સોમનાથ – દીવની મુલાકાતે..! – મીરા જોશી 23


સને ૧૫૩૫ માં પોર્ટુગીઝો દીવ અને દમણ આવેલા અને ૧૫૩૭માં તેને વસાહત તરીકે સ્થાપેલું. આઝાદી બાદ ભારતમાં કુલ ૯ શહેર જે રાજ્ય બનવાની ક્ષમતા ધરાવતા નહોતા તેઓને અલગ જીલ્લા તરીકે યુનિયન ટેરેટરીમાં સમાવિષ્ટ કરાયા. જેમાં દીવ-દમણ અને ગોઆ ૧૯૮૭ સુધી યુનિયન ટેરેટરીમાં સમાવિષ્ટ હતું, ત્યારબાદ ગોઆ અલગ રાજ્ય બન્યું અને ગુજરાતના અરેબીયન કિનારે વસેલા દીવ અને દમણ યુનિયન ટેરેટરીમાં સામેલ થયા. તાજેતરમાં જ દાદરા એન્ડ નગર હવેલી સાથે દીવ અને દમણનો એક જ યુનિયન ટેરેટરીમાં સમાવેશ થયો છે.

ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં ભાઈના લગ્ન માટે લીધેલી રજાઓ લંબાવીને અમે (હું ને બહેન) જામનગરથી સોમનાથ દર્શને તથા દીવ જવા નીકળી પડ્યા.

વેરાવળમાં આવેલું સોમનાથ મહાલય, એટલે ભારતનું શ્રદ્ધાકેન્દ્ર, જેનાથી કોઈ જ ભારતીય અપરિચિત નહિ હોય. ગુજરાતના દરેક શહેરથી ટ્રેન-બસ મારફતે વેરાવળ-સોમનાથ પહોંચી શકાય છે. જામનગરથી ટ્રેનની રાત મુસાફરીને કરીને મળસ્કે સોમનાથના સ્વચ્છ અને સુઘડ રેલ્વે સ્ટેશન પર ફ્રેશ થઈને મંદિર દર્શન માટે નીકળ્યા ત્યારે ૬.૩૦ વાગ્યે પણ હજુ અજવાળું નહોતું થયું!

છતાં સમુદ્રતટે વસેલા મહાલય સોમનાથ મંદિરે પહોંચ્યા ત્યારે પ્રભાત આરતી શરુ થઈ ગઈ હતી. નજર સમક્ષ થઈ રહેલી શિવલિંગની આરતી, મંદિરના ગર્ભગૃહમાં ઉડી રહેલી ધૂપ અને ભસ્મનો નજારો અને આટલી વહેલી સવારે, સોમવાર કે કોઈ તિથી ન હોવા છતાં નતમસ્તકે ઉભેલા અઢળક શ્રદ્ધાળુઓને જોઈને મન-હ્રદય મહાદેવ પ્રત્યે ભાવથી નમી ગયું.

સોમનાથ મંદિરનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે. ગુજરાતના પશ્ચિમ અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે, જેનો અનેક વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. મુસ્લિમ શાશક મહેમુદ ગઝનવી ઉપરાંત ઓરંગઝેબ સહીત અનેક વખત વિનાશ પામેલું આ અંતિમ જીર્નોદ્વાર કરેલ મંદિર ૧૯૫૧ માં નિર્માણ પામ્યું. સોમનાથ મંદિરના જીર્નોદ્વારમાં મહારાણી અહલ્યાબાઈનો વિશેષ ફાળો રહ્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરમાં મોબાઈલ-કેમેરા કે કોઈપણ સામાન માટે પ્રવેશનિષેધ છે. ચાલુક્ય શૈલીથી બંધાયેલું મંદિર ગુજરાતના સોમાપુરા કારીગરોની કળાનું અદ્ભુત પ્રદર્શન છે. મંદિરની શિખરે લગાવેલો ધ્વજસ્તંભ ૨૭ ફૂટ ઉંચો છે, જે દિવસમાં ત્રણ વાર બદલાય છે. ઉપરાંત મંદિરના શિખરે સ્થિત કળશનું વજન દસ ટન છે! માનવામાં આવે છે, મંદિરમાં મુકેલ શિવલિંગ, પ્રસિદ્ધ સમ્યક મણી છે. જેને સુરક્ષિત રીતે છુપાવીને રાખવામાં આવ્યું છે, સોનું ઉત્પાદન કરવાની શક્તિ ધરાવતા આ મણીનું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની લીલાનો અંત કરી દેહત્યાગ કર્યો હતો. સોમનાથ મંદિરના સંદર્ભો શ્રીમદ ભગવદગીતા, સ્કંધપુરાણ, શિવ પુરાણ તેમજ ઋગ્વેદમાં નોંધવામાં આવ્યા છે, જે આ મંદિરને પવિત્ર યાત્રાધામ બનાવે છે.

દર્શન કરીને ગર્ભગૃહની બહાર નીકળ્યા એટલે સામે જ દેખાયો ખળભળતો વિશાળ સમુદ્ર! સમુદ્રના પત્થરો સુધી ખેંચાઈ આવતા ઊંચા મોજાઓની પડછાટ જોઈને આંખો ત્યાં જ થંભી ગઈ. તાજગીભરી વહેલી સવારે સોમનાથ મંદિરના પ્રાંગણમાં આ આખો નજારો જોતા કોઈક પ્રાચીન સમયમાં આવી ગયાનો અનુભવ થાય છે.

ભક્તિ અને આધ્યાત્મિકતાની દ્રષ્ટીએ શિરમોર સ્થાન ધરાવતા સોમનાથ મહાલયના દર્શને આવ્યાનો સંતોષ થયો. વેરાવળ-સોમનાથમાં અન્ય જોવાલાયક સ્થળો-મંદિરો પણ છે, પરંતુ અમે અહીંથી દીવ જવાનું વિચાર્યું. સોમનાથથી આશરે ૧૦૦ કિમીના અંતરે આવેલ ભૌગોલિક દષ્ટિએ ગુજરાતથી અડોઅડ છતાં ગુજરાતનો હિસ્સો નહીં એવું પોર્ટુગીઝના શહેર દીવ પહોંચવા માટે અમે બસની રાહ ન જોતા શેરીંગ ટેક્સી કરી.

સને ૧૫૩૫ માં પોર્ટુગીઝો દીવ અને દમણ આવેલા અને ૧૫૩૭માં તેને વસાહત તરીકે સ્થાપેલું. આઝાદી બાદ ભારતમાં કુલ ૯ શહેર જે રાજ્ય બનવાની ક્ષમતા ધરાવતા નહોતા તેઓને અલગ જીલ્લા તરીકે યુનિયન ટેરેટરીમાં સમાવિષ્ટ કરાયા. જેમાં દીવ-દમણ અને ગોઆ ૧૯૮૭ સુધી યુનિયન ટેરેટરીમાં સમાવિષ્ટ હતું, ત્યારબાદ ગોઆ અલગ રાજ્ય બન્યું અને ગુજરાતના અરેબીયન કિનારે વસેલા દીવ અને દમણ યુનિયન ટેરેટરીમાં સામેલ થયા. તાજેતરમાં જ દાદરા એન્ડ નગર હવેલી સાથે દીવ અને દમણનો એક જ યુનિયન ટેરેટરીમાં સમાવેશ થયો છે.

દીવ પહોંચીને અગાઉથી બુક કરેલી ગેસ્ટહાઉસ-કમ હોટેલમાં ફ્રેશ થઈને ઓટોમાં જ ફરવા નીકળ્યા. ગોવાની જેમ દીવમાં પણ તમે કાર-બાઈક-એકટીવા રૂ.૩૦૦-૪૦૦ ના વ્યાજબી દરે ભાડેથી લઈને ફરી શકો છો. રસ્તાઓ પર વાહન અને માણસોની સુસ્ત હલનચલન જોતા જણાયું વિકેન્ડ એટલે દીવવાસીઓ માટે જાણે આરામનો દિવસ!

દીવના સ્વચ્છ રસ્તાઓને નિહાળતાં સૌપ્રથમ દીવ ફોર્ટ પહોંચ્યા. પોર્ટુગીઝોએ ભારતમાં સુરત, દીવ, દમણ, કેરાલા સહીત અનેક શહેરમાં કિલ્લાઓ બાંધ્યા છે, પરંતુ દીવનો કિલ્લો વિશાળ અને ક્ષતિરહિત જણાયો. ૧૬ મી સદીમાં પોર્ટુગીઝોએ બનાવેલા આ કિલ્લાનો તેઓ યુદ્ધની કુનેહો માટે ઉપયોગ કરતા. ભવ્ય કિલ્લામાં મુકેલી તોપો જાણે હજુએ એ સમયની શક્તિ અને સાહસના પડઘા પાડે છે. દીવ ફોર્ટ પરથી અરબી સમુદ્રનો નજારો ૧૮૦ ડીગ્રીના એન્ગલથી જોવા મળે છે.

ફોર્ટ પરથી સામે દેખાતી સમુદ્રની વચ્ચે આવેલ સબ-જેલ હકીકતમાં પાનીકોટા કિલ્લો છે. સ્થાનિક લોકો તેને ફોર્ટીમ ડો માર તરીકે ઓળખાવે છે. સિમ્બરની ખાડીમાં નાના ટાપુ પર આવેલ આ કિલ્લાનો હવે  જેલ તરીકે ઉપયોગ થાય છે, જો કે હાલમાં આ જેલમાં કોઈ કેદી નથી. કિલ્લાની સામે લાઈટ હાઉસ આવેલું છે, જે રાતના સમયે રોશનીથી ઝગમગે ત્યારે કિલ્લા, સમુદ્ર અને લાઈટ હાઉસનો અદ્ભુત નજારો જોવા મળે છે.

દીવનું બીજું આકર્ષણ છે સેન્ટ પોલ ચર્ચ. ગોઆમાં આવેલ બાસ્લિકા ઓફ બોમ જિસસ ચર્ચ જેવું જ આર્કીટેક્ચર હોવા છતાં તેનું સફેદ રંગનું બાંધકામ સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ચર્ચના નિર્માણમાં દસ વર્ષ લાગ્યા હતા. તેની બાજુમાં જ સેન્ટ થોમસ ચર્ચ આવેલું છે, સુંદર બાગ અને ફાઉન્ટેનના રસ્તે પગથીયાઓ બનાવી ચર્ચનો પ્રવેશદ્વાર બનાવ્યો છે. ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલ આ ચર્ચને હવે મ્યુઝીયમમાં રૂપાંતર કરી નાખવામાં આવેલ છે. જેમાં પ્રાચીન શાસકો અને ખ્રિસ્તી સંતોની કોતરણી કરેલ મધ્યમ કદની મૂર્તિઓ, લાકડાના કોતરણી કામના નમુના અને પત્થરના શિલાલેખો મુકવામાં આવેલ છે. પરંતુ જો તમે ગોઆનું વિશાળ મ્યુઝીયમ જોયું હોય તો આ સ્થળને ‘સ્કીપ’ કરી શકાય!

રીક્ષા મળવાનું અશક્ય લાગતા ૨ કિમી ચાલીને જ જલંધર બીચ સનસેટ પોઈન્ટ પહોંચ્યા. કહેવાય છે કે અસુરોના રાજા જલંધરે અહીં અનેક દુશ્મનોનો વધ કર્યો હતો માટે આ દરિયાકિનારાને જલંધર નામ આપવામાં આવ્યું. ગુજરાતની નજીક જ હોવા છતાં, ગુજરાતના દરિયાઓની સરખામણીમાં દીવના દરિયા શાંત, સ્વચ્છ અને સારી રીતે જળવાયેલા છે. જલંધર બીચથી આગળ જઈએ એટલે આવે ચક્રતીર્થ બીચ અને આઈ.એન.એસ. કુફરી.

આઈ.એન.એસ. કુફરી એ વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકીસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું નાનું મેમોરીયલ છે. તો ચક્રતીર્થ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સરુના વૃક્ષોથી અદ્ભુત દીસતો ચક્રતીર્થ બીચ ખુબ સુંદર અને શાંત જણાયો. અહીં માતાપિતા સાથે રેતીનું ઘર બનાવતા નાના બાળકોના ચહેરા પરનો આનંદ નિહાળ્યો તો રસ્તાની ધારે મૂકેલી બેંચ પર બેસીને સામે ખળભળતો દરિયો નિહાળતા વૃદ્ધોના ચહેરા પરનો વિરામ સ્પર્શી ગયો. ચક્રતીર્થ બીચ પર સૂર્યાસ્ત નિહાળીને પરત હોટેલ જવા નીકળ્યા ત્યારે બપોરે સુસ્ત જણાતા રસ્તાઓ દેશી-વિદેશી સહેલાણીઓ, પાણીપુરીના સ્ટોલ અને બજારની રોશનીથી ઉભરાઈ રહ્યા હતા. ગુજરાતીઓ જ્યાં પાણીપુરી ખાઈ રહ્યા હતા, ત્યાં અમે પણ સ્વાદિષ્ટ અને ક્રીશ્પી પાણીપુરીનો સ્વાદ માણ્યો.

બીજા દિવસ માટે અમે એકટીવા ભાડે લીધી ને સીધા પહોંચ્યા નાઈડા ગુફા. નાઈડા ગુફા એ જમીનની સપાટીથી ઉપર નીચે બનેલા કત્થઈ પહાડોની કુદરતી ટનલ છે. સપાટી પરથી તે અદ્દલ ગુફા જેવા જ દેખાય છે. ગુફાની દીવાલો વચ્ચે ખાલી રહેતી નાનકડી જગ્યામાંથી આવતા સૂર્યના કિરણોથી ગુફામાં પ્રકાશનો અદ્ભુત નજારો બને છે. કુદરતની અદ્ભુત અજાયબી સમાન નાઈડા ગુફા જોવા માટે સવાર અથવા બપોરનો સમય શ્રેષ્ઠ છે.

ગુગલ મેપ પ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન છે, અજાણ્યા શહેરમાં ભરબપોરે સુમસાન રસ્તાઓ પર તમે અટવાઈ જાવ તો ગુગલ જ શરણે આવે! નાઈડા ગુફા જોઈને મેપની મદદથી પહોંચ્યા પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિર. કહેવાય છે કે પાંડવોએ પોતાના અજ્ઞાત વાસમાં અહીં આવીને મહાદેવની આરાધના કરી હતી. અહીં સમુદ્રદેવ શીવલિંગ પર જળાભિષેક કરતાં હોય એ રીતે સમુદ્રના મોજાઓ શિવલિંગ પર અફળાય છે. જે આ મંદિરને વિશેષ બનાવે છે.   

મહાદેવના દર્શન કરીને દીવના પ્રસિદ્ધ અને હંમેશ વ્યસ્ત પર્યટન સ્થળ એવા નાગવા બીચની મુલાકાત લીધી. દીવના દરેક દરિયા કિનારાઓમાં નાગવા બીચ અલગ તરી આવે છે. નાગવા બીચ પર અનેક સહેલાણીઓ વોટર એડવેન્ચર અને અન્ય એકટીવીટી માટે આવે છે. સમુદ્રની સામે જ બાર, રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છે જ્યાં પ્રવાસીઓ ન્હાઈને સી ફૂડ, નોન વેજ કે વેજ ફૂડ માણી શકે છે.

ઉપરના જોવાલાયક સ્થળો સિવાય દીવમાં વણકબારા, ગોમતીમાતા, અને ઘોઘલા બીચ પણ આકર્ષક છે. તો સી-શેલ મ્યુઝીયમ જ્યાં નૌકાદળના એક વેપારીએ છીપલાં અને શંખનો ૫૦ વર્ષથી કરેલ સંગ્રહ મુકવામાં આવેલ છે.

મિત્રો, દીવ દિવસે તમને શાંત જણાશે તો નાઈટ લાઈફ કોઈ ઉત્સવ સમાન લાગશે, જે દેશી અને વિદેશી પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. દીવમાં પુષ્કળ પ્રમાણમાં તાડ અને હોકાના વૃક્ષો છે જે દેશમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. ‘અગ્નિપથ’, ‘કાઈપો છે’ જેવી બોલીવીડ ફિલ્મો તેમજ ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’માં દર્શાવેલા સુંદર દ્રશ્યોનું શૂટિંગ દીવમાં જ કરવામાં આવ્યું હતું.

પોર્ટુગીઝ કોલોનીની છાપ અને અસર છોડતું દીવ આપણા ગુજરાતના મોટા અને જાણીતા સ્થળોથી નજીક હોવા છતાં ગુજરાતમાં એવી સ્વચ્છતા અને પ્રમાણિકતા નથી જોવા મળતી એ આપણી નબળાઈ છે. દીવનું સુઘડ, પ્રદુષણમુક્ત અને શાંત વાતાવરણ જોતા આ શહેર ભારતના શ્રેષ્ઠ સ્થળોમાં નામ નોંધાવે તો નવાઈ નહીં!

દીવમાં ફરવા માટે તમે પબ્લિક વાહનની આશા ન રાખી શકો, કારણ અહીં લોકલ બસની સુવિધા નથી તેમજ રીક્ષાનો વિકલ્પ પણ તમારું ખિસ્સું ખાલી કરી દે એ શક્ય છે, માટે તમારી પાસે પોતાનું લાયસન્સ અને આઈ.ડી.પ્રૂફ હોય તો વ્યાજબી દરે ટુ વ્હીલર ભાડે લઈ આરામથી મન ચાહે એટલા સ્થળોએ ફરી શકો છો.

સોમનાથ-દીવ ફરવા માટે ઉનાળાની કે દિવાળીની રજાની રાહ જોવાની કે લાંબા બજેટનો વિચાર કરવાની જરૂર નથી! તમારા વિકેન્ડની રજાઓ સોમનાથ-દીવને સમર્પિત કરશો તો આ પ્રવાસન સ્થળ તમને નિરાશ તો નહીં જ કરે એની ગેરંટી..!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “સોમનાથ – દીવની મુલાકાતે..! – મીરા જોશી

  • Anil Desai

    અત્યારે મારી ઉમ્મર 82 વર્ષ ની છે  .મારા  marketing  ના વ્યયસાય ને કારણે સોમનાથ  અને દીવ ની મુલાકાત  અનેક વખત કરી છે. આ મુલાકાતો 1970 થી 1990 દરમ્યાન હતી.   તે સમયે   તમે જે સુવિધાઓ જણાવી છે  તે હતી નહિ.  તમે કરેલ રજુઆત ખૂબ જ માહિતી પૂર્ણ છે. એક વખત હું ફરીથી સોમનાથ અને દીવમાં પ્રત્યક્ષ હાજર હોઉં એવો અનુભવ કરાવ્યો તે બદલ  તમારો આભાર  .આપ ની લેખન પ્રવૃત્તિ વિકસતી રહે એવા શુભશિષ  . અનિલ દેસાઈ   .  

    • Meera Joshi

      વાહ, આટલા સુંદર શહેર સાથે તમારો ખુબ જુનો નાતો છે એ જાણી આનંદ થયો. આપના શુભાશિષ માટે આભાર સહ પ્રણામ!

  • Anil Desai

    અત્યારે મારી ઉમ્મર 82 વર્ષ ની છે  .મારા  marketing  ના વ્યયસાય ને કારણે સોમનાથ અને દીવ ની મુલાકાત  અનેક વખત કરી છે. આ મુલાકાતો 1970 થી 1990 દરમ્યાન હતી. તે સમયે . તમે જે સુવિધાઓ જણાવી છે  તે હતી નહિ.  તમે કરેલ રજુઆત ખૂબ જ માહિતી પૂર્ણ છે. એક વખત હું ફરીથી સોમનથ અને દીવમાં પ્રત્યક્ષ હાજર હોઉં એવો અનુભવ કરાવ્યો તે બદલ  તમારો આભાર  .આપ ની લેખન પ્રવૃત્તિ વિકસતી રહે એવા શુભશિષ  . અનિલ દેસાઈ   .

  • Dipak ahir

    તમારી રજુઆત શૈલી ખુબ જ સરસ છે. આ વાંચ્યા પછી લગભગ ફરી લીધા હોય તેવી અનુભૂતિ થાય છે.

  • મનોજ શુક્લ

    સરસ પ્રવાસ વર્ણન – સોમનાથ નો ઈતિહાસ બહુ લાંબો અને ગહન અભ્યાસ માંગી લે તેવો વિષય છે, તેમજ તેનો જીર્ણોદ્ધાર અને પુનઃ: પ્રતિષ્ઠા સમયની ગતિવિધિઓ વિ. પણ ખૂબ રોચક છે.

    • Meera Joshi

      સાચું કહ્યું, સોમનાથનો ઈતિહાસ વર્ણવવા એક આખું પુસ્તક લખાઈ શકે! આભાર.