આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૫)


છળ-પ્રપંચ

કોશલ રાજ્યની ઉત્તરે નેપાળ છે, દક્ષીણે સર્પિકા (સાઈ) નદી અને પૂર્વે ગંડક નદી આવેલી છે અને તેની પશ્ચિમે પાંચાલ પ્રદેશ છે. કોશલ અને કાશી નજીકના રાજ્યો વચ્ચે કુસંપ અને દુશ્મનાવટ રહેતી અને યુદ્ધો થતાં. પરંતુ વૈશાલીના અમાત્યોએ તેમની વચ્ચે સુલેહ કરાવી.

કોશલમાં જ સોળેકળાનું જ્ઞાન વિકસ્યું હતું. પ્રાણથી શ્રદ્ધા અને તેમાંથી  પંચમહાભૂતો, અંતઃકરણ સમુદાય, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ  કર્મેન્દ્રિયોમાંથી આ બધી કળાઓ વિકસી. તે સમયે કોશલ અન્નભંડાર ગણાતો. તે શક્તિશાળી રાજ્ય ગણાતું. તેણે તપ, મંત્રો, કર્મો અને અવસ્થાઓ વિષેનાં જ્ઞાનમાં નવી ઊંચાઈ સર કરી હતી. પણ કાશીની વાત અલગ જ હતી.

બનારસ અથવા વારાણસી એટલે જ ગંગા તટે વસેલું કાશી. તે ભારતવર્ષના ઉત્તર પ્રદેશનું રાજ્ય અને વારાણસી જિલ્લાનું મુખ્ય મથક. ગંગાનદીને તીરે વસેલાં આ શહેરની ગણના વિશ્વનાં સૌથી જૂના અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે. ત્યાં પુરાણ પ્રસિદ્ધ બાર જ્યોતિર્લીંગોમાંનું એક વિશ્વેશ્વરનું મંદિર આવેલું છે. આ શહેર આદિકાળથી વિદ્યા અને જ્ઞાન માટે સુપ્રસિદ્ધ છે. અત્યારે પણ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયનું નામ ભારતમાં આદરથી લેવામાં આવે છે.

કહેવાય છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ!’ સંસારની સૌથી પુરાણી નગરીનો ઉલ્લેખ આપણા પ્રાચીન વેદ ઋગ્વેદમાં છે. તે આદ્ય વૈષ્ણવ સ્થાન છે.  બહુ પ્રાચીન કાળમાં તે ભગવાન વિષ્ણુ (માધવ) પુરી તરીકે ઓળખાતી હતી. કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન છે. મોક્ષનગરીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આ પ્રમાણે જોવા મળે છે:

યત્ર કુમાપિ વાકાશ્યાં મરણે સમહેશ્વર|
જન્તોર્દક્ષિણકર્ણોતુમત્તારંસમુપાદિશેત||

અર્થાત કાશીમાં ક્યાંય, કોઈનું પણ મૃત્યુ થાય ત્યારે ભગવાન વિશ્વેશ્વર (વિશ્વનાથજી) જીવમાત્રના જમણા કાનમાં ભવતારક મંત્રનો ઉપદેશ આપે છે. તે સાંભળી જીવ ભવબંધનથી મુક્ત થઇ જાય છે. કાશી કોશલના આ   ઇતિહાસનું ટૂંકમાં અવગાહન કરીને હવે આપણે ફરી આમ્રપાલીના કાળખંડમાં આવી જઈએ…     

રાક્ષસ અને વર્ષકારનાં પ્રયત્નોને લીધે કાશી અને કોશલ વચ્ચે સુલેહ થઇ તેના ભાગ રૂપે કોશલની રાજકુમારીને કાશીનરેશ સાથે પરણાવવામાં આવી હતી. કોશલ કન્યા કાશીની રાજકુમારી તરીકે સ્થાયી થઇ ગઈ હતી. તેના રૂપ અને સૌન્દર્યની વાતો સર્વત્ર ચર્ચાતી હતી. તેનો રૂઆબ, ઠસ્સો અને તેની હોંશિયારી, ચતુરાઈ તથા વિવેકપૂર્ણ વર્તનથી તેણે કાશીમાં સહુનાં મન જીતી લીધાં. એક વર્ષ બાદ તેણે પુત્રરત્નને જન્મ આપ્યો. તે મોટો થવા લાગ્યો.

અહીં કોશલ રાજકુમારી કાશીનરેશને પરણ્યા પછી ક્યારેય કોશલ ગઈ જ ન હતી. કારણ કે કાશીનરેશ તેના પર અતિશય આસક્ત થઇ ગયા હતા અને મોહ વશ તેને ક્યારેય કોશલ જવા જ નહોતા દેતા. પાંચ વર્ષની ઉંમરે કાશી રાજકુમારે બાળહઠ લીધી કે મારે મારા નાના તથા મામાને મળવા જવું છે.

કાશી નરેશે અને અન્ય સહુએ તેને ઘણો સમજાવ્યો. પણ સમજે તો તે રાજકુંવર થોડો કહેવાય? અંતે રાજકુમારની રાજહઠ અને બાળહઠનો વિજય થયો.

કાશીથી કોશલ પધારેલા રાજકુમારનું સારું એવું સ્વાગત થયું. મામાને ત્યાં રજવાડામાં ભાણાને ખૂબ જ લાડ લડાવવામાં આવ્યા. તેણે મોસાળમાં સારી એવી સરભરા અને મહેમાનગતિ માણી, ઘણી ઘણી ભેટ-સોગાદ સાથે ભાણેજને વિદાય આપવામાં આવી. પણ હોંશમાં ને હોંશમાં રાજકુમારને આપવામાં આવેલી ભેટ-સોગાદ કોશલ જ રહી ગઈ. તે પોતાના રખેવાળો સાથે એ મંજુષા  લેવા પાછો કોશલ આવ્યો.

આવીને જોયું તો જ્યાંથી તે નીકળ્યો હતો તે મહેલ આખો ગંગાજળથી ધોવામાં આવી રહ્યો હતો. રાજકુમારને અને તેની સાથેના રસાલાને નવાઈ લાગી. રાજકુમાર જ્યાં જ્યાં રમ્યો હતો, સૂતો હતો અને જ્યાં જ્યાં તે  રહ્યો હતો તે બધાં જ સ્થાનો ધોવામાં આવી રહ્યા હતા. તેઓએ ગુસપુસ કરતા લોકોની વાતો સાંભળી કે આ રાજકુમાર શૂદ્ર છે!

કાશી-કોશલની સંધિ સમયે સંધિની શરતો અનુસાર કોશલ રાજકુમારીને કાશીમાં પરણાવી, પરંતુ કોશલ રાજકુમારીને કાશી જવું નહોતું એટલે નિરુપાય બનીને તેમણે એક દાસીને રાજકુમારી બનાવીને કાશીરાજને પરણાવી દીધી. દાસી ભલે રૂપ રૂપનો અંબાર ન હતી પરંતુ તે દેખાવે  આકર્ષક, સુંદર અને ચતુર હતી. આવી સરસ તક મળતા તે રાજકુમારી બનીને રાણી તરીકેનું પાત્ર સરસ રીતે ભજવવા લાગી હતી. તેણે કોઈને આ વાતનો અણસાર સુદ્ધાં  આવવા દીધો ન હતો.

જયારે નાનો રાજકુમાર પાછો ફર્યો અને તેણે જે કાંઈ જોયું તે કાશી આવીને રાજાને એટલે કે પોતાના પિતાને કહ્યું. આ રીતે કોશલનાં છળ-પ્રપંચનો ભાંડો ફૂટી ગયો. ત્યારબાદ કાશી અને કોશલ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. કાશી જીત્યું અને કોશલ હાર્યું. પરંતુ કાશીનરેશે દાસી-રાણીને રાખી લીધી અને તેમનો પુત્ર મોટો થઈને કાશીનરેશ થયો. પણ કાશી અને કોશલ ફરીવાર કાયમ માટે દુશ્મન થઇ ગયા. યુદ્ધમાં ફરી બંને દેશો ખુવાર થતા રહ્યા. અને મગધના દુશ્મનોમાં એકનો ઘટાડો થયો! વર્ષકાર મનમાં પોતાની ચાલની સફળતા ઉપર ખુશ થતો હતો કારણ કે સંધિ થાય તે તેના એટલે કે મગધના હિતમાં ન હતું પરંતુ રાક્ષસનો ભરોસો જાળવી રાખવા માટે તેણે તેને સાથ આપવો જરૂરી હતો. તેણે જ કોશલ રાજકુમારીને બદલે દાસીને કોશલની રાજકુમારી બનાવવાનું સૂચવ્યું હતું!

આમ મગધનાં બે દુશ્મનોમાંથી એક ઓછો થયો, કોશલ હવે યુદ્ધ કરવાની પરિસ્થિતિમાં રહ્યું ન હતું તેથી વૈશાલી અને કાશી બે મોટાં દુશ્મનો સાથે મગધે લડવાનું હતું. બિંબિસારે વિચાર્યું કે વૈશાલીમાં વર્ષકારની પ્રગતિ સારી છે અને જો વૈશાલી મગધમાં ભળી જાય તો કાશી શું વિસાતમાં? હવે બિંબિસારને પોતાનું સ્વપ્ન સાકાર થવામાં કોઈ આડખીલી નડશે નહીં એમ લાગ્યું.

જોઈએ હવે આગળ શું થાય છે…

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....