પુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ 4


(‘સર્જન’માં અમે આ વિક્રમ સંવતનો છેલ્લો ટાસ્ક કરેલો મિત્રોને ગમતી નવલકથા કે ટૂંકી વાર્તાના કોઈ પણ એક પાત્ર સાથે એના લેખકનો સંવાદ આલેખવાનો. હેતુ હતો કે દરેક પાત્ર પાસે એના લેખકને કહેવા માટે કંઈક હોય છે, અને લેખક પાસે એ પાત્રના નિરુપણને યથાર્થ ઠેરવવાનાં પૂરતા કારણો પણ હોય જ! આ જ પ્રક્રિયામાં ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ના સારમેય સાથે સર્જક ધ્રુવ ભટ્ટની કાલ્પનિક વાત ભારતીબેન ગોહિલે આલેખી છે. આશા છે આ પ્રયોગ વાચકમિત્રોને માણવો ગમશે.)

“તું મને કંઈ કહેવા માગે છે સારમેય?”

“હા દાદા, મારે કહેવું છે. હજુ હમણાં જ મારો મોટોભાઈ મને બોલીને ગયો કે ભાઈ, તારી દશા હું જોઈ નથી શકતો. ક્યાં મારો રુંછાદાર અને ચૈતન્યથી ઉભરાતો સારમેય અને ક્યાં આજે તારી આ અવદશા!”

“તો એ સાંભળીને પછી તેં..”

“મેં તો કહી જ દીધું, ‘તું આટલો દુઃખી ન થા. તું જે વર્ણવે છે તે મારા દેહની અવસ્થાઓથી વિશેષ કશું નથી. હું જેવો હતો તેવો જ છું.’ પણ ધ્રુવદાદા…”

“કાંઈ મુંઝવતો પ્રશ્ન છે સારમેય?”

“મુંઝવતો પ્રશ્ન છે પણ ખરો અને નથી પણ…”

“પ્રશ્ન ન હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી કહી શકે છે સારમેય!”

“દાદા! આજે જિંદગીની આખરી અવસ્થામાં મારો સમગ્ર અતીત જાણે આંખ સામેથી પસાર થઈ રહ્યો છે. હું જોઈ શકું છું… અનુભવી શકું છું.. અરે કહી પણ શકું છું કે મારો અતીત એક ખળખળ વહેતા ઝરણાની જેમ ચોખ્ખો અને સ્વયંસ્પષ્ટ છે. પરંતુ…”

“પરંતુ શું સારમેય?”

“દાદા, એ અતીત માંહેનો એક નાનકડો હિસ્સો મને થોડો ધૂંધળો લાગી રહ્યો છે.”

“તારા અતીતનો એક હિસ્સો અને તે ધૂંધળો? કંઇક દિશાસૂચન કરીશ તો ગમશે મને.”

“તમે જાણો છો. કૂતરા હડકાયા થઈ ફરતા એટલે પટ્ટા વગરના બધા કૂતરાઓને પકડવાની ઝુંબેશ ચાલતી હતી.. મેં પટ્ટો પહેર્યો ન હતો. ને અચાનક મણકા પર પ્રહાર કરી મને પકડી વાડામાં પૂરી દેવામાં આવેલો. ત્યારબાદ અકારણ પડતી રહેલી લાઠીઓના મારથી મણકાની પીડા તો બાપ.. રે.. બાપ “

“ઓહ! સારમેય! મણકાની એ તારી ભયાનક પીડા, મારા માટે તો એ દુ:ખતી નસ સમાન છે.”

“હું સમજ્યો નહીં! મારી ભયાનક પીડા એ તમારી દુખતી નસ સમાન કઈ રીતે હોઈ શકે?”

“સાંભળ સારમેય. યુદ્ધો જીતવા સહેલાં છે, પણ જાતને જીતવી એટલી જ મુશ્કેલ! પણ તું થોડો વિશિષ્ટ છો. ને જન્મથી જ જાતને જીતીને આવ્યો હોય તેમ તારી ચેતના સતત વિકસતી જ ગઈ, વિકસતી જ ગઈ. અને ‘તેમ કરવું મને જરૂરી લાગતું નથી’ એ વાત સાથે તને જે આત્મિક ઊંચાઈ પ્રાપ્ત થઈ એમાં તો…”

“એમાં શું થયું દાદા?”

“ખરું કહું તો એમાં જ બધું થયું. થવાનું તો થયું પણ ન થવાનું પણ થઈ ગયું.”

“મને કંઈ સમજાયું નહીં.”

“તને ન સમજાય એમાં તારો દોષ છે એમ નહીં કહું . પરંતુ તે સમયે મને પહેલી વખત મારું જ સર્જન મારા પર હાવી થતું જણાયું… ને બહુ ઓછા સમય માટે પણ મારામાં અહમ્ અને અલ્પતાના ભાવ આવી ગયા!”

“તમે રહ્યા સર્જક! તમે તો એક નાનકડાં સામાન્ય વિચારબીજમાંથી કંઈ કેટલાયે પાત્રોનું સર્જન કરી શકો.. જલ ત્યાં સ્થલ – સ્થલ ત્યાં જલ સર્જી શકો. અરે! જન્મ-મરણ, પ્રગતિ – પતન અને જય – પરાજય બધું જ જાણે તમારા ડાબા હાથના ખેલ! માત્ર એક પાત્રની આત્મિક ઊંચાઈથી આપ જેવા સમર્થ સર્જકમાં અહમ્ અને અલ્પતાના ભાવ ભલે થોડા સમય માટે પણ આવે તે વાત હું સ્વીકારી શકતો નથી.”

“પણ સારમેય વાસ્તવિકતા જલ્દી સ્વીકારાય એ જ સૌના હિતમાં હોય છે!”

“સાચું કહું તો આજે આપના ચહેરા પરનું હાસ્ય મને અકળ અને રહસ્યસભર જણાઈ રહ્યું છે. લાગે છે એ કંઇક અલગ ઈશારો કરી રહ્યું છે. હું બરાબર સમજ્યો છું?”

“તેં હમણાં જ મને કહ્યું ને કે જિંદગીની આખરી અવસ્થામાં મારો સમગ્ર અતીત જાણે આંખ સામેથી પસાર થઈ રહ્યો છે. તારો એ અતીત અને હાલનો વર્તમાન જ્યાં તું અટક્યો છે. બરાબર ત્યાંથી તારું ભાવિજીવન મને તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.”

“તો તો નક્કી આપના અહમ્ અને અલ્પતાના ભાવ પાછળ મારા ભાવિ અંગેનું આપનું જ્ઞાન જ જવાબદાર હશે! સાચે જ – ज्ञान एव बंधनम |

“ખરી વાત કરી તેં. આમ પણ ઊર્ધ્વમુખ થવું તને કદી ફાવ્યું નથી. હંમેશા ચાર પગે ભૂમિને સમાંતર જ ચાલ્યો છો… કેમ કે તું જ કહેતો ‘પૃથ્વીથી થોડે ઊંચે જતાં જ ઊર્ધ્વ કે અધઃ જેવું કશું હોતું નથી. બધું સામે જ રહે છે.’ ખરું ને?”

“હા..હું એ વાતને આજેપણ વળગી રહ્યો છું.”

“પ્રકૃતિના દરેક તત્ત્વોમાં પરમ ચૈતન્ય અનુભવતો સાધક, વગર ગુરુએ સ્વવિકાસ કરતો આત્મજ્ઞાની અને સમાજમાં પ્રેમનો સંદેશ ફેલાવનાર તારા સરીખો જવલ્લે જ કોઈ હોય છે…ને એટલે જ તું મોક્ષનો અધિકારી છો. મારી દૃષ્ટિમાં એ આવી ગયું હતું. કેમ કે તું ના તો સ્વર્ગમાં દેખાતો હતો કે ના નર્કમાં! હકીકતમાં તું ક્યાંય ન હતો!”

“અરે! અટકો દાદા…. પૃથ્વીલોકથી શરૂ થયેલ વાત તમે તો ક્યાંથી ક્યાં પહોંચાડી? મને તો એ જાણવામાં રસ છે કે મારો ધૂંધળો સમય ને તમારી અહમ્ અને અલ્પતાની વાત વચ્ચે કોઈ કડીરૂપ વાત હોય તો તે કઈ છે?”

“સારમેય, બરાબર ધ્યાન દઈને સાંભળ. તારો ધૂંધળો સમય એ મારો પશ્ચાતાપનો સમય હતો ને એટલે જ તારા સ્થાને મેં મારી જાત જોડી દીધેલી. મને યાદ છે પેલા અલર્ક સાથે વાત કરવા બદલ પીઠ પર લાઠીનો માર પડેલો… ત્યારથી પીઠની આ પીડા…”

“ઓહ! એ મારી પીડા તમે ભોગવી? દાદા… તમારા સર્જેલા પાત્ર પ્રત્યે તમને આટલો પ્રેમ? આટલી કરુણા! સાચે જ સૃષ્ટિમાં કોઈ મહાન ચીજ હોય તો એ પ્રેમ છે! નિ:સ્વાર્થ પ્રેમ!”

“તેવું હોઈ પણ શકે!”

“તેવું હોઈ જ શકે. દાદા, લ્યો આ પેન.
મારે મોક્ષ નથી જોઈતો.
પુનર્જન્મ જોઈએ.
પુનર્જન્મ જોઈએ.
પુનર્જન્મ જોઈએ!
એ પણ તમારા જ સર્જનમાં. મળશે મને?”

(‘અતરાપી’ ના આધારે, ધ્રુવદાદાની ક્ષમાયાચના સહ.. )

– ભારતીબેન ગોહિલ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ

  • શરદ કાપડિયા

    સુંદર.
    મને લાગે છે કે જ્યારે લેખક પાત્રને ઘડે છે ત્યારે પાત્ર પણ લેખકને ઘડે છે. ક્યારેક એ લેખક પર હાવી થઈ જાય છે. બધું આપોઆપ લખાતું જાય.

  • ગોપાલ ખેતાણી

    સારમેયની ધ્રુવદાદા સાથેના સંવાદની કલ્પના માત્ર એક અલગ રોમાંચ આપે. તમારા શબ્દોમાં તમે જે ગુંથણી કરી એ વાચકને આનંદ આપનાર છે. ખૂબ જ સરસ ભારતીબેન. અનેક શુભેચ્છાઓ.