આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૧) 3


અધઃપતન

વૈશાલીનો અશ્વપતિ ફાંકડો યુવક હતો. તે બાળપણથી જ અશ્વોની વચ્ચે રહીને મોટો થયો હતો. કારણ કે તેના પિતા પણ અશ્વપતિ હતા. તે દરેક ઓલાદના અશ્વોને બહુ નાની ઉંમરે પારખી ગયો હતો. તે અશ્વને જોઇને કહી શકતો હતો કે તે કેટલો પાણીદાર છે. તેની નસલ અને જાત પણ કહી શકતો. તેની ગતિ વિષે તો તે ઘણી શરત લગાવતો અને જીતતો!

તે વખતે વૈશાલીના ઘોડા ૨૫-૩૦ ગાઉં દોડી શકતા હતા. તેણે અરબી ઘોડાની જીવન શૈલીનો અભ્યાસ કર્યો અને તેના પરથી વર્ણસંકર પ્રયોગ કરી અશ્વની નવી સારી જાત શોધી.  આ અશ્વોની ગતિ સામાન્ય અશ્વો કરતા લગભગ બમણી હતી. તેની આ શોધ આમ્રપાલીને આભારી હતી! કારણ કે તે આમ્રપાલીને મોહી પડ્યો હતો અને તેણે પણ લીધું હતું કે ગમે તેમ કરીને તેને પામીશ. જયારે તેણે તેના અશ્વ-પરીક્ષણમાં પોતાના અશ્વને સર્વશ્રેષ્ઠ થતો જોયો કે તે ખુશીનો માર્યો ઉછળી પડ્યો.

શરતો મુજબ નવીન સંશોધન કરનારને આમ્રપાલીનો સંગ વિનામૂલ્યે મળે એ ન્યાયે તે આમ્રપાલીનો સંગી બન્યો. સંશોધન કરતાં વાર લાગે પણ વાતને ફેલાતા વાર ન લાગે. વૈશાલીના બીજા લોકો પણ અશ્વપતિની દેખાદેખીથી અવનવા સંશોધનો કરવા પાછળ લાગી ગયા. તેમાં શિક્ષકો, સુથારો, લુહારો અને સ્વર્ણકારો પણ હતા. એ લોકોએ પણ કાંઈ ને કાંઈ કરી બતાવ્યું. અને આમ્રપાલીએ પોતાની શરતનું પાલન પણ કર્યું. આમ વૈશાલી ઉત્થાનને માર્ગે આગળ ધપવા લાગ્યું. તેને થયું કે આજ સુધી ક્યારેય ગણપતિ કે રાક્ષસ તેની પાસે પોતાનો સંગ કરવાની વાત લઈને નહોતા આવ્યા. તેને થયું કે તેઓ વૈશાલીના ગણતંત્રની રક્ષા માટે સંપૂર્ણપણે સમર્પિત છે! આમ્રપાલીને તેમને માટે માન ઉપજ્યું.

***

સારા એવા સમય પછી વર્ષકાર ઈચ્છતો હતો તેવી સ્થિતિમાં વૈશાલી આવી ગયું હતું. વૈશાલીનું જનજીવન નષ્ટ થઇ ગયું હતું. વૈશાલીવાસીઓ બેહદ વ્યસન અને વિલાસિતામાં સરી પડ્યા હતા. ગણપતિ, અમાત્ય રાક્ષસ, આમ્રપાલી અને અમાત્ય વર્ષકાર અત્યંત ચિંતિત હતા. વર્ષકાર સહુથી વધારે વ્યાકુળતા દર્શાવતો હતો. જાણે તે જ વૈશાલીનો સર્વેસર્વા હોય તે રીતે તે બોલ્યો, ‘મને નથી લાગતું કે વૈશાલીને હું આ વખતે બચાવી શકીશ. લિચ્છવીઓને મેં આવી અવસ્થામાં ક્યારેય જોયા નથી.’ તેની વાત સાચી હતી પણ એ પરિસ્થિતિ માટે સહુથી વધારે જવાબદાર તે પોતે જ હતો.

કોઈ ઉપાય શોધવા, પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માટે ચારેયે મળીને એવું નક્કી કર્યું કે વૈશાલીની સામાજિક પરિસ્થિતિ રૂબરૂ જોઇને કોઈ નિર્ણય લેવો.

અને એક દિવસ ચારેય જણા વેશપલટો કરીને રાત્રે વૈશાલી નગરચર્યા માટે નીકળ્યા.

રાત્રીની શાંત નીરવતાને બદલે દારૂના પીઠાંમાં ભીડ જોવા મળી. તેમને એ વાતની નવાઈ લાગી કે તેમાં સ્ત્રીઓ પણ બેઠી હતી. ત્યાં જે પ્રકારની ભાષા બોલાતી હતી તેને પાલીભાષા કહેવી એ પલીભાષાનું અપમાન કરવા બરાબર હતું. હલકી અને નિમ્ન કક્ષાનો અશ્લીલ ભાષા-પ્રયોગ  વૈશાલીની વર્તમાન સંસ્કૃતિને છતી કરતો હતો. ચારે તરફ કોલાહલ, ગાળાગાળી, મારામારી ચાલતી હતી. કેટલાક બાળકો પણ આ ઘોંઘાટમાં શામેલ હતા. અને દારૂના નશામાં લથડતા લોકો… દરેક પીઠામાં આવી જ સ્થિતિ જોવા મળી. આ તો વૈશાલીનુ પતન નહીં પણ અધઃપતન હતું. અમુક સ્થળે તો કેટલાક પુરુષો અને સ્ત્રીઓ નશામાં માન-મર્યાદા અને ભાન-સાન ભૂલીને અશ્લીલ હરકતો કરતા હતા. શરમ-સંકોચ નેવે મૂકીને ખુલ્લેઆમ જોવા મળતાં આવાં દૃશ્યો જોઈ આમ્રપાલી ગમગીન થઇ ગઈ. તેમના પસાર થવાની નોંધ લેવાનું તો એકબાજુ રહ્યું પરંતુ કોઈએ તેમની સામે દૃષ્ટિપાત પણ ન કર્યો. નિર્લજ્જતા પણ શરમથી મુખ છુપાવી દે તેવા દૃશ્યો જોવા મળે એ રાક્ષસ અને વર્ષકારની નિષ્ફળતા હતી. ગણપતિ પણ હેબતાઈ ગયા હતા.

તેઓ આ દૃશ્યો જોતાં જોતાં આગળ જતા હતા તેવામાં એક કૂતરું તેમના કપડાં ખેંચવા લાગ્યું, તેમણે તેને ‘જા ભાગ…’ કહીને કાઢ્યું. તે જરા દૂર જઈ ઊભું ઊભું ભસતું રહ્યું. આમ્રપાલીની જેમ આમાત્યોને અને ગણપતિને પણ કંપારી આવી ગઈ. આ લિચ્છવીઓનું ભવિષ્ય શું? વૈશાલીનું ભાવી શું?

જુગારખાના બધા જ ભરચક. વૈશાલીના પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો તથા  વિદેશી લોકો જુગાર રમવામાં વ્યસ્ત હતા. કેટલાક હારેલા જુગારીઓ હવે મુદ્રાઓ ક્યાંથી લાવવી અને હારેલું ધન કેવી રીતે પાછું મેળવવું તેની વેતરણમાં આમ તેમ ફરતા હતા.

વૈશાલીની પરિસ્થિતિ આટલી હદે કથળેલી પહેલી વાર જોઈ. જો કોઈ આવી વાત કરે તો તેઓ ચોક્કસ તેના પર વિશ્વાસ ન જ કરે, પણ આતો નજરોનજર જોયેલી હકીકતને કેવી રીતે નકારી શકાય? આમ્રપાલી દુખી હૃદયે માયા મહેલ જતી રહી, ત્યારબાદ ગણપતિ, રાક્ષસ અને વર્ષકાર પણ પડેલા મોંએ પોતપોતાના આવાસો ભણી જતા રહ્યા.

***

રાત્રે વૈશાલીની નગરચર્યા કર્યા પછી માયા મહેલ આવીને આમ્રપાલી પોતાની શય્યામાં પડી. આહાર પ્રત્યે તેને રૂચી રહી ન હતી. તેણે કોઈ સાથે કશી વાત પણ ન કરી. વિશાખા અને ધનિકા વિચારમાં પડી ગયા કે આમ કેમ? વિશાખાએ વિચાર્યું કે અત્યારે કદાચ શ્રમિત થઈને આવી હશે આમ્રપાલી, સવારે વાત કરીશ.

ફૂલોથી સજાવેલી શય્યામાં આમ્રપાલીને ઊંઘ ન આવી. તે પડખા ફેરવતી રહી. એક બેચેની તેને ઘેરી વળી હતી. શું આ વૈશાલીની માટે તે રાજનર્તકી બની હતી? શું આ માટે તે જનપદ કલ્યાણી બની હતી? આમાં કલ્યાણ કોનું થયું? શું નગરવધૂ બનીને પણ તે લિચ્છવીઓને પોતાની ઈચ્છા મુજબ સુધારી નથી શકી? વૈશાલીને ભારતવર્ષમાં સર્વોચ્ચ શિખરે જોવાનું તેનું સ્વપ્ન આમ ભાંગીને ભૂકો થઇ ગયું? તે ભૂતકાળમાં સરી પડી… 

તેને અંબારા ગામ યાદ આવ્યું. મહાનામન અને સુદેશા યાદ આવ્યા. વૈશાલીના પ્રારંભના દિવસો યાદ આવ્યા. આમ્રપાલીને નગરવધૂ બનાવવાની વાત સાંભળીને પિતા મહાનામનનું વિલાયેલું મુખ યાદ આવ્યું. માતા-પિતાના અંતિમ દર્શન યાદ આવ્યા. માયા મહેલમાં પ્રસ્થાન અને તેને પોતે આપેલો નવો ઓપ…

સંથાગારમાં તેનો અચાનક પ્રવેશ. સંથાગારને પ્રથમ સંબોધન, પોતાની શરતો સામે સંથાગારની શરણાગતિ. તેનું પ્રથમ નૃત્ય. તેના જીવનમાં દેવેન્દ્રનો પ્રવેશ. માતૃત્વ. અભયનો જન્મ. તેનું નાલંદા જવું. અને પોતાના પદને અનુરૂપ કર્તવ્યો…

વૈશાલીને બચાવી લેવા તેણે પોતાના રૂપને, પોતાના યૌવનને અને પોતાના જીવનને દાવ પર લગાવ્યું હતું. ત્યારે તેને પોતાના સૌન્દર્યની પ્રતીતિ થઇ હતી. પરંતુ તે સમયે તેને પોતાના જીવનનું મૂલ્ય ક્યાં સમજાયું હતું. ત્યારે તેને લાગ્યું હતું કે વૈશાલી તેની આંગળીને ઇશારે નાચશે, પોતે ગણતંત્રને નચાવશે…અને તેમ થયું પણ ખરું…પરંતુ તે માટે તેણે આકરી કિંમત ચૂકવવી પડી હતી તે તેને આજે સમજાતું હતું. વિશાખા કહેતી હતી કે, ‘વૈશાલીને તે જ ઉન્નતિના શિખરે પહોંચાડી શકશે.’

શું તેનાં મનમાં કોઈની પ્રિય પત્ની બનવાના ઓરતાં નહોતાં? શું તેને કોઈની કુલવધૂ બનવાની તથા માતા-પિતા તથા પતિના કુળને ઉજાળવાની આકાંક્ષા નહોતી? અરે એ બધી તો ભૂતકાળની વાતો છે…પણ શું તેને કોઈ સંસ્કારી પુરુષની પત્ની બનીને સંસાર વસાવવાનાં કોડ નહોતા? આ દેવની જ વાત લઈએ તો શું તેના મનના ઊંડાણમાં એવી ઈચ્છા નહોતી કે તે તેની પત્ની બને? કેવી વિડમ્બના કહેવાય કે જેના પુત્રની તે માતા બની તેને પતિ રૂપે સ્વીકારી નથી શકતી! અને દેવેન્દ્રે પણ તેને નગરવધૂ તરીકે જ સ્વીકારીને! પણ કયો પ્રેમી પોતાના અનૌરસ પુત્રની નગરવધૂ માતાને પત્ની તરીકે સ્વીકારે? જો પોતે નગરવધૂ ન હોત તો દેવેન્દ્ર તેની સાથે લગ્ન કરવા માટે રાજીખુશીથી સંમત થઇ જાત. પણ…

આમ્રપાલી રડી રહી હતી, તેનું ઓશીકું તેના આંસુથી ભીંજાઈ રહ્યું હતું પણ તેની તેને ખબર ન હતી…

તે ક્યાં સુધી રડતી રહી હશે અને ક્યારે તેને નિદ્રાદેવીએ પોતાના અંકમાં પોઢાડી દીધી હશે તે તો કેવળ દેવી જ કહી શકે… 

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૧)