કાળો કોશી : એટલે બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો – મયુરિકા લેઉવા બેંકર 38


કોઈ તમને પૂછે કે નખથી લઈને માથા સુધી કાળું હોય એવું પંખી કયું? તો તમે તરત જવાબ આપશોઃ કાગડો. પણ મિત્રો, સંપૂર્ણપણે કાળું હોય એવું પંખી માત્ર કાગડો નથી. એવું એક બીજું વ્યાપક પંખી પણ છે. જેનું નામ છે કાળો કોશી. કાળો કોશીને કાળિયોકોશી પણ કહે છે. અંગ્રેજીમાં તેને Black Drongo કહે છે. તો આ Black Drongo મારું અતિપ્રિય પક્ષી છે.

કાળો કોશીના ઘણા પ્રકાર છે, જે પૈકી ગુજરાતમાં સામાન્યપણે બે પ્રકાર જોવા મળે છે.
૧. કાળો કોશી
૨ સફેદ પેટાળ કોશી.
આ સિવાય દક્ષિણ ગુજરાતના ગીચ જંગલોમાં Racket Tailed Drongo પણ જોવા મળે છે જેને ગુજરાતીમાં ભીમરાજ કહે છે

કાળો કોશી કદમાં બુલબુલ જેવડું નાનું પંખી છે પણ તેને વધારામાં કાતર જેવી લાંબી પાંખેદાર પૂંછડી હોય છે. જે કાળોકોશીને આગવી ઓળખ આપે છે. કામણગારો કૃષ્ણ કાળો હોવા છતાં વ્હાલુડો લાગે છે બિલકુલ એમ જ કાળોકોશી નખશિખ કાળો હોવા છતાં ખૂબ રૂપાળું અને નમણું પંખી છે. પણ એના નાના કદ અને નમણાશ વિષે જાણી એવી ભૂલ ન કરી બેસવી કે એ નાજુક કે ગભરું હશે. એ ખૂબ જ બહાદુર યોદ્ધો છે. એના માળા નજીક કાગડો કે શકરો જેવા શિકારી પક્ષીઓને એ ફરકવા નથી દેતો. કાગડો નફ્ફટ થઈને ખસે નહીં તો નર અને માદા સામસામેથી એની ઉપર એવો હલ્લો બોલાવે છે કે એને ભાગ્યે જ છૂટકો. આ સિવાય શકરા જેવા લડાકુ શિકારી પક્ષીઓનો પણ એ ડર્યા વિના સામનો કરે છે. શકરા, બાજ સાથેની લડાઈમાં ઘણી વાર એ ઘાયલ થાય ત્યારે એની પાંખેદાર પૂંછડી તૂટીને બટકી જાય છે.

કાળો કોશી : બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો - મયુરિકા લેઉવા બેંકર
Click on the image to view in full size

મેં એવા ઘણાં કાળો કોશી જોયા છે જેની પૂંછડી તૂટેલી હોય કે પછી બે પાંખો પૈકી એક જ પાંખ સાબૂત હોય. જ્યારે જ્યારે આવો કાળો કોશી જોઉં ત્યારે ત્યારે યુદ્ધમાં ઘવાયેલા વીર યોદ્ધાઓની યાદ આવ્યા વિના રહેતી નથી. આ જ કારણ છે કે સક્કરખોરા, બબુના, પીળક જેવા નાના પંખીઓ કાળો કોશીના માળા નીચે પોતાનો માળો બનાવે છે. આમ, એ માત્ર બહાદુર જ નથી, અન્ય નાના પંખીડાંનું રક્ષણ કરી સહ્રદયી અને પરોપકારી સ્વભાવનાં દર્શન પણ કરાવે છે.

કાળો કોશીની બીજી લાક્ષણિકતા એ છે કે એ અન્ય પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની બખૂબી નકલ કરી જાણે છે. પોતાના વિસ્તારમાં કોઈ શિકારી કે અજાણ્યું પક્ષી આવે તો અવાજ કરીને સૌને જાણ કરે છે જેથી અન્ય પક્ષીઓ સાવધાન થઈ જાય છે. આ ગુણને કારણે કાળોકોશીને જમાદાર કે પહેરેગીર પણ કહે છે. મને યાદ છે એક વખત મારા એક પક્ષીપ્રેમી મિત્ર સાથે ઘાયલ થયેલી સમડીને સારવાર કર્યા બાદ ઉડાન માટે છોડવા ગયાં ત્યારે આસપાસમાં મ્યાઉં મ્યાઉં અવાજ આવવા લાગ્યો. આજુબાજુમાં બિલાડી શોધતી અમારી આંખોને બિલાડી તો ન દેખાઈ પણ સામેના ઝાડ પર કાળો કોશીને બોલતો જોઈને અમે સાનંદ હેરત પામી ગયાં. પછી ખ્યાલ આવ્યો કે સમડીને ડરાવીને ભગાડી મૂકવાના ઈરાદાથી ડ્રોંગોભાઈએ આ ચબરાકી અપનાવી. મેં તો મનોમન એને શાબાશી પણ આપી દીધી. વાહ મિમિક્રી આર્ટિસ્ટ વાહ! શું તારી કલાકારી!

કાળો કોશી : બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો - મયુરિકા લેઉવા બેંકર
Click on the image to view in full size

કાળો કોશી મુખ્યત્વે કીટકભક્ષી છે. તેની ઉડાન જોવાલાયક છે. ઝાડની ડાળ પર બેઠેલો કાળો કોશી ચારે તરફ ધ્યાન ધરીને બેઠો હોય છે અને જેવું કોઈ જીવડું ઉડતું દેખાય કે ઉડીને ચાંચમાં ઝડપી લે છે. ખોરાક રળવા ઉડેલો આ ખેલંદો ભાગ્યે જ ખાલી હાથે એટલે કે ખાલી ચાંચે પાછો આવે છે. એની ઉડાન આગવી શૈલીની, સ્ફૂર્તિથી ભરેલી હોય છે. ખોરાક માટે ઉલટસૂલટ એવી ડાઇવ મારે જાણે કુશળ તરવૈયો. એના કરતબો જોતાં આપણે ધરાઈએ જ નહીં.

આવો કાળો કોશી એટલે બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો. નર અને માદા દેખાવમાં સરખાં હોય છે.

મારા પક્ષીનિરીક્ષણના શોખની શરૂઆત આ સર્વગુણસંપન્ન પંખીડાંથી થઈ હોવાથી કાળો કોશી મારા માટે ખાસ છે.

– મયુરિકા લેઉવા બેંકર


આપનો પ્રતિભાવ આપો....

38 thoughts on “કાળો કોશી : એટલે બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો – મયુરિકા લેઉવા બેંકર

  • પ્રકાશચંદ્ર સોલંકી

    સરસ માહિતી સભર લેખ. સુંદર આલેખન બદલ અભિનંદન અને આપણી અત્યંત નજીકના આ પક્ષીનો પરિચય અક્ષરનાદના માધ્યમથી શેર કરવા બદલ આભાર, મયુરિકાબેન. મને પણ પક્ષી નિરીક્ષણનો અને તે વિષયક સાહિત્યના વાંચન-લેખનમાં રુચિ છે. આ કાળા કોશી વિશે મેં પણ એક લેખ લખેલો. જે લોકનિકેતન સામયિક(માસિક)માં અને રીડગુજરાતી વેબસાઈટ પર પોસ્ટ થયેલો છે. આપ અને વાંચકો ઈચ્છો તો નીચેની લિંક દ્વારા મારો એ લેખ વાંચી શકો છો.
    http://www.readgujarati.com/2012/02/24/pankijagat-police/

    • Mayurika Leuva

      જી. ખૂબ આભાર પ્રકાશભાઈ. સમરસ મિત્રને મળીને આનન્દ થયો. આપનો લેખ પણ જરૂર વાંચીશ.

  • શરદ કાપડિયા

    કાળા કોશીની ખૂબ જ સુંદર માહિતી. આભાર.
    પોપટની જેમ એને પાળી શકાય?

    • Mayurika Leuva

      પાળતું પક્ષી નથી. વગડાનો જીવ છે.
      મારા મતે તો પોપટને પણ શું કામ પાળવો જોઈએ?

  • Nita Patel

    ખૂબ સરસ મહીતીસભર લેખ…સાંપ્રત સમયમાં વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યાં છે..નવી પેઢી આપવા માટે માહિતીનો અભાવ વર્તાય છે…

    • Mayurika Leuva

      આભાર. સાચી વાત. પ્રકૃતિની નજીક જવા માટે ધરમાં, શાળામાં જ બાળકોને યોગ્ય વાતાવરણ મળે તો આવનારી પેઢી પ્રકૃતિભિમુખ થશે એમાં કોઈ શંકા નથી.

  • ગોપાલ ખેતાણી

    વાહ મયુરીકાબેન, તમારો પક્ષી પ્રેમ તમને એક સરસ રસપ્રદ લેખ તરફ દોરી ગયો તે જાણીને આનંદ થયો. અમને સૌને આ જાણ્કારી ખૂબ જ ગમી. હજુ પણ પક્ષીઓ વીશે આવા અવનવા લેખ આપતા રહેશો તો આનંદ થશે.

    • Mayurika Leuva

      આપને કાળો કોશીનો લેખ ગમ્યો એ બદલ આનંદ ગોપાલભાઈ. આપણી આસપાસ વિહરતાં બીજા આવા પંખીઓ વિષે જાણકારી આપતા લેખ જરૂર આપીશ. આભાર .

  • પરભુભાઈ મિસ્ત્રી

    આ કાળાકોશીને અમે લોકબોલીમાં ઢેચાડિયો કહેતા હતા! આપે બહુ યોગ્ય જ વાત કરી કે એને બીજાને વાત કરી દેવાની ટેવ છે. એટલે કે એ ચુગલીખોર છે. એ સારી મિમિક્રી કરી જાણે છે. ગામડામાં પહેલાં શૌચાલયો નહોતા. ખેતર કિંયાડામાં સંકોચપૂર્વક હાજતે બેઠેલી વ્યક્તિને જોઈને એ આબેહૂબ એવી સીટી વગાડે કે જાણે કોઈ માણસ આપણને જોઈ ગયું હોય અને સીટી વગાડતું હોય

    • Mayurika Leuva

      હા હા હા.. એને ચુગલીખોર કહેવા કરતાં સાવધાની રાખવાના ગુણને જોઈને જમાદાર કે પહેરેગીર કહેવું વધુ યોગ્ય જણાય છે. આપ કાળો કોશી સાથે આવો આગવો અનુભવ ધરાવો છો એ જાણીને આનંદ થયો. આભાર.

  • Kalpana Raghu

    ખૂબ જ સરસ! આ વાંચીને ઘડીભર વિચાર આવી જાય કે સમાજમાં કાળા કોષી જેવા માણસો હોય તો કેવું સારું!!!

    • anil1082003

      shri. suresh bhai. excellent vidio collection from youtube. thanks for link. reality & live & enjoyment for birds lover. thank you sureshbhai.

  • સુરેશ

    બહુ જ સરસ લેખ. ગુજરાતીમાં આવા લેખોની કમી છે. એ થોડી પૂરાઈ. પણ આવા લેખો સાથે તંત્રી સરસ મજાના વિડિયો ઉમેરી એને આધુનિક, ઉપયોગી અને આકર્ષક નિખાર આપી શકે. આ વિડિયો એ ખોટ પૂરી કરશે
    https://www.youtube.com/watch?v=LQBjJThmpzw

    • Mayurika Leuva

      આભાર.
      આપણી આસપાસ વિહરતાં પ્રકૃતિના લાડકવાયાં પંખીઓ વિષે જાણકારી આપતા લેખોની ગુજરાતીમાં કમી છે. જો કે અક્ષરનાદ પર વાચકોના આ ક્ષુધા સંતોષાય એ દિશામાં પ્રયત્નશીલ છીએ.

    • Mayurika Leuva

      કદાચ શરીરના એકેએક કોષથી કાળો છે એટલે. આવો તર્ક લગાડી શકાય.

  • GAUTAM.PATEL

    Very informetive !! I saw this Kaliyo Koshi meny times but this is amezing ! Thanks Mayurika ben ! Hatts Off to your Informetion..
    Gautam.Patel

  • Pravin Shah

    વાહ, કાળા કોશી ના કરતબૉ જાણી આનંદ થયો. બધી રીતે લેખ સુંદર થયો છે. અભિનંદન…

  • sandip pakvasa

    I agree….Usually, other small birds will nest in the same tree as the kalo koshi for protection…I hav witnessed this often when I lived in Bhavnagar and there many birds in our neighbourhood….

  • mydiary311071

    આપે ખુબજ સરળ શબ્દો અને રસાળ શૈલીમાં પક્ષીની ખાસિયત વરણવી અમારા જેવા વાચકોને માહિતગાર કર્યા અને તેમાં પલાળયા પણ. ખૂબ ખૂબ અભિનંદન

  • Vijaykumar

    ખૂબ સરસ લેખ મજાની વાત એ છે કે હળવી શૈલી માં લખાયો છે.આભાર કાળિઓ કોશી જોવા ની દ્રષ્ટિ બદલાઈ ગઈ..

    • Neetin Vyas

      કાળીયાકોશી ને પંખીઓ નો પટેલ કહીએ, જાંબુડાના કે વડલા ના ઝાડની ટોચની ડાળી પર માળો બાંધે. બીજા ગભરુ પંખી એ ઝાડ મા થોડા નીચે પોતાનો માળો બાંધે. ભાવનગર ના કુમાર શ્રી ધર્મકુમારસીંહજી નું પુસ્તક The Birds Of Saurashtra જો ક્યાંય થી મળે તો વાંચવા જેવું છે. તેમાં કલાગુરુ શ્રી સોમાભાઈ શાહ ના દોરેલા વોટર કલરમાં આવા પંખી ઓ ના બેનમૂન ચિત્રો છે. ઓરીજીનલ ચિત્રો નીલમ બાગ પેલેસ ની દિવસ ઉપર હજી પણ લટકે છે. લેખિકાનો બહેન ને આવા સરસ વિષય પર લખવા બદલ અભિનંદન.

      • Mayurika Leuva

        સરસ જાણકારી વહેંચી. લેખ ગમ્યો એ બદલ આભાર.