ચોથી ચુસ્કી – રાજુ ઉત્સવ 3


“લવજી, જો મોટો અને સમજદાર વ્યકિત જ વિવેક ચૂકે તો એમાં ચંપાનો શું વાંક? ચંપા ગમે તેમ તોય અસ્ત્રીની જાત. હસતુ મોઢુ રાખી બધી પીડા સહી લે, ગમે તોય અને ન ગમે તોય!”

ગામમાં પ્રવેશતા જ જમણી બાજુ પીંપળો અને ડાબી બાજુ સ્મશાન એ જ હાલતમાં હતા. પીંપળાની નીચે બે બાંકડા ગોઠવાયા હતા. બાજુમાં પાણીનું એક માટલું હતું.

લવજીએ એક અછડતી નજર નાંખી. બાંકડા પર સુતેલું કુતરું ઉભું થયું, આળસ મરડીને પાછું સુઈ ગયું. પાણીના ઘડા ઉપાડી જતી બે-ત્રણ સ્ત્રીઓ વાતો કરતી બાજુમાંથી પસાર થઇ ગઈ. લવજીના ગળે શોષ પડ્યો, ’આગળ પુંજાની હોટેલ પર ચા પાણી પી લઈએ‘ એણે મનોમન વિચાર્યું. ઘરે તો શું સ્થિતિ કોને ખબર.

પુંજાની હોટેલ પાસે પહોંચતા જ પગમાં જાણે મણ-મણના બાટ લટકાવ્યા હોય એમ પગ ભારે થઇ ગયા. એણે શરીરને બાંકડા પર પડતું જ મૂક્યું. અંદર નજર કરી, પુંજો દેખાયો નહી. એણે જોયું કે એક લબરમુછીયો ઈશારાથી પૂછી રહ્યો.

”એક ચા અને એક શિવાજીની જુડી, પાણી પીવડાવજે પહેલા.”

“શું નામ તારું?” પાણી લેતા લવજીએ પૂછ્યું.

“બાબુ, કયું ગામ કાકા?“

“પુંજાનો દિકરો?” લવજીએ સામો પ્રશ્ન ફેંક્યો.

“હા, તમે ઓળખો?”

“અરે ઓળખું જ ને. મારું આ જ ગામ.”

“જોયા નથી કોઈ દિવસ?“

“બહાર હતો, સાત વર્ષે ગામ ભાળ્યું.”

બાબુ લવજીને અવિશ્વાસથી જોઈ રહ્યો. સૂઝ ન પડતાં એ લવજીને પડતો મૂકી કામે લાગ્યો.

લવજીએ બીડી સળગાવીને દમ ભર્યો. “પત્ની હશે કે કેમ? ચાલી ગઈ હશે? આપઘાત કર્યો હશે? ત્રણ વર્ષનો ટીકલો હવે દશનો થયો હશે, ઓળખશે? કદાચ ન ઓળખે. થોડી દાઢી વધેલી હતી, સાત વર્ષની!” વિચારતાં વિચારતાં થોડું સ્મિત આવ્યું મોઢા પર.

ફરી એ વિચારે ચડ્યો, ‘આમ તો એ ન ઓળખે તો જ સારું , નવેસરથી જીવી શકાય. ચંપાને સ્વીકારી શકાશે? અથવા એ સ્વિકારશે?’ બન્ને સ્થિતિ મોંં ફાડીને ઉભેલી દેખાઈ. કુવામાં પથ્થર નાખતાં વમળ પેદા થાય એમ વિચારો ડહોળાયા.

“હવે સાથે રહેવાશે?“

“ભૂલી જજે લવજી, હવે જેનો દોષ હતો એ જ નથી રહ્યા તો શું ભરમ પાળવાના?“ જેલમાં દીનુએ કહેલા શબ્દો યાદ આવ્યા.

“પણ દીનુ, એમાં વાંક ચંપાનોય ખરોને?“

“લવજી, જો મોટો અને સમજદાર વ્યકિત જ વિવેક ચૂકે તો એમાં ચંપાનો શું વાંક? ચંપા ગમે એમ તોય અસ્ત્રીની જાત. હસતું મોઢું રાખી બધી પીડા સહી લે, ગમે તોય અને ના ગમે તોય!“

“હા એ તો ખરું.“

“જો હવે નવેસરથી જિંદગી જીવજે. બધું ભુલીને છોકરાને કાબેલ બનાવજે.“

“ઠીક દીનુ.”

લવજી ધ્યાનભંગ થયો, બાબુ ચા લઈને આવ્યો. એણે ચાની ચુસકી લીધી, જીભને જરાક ચચર્યું.

“રામ-રામ કાકા, કયું ગામ?“ હોટેલમાં પ્રવેશતા કોઈ યુવાને પૂછ્યું.

“રામ-રામ ભાઈ, ગામ તો આ જ.“

“કોણ? લવજીકાકા તો નહી? તમે પાછા આવી ગયા?“ યુવાને પૂછ્યું.

“હા,ભાઈ.”

યુવાનના મોં પર જરા અણગમો દેખાયો. લવજીએ ઝંખવાઈને ચાની બીજી ચુસકી લીધી. આ વખતે પણ ચચર્યું તો ખરું.

વિચારો સતત પાછા આવી જતા હતા, નઘરોળ કુતરાની માફક! “ના ના, ભૂલાય તો કેમ? પોતાની પત્ની ઉઠીને સગા બાપ સાથે? વહુ-સસરાનો સંબંધ તો બાપ-દીકરી જેવો હોય.“

વળી દીનુની સલાહ યાદ આવી, ”જો, આપણે ન્યાય કરવાવાળા કોણ? ઉપરવાળો બધું યોગ્ય કરશે અને ફરી પાછું તારે જેલના ચક્કરમાં પડવું છે?“

ચાની ત્રીજી ચુસકી લીધી, થોડું સારું લાગ્યું.

“બાપને મારતા જરાય વિચાર ન આવ્યો? માંંહ્યલાએ રોક્યો નહી?“ પોલીસ લઇ જતી હતી ત્યારે સંભળાતી ગુસપુસ એના મગજમાં આવી અને એ જ વિચારો પણ…

“…પણ દીનુ, એ ગામ હવે મને નહીંં સ્વીકારે, અને એ ઘર તો માર પર હસશે, કોઈ પાગલ સ્ત્રીની માફક. એના લીધે જ બાપને માર્યો અને હવે એને જ મૂકી દઉં તો તો લોહી લાજે.” એણે દીનુને કહેલું.

એને ચાની ચોથી ચુસકી લીધી, આ વખતે ખૂબ સારું લાગ્યું! ભુજની પાલારા જેલથી પાછા ફરતી વખતે વચ્ચે અંજારથી લીધેલો લાંબો છરો, કમર તરફ હાથ નાંખી પંપાળી જોયો. થોડું હસી, પુંજાની હોટલમાંથી બહાર નીકળી ઘરની દિશા પકડી.

– રાજુ ઠક્કર (રાજુ ઉત્સવ)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ચોથી ચુસ્કી – રાજુ ઉત્સવ

  • Mansoor

    લવજી લાંબો છરો સાથે લઇને પોતાના ઘેર જવા નીકળે છે,તો સ્પષ્ટ છે કે વધુ હત્યા કરવાનો નીઁણય કરી ચુક્યો છે,તો પછી “ચંપા ને સ્વીકાર કરીશ” કે “ચંપા સ્વીકારશે!” એવા વીચારો દર્શાવવા અસ્થાને લાગે છે.

  • hiteshv2

    Lavaji is typical orthodox man who has not gone in details and killed his father first and then after jail for 7 also he has not changed, he has planned for another kill… what else you can expect from it.