વૈશાલીને આંગણે મગધ સેના…
બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.
મધ્યાહ્ન થવા આવ્યો પરંતુ કદાચ વૈશાલીમાં સૂર્યોદય નહોતો થયો. પ્રશ્ન થાય કે શું વૈશાલીનો સૂર્યોદય થશે ખરો? મંદિરમાં ભગવાન અપૂજ રહ્યા હતા. ફૂલો ગઈકાલના હતા તે કરમાઈ ગયા હતા. વાસી ફૂલો વચ્ચે ભગવાન જાણે કોની પ્રતીક્ષા કરતા હતા! ઘંટારવ કરનાર બ્રાહ્મણો પણ આવ્યા ન હતા. સ્ત્રીઓ હવે આળસ મરડીને બેઠી થઇ હતી, પણ તેના બગાસાં કહેતાં હતાં કે હજુ તેમની ઊંઘ પૂરી થઇ નથી. ધીમે ધીમે તે અળસાતી અળસાતી કામે વળગી.
પાઠશાળાઓ અને વિદ્યાલયો સાવ ખાલી હતા. ભેંકાર વાતાવરણમાં મોટાભાગની દુકાનો બંધ હતી અને જે ખૂલી હતી ત્યાં દુકાનદારો માખી મારતાં બેઠા હતા. વૈશાલીને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેવું દૃશ્ય હતું. સમગ્ર નગરને લકવો થઇ ગયો હોય તેમ લોકોની આવન-જાવન થતી જ ન હતી.પવન પણ પડી ગયો હતો.
ચારેય જણા એક પાઠશાળા પાસેથી પસાર થયા, તે ખાલીખમ હતી. એક બાળક હીંચકાના લોઢાની સાંકળ વેચવા નીકળ્યો હતો! પૂછ્યું તો કહે, ‘મને ભૂખ લાગી છે અને ઘરમાં ખાવાનું કશું નથી. મારા મા-બાપ છેલ્લા અઠવાડિયાથી ઘેર નથી આવ્યા. તેઓ ક્યાં છે તેની મને ખબર નથી. નિશાળે ગયો હતો પણ ગુરુજી ઊંઘતા હતા (ખરેખર તો તે દારૂના નશામાં હતા). શું કરું, ક્યાં જાઉં ? પછી થયું કે લાવ આ સાંકળ વેચું તો થોડી મુદ્રાઓ મળે તેનાથી કઈ ખાવાનું લઈને ખાઉં.’
આમ્રપાલી દ્રવી ઉઠી. તેણે બાળકને થોડાં ફળો આપ્યાં અને રુદન રોકતી તે સહુની સાથે આગળ ગઈ. રસ્તામાં તેમણે જોયું કે કોઈ સ્ત્રી અર્ધ-મૂર્ચ્છિત અવસ્થામાં પડેલી હતી. તેના મોં ઉપરથી તે કુલીન વર્ગની લાગી. વર્ષકારે કહ્યું કે તે વધારે પડતો દારૂ પીવાને લીધે આમ પડી છે. કોઈ તેની સામે નજર પણ કરતું નહોતું. આમ્રપાલી, ગણપતિ, રાક્ષસ અને વર્ષકાર કિંકર્તવ્યમૂઢ થઇ ગયા. હવે તેઓ ખિન્ન થઇ ગ્લાની અનુભવવા લાગ્યા. તેમને માન્યામાં આવતું ન હતું પણ નજર સમક્ષ જોયેલી હકીકતને માન્યા વગર છૂટકો ન હતો.
નગરચર્યા પૂરી થઇ. તેમને થયું સંથાગારમાં બોલાવવાથી કોઈ આવશે નહીં. મોં ક્યાં સંતાડવું? આમ્રપાલીને વૈશાલીની રાત અને તેના દિવસના દૃશ્યો જોઈ જબરો આઘાત લાગ્યો હતો. શું આ ગણતંત્ર કહેવાય? કેવા ગણ અને કેવો પતિ? ગણપતિને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો. રાક્ષસનું મનોબળ મજબૂત હતું પરંતુ તે પણ ઢીલો થઇ ગયો હતો. વિલાસ-વ્યભિચાર, જુગાર અને નશામાં સબડતી પ્રજા બેશરમ બની ગઈ હતી. લિચ્છવીઓ પ્રાતઃકાળથી જ વ્યાસનોમાં લિપ્ત હોય તેનો મધ્યાન્હ કેવો હોય, તેની સંધ્યા કેવી હોય, તેનો તો સીધો જ અસ્ત થઇ જાય ને!
સહુ સંથાગાર પાસે આવ્યા. સહુએ એકબીજા સામે જોયું. ખંડેર ભાસતું સંથાગારમાં સૂનકાર વ્યાપેલો હતો. કોઈ કોઈને આશ્વાસન પણ આપી શકે તેમ ન હતું.
આ એ જ વૈશાલી હતું જેની શાન વિશ્વમાં ચારેકોર ફેલાયેલી હતી.
હવે…?
***
ગુપ્તચરે ‘પડતા પર પાટું’ પડે તેવા સમાચાર આપ્યા કે મગધનાં લશ્કરે વૈશાલીને ઘેરો ઘાલ્યો છે. તે ગમે ત્યારે હુમલો કરશે તેવું જણાય છે. તે મોટું યુદ્ધ કરવાની તૈયારી સાથે આવ્યા હોય તેમ લાગે છે. આમ્રપાલી ગભરાઈ ગઈ અને ગણપતિને કહેતી ગઈ કે તમે તત્કાલ યોગ્ય પગલાં ભરો, જે પગલાં ભરશો તેમાં મારી સંમતિ છે.’ અને તે માયા મહેલ રવાના થઇ ગઈ. રાક્ષસ ગણપતિ સમક્ષ તેના આદેશની પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો. ગણપતિએ વર્ષકારને પૂછ્યું, ‘વર્ષકાર, તમે કહો શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં, તમારા અનુભવની વૈશાલીને અત્યારે તાતી જરૂર છે.’
વર્ષકાર જાણે કાંઈ સૂઝતું ન હોય તેમ માથે હાથ દઈને બેસી પડ્યો. તેણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. પણ તે જાણતો હતો કે હવે શું થવાનું છે! તેણે ગણપતિને કહ્યું, ‘અત્યારે તો આપણે ઘરે જઈએ, વિચારીને કાંઇક કરીએ, મામલો બહુ ગંભીર છે. વૈશાલી નિર્બળ થઇ ગયું છે અને મગધ મોટો હુમલો કરવા આવે છે. હું અને રાક્ષસ જઈને આપણા સંરક્ષણ તંત્રને સાબદા કરીએ છીએ, યુદ્ધ તો થશે જ, સામનો તો કરવો જ પડશે.’
***
આજે જાણે વૈશાલીનું કોઈ ધણીધોરી ન હતું. તેના જનક સમા સર્જકોનાં હૈયાંમાં ફાળ પડી હતી. રખેવાળો નશામાં ગળાડૂબ હતા. કોઈ જવાબદારી લેવા તૈયાર ન હતું. આવા કપરા સમયે વૈશાલીની જવાબદારી એક વિદેશી અને દેશનિકાલ થયેલા બ્રાહ્મણ મહાઅમાત્ય ઉપર આવી ગઈ હતી. તેણે દેખાવ કરવા માટે શસ્ત્રો સજ્યા, ઘોષણા કરાવી અને પોતાના અશ્વ ઉપર સવાર થઇ નગરમાં યુદ્ધ માટે હાકલ કરવા નીકળી પડ્યો. રાક્ષસને વર્ષકારની હિમ્મત માટે માન ઉપજ્યું. તે જાણતો હતો કે તેનો પ્રયાસ સફળ થવાનો નથી. રાક્ષસ લિચ્છવીઓની દશા જોઇને સમજી ગયો હતો કે આ વૈશાલી મગધ સામે ટકી ન શકે.
બીજી તરફથી તે ગામને પાદર આવ્યો, સામેથી તેણે વર્ષકારને આવતો જોયો. તે મુખ પર ઉદાસી ઓઢીને આવતો હતો. રણશિંગું ફૂંકવું કે કેમ તેવું રાક્ષસે પૂછ્યું. વર્ષકાર કહે, ‘તમે રણશિંગું ફૂંકવું હોય તો ફૂંકો, મગધના સૈનિકો એ સાંભળીને ધસી આવશે. તેના વિશાળ સૈન્ય સામે આપણે બે-પાંચ સૈનિકો કેવી રીતે યુદ્ધ લડશું?’ વર્ષકારનો ઉત્તર સાંભળી રાક્ષસના હાજાં ગગડી ગયાં.
બંને અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. કિલ્લાના ચોકીદાર પાસે પહોંચીને ઉપર જઈ ગુપ્ત સ્થળેથી બહાર નજર નાખી. અને સામે જે જોયું તેથી તેમણે પરસેવો વળવા લાગ્યો, અને શબ્દશઃ તેઓ થર થર ધ્રૂજવા લાગ્યા. રાક્ષસને પોતાના પગ તળેની જમીન સરકતી લાગી. કિલ્લાની સામે નજર પહોંચે ત્યાં સુધી વિશાળ સેના શસ્ત્ર-સજ્જ થઈને ખડકાયેલી હતી. વર્ષકારને બહાર જોવાની જરૂર ન હતી કારણ કે તે જાણતો જ હતો. તે વિચારતો હતો કે આ રાક્ષસનો કાંટો કેમ દૂર કરવો. ત્યાં તેણે જ વર્ષકારને કહ્યું, ‘તમે અહીં મોરચો સંભાળો, હમણાં તમે યુદ્ધ પ્રારંભનો સંકેત ન આપતા, હું વાયુવેગે વૈશાલીમાં જઈને આપણું સમગ્ર લશ્કર લઈને આવું છું, સંથાગારનાં સંત્રીને અને માયા મહેલમાં પણ ખબર કરાવી દઉં છું.’ વર્ષકાર એ જ ઈચ્છતો હતો. તે ‘જી અમાત્યજી.’ કહીને ઊભો રહ્યો. રાક્ષસ ગયો..
(ક્રમશ:)
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.