતી.

ત્રણેય જણાએ બહાર આવીને જોયું તો મગધનું સૈન્ય વિજયની ખુશાલી માણવામાં ડૂબી ગયું હતું. તેઓ લૂટમાં તેમને મળેલું દ્રવ્ય, પકડી લાવવામાં આવેલી સ્ત્રીઓ એકબીજાને દર્શાવી ખુશખુશાલ થઈને પોતાની બહાદુરીની વાતો કરતા હતા. અને પછી એકાએક મગધ નરેશે પોતાના અનુચરને આદેશ આપ્યો, ‘મારા આયુધો અને બખ્તર લાવો મારે અત્યારે જ વૈશાલીમાં પ્રવેશ કરવો છે.’

તરત જ રથ આવ્યો. વર્ષકાર અને મગધનરેશ પોતાના રસાલા સાથે વૈશાલીમાં ચક્રવર્તી તરીકે પ્રવેશ્યા. વૈશાલી જાણે સ્મશાનભૂમિ સમું ભાસતું હતું. ચારે તરફ અંધકાર હતો, દીપક પ્રગટાવવા માટે પણ કોઈ બચ્યું ન હતું. સર્વત્ર ભારેખમ શાંતિ હતી. કવચિત શ્વાનોનું રુદન સંભળાતું હતું. વૈશાલીએ જાણે અંધકારની કાળી કામળી ઓઢી લીધી હતી. એક ઊંચી જગ્યાએથી તેમણે વૈશાલીને જોયું, કેવળ બે સ્થળેથી દીપકનો પ્રકાશ દેખાયો. એ બે સ્થળો હતા ગણપતિનું ઘર અને માયા મહેલ…

(ક્રમશ:)

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....